દારૂથી અલિપ્ત એક મજુર!

0
382
દારૂથી અલિપ્ત એક મજુર!

આ પ્રસંગ બંગાળનો છે પણ આપણા બધાના કામનો છે. શંભુ ભાઈ નામના એક ગરીબ સદગૃહસ્થી હતા. કડીયાનું કામ કરે અને રોજીરોટી મેળવી પરિવારનું ગુજરાન ચલાવે. ભારે મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવું ઘણું અઘરું હોય છે પણ ગરીબ હોય તો તે બિચારો ક્યાં જાય! પરિવારમાં પાંચ સાત સભ્યો હોય અને જો કમાવનારો એક જ હોય તો કઠીનાઈ ઘણી પડે છે. શંભુ ઉપર વડીલોના સંસ્કારો ઉતર્યા હતા. વડીલ માતા પિતાએ સમૃદ્ધિ નહોતી આપી પણ સંસ્કારની સમૃદ્ધિ લગભગ બધી જ આપી હતી. તેથી જ તો ન હતું એમનામાં કાંઈ બીડી તમાકુનું વ્યસન કે ન હતી એમની દારૂ પીવાની લત્ત.

બંગાળમાં તો આમેય દારૂ પીવાની બંધી નથી. જેને જેટલો જોઈએ તેને તેટલો દારૂ જગ્યા જગ્યા પર મળી શકે છે. શાસન તરફથી કે પેઢી તરફથી કોઈ જાતના દારૂ ઉપર કે તમાકુ ઉપર પ્રતિબંધ નથી.

શંભુ પોતાની પત્ની સંગાથે વહેલી સવારે કામે લાગી જાય અને મોડી સાંજે કામથી છૂટે. કોઈ ગામની કે શહેરની ખોટી પંચાત કરે નહી અને સમય વિના સાંભળે પણ નહી.

શંભુનો એક વિશેષ પ્રકૃતિ કે કદી ક્યાંય કોઈને વધારે ઘટાડે કહે નહી અને પોતાના પરિવારના સભ્યો સિવાય કોઈને કદી ભલામણ કરે નહી. એક દિવસ કોઈ કારણથી બોલાઈ ગયું અને મોટી હસ્તીમાં પરિવર્તન આવી ગયું.

એક શ્રીમંત સ્વરૂપચંદ બંદોપાધ્યાય નામે મોટા ધનપતિ હતા. એક દિવસ તેમનો મેળાપ એક સામાન્ય કડિયાની સાથે થયો. તે શંભુના કામ ઉપર આવ્યા. શ્રીમંત સ્વરૂપચંદ બંદોપાધ્યાય આવી શંભુને કહ્યું

‘ શંભુ ! આપણા ઘરની દીવાલ ખડભડી ગઈ છે અને વહેલી તકે રીપેર કરવાની છે. બોલ, ક્યારે થશે?’

કડિયા એ કહ્યું કે સાહેબ! ત્રણ દિવસ તો કાંઈ નહી થાય કારણ કે મેં એક વેપારીને ત્યાં જવાનું કહી દીધું છે અને એમનું કામ ત્રણ દિવસ ચાલે એમ છે. ચોથે દિવસે તમારે ત્યાં આવી શકું.           

        ચોથે દિવસે તું આવે એની કોઈ ખાતરી ખરી? શેઠે પૂછ્યું. સાહેબ હું કોઈ દારૂડિયો નથી કે બોલીને પછી ફરી જાઉં અને કોઈને કહેલું વચન પાડું નહી. દારૂડિયા હોય એ જ વાતની વાતમાં ખોટું બોલે અને કહેલા વચનોને ત્યાગે. હું કોઈ દારૂડિયો નથી.

        શ્રીમંત સ્વરૂપચંદ બંદોપાધ્યાય પોતે ધનવાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં દારૂના વ્યસનમાં સપડાઈ ગયા હતા. તેને વ્યસનથી છોડવા ઘણા સારા સારા લોકોએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનું કાંઈ પરિણામ દેખાયું નહી. કેટલાક સંતો અને સાધકોએ પોતાનો પ્રયત્ન અજમાવી જોયો હતો છતાં તેના જીવનમાં દારૂની લત રંચ જેટલી છૂટી ન હોતી.

 બંદોપાધ્યાય શંભુને પૂછવા લાગ્યા ‘શું દારૂડિયા કહેલા વચન ઉપર રહેતા નથી? સાહેબ તમે તો મોટા માણસ છો. દારૂડિયા ઉપર તો મારા જેવો કોઈ સામાન્ય માણસ વિશ્વાસ ન કરે. દારૂડિયા ઉપર તો તેની પત્નીને રંચ જેટલો વિશ્વાસ હોતો નથી. અરે! એક ભટકતા ભિખારીને પણ દારૂડિયા ઉપર વિશ્વાસ ન આવે. તો સાહેબ! તમો જ કહો કે તેના ઉપર કોને વિશ્વાસ આવે?

શ્રીમંત સ્વરૂપચંદ બંદોપાધ્યાયને એક કઠોર મજુરી કરીને રોટલો રડતો ગરીબ માણસના રૂપે કોઈ ગુરુ મળી ગયો હોય તેમ કામની વાત ભૂલી ફરી તેને એની એ વાત જ પૂછવા લાગ્યા કે શંભુ! તે કદી કોઈ દારૂડીયાને ખોટું બોલતા જોયો છે. અરે! સાહેબ ગરીબની મશ્કરી કાં કરો. દારૂડિયો કોઈ દી સાચું બોલ્યો છે. અરે! પોતાના બાપની આગળ દારૂડિયો હાચુ ન બોલે તો પછી બીજાની વાત ક્યાં કરવી.

શંભુ! હું દારૂ પીતો હોઉં તો? શંભુએ કહ્યું , સાહેબ! તમો તો શેઠ કહેવાઓ. તમને મારાથી કાંઈ ન કહેવાય પણ જો તમે દારૂ પીતા હો તો મને તમારા ઉપર વિશ્વાસ ઓછો તો જરૂર થઈ જાય. કામ કરાવ્યા પછી તમે કહેલી મજુરી આપશો કે કેમ, એ નિશ્ચય ન કરી શકાય.

શેઠે ફરી કહ્યું કે જો એમ જ હોય તો શંભુ ! તારી વાત સાંભળી હું આજ મક્કમ નિરધાર કરું છું કે હવે પછી કદી પણ દારૂ મારા મોઢે નહી અડાડું.

સાહેબ! તમે દારૂ પીઓ છો? શેઠે કહ્યું કે હા, શંભુ! હું દારૂ પીતો હતો. બસ, આજ તારી પાસે આવી મેં કેવળ તારી સમક્ષ નહી પણ તારામાં બેઠેલી કોઈ અદભુત શક્તિની વાત સાંભળી મેં નક્કી કરી લીધું કે જો આખો દિવસ ભારે કામ કરનારો તારા જેવો ગરબ મજુર દરથી અલિપ્ત રહેતો હોય તો હું કેમ ન રહી શકું.

કડિયા કામ કરતો શંભુ ઘેર તો ગયો પરંતુ આજ એનું મન કાંઈક જુદું જ વિચારતું હતું.

મિત્રો! દશ દશ બાર બાર કે એથી વધારે કલાક ભારે કામ કરનાર અને દુનિયાની દ્રષ્ટિએ અભણ કહેવાતો કોઈ ગરીબ માણસ નિર્વ્યસની રહી શકતો હોય તો આજના દુર્વ્યસની કહેવાતા વિદ્વાનોને વિદ્વાન કહેશું કે નહી એ તમારે વિચારવાનું છે.