ગુરુ પૂર્ણિમા શ્રદ્ધાનું પર્વ

0
613
Gurupurnima
Gurupurnima

જીવનના દરેક ક્ષેત્રમાં સદ્‌ગુરુની અતિશય આવશ્કતા છે. સદ્‌ગુરુથી માતા ગ્રહણ કરી શકાય, પિતા ગ્રહણ કરી શકાય સાચા અને પવિત્ર સાધક ગણી શકાય સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ગ્રહણ કરી શકાય છે. જેના જીવનમાં કોઈ સદ્‌ગુરુ નથી, આદર્શ વ્યક્તિ નથી, પ્રેરણાનો શ્રોત વહેવળાવે અને અંતર ઉઘાડીને વાતો કરી શકાય, એવી વ્યક્તિ મળી નથી, તેને જીવનમાં બહુ જ ઓછી સફળતા મળે છે.

સદ્‌ગુરુ વિશ્વાસનું પરમ સ્થાન છે. તેના વચનમાં વિશ્વાસ રાખીને સામાન્ય સાધક પરમના દ્વાર સુધી પહોંચે છે. સદ્‌ગુરુના વચને સમર્પણ થનાર રાજા કાપડી હોય કે સુંદરજી સુથાર હોય, ધારેલા લક્ષ્ય પર સહેજે પહોંચે છે. ગુરુ નાનક સાહેબ પોતે કહે છે કે ‘મંનૈ પાવઈ મોખુ દુઆરુ’ વિશ્વાસુ ભક્ત પરમપદના દ્વારને પામે છે, જેને સદ્‌ગુરુના વચનમાં વિશ્વાસ આવ્યો, શાસ્ત્રના વચનમાં વિશ્વાસ આવ્યો, એને પરમાત્માનાં દર્શન થઈ ગયાં, એને પરમપદ પ્રાપ્ત થઈ જ ગયું .

શંકાનું સમાધાન કરીને અંતરમાં ઉઠતા ઘાટ સંકલ્પોને ભગવદભિમુખ કરીને સામાન્ય સેવકને ભગવાન તરફ ગતિ એક સદ્‌ગુરુ કરાવે છે. શ્રુતિના સ્વરૂપને સદ્‌ગુરુ જ સમજાવી શકે છે અને સંહિતાના રહસ્યને પણ સદ્‌ગુરુ બતાવી શકે છે. જે સમયે જે કરવાનું હોય, એની ઓળખ દરેકને થતી નથી. સમયે સાહસ કરવાનો બોધ અને સમયે ઝુકી જવાની વાત એક સદ્‌ગુરુ જ બતાવી શકે છે.

ધનુર્ધારી અર્જુન કૌરવ સેનાને હંફાવી શકે, એવો મહાન યોદ્ધો હોવા છતાં જ્યારે સ્વંય પોતે પ્રારંભમાં જ હતાશામાં ઘેરાઈ ગયો, યુદ્ધમાંથી પાછા ચાલ્યા જવાનું નક્કી કરી લીધું અને ભીખ માગીને જીવન નિર્નાહ કરવાનું પાકું કરી લીધું ત્યારે સારથી બનેલા સદ્‌ગુરુએ શાશ્વત જ્ઞાનનો બોધ આપીને મહાભારે યુદ્ધ લડવા માટે પોતાના સેવક અર્જુનને તૈયાર કર્યો અને છેલ્લે વિજયની વરમાળા સેવક અર્જુનને સારથી બનેલા સદ્‌ગુરુએ અપાવી.

અર્જુનને જા પોતાના સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા કે જે જીવ પ્રાણિ માત્રના ગુરુ છે, એમના વચનમાં વિશ્વાસ ન આવ્યો હોત અથવા વિશ્વાસ ન રાખ્યો હોત તો અર્જુનની યશોગાથા સંસારમાં અમર રહી ન હોત. સદ્‌ગુરુ એક એવું પાત્ર છે કે જે પોતાના સેવકને અણર બનાવે છે અને તેની યશો ગાથા અમર કરે છે.

સંસારમાં સદ્‌ગુરુના અંચળામાં ભલે કોઈ ઢોંગી, પાષંડી, ધુર્ત, કપટી, સ્વાર્થી કે લુચ્ચા, લંપટ અને ખંધા હોય પણ તેનેથી સદ્‌ગુરુની મહાનતા કદી ઓછી થતી નથી. કદાચ કોઈ નેતા કે મંત્રી અને રાજા કે રાજના સંચાલકો ખંધા કે લુચ્ચા અને ધુર્ત કે હરામી હોય તેનેથી બધા રાજા કે બધા મંત્રી ખરાબ કહેવાય નહીં. સંસારના દરેક ક્ષેત્રમાં સારુ અને નરસું  શાશ્વત રહેવાનું છે. જીવનને ધન્ય બનાવી દે એવા સદ્‌ગુરુ રહેવાને છે અને જીવનને, આખા પરિવારને કે સમાજને બરબાદ કરી દે એવા ગુરુઓ સામેથી ભટકાવાના છે. આમ છતાં સાવધાન રહીએ અને સ્વામિનારાયણ ભઘવાનનું બળ રાખીને ડગલાં ભરીએ તો હાલતે ને ચાલતે એવા અળબંગી ગુરુ આપણા સદ્‌ગુરુ થઈ ન બેસે.

આવા ગુરુ પૂર્ણિમાના પર્વ પર તો વિશ્વાસથી અને સવાશે સદ્‌ગુરુને સમર્પણ થઈને જ તેમની આરાધના અને તેમની પૂજા કરવી જોઈએ આ ભાવ અને શ્રદ્ધાનું પર્વ છે. આ શ્રદ્ધાના પર્વ પર સદ્‌ગુરુની પૂજા કરવામાં આવે તો આ પર્વ પર સાક્ષાત ભગવાન શ્રીમન્નારાયણ અર્થાત્‌ સ્વામિનારાયણ ભગવાનની પ્રત્યક્ષ પૂજા થાય છે. સાચા સદ્‌ગુરુની કરેલી પૂજા સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા અને અર્ચના થતી હોય છે.

સદ્‌ગુરુની ભાવથી કરેલી પૂજા અને અર્ચના બહુ અપાવે છે. સ્વામિનારાયાણ ભગવાનનો મને સાક્ષાત્કાર કરાવે, જીવનના દરેક માર્ગમાં મને સદ્‌બોધ આપીને સાચો રાહ બતાવે અને જીવનમાં સાચી સુવાસ પાથરાય એવી રીત રસમ બતાવે, આવા શુભ હેતુથી સદ્‌ગુરુનું પૂજન અને અર્ચન અષાઢમાસની પૂર્ણિમાએ કરીએ છીએઅને શાસ્ત્રોએ એવા હેતુથી જ પૂજા કરવાનું કહ્યું છે. આવા હેતુથી  સદ્‌ગુરુની અનુવૃત્તિમાં રહીને તેની પૂજા અર્ચના કરીશું અને તેમના બતાવેલા રાહ પર ચાલશું તો અવશ્ય સ્વામિનારાયણ ભગવાન આપણને સફળતાના શીખર સુધી પહોંચવામાં બળ, શક્તિ અને સામર્થી આપશે.

।। અસ્તુ ।।

Save