નાહકના શહીદ ન થવાય!

0
239
નાહકના શહીદ ન થવાય!

માણસ ક્યારે કેવા વિષાદથી પીડાય છે અને કેટલો એ વિષાદમાં પરેશાન થાય છે એને એક માનસવિજ્ઞાનનો આચાર્ય સમજી શકે અથવા તો કોઈ પવિત્ર સાધક સંત સમજી શકે પણ સામાન્ય માણસ તેને સમજી શકે નહિ. એ વિષાદથી  માણસને ઉગારવો અને એક આત્મિય આનંદના પ્રવાહમાં વહેતો કરવો એ એક સાધકના હાથમાં છે. સાચા સાધક વિના માનસિક રીતે ભાંગી ગયેલો માણસ દિન પ્રતિદિન વધારે અને વધારે ડિપ્રેશનમાં આવતો જાય છે અને આખરે એક બાથરૂમમાં જઈ પોતાની જાતને સળગાવી દે છે!

સંત સહવાસ વિના કે કોઈ સાચા પથપ્રદર્શક વિના માણસ વિચારોના વમળમાં વીંટાઈ વધારે ભયથી ઘેરાઈ જાય છે અને પછી પોતે પોતાની જાતનેજ પોતાના હાથે ખાલી ખોદેલા ઊંડા ઊંડા ખાડામાં ઊતારતો જાય છે અને આખરે એટલે અંધારે પોતાને ઊતારી દે છે કે પછી સૂર્યના પ્રકાશની કિરણ દેખાતી જ બંધ થઈ જાય છે.

આવા માનસિક વિષાદમાં લપટાયેલાને સમજી શકાય તો સંત અને સાધકને સમજી શકાય અન્યથા નાહકના મૂંઝાઈને  જ્યાં ને ત્યાં ભટકી ભટકી અને ઝેર ગોતી અમૂલ્ય જીવનને બરબાદ કરવામાં આપણે પણ સપડાશું!

કાલેજમાં ભણતી એક રૂપસુંદરી યુવતિના રૂપમાં ત્રણ યુવાનો પડ્યા. યુવતિને યુવકમાં હેત થાય અને યુવાનોને યુવતિમાં હેત થાય અને એ થકી થતાં સંતાનોમાં બન્નેને હેત થાય એ માયાની કહો કે ભગવાનની કહો, એક કળા છે અને આ હેતની કે પ્રેમની કળા ભગવાને સૃષ્ટીનું સર્જન કર્યું છે ત્યારે ચડાવી મૂકી છે. આ પ્રેમના બંધનના વિષયમાં ન કદી ભગવાનને કાંઈ દાખડો કરવો પડે કે ન કોઈ સાધક કે સંતને દાખડો કરવો પડે કે કદી માતાપિતાને કાંઈ દાખડો કરવો પડે. સહજમાં એક બીજામાં અરસ પરસને હેત થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ પોતાની અમૃતવાણી ગ્રંથમાં આ વિષયમાં વધારે પ્રકાશ પાડ્યો છે.

કોઈ વિષાદમાં નાહકના શહીદ થાય છે તો કોઈ વિવાદમાં નાહકના શહીદ થાય છે, કોઈ કામમાં આસક્ત થઈ નાહકના શહીદ થાય છે તો કોઈ ધનમાં આસક્ત થઈ નાહકના શહીદ થાય છે. યોગ્ય પથપ્રદર્શક વિના યુવતિ હોય કે યુવક હોય નાહકના શહીદ થઈ જાય છે. એટલા માટે જીવનમાં પથપ્રદર્શક તરીકે સાચા સાધકને અવશ્ય પોતાનો કરીને રાખવો.

એ યુવતિને પોતાની કરવામાં ત્રણ વચ્ચે ઉગ્ર વિવાદ થયો. ત્રણે વચ્ચે ગાળાગાળી થવા માંડી. મારા મારી થવા માંડી. થોડે દૂર ઊભી રહી, એ યુવતિ  આ તમાશાને ટગર ટગર જોતી રહી કે કયો શૂરવીર મને પામવામાં સફળ થાય છે.

ક્રોધમાં આવી એકે તરત પોતાના પાકેટમાંથી ગન કાઢી કરડાકી ભર્યા સ્વરે ધમકી આપી કે ‘ એ છોકરી સાથે હું પ્રેમમાં છું. હું જ એની સાથે લગ્ન કરીશ. જો તમે બે વચ્ચે પડ્યા તો તમને ફૂંકી મારીશ.’

બે છોકરાએ નમાલા થઈ કહી દીધું કે જો, તું જીત્યો. એ છોકરી તારી.હવે શું બન્યું? તો જેવો આનંદમાં આવી ગન પોતાના પાકેટમાં રાખતાં ટ્રિગર દબાઈ ગઈ અને ત્યાં જ ઢળી પડ્યો! એ બુલેટ ગુપ્તાંગને વીંધી ગઈ. એ યુવક ત્યાંજ શહીદ. . . . નાહકનો શહીદ બની ગયો! વિવાહ રહિત યુવતિ આ નાટક જોઈ મનમાં મલકાતી મલકાતી પોતાને સદને પહોંચી.

મિત્રો! શહીદ થવું પણ નાહકના નહિ. શહીદ થવું પણ ખોટા અને વ્યર્થ વિવાદમાં લપટાઈને નહિ. શહીદ થવું પણ પોતાના દેહને આગ ચાંપીને નહિ. શહીદ થવું પણ કોઈથી કે કયાંયથી હતાશ થઈને નહીં.શહીદ થવું પણ કોઈ સાચા સાધકના કહેવે થવું કે જેથી નવું મહેકતું જીવન મળે.