તમારું સૌંદર્ય અનુપમેય

0
864
સૌંદર્ય
saundry

હે મહારાજ! તમારું રૂપ, સૌંદર્ય અને તમે ધારણ કરેલાં અમુલ્ય ઘરેણા તથા આભુષણો એમની શોભા જોઈ કોઈનાથી તેમનું વર્ણન કરી શકાતું નથી અને કોઈ પણ પ્રકારની ઉપમા આપી શકાતી નથી. હે લક્ષમીપતિ! તમને સંબોધન કરવા માટે આ દાસ પાસે કોઈ શબ્દ નથી.

તમારું રૂપ તો અપ્રાકૃત છે. તમારું સૌંદર્ય અનુપમેય છે. તમારા અલંકાર અને આભુષણ જો દિવ્ય હોય તો તમારું રૂપ કોણ નિરૂપણ કરી શકે અને કોની સાથે તેની સરખામણી કરી શકે? કોઈ સંગાથે તેની સરખામણી થાય નહિ. એક તુચ્છ દાસ અને એ પણ જીવ પ્રકૃતિમાં ઉત્પન્ન થયો હોય અને એ તમારી ઉપમા, વિનાશકારી પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલ કમલ આદિક પદાર્થોથી દેવા જાય તો એ ઉપમા કેટલી તુચ્છ કહેવાય?

હે મહારાજ! ક્યાં પ્રકૃતિથી પર અને દિવ્ય જ્યોતિ સ્વરૂપ અવિનાશી પરમાત્મા તમે અને ક્યાં અલ્પ બુદ્ધિ વાળા તમારા દાસ! શુ કોઈ રીતે ક્યાંય મેળ થાય એવી વાત છે? નથી,નથી અને નથી. છતાં પણ હે નાથ! તમારો દાસ, તમારા ગુણોનું, રૂપનું અને સૌંદર્યનું વર્ણન કરે છે.

પક્ષીગણ જેમ પોતાની ચાહે તેટલી શક્તિ ખર્ચે તો પણ જેમ આકાશના પારને પામી શકે નહીં, તેનાથી જેટલી શક્તિ હોય તેટલી ઊંચે ગતિ કરે અને એટલથી સંતોષ માની ને હેઠે ચાલ્યું આવે તેમ અલ્પબુદ્ધિવાળો તમારો દાસ જેટલી પોતાની પહોંચ તેટલું વર્ણન કરે પણ આખરે તો અલ્પ જ થાય કારણકે આકાશને માપવાની ક્ષમતા જ નથી.

હે રાધાપતિ જેટલું આ દાસથી તમારું વર્ણન થાય એટલું કરે છે. હે ગોવિન્દ! શ્રેષ્ઠ જ્યોતિરૂપ તમે છો. તમને કહેવા માટે કે તમને બતાવા માટે કોઈ દાસમાં શક્તિ જ નથી. એ જે કાંઈ કહેશે તે અલ્પ અને અજ્ઞતા ભર્યું હશે. બે દોરા લઇ કોઈ સમુદ્રનું તળીયું માપવા જાય, તો તે ક્યારે માપી લેશે અને કેવી સચ્ચાઈ કહેશે?