કાયમ યુવાન રહેવા, આમળાનો ઉપયોગ -આયુર્વેદ

Advantage of Amla in Gujarati ayuvedic tips.

      એક દંપતી ચેક અપ માટે આવ્યા ત્યારે  અનેક ફરિયાદો માંથી મુખ્ય ફરિયાદ હતી આખો દિવસ થાક, શારિરીક નબળાઈ, લો ઇમ્યુનીટી, અને વિટામિનની વારંવાર ખામી જણાય છે. તેમનું કહેવું એમ હતું કે કેલ્શિય, મલ્ટી વિટામિન , અનેક મોંઘા હર્બલ ફૂડ સપ્લીમેન્ટ વગેરે અનેક દવાઓ લેવા છતાં લાભ થતો નથી. ૪૦ વર્ષની ઉંમરે વૃદ્ધત્વનો અનુભવ થાય છે. બંન્ને ધર્મમાં આસ્થાવાળા  હતા અને કંઈક અંશે ભજન કીર્તન કરવાવાળા પણ હતા પરંતુ આ શારીરિક ખામીઓને કારણે તેમને જપ સાધાના કરવામાં અને ધર્મકાર્ય કરવામાં કે ધ્યાન ધારણ કરવામાં મુશ્કેલીઓ આવતી હતી. સત્સંગમાં રંગાયેલ હોવાને કારણે જાણતાં હતાં કે સત્સંગ આદિ ઉપાયો માટે પણ સ્વસ્થ શરીર બહુ જરૂરી છે.

      અમારા વિચાર પ્રમાણે અને અનેક આવનારા પેશન્ટોના વિચારો અને તેમનું ચેકઅપ કર્યા પછી સ્પષ્ટ થયું કે આ સમસ્યા આજના સમયમાં 30 – 40 વર્ષ પછી અનેકમાં જોવા મળે છે. એક રિસર્ચ મુજબ કોરોના કાળમાં મલ્ટી વિટામિન, બ્રાન્ડેડ હર્બલ ફૂડ સપ્લિમેંટ, હજારો ટન મોસંબી , સંતરા અને લીબું નું વેચાણ રોકોર્ડ સ્તરે વધી ગયું છે. લોકો ભય અને પૂરતી માહિતીના અભાવે તેમ જ લોભામણી જાહેરાતોથી અંજાઈ ને સ્વાસ્થ્ય અને લાબું જીવવા માટે આવા પ્રોડક્ટ્સ તરફ આંધળી દોટ મૂકે છે ત્યારે કહેવાનું મન થાય કે આપણી હાલત રાજાની રાણી થઈને માંગી ભીખ માગે તેના જેવી સ્થિતિ થઇ ગઈ છે.

      આપણા ઋષિમુનિઓ જાણતા હતા કે સ્વસ્થ શરીર વગર વ્યવહારનું કામ પણ નહિ થઇ શકે તો ભજન સાધના તો દૂરની વાત છે. આથી જ તેમને અનેક મહાન ભેટ માનવ સમાજના કલ્યાણ માટે આપી છે. જેને સમજણ સંપાદન કરીને પછી તેનું સેવન નિત્ય કરવામાં આવે તો લાંબા સમય સુધી યુવાની રહી શકે છે

ભારતાના ઋષિમુનિઓએ માનવ સમાજને અનેક મહાન ભેટ આપી છે. માણસ જો તેનો યોગ્ય ઉપયોગ કરે, તો તે લાંબા સમય સુધી તંદુરસ્ત જીવન જીવી શકે છે.

 

      પ્રકૃતિમાં જે કાંઈ અમૃત પરમાત્માએ આપ્યું છે, એ બહુ સરળ રીતે ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ સમજણના અભાવમાં થતો હોતો નથી. જો આમળાનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો અનેક રોગો સામે રક્ષા મળે છે અને વૃદ્ધત્વ મોડું આવે છે અને થાક બહુ ઓછો લાગે છે. ૧૦૦ વર્ષ સુધી નિરોગી આયુષ્ય મળી શકે છે.

Amla-tree-gujarat-kutch-by-surya-swami

આજે લગભગ ૫૦ રૂપિયે કિલો મળતું આ ફળ એટલે આમળા અ હજારો રૂપિયાના ટોનિક કે ટેબલેટ્સ કે ઇન્જેક્શન  કરતાં પણ વધુ લાભ આપે છે. બસ જરૂરિયાત છે તેને ઓળખી પ્રતિદિન ઉપયોગ કરવાની જરુરીયાત.

કારતક માસની શરૂઆતમાં જ આવતા આમળા આજના સમયમાં અમૃત ફળ કહી શકાય. આમળાને મહર્ષિ ચરકે દીર્ઘાયુષ્ય માટે શ્રેષ્ઠ કહ્યું છે.

આમળા(Amla) સ્વભાવે ઠંડા છે અને પાચન શક્તિ (જઠરાગ્નિ), પિત્ત, વાયુ ને ઠીક કરી શરીરના દરેક અંગ અને કોષો ને નવચેતન આપનાર છે. ખાસ કરીને આંખ, લીવર, કિડની , મૂત્રાશય, ત્વચા, વાળ વગેરે માટે ઉત્તમ છે. તેનું સેવન લોહીની ખામી , પેટના રોગો, એસીડીટી , બળતરા, ડાયાબિટીસ વગેરેમાં લાભદાયી છે.

આમળા તો સ્ત્રીઓના સાચા મિત્ર છે. નાની બાળાઓને ગરમીની ફરિયાદથી લઇને સ્ત્રીઓને માસિક સંબંધી દરેક સમસ્યાઓમાં આમળા બહુ ઉપયોગી છે. આમળા તો બીજી કોઈ પણ દવા કરતા ઝડપી લાભ આપે છે. નાના મોટા દરેક રોગોમાં આમળાનો રસ, મધ, હળદર, આદુ, સાકર વગેરે માંથી કોઈ સાથે મેળવીને લેવાય છે પણ તેમાં વૈદ્યની સલાહ અનુસાર પ્રયોગ કરવો હિતાવહ છે. તો અવશ્ય મોટો લાભ થાય છે.

આમળાના કેટલાક સરળ પ્રયોગો આયુર્વેદમાં આપેલા છે કે જે સામાન્ય રીતે દરેક વ્યક્તિ કરી શકે છે. જેમાં કે:

  • તાજા આમળાના રસમાં સાકાર ઉમેરીને લેવાથી આંખનું તેજ વધે છે અને લોહીની ગરમી ઘટે છે, મોઢામાં ચાંદા  પડ્યાં હોય તે મટી જાય છે, વાળ ખરવા લાગે તો તે અટકે છે, આ રીતે અનેક પ્રકારે આમળાનો લાભ છે.
  • આમળાના રસમાં થોડી હળદર નાખીને લેવાથી મૂત્રાશય અને કિડનીના રોગોમાં લાભ થાય છે.
  • આમળા ને સિંધાલુણ નિમક અને હળદર વાળા પાણી સાથે સુકવણી કરીને રાખવાથી તે પેટ નો આફરો અને વાયુ તેમ જ મળની કબજિયાત મટાડે છે.

તાજા આમળા બારેમાસ સેવન કરવાં હોય તો તેને નીચેની સરળ રીતે પ્રમાણે સાચવણી કરી શકાય છે:

amla-advantage-gujarati-by-dr-visgal-pandya

  1. સારા મોટા અને લાલાશ પડતા લીલા આમળા લાવી તેમાં સોયા વડે ઠળિયા સુધી ટોંચા મારી, કાણા પાડી દેવા.  પછી તરત તેને ચૂનાના નીતર્યા પાણીમાં એક કલાક પલાળી રાખવા. પછી કાઢી ઉકળતા પાણીમાં નાખીને બાફવા. થોડા બફાઈ જાય એટલે બહાર કાઢી કોરા કરી લેવા.
  2. આમળા બફાતા વધેલા પાણીમાં જરુર મુજબ પાણી અને સાકાર ઉમેરી ચાર તારની ચાસણી કરી લેવી.
  3. હવે આ ચાસણીમાં પેલા બાફેલા કોરા કરેલા આમળા નાખી દેવા.
  4. આ રીતે સાચવેલા આમળા ૩ થી ૪ વર્ષ બગાડતા નથી. રોજ એકાદ બે આમળાનું સવારે નરણા કોઠે સેવન કરવાથી વૃદ્ધત્વ મોડું આવે છે અને શરીરમાં નવયુવાન જેવું ચેતન રહે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સાથે સાથે સ્ત્રીઓને વધુ માસિક આવવું કે ગર્ભાશયમાં ગરમીના રોગો ઘમા દૂર થાય છે.

નીચેના રોગોમાં વૈદ્યની સલાહ અનુસાર આમળાનું સેવન કરવું, વધારે હિતાવહ છે.

      આમળા અતિશય ઠંડા હોવાથી કફ પ્રકૃતિ વાળા અને કફના રોગો, જેમને ખાટશ લેવાથી સાંધા દુખતા હોય કે સાંધાના વા ના રોગ હોય કે સ્ત્રીઓને માસિક ઓછું આવતું હોય અને વજન વધતું જતું હોય તો વૈદ્યની સલાહ લઈને તનો ઉપયોગ કરવો.

      કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં આમળાના સેવનથી શરીરને નિરોગી અને નવયુવાન રાખી શકાય છે. બજારમાં તૈયાર વેચાતા આમળાના રસ, ગોળીઓ કે અન્ય બનાવટો સારી હોય છે પરંતુ એ સર્વે કરતાં આપણા હાથે બનાવેલ અને સુકવણી કે અન્ય બનાવટ કરીને ઉપયોગ કરીશું તો ઓછા ખર્ચમાં અનેક ગણો લાભ થશે.

Previous articleયજ્ઞથી જ સર્વેને સુખ મળે
Next articleકાર્યની સફળતા અને નિષ્ફળતાનો આધાર
ડો. વિશાલ સૂર્યકાન્ત પંડયા એમ.ડી. આયુર્વેદ. ગાંધીધામ.
વિશાલ ભાઈ એ જામનગર આયુર્વેદ યુનિવર્સીટીમાં આયુર્વેદ એમ. ડી. સુધીનો સંપૂર્ણ કર્યો છે. છેલ્લાં 10 વર્ષ થી ગાંધીધામ ખાતે પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવે છે. શરીરના જટિલ રોગો માટે પંચકર્મ તેમ જ આયુર્વેદ સારવાર ઉપરાંત સ્ટ્રેસ (માનસિક તણાવ) ને કારણે થતી મુશ્કેલીોના નિવારણ માટે ખાસ યોગ ધ્યાન વર્કશોપ ચલાવાય છે. આ હોસ્રિટાલ દ્વારા ઉત્તમ સારવાર આપવામાં આવે છે. લોકો ને આયુર્વેદ ની સાથે યોગ અને અધ્યાત્મ ને જોડી શરીરનું સુખ અને મનની શાંતિ આપવામાં આવે છે. મોટા મહર્ષિઓએ બતાવેલાં સ્થાનોમાં જઈ ધ્યાન ચિંતવન કરવું અને વૈદકીય સિદ્ધ ગ્રંથોનું વાંચન ચિંતન કરવું વિશેષ ગમે છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વચનામૃત પ્રિય ગ્રંથ છે.

1 COMMENT

Comments are closed.