હિન્દુઓનું એક મહત્વનું અને પવિત્ર તીર્થસ્થળ એટલે અમરનાથ. તે શ્રીનગરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિમી. દુર સમુદ્રતટથી ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઉંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે, અને તે ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ પણ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.
અહીંની મુખ્ય વિશેષતા એ છે કે પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે તેને સ્વયંભૂ હિમાની શિવલિંગ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં પ્રાકૃતિક અને પવિત્ર હિમલિંગ દર્શન માટે અહીં લાખો લોકો આવે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ઉપરથી ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના સંપૂર્ણ આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે.