|| અધિક માસ એક બોધપ્રદ પર્વ ||

2
418

માણસ સત્સંગ કરે છે, ત્યારે જ માણસમાં માણસાઇ આવે છે. સત્સંગ વિના સ્વધર્મની કે માનવતાની ઓળખ થતી જ નથી. સ્વધર્મની ઓળખ માણસને માણસાઈ તરફ પ્રેરે છે. માણસાઈના સંસ્કારો જીવનમાં આવે અને જીવ પ્રાણીમાં સર્વેમાં આત્મયીતા થાય પછી માણસ કયારે બીજા તરફ ક્રુર થઈ શકતો નથી.

માણસાઈના સંસ્કારો જીવનમાં આવે અને જીવ પ્રાણીમાં સર્વેમાં આત્મયીતા થાય પછી માણસ કયારે બીજા તરફ ક્રુર થઈ શકતો નથી.

નિરાધારને આશ્રય આપવો અને ભૂખ્યાને ભોજન આપવું, દુઃખીને સહાય કરવી અને કોઈને તકલીફ થાય, એવું બોલવું નહીં કે ક્રિયા કરવી નહીં, વિગેરેનો ઉપદેશ સત્શાસ્ત્રોથી મળે છે અને સદ્‌ગુરુ થકી મળે છે. જેને પોતાના સ્વધર્મની ખબર નથી અને સત્સંગ નથી તો તેને જીવનમાં એની પણ ખબર હશે નહીં કે કયો સમય કયારે ઉત્તમ હોય છે. એવા માણસ ચાર લોકોને બહેકાવે બહેકી જશે.

સત્સંગથી સત્શાસ્ત્રનું વાંચન, ચિંતવન અને શ્રવણ થાય છે. યોગ્ય અયોગ્યની ખબર પડે છે અને  માણસની ઓળખ થાય છે. સમયની ઓળખ થાય છે. જેમ ધરાઈને બેઠેલા માણસને ચાંદીના ગલાસમાં સાકર યુક્ત ઉકાળેલ દુધ આપવું વ્યર્થ છે અને ધોમધખતા તાપમાં ચાલી આવેલા એક વૃદ્ધ માણસને બેસવા માટે છાંયડો દેવો અને પીવા માટે જળ આપવું, છેક પરમાત્માની પ્રસન્નતાનું કારણ પુરવાર થાય છે. આ સમય પર કાર્યની ઓળખ છે. એટલે તો એવું કહેવાય કે અમુક દિવસ કે પર્વ કે સમયમાણસને માટે બોધપ્રદ હોય છે અને માણસને જાગ્રત કરનાર હોય છે.

એજ રીતે આપણા માનવ જીવનમાં ચંદ્રની કે સૂર્યની તીથીઓ પ્રમાણે આવતા કેટલાક દિવસો અને કેટલાક મહિનાઓ થોડું કામ કર્યે, ઘણું બધું મળે, એવા હોય છે. વર્ષના બાર જમહિના હોય છે પરંતુ કયારેક ૧૩મહિના વર્ષમાં આવતા હોય છે. એ ૧૩ મહિનાઓમાં અમુક મહિનાઓ વધારે વિશેષ હોય છે. આવા અધિક મહિનામાં કરેલ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કે આરાધના વિશેષ ફળ આપે છે. અમારી દૃષ્ટિએ તો અધિક માસ એક બોધપ્રદ પર્વ છે અને માણસને ઈશ્વરીય બળ મળી શકે, એવો સમય છે.

અધિક માસમાં ધામિર્ક અને સજ્જન સમાજ પોત પોતાની રીતે રહીને સત્શાસ્ત્ર પ્રમાણે અને પોતાના સંપ્રદાયના નિયમ પ્રમાણે રહીને સાધના, ભજન અને સેવા કરે છે અને સમય પર સેવા કરવાનો સંકલ્પ કરે છે. જે સત્સંગીઓ કે ધર્મિષ્ઠ વ્યક્તિઓ સત્શાસ્ત્રની મર્યાદામાં રહીને, પોતાના માતા પિતા અને ગુરુની આજ્ઞામાં રહીને સાધના, ભજન અને સેવા કરે છે, સ્વામિનારાયણ ભગવાન કે પરમપુરુષ પરમાત્મા તેને બહુ જ મોટી સફળતા આપે છે. સેવા, ભજન અને સાધના કર્યા વિના, કોઈને સાચો રસ્તો દેખાતો નથી અને કદી કાંઈ ઉત્તમ ફળ પણ મળતું નથી.

વર્ષમાં આવતા અધિક મહિનામાં માણસ એવો સંકલ્પ કરે કે હું ચાર દુઃખી કે નિરાધાર લોકોને શક્તિ પ્રમાણે મદદ કરીશ, તેને રોજગાર આપીશ અને ભૂખ્યાને ભોજન આપીશ.આપણે જાણીએ છીએ કે જેમ નિરાધારને આધાર મળી જાય કે બેરોજગારને રોજગાર મળી જાય તો તે સંસ્કારી વ્યક્તિ હોય તો તે, આધાર આપનારનો અને રોજગાર આપનારની સાથે સ્વામિનારાયણ ભગવાનનો કે પરમ પુરુષ પરમાત્માનો મોટો ઉપકાર માને છે. જે સત્કર્મ કરે છે, તેને તો ભગવાન મોટું ફળ આપે જ છે. સ્વામી કહેતા કે આ સંસારમાં જે વ્યક્તિ, ચાર વ્યક્તિને રોજગાર આપીને તેનું જીવન નિભાવે છે અને નિરાધાર માટે આધાર બને છે, ભૂખ્યાને ભોજન આપી, તેને તેને સત્માર્ગી કરે છે, એવી વ્યક્તિઓ ખરેખર ભગવાનના અને મોટા પુરુષોના આશિર્વાદના કૃપાપાત્ર હોય છે.

આત્મચેતના જાગ્રત કરવા અને માનસિક નબળાઈ દૂર કરવા અધિક માસમાં જાે સ્વામિનારાયણ ભગવાનની કે પરમ પુરુષ પરમાત્માની આરાધના કરવામાં આવે તો તે વ્યવહારની અને આધ્યાત્મિક માર્ગમાં મોટી સફળતા આપે છે. કલ્પના કરેલી ન હોય, એવી અંતરમાં જીવનની સાચી પ્રેરણા મળી શકતી હોય છે. એવું કહેવાય કે અધિક માસમાં કરેલ વિશેષ ભજનથી કે સંત, ગરીબ અને નિરાધારની સેવાથી, અનેકને અનંત ફળ મળ્યાં છે.

વળી અધિક માસમાં પવિત્ર ગુરુની આજ્ઞાથી કે મોટા પુરુષોની આજ્ઞાથી જાે મહાપૂજા, અષ્ટોત્તર શતનામ પાઠ કે સહસ્રનામ પાઠ કે સ્તોત્રપાઠ કે શ્રીમદ્‌ભાગવત, ભક્તચિંતામણી જેવા પવિત્ર ગ્રંથનો પાઠ કરાય તો તેનું ફળ બહુ વિશેષ હોય છે.

સંસારમાં ગુરુ તો અનેક હોય છે પરંતુ સદ્‌ગુરુ ઘણા નથી હોતા. હવે જેને સદ્‌ગુરુના વચનમાં શરણાગત સેવકને, ભગવાનનો આદેશ વર્તાય અને એની ક્રિયામાં પોતાના ઈષ્ટદેવની ઝાંખી થાય તો તેના જીવનમાં સત્શાસ્ત્રમાં કહેલાં લક્ષણો સચોટ વર્તાય છે, આવા સદ્‌ગુરુના શરણથી સામાન્ય સેવક, અધિકમાસમાં પોતે સ્વયં એક હજારથી વધારે માંજર યુક્ત તુલસીપત્ર લાવીને ભગવાન શ્રીમન્નારાયણની સહસ્રનામથી પૂજા કરે છે, ત્યારે તેને અવશ્ય આલોકના લાભ તો થાય છે સાથે પરલોકના અનંત લાભ થાય છે.

એવું કહેવાય કે સદ્‌ગુરુના વચને કરાયેલ આવી પૂજા આલોકમાં અને પરલોકમાં પરમ સુખ અપાવનાર પુરવાર થાય છે. એવા હેતુએ દરેક માણસે પોતાના જીવનમાં સાચી માણસાઈ આવે અને પોતાને પોતાના સ્વધર્મની ઓળખ થાય અને પોતાનું આલોકમાં તેમજ પરલોકમાં પરમ કલ્યાણ થાય, એ હેતુએ સદ્‌ગુરુના વચને અધિક માસમાં કે પવિત્ર પર્વમાં અવશ્ય કાંઈક સેવા કે સત્કર્મ કરવું જાેઈએ. સત્કર્મ કર્યા વિના કદી કોઈનામાં, માણસાઈના ગુણો માણસ હોવા છતાં જીવનમાં આવતા નથી, એટલે સત્કર્મ અવશ્ય કરવું અને પવિત્ર પર્વ પર સવિશેષ કરવું જોઈએ.

|| સમાપ્ત ||

2 COMMENTS

Comments are closed.