અક્ષરધામના મુકતો જયારે આ સંસારમાં અવતાર લે છે ત્યારે તેના બાળપણમાં જ તેને સત્સંગનો રંગ લાગી જાય છે. આડો અવળો સમય પસાર કરવાને બદલે તે ભજન ભક્તિમાં જ સમય વિતાવે છે.
આપણે વાત કરીએ છીએ એક એવા સંતની જેણે માત્ર છ-સાત વર્ષની ઉંમરે સંતોને રોટલો જમાડી તેમને રાજી કરી આશીર્વાદ સ્વરૂપે દિવ્ય દ્રષ્ટી પ્રાપ્ત કરી. આથી તેમને શ્રીજી મહારાજના ચરિત્રોનું ઘેર બેઠાં દર્શન થતું હતું. આ મહાન સંત હતા ભુજ મંદિરના પ્રથમ મહંત સ્વામીશ્રી અચ્યુતદાસજી.
કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાના ધૂફી ગામમાં સત્સંગી ભાનુશાલી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પૂર્વાશ્રમનું નામ મંગળદાસ હતું. તેમના માતા-પિતા હંમેશા તેમના હદયમાં સત્સંગનો રંગ રેડતા રહેતાં હતા. દશ-બાર વર્ષની ઉંમરે તેમના માતા-પિતા અક્ષરધામ સિધાવ્યા.
પછી તો જાણે પૂર્વજન્મના પુણ્ય ઉદય થયા હોય તેમ તેમના હદયમાં વૈરાગ્ય ઉમટ્યો અને વિ.સં. ૧૮૯૦ની સાલમાં તેમણે અમદાવાદ ગાદીના આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી મહારાજ પાસેથી મહાદીક્ષા ગ્રહણ કરી ‘અચ્યુતદાસજી’ નામ ધારણ કર્યું.
ભુજમાં તે સમયે વૈષ્ણવાનંદ સ્વામીનું મંડળ નરનારાયણદેવની સેવામાં હતું. અચ્યુતદાસજી સ્વામી ભુજ આવીને આ મંડળમાં જોડાયાં. તેઓ ભુજ તેમજ આજુબાજુના ગામડાઓમાં ફરીને સત્સંગની વૃદ્ધિ કરવા લાગ્યાં. પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેઓ કઈ કથા વંચાય છે, કયા કયા ભક્તો આવ્યાં છે એ પણ તેમને દેખાતું.
આવા મહાન સંતને સદગુરૂ વૈષ્ણવાનંદ સ્વામીએ પોતાની મહંતાઈ સોંપી. તેમણે વર્ષો નરનારાયણ દેવની સેવા કરી અને પછી પોતાના શિષ્યોને સત્સંગ સાચવવાની તથા સંપીને રહેવાની ભલામણ કરીને આવતીકાલે પોતે શ્રીજીમહારાજના ધામમાં જશે એવું કહ્યા બાદ સદગુરૂ સ્વામી અક્ષરજીવનદાસજી સ્વામીને મહંતાઈ સોંપીને સંવત ૧૯૪૫માં મધ્યાહને પોતાનો દેહત્યાગ કરીને શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં સિધાવી ગયાં