શ્રેય આપણા હાથમાં પરંતુ

0
490
શ્રેય આપણા હાથમાં પરંતુ

માત્ર સ્કુલની ડીગ્રીઓ પ્રાપ્ત કરવાથી વાન અને શાન બદલાતા નથી. સત્સંગની કહેવાતી પદવીથી પણ તેમ જ હોય છે. હું પુરાણી થઈ જાઉં એટલે પુરાણમાં પારંગત! હું શાસ્ત્રી થઈ ગયો એટલે શાસ્ત્રાર્થ કરવાનો મને પુરેપુરો હક મળી ગયો! ખરું ને?

જો જોવા પ્રયત્ન કરીશું તો બાહ્ય દેખાવ અને ખોટો આટા ટોપ કડવી વેલની માફક મારા તમારામાં પાંગરતો દેખાશે પરંતુ આંતરની એક મીઠી અમૃતની વેલ મુરઝાતી હશે એ સ્પષ્ટ દેખાશે.

ખરા અર્થમાં સાધકોએ પોતાના અંતરમાં મીઠી અમૃતની વેલને પોષવી જોઈએ અને તેનો આનંદ લુંટવા મહેનત કરવી જોઈએ. એમ કરવામાં કદાચ જીવનમાં સંગ્રામ ખેલવો પડે તો ખેલવા પ્રયત્ન કરવો જોઈએ પણ જો શ્રેય પ્રાપ્ત કરવા સંગ્રામ ન ખેલીએ અને પોતાના ધૈર્યને ખોઈએ તો જીવનમાં નહી સુગંધ આવે, નહી સ્વાદ આવે, નહી સુખ આવે અને નહી સંપત આવે.

વ્યક્તિએ માર્ગમાં આગળ વધવાનો અને પ્રગતિ કરવાનો વિચાર કદી મોળો પડવા ન દેવો જોઈએ. એ માર્ગ પછી આત્મીયતાનો હોય કે ભૌતિકતાનો હોય, ધર્મનો હોય કર જ્ઞાનનો હોય અને પંચવિષયનો હોય કે ષટિવષયનો હોય. જીવનમાં પસંદ કરેલા પોતાના કોઈ પણ માર્ગથી ચલિત ન થવું એ વધારે મહત્વનું છે. પસંદ કરેલો માર્ગ જો સેવાનો હોય તો તેથી કદી પણ પરાંગ મુખ ન થવું કારણ કે સેવાનો માર્ગ તો સૌથી શ્રેષ્ઠ અને નિર્દોષ માર્ગ છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એક દિવસ એમ કહેલું કે સેવાનો માર્ગ જીવનમાં અપનાવવો એ જીવનનું પરમ શ્રેય છે. આ લોકની ભુક્તિ અને પરલોકની મુક્તિ બોલવામાં સરલ પરંતુ અપનાવવામાં કઠોર એવા સેવાના માર્ગને જીવનમાં ચરિતાર્થ કરવાથી જ મળે છે.

શાસ્ત્રો કહે છે કે સિદ્ધ સાધકોની રીત અને રસમ સમજવા જતાં ક્યારેક હલવાઈ ન જવાય, ભટકાઈ ન જવાય એ ધ્યાન દેવું વધારે મહત્વનું છે પરંતુ તેના કહેવા પ્રમાણે કરવા જતા જીવનમાં દરેક કામ સિદ્ધ થઈ જાય છે. માટે જીવનમાં જેની શરણાગતી સ્વીકારી હોય તેના કહેવા પ્રમાણે કરવામાં અને તેની અનુવૃતી સાચવવામાં આજીવન અનેરો આનંદ મળશે ઉપરાંત ભૌતિક સુખ તેમ જ અભૌતિક સુખ તો સહેજે મળશે જ.

વ્યક્તિમાં નિષ્ઠા નથી હોતી અને સદગુરુના વચનમાં આત્મીયતા નથી હોતી તો કેવી હેરાનગતી થાય છે અને શ્રેય કેમ શ્રવી જાય છે, એ સમજવા માટે એક ઉદાહરણ જોવું વધારે મહત્વનું છે. મિત્રો! આ એક સામાન્ય સેવકનું ઉદાહરણ છે છતાં આ ઉદાહરણ તમને પણ એટલું જ સ્પર્શતું જશે જેટલું મને સ્પર્શે છે પરંતુ જો તમો ઓછા સજાગ હશો  તો ખરો ખ્યાલ નહી આવે અને હાથમાંથી વાત સરકી જશે.

ભયંકર માયાવી ભૂકંપની મોહજાળમાં લપટાતા એક સાધક હતાશામાં ફસાઈ ગયો. વિચારોના વમળમાં વલોવતા વલોવતા મહામહેનતે તે સેવક કોઈ એક પવિત્ર સંત પાસે પહોચ્યો.સંતે તે સાધકને કહ્યું કે આમ જીવનમાં ક્યાં સુધી ભટકીશ? હવે તો ક્યાંક અટક!

મહારાજ! કોઈ દિશા દેખાતી નથી. ચારે બાજુ ઘોર અંધારું દેખાય છે. કેમ ડગલાં માંડુ? કેમ આગળ વધુ? કેમ અટકું? કોઈ સાથ કે સથવારો, સહકાર કે આત્મીયતા આપવા તૈયાર દેખાતું નથી! શું કરવું એજ મને સમજાતું નથી!

મહારાજે કહ્યું કે તું આંખ બંધ કરી,વગર વિચારે પૂર્વસિદ્ધમાર્ગમાં ચાલ્યો જ. ધોરી માર્ગ આવી જશે. પછી બન્ને સાઈડોમાં ફોકસ ઝગમગતા દેખાશે. ઠેક ઠેકાણે પાણીની પરબો આવશે. થોડે થોડે અંતરે વિશ્રાંતિ ભુવન આવશે. નાસ્તા અને ભોજન માટેની કોઈ જ પરવા નહી કરવી પડે. પરંતુ ……તારી કાચી વાટમાં વિઘ્ન હજારો આવશે તો! તે તું ધ્યાન રાખજે! એ છેલ્લા વાક્ય સાધકે સાંભળ્યા ન સાંભળ્યા અને થયો વેગથી રવાનો! સદગુરુને થી નમસ્કાર કરવાનું પણ યાદ ન આવ્યું!

મહારાજે કહેલા શબ્દોને વિચાર્યા વગર કેવલ પૂર્વ નામની કોઈ દિશામાં ચાલતો થયો! જોયું નહી કે વિચાર્યું નહી કે પૂર્વ એટલે દિશા કે પ્રગતિ? સીધ્ધોનો માર્ગ કે લૂખા માણસોનો?

ચાલતા ચાલતા શરીર થાક્યું. મનની નિર્બળતા છતી થઈ ગઈ. પોતાની જાતને જ મન ખંખેરવા લાગ્યું કે હજુ કેટલે જઈશ? આટલા આટલા દિવસો પસાર થઈ ગયા તો પણ કોઈ છેડો દેખાતો નથી. એ મહારાજ કોઈ ધુતારા ભટકાઈ ગયા લાગે છે! હવે જો નહી અટકું તો પછી પાછું પણ નહી આવી શકાય. અહી થોડી વાર વિશ્રામ કરવા દે!

માર્ગદર્શકના દોષો અંતરમાં ઉજાગર થયા. એ મહાત્મા નહી કોઈ પાખંડી કે કપટી આચાર્ય ભટકાઈ ગયો. પવિત્ર નહી પણ ભ્રષ્ટ અને ભટકતો કોઈ ચાલાક ભેટી ગયો.

એક સુકેલા ઝાડને ટેકે નિરાશાના આંસુઓ સારવા લાગ્યો ત્યારે અચાનક એક મહાપુરુષે આવીને ખંભા ઉપર હાથ રાખી કહ્યું કે ‘કોને રવાળે ચઢી ગયો? કોની વાત તે સાંભળી? જરા વિચાર તો કરવો હતો! આમ વિશ્વાસ કરાય? વિશ્વાસનું લક્ષણ તો પ્રથમ સમજવું જોઈએ પછી વિશ્વાસનો રસ્તો અપનાવાય.

મહારાજ! મને કાંઈ ખબર જ ન હતી. હવે વિશ્વાસની ખબર પડી. હવે જેમ તમે કહો તેમ કરું. મને મનમાં એમ કે માર્ગદર્શક બધા સારા હોય છે.

પાછો વળ. તારી દિશા જ ઉલટી હતી. આમ વધીએ તો તો કાંઈ જ ન મળે. વ્યવસ્થિત માર્ગમાં આગળ વધીએ તો જ અમૃતની પ્રાપ્તિ થાય.

અરે મહારાજ! મને એક પાગલ ગુરુ ભટકાઈ ગયો અને તેના વિશ્વાસે આમ હું હલવાયો.

તેણે પ્રયાણ કર્યું ફરી પાછું! પૃથ્વીની ઉત્તર દિશામાં પોતાના અર્ધસંકલ્પે પ્રયાણ કર્યું. અરે! ભૂતકાળમાં પ્રયાણ કર્યું હોત તો કાંઈક મળત. તેણે પ્રયાણ કર્યું ઉત્તર દિશાના માર્ગ ઉપર ચાલવાનું!

જીવનની ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું હોત તો ઘણું મળ્યું હોત! કોઈ એક સંતની ઉત્તર અવસ્થામાં નિષ્ઠા રાખી પ્રયાણ કર્યું હોત તો વર્ષો પછી પણ કાંઈક અવશ્ય મળ્યું હોત.

નિષ્ઠાથી વિચલિત થતા પથિકો એક ધ્યેયને પણ હાંસલ કરી શકતા નથી. સંતો કહે છે કે,

‘સંસારે મરજીવા મિત્રો! દુ:ખસાગરમાં મહાસુખ માણે |

અમર નિષ્ઠા છે મરજીવાની, મંદમતિ જન કદી ન જાણે ||’

ઉત્તર દિશાથી હેરાન થઈ ફરી પાછો મૂળભૂત જગ્યાએ જવા વિચાર કર્યો.

આગળ સારું મળશે એવી આશામાં ભટકતું ઢોર સાંજ સુધી ખાધા વિના ભૂખ્યું જ રહી જાય છે. કોઈ માર્ગે જવું નહી અને જવું તો પસંદ કરેલા માર્ગથી વિચલિત થવું નહી. માર્ગ ભલે કાદવથી ખદબદતો હોય પણ અચલ નિષ્ઠા ભગવાનને પણ મજબુર કરી શકે છે. નિષ્ઠા ડગમગતી હોય તો ભગવાન પણ કદી કાંઈ આપી શકે નહી. તો સંત કેમ કાંઈ આપી શકે?

પહેલા જ્યાંથી પ્રયાણ કરેલું ત્યાં જવા ડગમગતો નિરધાર કર્યો! જેને પોતે ધુતારા મહારાજ માન્યા હતા, ફરી તેની પાસે જઈ પોતાની વાત કરવાનું મનમાં રાખ્યું. જેના વિષે અંતરમાં જેટલા સુજ્યા તેટલા દોષ લીધા અને હવે ફરી તેની પાસે જવા ઇચાર્યું. કેવું વિચિત્ર વર્તન એ માનવનું કહેવાય?

તે વ્યક્તિ મહા મહેનતે મૂળ સ્થાને પહોંચી પરંતુ ત્યાં કાંઈ જોવા ન મળ્યું! મહારાજનો મઠ નહી, બગીચો નહી, શિષ્યવર્ગ માટેના કોઈ આરામગૃહ નહી. અરે! કાંઈ જ નહી!

અરે! હવે ક્યાં જાઉં? આગળ તો કાંઈ નહી હોય. આગળ ભયંકર જંગલ હશે તો? કોઈ માણસ જ નહી હોય તો? પીવાનું જળ જ નહી મળે. મને આગળ ધકેલી પોતે ગાયબ! નથી જાઉં આગળ. હવે તો મારે બરાબર જોઈ વિચારીને જ આગળ વધવું છે.

અરે! તમે આટલું ભણેલા, આટલા હોશિયાર અને આટલું કમાયેલા છતાં આમ જેના તેના ઉપર વિશ્વાસ રાખી ચાલવા માંડ્યું? થોડો તો વિચાર કરવો હતો….એક સાધવીના વેશમાં કોઈ એક બહેને સામેથી આવીને ટકોર કરી.

હવે તમે જ સાચો રસ્તો બતાવો. મારી ભણતરે મને માર ખવરાવી. મારા ડહાપણે જ મને માર દીધી. મેં એમ માન્યું કે ભણતરનો કે ડાહપણનો ક્યાંય ઉપયોગ કરવો નહી. જેમ અનુભવી કહે તેમ કરવું. મેં એને તો માત્ર ડીગ્રી લેવા માટે જ કામે લગાડી.

સાધવીએ કહ્યું કે મારા ઉપર વિશ્વાસ રાખી તારા ઘેર જ અને એક સ્થળે એક નિષ્ઠાથી તારા અંતરમાં જોવાનો પ્રયાસ કર.

ફરી ચડ્યો રવાળે. હવે તો શરીર પણ થર થર ધ્રુજવા લાગ્યું. શરીરથી કંટાળેલો તે સિદ્ધોને ગાળો ભાંડવા લાગ્યો. મુર્ખાઓ બની બેઠેલા સિધ્ધો લોકોને રવાળે ચઢાવી પોતે ક્યાંના ક્યાંય ગાયબ થઈ જાય છે. કોઈ ભોળી યુવતીને ઉપાડી ગૃહસ્થ બની જાય છે.

મારા જેવા હોશિયાર લોકો જો એના વચને હલવાઈ જાય તો ભોળાની અને વિશ્વાસુની શું હાલત થતી હશે? એ બિચારાનો કેવો દુરુપયોગ એ ધુતારાઓ કરતા હશે? હવે સાધવીઓને અને સંતોને અને આચાર્યોને દરેકને ગાળો ભાંડવા લાગ્યો. પવિત્ર સાધકોને ગાળો ભાંડી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો! હે ભગવાન! હવે તો મને બચાવ! હવે તો કોઈ સંત બતાવ કે જેના વચને રહી મારા જીવનને ઉત્તમ બનાવું.

હવે તો અંતરમાં પણ ચોમેર ગાઢ અંધારું, વેરાન પ્રદેશ, પહાડ અને ભેખડ, અને એ પણ સુમશાન! કાંઈ અવાજ કે કલરવ નહી! જ્યાં સાવ ભાંગી પડ્યો, અંતરમાંથી ઉંહકારા નીકળવા લાગ્યા અને સંસારી કોઈ પણ સમીપમાં રહ્યું નહી, પોતાના માનેલા ખસકી ગયા, ત્યાં પણ ભગવાન ન આવ્યા.

જેને ગાળો ભાંડી હતી, જેના વિષે જેમ તેમ ધાર્યું હતું તે ત્રણેય સિધ્ધો સામે દેખાયા! ત્રણેય સીધ્ધોએ કહ્યું તને જેણે જેણે કહ્યું તેના વચનમાં જ તને વિશ્વાસ ન હતો, ભાઈ! તારી જાત ઉપર પણ તને વિશ્વાસ ન હતો.

કદાચ સ્વયં ઈશ્વર તત્વ તારી સમક્ષ ઉપસ્થિત થાય તો તેના વચનમાં પણ તને વિશ્વાસ ન બેસે કારણ કે તને સોંપાયેલા માર્ગમાં તને સફળતા છે એનો તને જરા પણ વિશ્વાસ ન હતો અને હજુ પણ નથી.

ભગવાન તારી સમક્ષ ઉપસ્થિત હોય તો પણ તું તેને નિહાળી ન શકે કારણ કે તને હજુ કોઈ પવિત્ર આત્મા ઉપર, કોઈ સંત ઉપર વિશ્વાસ નથી, શ્રધ્ધા નથી અને તેના કહેવા પ્રમાણે કરવામાં તારી અટલ દ્રઢતા નથી.તને કેવલ શ્રધ્ધા છે માત્ર ભટકતા લોકો ઉપર! તને બીક છે કેવલ તારા પડોશીની! તને આસ્થા છે કેવલ તારા ધુતારા નાતીલાઓમાં!

ઓ! મહારાજ! મારી આંખ હવે ઉઘડી. ત્યારે મહારાજે કહ્યું હજુ ઘણી વાર છે. તું કોઈ સિદ્ધ સાધક તારું શ્રેય તારા હાથમાં આવતાં પણ સરકી જશે! જ્યાં સુધી તારી જ્યોતની તને પહેચાન ન થઈ હોય ત્યાં સુધી તને એમ જ લાગશે કે મને હવે જાણ થઈ ગઈ છે, મને હવે ખબર પડી છે.

તું સો વખત ફેઈલ થઈશ તો પણ તને ફરી એમ જ થશે કે મને હવે ખરી વસ્તુની ઓળખ થઈ પરંતુ ત્યારે પણ તારી ભૂલ જ હશે. સારું એ છે કે ભલે નિષ્ફળ થવાય પરંતુ એમાં ન દેખાતી સફળતા બહુ અનોખી અને મહાફળ અપાવનારી છે એ વાતનો મનમાં પાકો નિશ્ચય કરી લેજે.અને જેનું શરણું લીધું એ શરણું વાર વાર બદલાવું નહી અને તેના વિષે જેમ તેમ કહેવું સાંભળવું નહી. પંચવિષય ગળાડુબ સંસારીઓ પણ ભોગવે છે અને પવિત્ર સંતો પણ ભોગવે છે.

જા, હવે જા. આ જન્મ તો પૂરો થવા આવ્યો પણ આવતી વેળાએ ધ્યાન રાખવાની પ્રતિજ્ઞા આજથી પ્રારંભ કરી દેવી જેથી ફરી એનું સ્મરણ દ્રઢ રહે.