પોતાની જાતને આનંદ આપીએ

1
722
પોતાની જાતને આનંદ આપીએ

જ્યારથી મેં ધ્યાન કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારથી માંડી આજ દિવસ સુધી લગભગ ક્યારેય પણ ધ્યાન કરવાનું ચુક્યો નથી. મેં મનોમન એક ગાંઠ બાંધી છે કે હવેથી આ ધ્યાન ક્યારેય પણ છોડવું નથી. હું ગમે તેટલી ઉતાવળમાં હોઉં પણ સવારની ૧૫ થી ૨૦ મિનીટ ધ્યાન માટે ગમે તેમ કરીને કાઢું જ છું. આ ધ્યાન કરવાનું મેં મારા મનથી નક્કી કરી લીધું છે.

આ ધ્યાન કરવાથી મારા મનને જે શાંતિ મળે છે, એ શાંતિ મને પહેલા ક્યાંય મળી નથી. હું બગીચામાં સમયે સમયે ફરવા જતો અને હજુ પણ જાઉં છું. હું રમતમાં ઘણો સમય વિતાવતો અને હજુ પણ વિતાવું છું. પરંતુ એ સમયમાં અને આજના સમયમાં કાંઈક જુદી અનુભૂતિ મને મળે છે. કોઈ કહે કે એ પ્રભાવ ઉમર કે અવસ્થાનો હશે. તો મારે કહેવું જોઈએ કે એમ જરા પણ નથી, એ પ્રભાવ માત્ર એક ધ્યાનનો છે.

આ ધ્યાન કરવાનું મેં મારા ગુરુની સલાહથી નક્કી કર્યું છે. ધ્યાન કરવામાં સમય પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. મારા ગુરુએ કહેલું કે ધ્યાન માટે સવારનો સમય અતિશય યોગ્ય છે. એ સમય મને પસંદ લાગ્યો અને મેં એ પ્રમાણે ધ્યાનનો પ્રારંભ કર્યો છે.

મને સમય સાથ આપતો ન હતો પણ ગુરુ વચને સમય અનોખી રીતે સાથ આપવા લાગ્યો. સવારમાં ધ્યાન કરવાનું શુરૂ કર્યું. પ્રારંભમાં શરૂઆત સારી ન હતી. ધ્યાનથી તકલીફ થતી હોય તેવું લાગ્યું હતું. અંતરના નાદે ગુરુદેવે કહેલું કે શુરૂઆત એવી જ હોય છે.

આજે એ ધ્યાનનો એટલો પ્રભાવ મારા ઉપર છે કે હું ભારતમાં હોઉં કે અમેરિકામાં પણ ધ્યાન કદી ચૂકતો નથી. લોકો મજાક કરે કે ખુશ થાય એ હું કદી જોતો નથી.

આ ધ્યાનથી મારો આખો દિવસ એટલો સ્ફૂર્તિસભર વ્યતીત થાય છે કે શબ્દોમાં કહેવા કરતાં અનુભવ કરવો વધારે યોગ્ય કહેવાશે. જે સુખ અને જે આનંદ વિષયમાં મને નહોતો મળતો એ આનંદ અને શાંતિ મને માત્ર આ ધ્યાનમાં મળે છે. મારા મનમાં હજુ કામનાના વેગ ઘટ્યા નથી, ક્રોધે અને લોભે મારો પીછો છોડ્યો નથી પણ ધ્યાનથી જે આનંદ અને અનોખી અનુભૂતિ મળે છે એથી મારા મનને મોટો જ આત્મસંતોષ મળ્યો છે.

કેટલો ગજબનો પ્રભાવ હશે એ ધ્યાનનો? ધ્યાનનો પ્રારંભ ન હતો ત્યારે દિવસના વ્યવહારિક કે ઔપાધિક કામથી એટલો હેરાન થઈ જતો કે સાંજે મારું મન કદી પણ શાંતિનો અહેસાસ માણી શકતું નહી. હું હસવા ખુબ પ્રયત્ન કરતો પણ અંતરથી હસી શકતો નહી.

આ ધ્યાનના માર્ગમાં પ્રવેશ કર્યા પછી જ મને એમ લાગ્યું કે ધ્યાન એ અનોખું મંદિર છે કે જ્યાં દરેક દર્શનાર્થી આવી શકે છે અને દરેક તેનો અનોખો લાભ લઈ શકે છે.

આ મંદિરનું મહત્વ કાંઈક અનોખું જ છે. હું મારા ગુરુના કહેવે બીજાના ભવનમાં ભટકતો અટક્યો. સત્યના મંદિરમાં જતો થયો. મને ધ્યાનના મંદીરમાં જવાનું જરા પણ ગમતું ન હોતું. ત્યાં જવામાં મારા મનને નહોતો કાંઈ આનંદ મળતો કે નહોતો કોઈ વિશેષ સદબોધ મળતો કે જેનાથી મારી જિંદગીમાં કાંઈક પ્રગતિ થાય.  

મારા મનમાં મને આનંદ મળે એ વાતનો હું અતિ આગ્રહી હતો પરંતુ અતિ ઉતાવળો હતો. એટલે હું જ્યાં જતો ત્યાં હું આ વાત લાવી તેના ઉત્તર લેવા મથતો. ઘણા શિક્ષિત લોકોને મેં મારા મનની વાત કહી હતી પણ મારા મનને આનંદ મળે એવું કોઈએ બતાવ્યું નહી.

શુષ્ક જ્ઞાનમાં આળોટતા જ્ઞાનીઓ મને એમ કહેતા કે જેમ મન કહે તેમ કરવું તો આનંદ આપો આપ મળશે. કોઈ ખોટી પદવીઓ ધરાવતા શિક્ષિતો કહેતા કે મિત્રોની સંગત રાખી અનેક પ્રકારની રમતો રમવી તો મજા આવશે. કોઈ પશ્ચિમી શિક્ષાવિદો કહેતા કે જેવું પોતાને ગમે તેવું કરીએ તો સહજે આનંદ મળે. જ્યોતિષ શાસ્ત્રની ચાદર ઓઢી ભોળાને ભરમાવતા કોઈ લોકો કહેતા કે તમારો ચંદ્ર નબળો હશે.

હું કહેતો કે સર! હું નવગ્રહની ઈફેક્ટમાં કાંઈ માનતો જ નથી. હું આધુનિક વિચારમાં રહી આનંદ માણવા ઝંખુ છી. વળી મેં મોડર્ન એન્જોયમેન્ટમાં જેટલા સાધનો કે ઉપકરણો મારે માટે શક્ય હતા તે બધેનો હું મારી રીતે ઉપયોગ કરી શક્યો પણ જે મને મળવું જોઈએ એ  મળ્યું નહી.

હું પૂજામાં કાંઈ માનતો નહી તેથી હું બીજી વિશેષ પૂજા કાંઈ કરતો નહી. મારી પૂજા એટલે મંદિરના પરંપરાના રિવાજને કારણે જે કરવું પડે તે હું કરતો અને દર્શન કરવા દેવમંદિરમાં જતો.

સંતોના વિશેષ સંપર્કમાં હું આવતો નહી. મન એ લોકોથી એલર્જી હતી. ઘણી વાર મેં એ લોકો વિષે કાંઈક વિચિત્ર પેપરમાં વાંચેલું અને કાંઈક સાંભળેલું. ત્યારે મારી ભૂલ હશે પણ હું એક જ વાતનો હિમાયતી હતો કે મને આનંદ અને સ્ફૂર્તિ મળે. એ જે કોઈ આપે એ મારે માટે સહજાનંદ.

આ વિષયમાં મારી કેટલી ભૂલો હતી પણ એ મને જયારે એક પવિત્ર અને આનંદનો અહેસાસ કરાવનાર સંતનો ભેટો થયો ત્યારે ખરો ખ્યાલ આવ્યો. હવે વધારે એ વાતમાં જવા કરતા ધ્યાનની વાતોનો અનુભવ કહું કારણ કે એ વાત મને વધારે ગમે છે.

મને ઘસઘસાટ ઊંઘ નહોતી આવતી. મેં તેને માટે કેટલી એલોપથી દવાઓ મારા પેટમાં ધરબાવી. મારું પાચનતંત્ર નબળું હતું. મેં તેને માટે ખુબ મથામણો કરી. મારી ઉગ્ર પ્રકૃતિ હતી. તેને નિયમમાં કરવા મેં અનેક નુસખા અજમાવ્યા. આયુર્વૈદિક દવા પણ મેં મારા પેટમાં ખુબ નાખી. પરંતુ જે મળવું જોઈએ એ તો મળ્યું જ નહી.

મિત્રો! મારે તમારી આગળ નતમસ્તકે એજ વાત કરવી રહી કે જો સાચા ગુરુને એમ થાય કે આ આવેલા સેવકને કે દર્દીને કાંઈક દવા આપવી છે તો જ આવી સફળ દ્વવા મળે છે અને એ સ્વીકારવું જ રહ્યું કે જે ભાવથી મળે છે તે બળથી કે કળથી મળતું નથી.

આ ધ્યાનરૂપી દવાથી મને જે આનંદ મળે છે એ કાંઈક અનોખો જ આનંદ મળે છે. હું લગભગ આખો દિવસ સ્ફૂર્તિમાં તરવરતો હોઉં છું. મને દિવસ દરમ્યાન કોઈ ટેન્શન રહેતું નથી. તો રાતની ક્યાં વાત કરવી? શયન સમયે તો એકદમ ફ્રી અને હલકા ફૂલ જેવો હું પોતાને અનુભવું છું.

આજે તમો જોઈ શકો છો કે ભૌતિક સુખો મેળવવાની લાલસામાં માણસ કેવી ગળાકાપ સ્પર્ધામાં પોતાની જાતને ધકેલી આંતરિક ઉગ્રતનાવમાં પાયમાલ થયો છે. એ માણસને સમજાતું નથી કે જીંદગીમાં ખોટી લાલસાથી અને તનાવથી કેવી હેરાનગતિ આજીવન દરમ્યાન વહોરવી પડે છે.

જે જીંદગીમાં અખંડ તાજગી મળવી જોઈએ. જે જીંદગીમાં મસ્તી હોવી જોઈએ. જે તરવરાટ અને ચંચળતા હોવી જોઈએ. એ તો ક્યાંક ગાયબ થઈ ગઈ હોય છે.

આનંદ કોઈ ભેંકાર રણમાં ગાયબ થઈ ગયો હોય છે. મોજ ક્યાંક અંધારપટમાં સંતાઈ ગઈ હોય છે. પછી તો માણસ બિચારો ક્યાં જાય? એ બિચારો વેદનાના વંટોળમાં ગાયબ જ થાયને!

ચિંતા, ડિપ્રેશન, ખિન્નતા, તનાવ અને ઉપાધિની જંજાળો ચારે બાજુએથી માણસને એવો ઘેરો નાખી દે છે કે તેમાંથી પોતાના પ્રયત્ને તો નીકળી શકાય જ નહી.

મારા આ ધ્યાન માર્ગમાં જોડાયેલી, એક અન્ય વ્યક્તિ છે અને તેણે માઈક્રોબાયોલોજીમાં માસ્ટર ડીગ્રી હાંસલ કરી છે તેણે પણ પોતાની વાત કરતાં એમ જ કહ્યું કે ‘મને ડીગ્રી મળી ત્યારે ખુબ આનંદ હતો. હું કેટલાક દિવસ મારી મસ્તીમાં જ રહ્યો પણ પછી એ આનંદ અને મસ્તી કેમ ગાયબ થઈ એ કાંઈ ખ્યાલ જ ન આવ્યો. એનો ખ્યાલ મને ત્યારે આવ્યો કે જયારે હું આ ધ્યાનમાર્ગમાં સંલગ્ન થયો.’

એ સહધ્યાયી કહે છે કે ‘ગુરુના મિલન પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયથી ધ્યાનના વિષયમાં હું જરાપણ પરિચિત ન હતો પણ આ ધ્યાનયોગના કારણે ઊંડા પરિચયમાં આવવ્યો. આ સંપ્રદાયમાં જે ધ્યાનયોગને મહત્વ દેવાયું છે એ ખરેખર શ્લાઘનીય છે પરંતુ આજ એ ધ્યાનના માર્ગ તરફ જવા બહુ ઓછા પ્રયત્ન કરે છે. આજે ધ્યાનના માર્ગ કરતા દેખાવાના વર્તનો તરફ પ્રયત્ન પાંગર્યો છે. આ માર્ગથી કશુય વળ્યું નથી અને વળશે પણ નહી. મારા અનુભવ પ્રમાણે અને સદગુરુના સંદેશા પ્રમાણે મારે કહેવું જોઈએ કે દરેકને આ ધ્યાનમાર્ગમાં ફરજીયાત સંલગ્ન થવું ઘટે.’

આ ધ્યાનપદ્ધતિને વ્યવસ્થિત માર્ગદર્શન હેઠળ અપનાવવામાં આવે તો આ પદ્ધતિ અતિ ઉપયોગી છે. અનેક સમસ્યા અને ચિંતા, ડીપ્રેશન અને નિરાશાના સકંજામાં રગદોડાતા અશિક્ષિત યુવક વર્ગો અને શિક્ષિત યુવતીઓ ચોક્કસ પોતાની જાતને અનોખા આનંદ સાગરમાં નચાવી શકે.

જિંદગીમાં કેવા કેવા આઘાતજનક પ્રસંગો બનતા હોય છે. એનાથી સૌ કોઈ વતા ઓછા અંશે પરિચિત હશે. આવા અનેક પ્રસંગોમાં શિક્ષિત યુવકો અને શિક્ષિત યુવતીઓ પોતાની માનસિક અસ્થિરતાને કારણે ધીરજ ગુમાવી દે છે અને અમુલ્ય જીવનને ટુંકાવી નાખે છે. જો એમની પાસે સાચા ગુરુ પાસેથી સંપાદન કરેલું એક ધ્યાનનું બળ હોય તો તેમને જિંદગીમાં કાંઈક અનોખી આનંદપ્રદ સુવાસ સાંપડે છે અને પોતાની જાતને સંકટમાં પણ સશક્ત રાખી શકે છે.

જીવનમાં તનાવ, પરેશાની, મુશ્કેલી અને વિટંમણા અનેક સમસ્યા ઊભી કરે છે. એનાથી લોકો જાત જાતની હેરાનગતિ ભોગવે છે. લગભગ દરેકને વતા ઓછા અંશે નોકરીની, ધંધાની, યોગ્ય સાથીની, શારીરિક બીમારીની, કોઈ કઢંગા આકારની, કૌટુંબિક ઉપાધીઓની આમ અનેક સમસ્યાઓ હોય છે. આ સમસ્યાની સામે જીવનમાં ઝઝુમવાનું તો હયો જ! પરંતુ આ લડાઈમાં લડવા માટે વ્યક્તિ પાસે જો આંતરિક શક્તિ અને દ્રઢ મનોબળ હશે તો વિગ્રહમાં પણ આરામ રહેશે અને અંતરમાં કાંઈક મસ્તી હશે. જો આંતરિક બળ નહી હોય તો? હેરાન અને પાયમાલ થવાનું! કમોતે મરવાનું અને જ્યાં ત્યાં ભટકવાનું.

જીવનમાં સંઘર્ષ માટે બળ અને આગળ વધવા માટે કળ જોઇશે એ વાત નક્કી છે અને તે કેવલ એક ગુરુમુખીધ્યાનથી મળશે.

હવે પ્રશ્ન એ છે કે ધ્યાન કેવી રીતે કરવું અને કોનું કરવું? આજે મને એમ લાગે છે કે એની વાત ફરી આપણે મળશું ત્યારે કરીશું.

          

1 COMMENT

  1. jay Swaminarayan
    It will be more better and fruitful if we can get the method of Dhyan from you in next article. this article has created enough awarness regarding Dhyana (Meditation). Thanks.
    Jay Swaminarayan

Comments are closed.