મારે માથે છાલ

0
303
મારે માથે છાલ

માયા કોઇ રીતે જીવથી જુદી પડતી નથી. પરંતુ  જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે અને સંતના વચનને વિષે એ જીવને પરમ વિશ્વાસ આવે કે ‘આ સંત જે કાંઈ કહેશે તે મારા પરમ સુખ સારુ કહેશે. આ જગતમાં સંત વિના મારા વિકાસ માટે કોઈ સાચું કહેશે નહિ, મારો ખરો વિકાસ સંતના સહકારથી અને તેમના અંતરંગ સમાગમથી જ થશે, ’આવો દૃઢ વિશ્વાસ પોતાના ગુરુ જે સંત તેને વિષે થાય ત્યારે તેને યોગે  કરીને પરમેશ્વરનું સ્વરૂપ સમ્પૂર્ણ ઓળખ્યામાં આવે છે અને ત્યારે માથેની અજ્ઞાનરૂપી છાલ આપો આપ ઉતેડાઈ જાય છે.

કેળાની છાલ જયાં સુધી ઊતારવવામાં આવે નહિ ત્યાં સુધી તે આરોગી શકાય નહિ. તેવી રીતે જ્યાં સુધી પોતા ઉપર રહેલી માયાની છાલ ઉતેડવામાં આવશે નહિ ત્યાં સુધી આ જીવ કોઈને માટે યોગ્ય બની શકશે નહિ. આ માયાની  છાલ  સંત કૃપા કરી જીવ ઉપરથી ઊતારશે નહિ ત્યાં સુધી જીવ કોઈ શુદ્ધ પારસમણી જેવો  થઈ શકશે નહિ. ભગવાનના ઉપયોગ માટે એ જીવ બરાબરનો કામમાં આવી શકશે નહીં.

                સંતના સૂચનાનુસાર કોઈ સેવક પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે અને તે પરમેશ્વરના વચનો કે જે શાસ્ત્રોમાં કહ્યાં છે તેને હૃદયમાં ધારે તો તેણે કરીને એ જીવ ઉપરની કારણ શરીરરૂપ ચઢેલી છાલ  દૂર થાય છે.

પોતાના ગુરુ જે રીતે પરમાત્માને પામવાનો અકસીર ઉપાય બતાવે અને જે રીતે તે સંત, જીવ ઉપર રહેલી છાલ ઉતેડી નાખે અથવા તો  બાળીને ખોખાં જેવી કરી દે, એમ, જેમ તેને યોગ્ય લાગે તેમ કરી પોતાના સેવકને શુદ્ધ કરે  ત્યારે તેને શુદ્ધ આત્માનું દર્શન થાય છે અને ભગવાનનું પણ દર્શન થાય છે.પંરતુ સદ્‌ગુરુનું અનુશરણ કરવામાં આવે નહિ તો આત્માની મેલી ચાદર કદી પણ ધોવાય નહિ. આત્માની મેલી ચાદરને દૂર કરવામાં તો એક સદ્‌ગુરુ જ મહત્વનો ફાળો અદા કરી શકે છે.

જેમ આંબલીનું બીજ હોય છે તે બીજ ઉપરની છાલ હોય છે. તે છાલ બીજ સાથે અતિ દૃઢ ચોટેલી હોય છે. પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાઝીને ખોખાં જેવી થઇ જાય છે, પછી હાથમાં લઇને ચોળે તો તરત જૂદી થઇ જાય છે. તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનના વચનનું ભાવપૂર્વકનું અનુસંધાન, સંતનું સદા સાન્નિધ્ય અને તેના  ઉપદેશનું સદા અનુશીલન રાખવામાં આવે ત્યારે તેમના વચનોથી જીવાત્માની કારણ શરીરરૂપ છાલ શેકાઇને આંબલીનાં ફોતરાની પેઠે જૂદી થઇ જાય છે અને શુદ્ધ આત્માનુભવનો બ્રહ્માનંદ સહજમાં મળે છે.

                ભગવાન સ્વામિનારાયણ આ  જીવાત્માની છાલ વિષે પોતાના અમૃતશબ્દોમાં બહુ જ પ્રકાશ પાડે છે, તે વચનામૃતમાં સર્વે વૈષ્ણવોને માટે અવશ્ય ચિંતનીય છે.

જયાં સુધી કોઈ પદાર્થની છાલ ઊતારવામાં આવે નહિ ત્યાં સુધી તે પદાર્થનો ખરો અનોખો સ્વાદ આવે નહિ. એટલે અજ્ઞાનરૂપી છાલ ઊતારવી એ અતિ આવશ્યક છે. એ છાલ ઊતારવા કે એ છાલને તાપ આપવા સંતના વચનરૂપી અને સંતના અનુગમનરૂપી અગ્નિનું અવશ્ય સેવન કરવું જાઈશે. એ અગ્નિનો અનુભવ ઓખો જરૂર લાગશે પણ સુખ એજ આપશે.