મોટાં ભાષણમાં પોકળ ઝાઝી

पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।।

      પરમાત્મા દરેક પ્રકારે પૂર્ણ છે, જગત પરબ્રહ્મથી પૂર્ણ છે, કારણકે પૂર્ણમાંથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણને કાઢી નાખવાથી પૂર્ણ જ બાકી રહે છે. ઉપનિષદનો આ શ્લોક જે સારી રીતે સમજી લે તેને અન્ય કંઈ સમજવાની જરૂર રહેતી નથી.

      બ્રહ્માંડમાં દેહ ધારણ કરનાર દરેક દેહધારીઓમાં મનુષ્ય જાતને સૌથી મહાન ગણવામાં આવે છે. કારણ કે, ભગવાને સર્જેલી આ સૃષ્ટિના અસંખ્ય જીવોમાં એક માત્ર મનુષ્ય પાસે જ વિચારવાની અદ્ભુત શક્તિ છે. મનુષ્ય પાસે ઇશ્વરના જેવી જ સામર્થી છે, એમ કહીએ તો અતિશોયોક્તિ નથી.

      આપણા શાસ્ત્રો જેવા કે, વેદ, ઉપનિષદો, પુરાણો, બ્રાહ્મણગ્રંથો, મહાભારત, શ્રીમત્ સત્સંગીજીવન વગેરે શાસ્ત્રોમાં પરમાત્મા વિશે, જીવાત્માને પરમાત્મા સુધી પહોંચવા માટે અને સંસારમાં સર્વ રીતે સુથી થવા માટે ઘણું કહેવાયું છે. પરંતુ સામાન્ય માનવી શાસ્ત્રોનો ગુઢાર્થ સમજી શકે નહીં. તેથી જ તો સમયે સમયે સંતો, મહાપુરુષો અને સાક્ષાત્ પરમાત્મા પોતે આપણી પાવન ભૂમી પર જન્મ ધારણ કરે છે અને શાસ્ત્રોમાં રહેલાં રહસ્યો સરળ શબ્દોમાં રજુ કરીને કે વર્તનમાં ચરિતાર્થ કરીને માનવ સમાજને બતાવે છે અને સમજાવે છે.

      બ્રહ્માનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતો અને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર માનવ જેવા માનવ બનીને સમાજને ઘણું બધું આપ્યું. શિક્ષાપત્રી અને વચનામૃત, શ્રીમત્ સત્સંગીજીવન અને ભક્તચિંતામમી જેવા ગ્રંથોથી અનેક નર નારીઓના અને અનેક ભક્તજનોના સંશયો દૂર કર્યા.

      શ્રીમદ ભગવદ્ ગીતામાં જેમ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને વિશ્વકલ્યાણ માટે યુદ્ધ કરવા ઉપદેશ આપ્યો અને અર્જુનના માધ્યમથી સમગ્ર માનવજાતને આત્મકલ્યાણ માટે અત્યંત ઉપયોગી વાતો બતાવી, તે જ રીતે શ્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે લોક કલ્યાણ માટે અને ભક્તજનોને જીવનવ્યવહારમાં ઉપયોગી સચોટ માર્ગદર્શન પૂરું પાડે એવી શિક્ષાપત્રી આપી.

      ભગવાન સ્વામિનારાયણનું આ વચન કે, સત્શાસ્ત્રમાં નિરુપિત જ્ઞાનનો આધાર રાખીને લોકોને ગેરમાર્ગે દોરનારથી સાવધાન રહેવું. જ્ઞાનની મોટી મોટી વાતો કરનાર પંચવિષ્યમાં આસક્ત હોય તો તેવા વિદ્વાન પોતાનું જ ભલું સાધે છે.

      મોટાં મોટાં ભાષણો આપનારા સત્તાધિશ હોય કે બીજા કોઈ હોય કે મોટી વાતો કરનારા જ્ઞાની હોય કે ધર્મી હોય અને તપસ્વી હોય કે ધ્યાની હોય, તેની વૃત્તિ જાણ્યા વિના સંગ કરવો નહીં, તેની વાતમાં વિશ્વાસ મુકવો નહીં. ઘણી વખત મોટાં ભાષણમાં પોકળ ઝાઝી હોય છે.

      આત્મા અને પરમાત્માની વાતોના બહાને પરમાત્માને વિશે પ્રેમ કરવાને બહાને કે આરાધના કરવાને બહાને, પોતે પંચવિષયના વૈભવ ભોગવે, તેવા કોઈ વિદ્વાન વ્યક્તિ હોય કે દેખાત સજ્જન હોય તો તેનો સંગ કરવો નહીં.

      સ્વામિનારાયણ ભગવાને માનવ જીવનને આદર્શ બનાવવા બહુમૂલ્ય ઉપદેશ આપ્યો છે. તેમણે સંગત એટલે કે સોબતને ખૂબ જ મહત્વની ગણી છે.

જે વ્યક્તિની સોબત ખરાબ હોય તે વ્યક્તિનું પતન નક્કી જ છે. તેથી જ કહેવાયું છે કે, ‘મૂર્ખ મિત્ર કરતા શાણો દુશ્મન સારો.’

      આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી પોતે કહે છે કે ખરાબ સોબતને લીધે બાળપણમાં પોતે કરેલી ચોરી, પોતે કરેલ માંસાહારની ભૂલો એ ખરેખર ભૂલો હતી.

       જે બહારથી ઈશ્વરનો બંદો હોય એમ બતાવે કે પોતે પરમાત્માની આરાધના કરે છે, એવું બતાવે પરંતુ અંદરથી વિષયભોગી હોય એવા દુર્જન માણસનો ક્યારેય સંગ કરવો નહીં. દુર્જનની સંગત સજ્જન વ્યક્તિને પણ દુર્જન બનાવી દે છે.

જે ઈશ્વરનું કે સત્કર્મનું નિમિત્ત રાખીને દ્રવ્યનો ઉપયોગ પોતાના ભોગ વિલાસમાં કરે તેવા લોકોનો સંગ કરવો નહીં.

 

       જે પોતાના ધનનો ઉપયોગ સત્કાર્યોમાં કરે, દેશના કલ્યાણમાં કરે, વૃદ્ધ અને વડીલોની સેવામાં કરે તો તેના પર લક્ષ્મીજીની કૃપા સદૈવ રહે છે અને સ્વામિનારાયણ ભગવાન બહુ જ પ્રસન્ન થાય છે.

       પોતાને મળેલા દ્રવ્યનો ઉપયોગ સારા કાર્યોમાં કરવો એટલે કે અન્નદાન કરવું, ટાઢમાં ઠરતાં લોકોને કે બાળકોને વસ્ત્રદાન આપવું, ગૌશાળા બંધાવવી, નિરાધાર અને પરાધિન માટે વૃદ્ધાશ્રમ નિભાવવા વિગેરે સત્કર્મો કરવાથી સ્વામિનારાયણ ભગવાન અને એમના સિદ્ધ સંતો બહુ જ પ્રસન્ન થાય છે.

પોતાની પાસે ધન સંપત્તિ હોય તે સંપત્તિનો સિદ્ધ મંદિરોમાં ઉત્સવો કરાવવા, પૂજા કરવી, કરાવવી અને દર્શન કરવા આવનારને પ્રસાદ આપવો વગેરેમાં ઉપયોગ કરવાથી પોતાની સંપત્તિ સાક્ષાત્ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે.

 

      પોતાની પાસે ધન વૈભવ સંપત્તિ અને બુદ્ધિ આદિક જે કાંઈ છે, એ બધું ઈશ્વરની પ્રસાદી છે. ઈશ્વરે આપણને એ માટે લાયક ગણ્યા છે. તેથી જ તો ધન અને બુદ્ધિ પ્રાપ્ત થઈ છે માટે આપણી પવિત્ર ફરજ છે કે ઈશ્વરકૃપાથી પ્રાપ્ત થયેલું જે કાંઈ હોય તેનો ઉપયોગ સત્કાર્યો માટે કરવો પરંતુ ક્ષુલ્ક ભોગ-વિલાસ માટે કદી નહીં.

      ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે કે , જે વ્યક્તિ પોતાના માટે જ રાંધે છે અને પોતે જ ખાય છે તે પાપી છે. તેથી જ આપણી આવકનો અમુક ભાગ જીવદયા માટે વાપરવો જરૂરી છે. પોતાની આવકનો થોડો ભાગ ગાય માટે, નિરાધાર માટે દેવમંદિરોની પૂજા પાઠ માટે અને ઇષ્ટકર્મ અને પૂર્ત કર્મ વાપરવો જોઈએ, આથી જ તો મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

      આપણી સંસ્કૃતિ ત્યાગની સંસ્કૃતિ છે. આપમી પરંપરા तेन त्यक्तेन भुञ्जीथा આવી છે. અર્થાત્ ત્યાગ કરીને ભોગવવાની ઉમદા ભાવના આપણા હૃદયમાં હોવી જોઈએ.

      સમાજમાં આદર્શ વ્યક્તિના લિબાસમાં જે માણસ પોતાનો સ્વાર્થ કે સ્વાદ અને સત્તા કે ધન સંપાદન કરે છે ત્યારે એવા સૌમ્ય કે આદર્શ પોશાકમાં કે ચિહ્નમાં રહેલા લોકોને ઓળખવા સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી આપીને આપણને સૌને જાગ્રત કર્યા છે. કોની વાતોમાં વિશ્વાસ કરવો અને અને કોની વાત સાંભળવી પણ નહીં, એમના વિષે ઘણું કહેવાયું છે. સ્વામિનારાયણ કહે છે કે જે પ્રવક્તા કે નેતા અને જે વક્તા કે સાધક જે કોઈ હોય તે દ્રવ્ય, સત્તા, ભોગ વિલાસ અને કામાસક્ત હોય તો તેના મુખે ભગવદ્ વાર્તા પણ સાંભળવી નહીં, તેના મુખે તો જીવન ઉપયોગી વાતો પણ સાંભળવામાં મોટો લાભ થતો નથી. સ્વયં પોતે વિષયમાં ડુબેલા હોય તે બીજાને ઉપર ઉઠાવી શકે જ નહીં.

     પ્રવક્તા કે નેતા અને જે વક્તા કે સાધક જે કોઈ હોય તે દ્રવ્ય, સત્તા, ભોગ વિલાસ અને કામાસક્ત હોય તો તેના મુખે ભગવદ્ વાર્તા પણ સાંભળવી નહીં

સંસ્કૃત સાહિત્યમાં કોનો સંગ કરવો નહીં અને કોના વિશ્વાસમાં આવવું નહીં, એના વિષે સરસ સૂક્તિ છે.

    હે ચાતક પક્ષી, મિત્ર, જરા સાવધાન ચિત્તે સાંભળ! ગગનમાં ઘણાં વાદળો વસે છે. સમાન દેખાતાં હોવા છતાં સમાન સમજજે નહીં. કેટલાક વરસીને ધરતીને ભીંજવે છે. તો કેટલાંક નકામી ગર્જના કરે છે. મોટી મોટી ગર્જના કરીને ભાષણો આપે છે પરંતુ હકીકતમાં તો પોતે પતનના માર્ગે છે. તું જેને જેને જુએ તેને મોટા માનીને, તેની આગળ ગરીબડી વાણી ઉચ્ચારજે નહીં.

रे रे चातक सावधानमनसा मित्र क्षणं श्रुयताम्
अम्भोदा बहवो वसन्ति गगने सर्वेऽपि नेतादृषाः ।
केचिद् वृष्टिभिराद्रयन्ति धरणीं गर्जन्ति केचिद् वृथा
यं यं पश्यसि तस्य तस्य पुरतो मा ब्रूहि दीनं वचः ।।

    અહી ચાતક પક્ષીના રૂપક દ્વારા એમ સમજાવ્યું છે કે સમાજમાં ઘણાં એવા લોકો પણ હોય છે કે જે ધર્મના કે સત્તાના નામે અને ધંધાના નામે કે પક્ષના નામે લોકોને ઠગે છે. સજ્જનના લિબાસમાં રહેલા કે આદર્શ વ્યક્તિના પોશાકમાં રહેલા શેતાનને ઓળખવો જરૂરી છે. એવા દુષ્ટ લોકોનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં.

    સ્વામિનારાયણ ભગવાનના શબ્દો માનવ માત્રને આ સંદેશ આપે છે. પ્રભુના શબ્દો છે કે જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્વવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપતા પાપને વિશે પ્રવર્તતા હોય તો તેવા મનુષ્યનો સંગ કદી કરવો જ નહીં.

લેખક: નેહા સચિન ગોર- ભુજ કચ્છ

।। અસ્તુ ।।

Previous articleबुरी संगतसे परिवार बरबाद
Next articleवेद हमारी माता है और वेद अमृत है
નેહા સચીન ગોર. ભુજ કચ્છ.
નેહા સચીન ગોર. ભુજ કચ્છ. કચ્છ ભુજ નિવાસી નેહાબેન ગોર તેમણે શિક્ષણ ક્ષેત્રમાં માસ્ટર ડીગ્રી ગુજરાત યુનવર્સીટીમાં સંપાદન કરી, મુન્દ્રામાં બીએડનો કોર્ષ સંસ્કૃતમાં પૂર્ણ કર્યો છે. માધ્યમિકશાળામાં કેટલાક વર્ષો સુધી વિદ્યાભ્યાસ અભ્યાસ કરાવ્યો છે. પારિવારીક જવાબદારીને કારણે ભણાવાનું બંધ કર્યું પરંતુ વાંચન અને ચિંતવન સતત ચાલુ રાખ્યું છે. આપણા સપ્રદાયના ગ્રંથો અને અન્ય ધાર્મિક અને રાજકીય ગ્રંથોનું વાચન ચાલુ રાખ્યું છે. સમાજમાં દૂષણ ન પ્રવેશે, એમને માટે તેમની જુંબેસ સતત ચાલુ રહી છે. બૌદ્ધિક અને મૈલિક વિચારોનું આદાન પ્રદાન ચાલુ રાખ્યું છે.

1 COMMENT

Comments are closed.