નરનારાયણદેવના ૧૯૧માં પાટોત્સવ પર્વે અર્ચા સ્વરુપની ઉપાસના એ અધ્યાત્મ માર્ગનું પ્રથમ પાદ

0
365
નરનારાયણદેવના પાટોત્સવ

દરેક મનુષ્ય અન્ય વસ્તુ, પદાર્થ, સ્થાન, વ્યક્તિ, પશુ કે પક્ષી પ્રત્યે અલગ અલગ અભિગમ ધરાવે છે. માનવીના આ સ્વતંત્ર અભિગમનું દર્શન શાસ્ત્ર અને પરમાત્માના સંદર્ભમાં જોવા મળે છે. સનાતન વૈદિક સંસ્કૃતિમાં વેદની શ્રુતિઓ અને ભાગવતાદિક સત્શાસ્ત્રોમાં આર્ષદૃષ્ટાઓનો પરમાત્માના સ્વરુપ અંગેનો અભિગમ સર્વાંશે સત્ય છે. પાંચરાત્રાગમમાં ભગવાન સ્વયં પોતાના પાંચ રુપની સ્પષ્ટતા કરતા કહે છે,

“મમ પ્રકારાઃ પંચેતિ પ્રાહુર્વેદાન્તપારગાઃ । પરો વ્યૂહશ્ચ વિભવો નિયન્તા સર્વદેહિનામ્‌ ।।
  અર્ચાવતારશ્ચ તથા દયાલુઃ પુરુષાકૃતિઃ ।ઇત્યેવં પંચધા પ્રાહુર્માં રહસ્યવિદો જનાઃ ।।”

તેમજ આ સંદર્ભે શુક્લ યજુર્વેદના શાંતિમંત્રમાં પરમાત્માના પર,અન્તર્યામી,વ્યૂહ, વિભવ અને અર્ચા એમ પાચ રુપનું સ્પષ્ટ નિરુપણ થયેલ છે.

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્‌ પૂર્ણમુદચ્યતે । પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।।

ૐકારથી પરબ્રહ્મ પરમાત્માનો નિર્દેશ થયો છે. પૂર્ણમદઃ શબ્દથી પરમાત્માનું અનંતકોટી નિત્ય મુક્તો દ્વારા સેવાયેલ પરમધામસ્થ પર સ્વરુપ એ પૂર્ણ છે એમ શ્રુતિ નિર્દેશ કરે છે. પૂર્ણમિદં દ્વારા પરમાત્માનું “ઇશાવાસ્યમિદં સર્વં”અર્થાત્‌ અણુ અણુમાં વ્યાપીને રહેલ પરમાત્માનું અંતર્યામી રૂપ પૂર્ણ છે અને પૂર્ણાત્‌ પૂર્ણમુદચ્યતે દ્વારા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયના કાર્યરુપ પરમાત્માનું વાસુદેવ,સંકર્ષણ,પ્રદ્યુમ્ન અને અનિરુધ્ધ એમ ચતુર્વ્યુહાત્મકરૂપ પૂર્ણ છે. તથા પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા તેમજ કષ્ટ થકી ભક્તનું રક્ષણ કરવા પરમાત્માનું પૃથ્વી પર અવતાર ધારણ કરવારૂપ વિભવ સ્વરૂપ પણ પૂર્ણ છે. જ્યારે પરમાત્મા ભક્તના મનોરથ પૂર્ણ કરી પૃથ્વી પરથી પોતાના સ્થૂળ દેહને અદૃશ્ય કરે ત્યારે પરમાત્મા મૂર્તિરૂપે અર્થાત્‌ અર્ચારૂપે અનંતકાળ સુધી ભક્તોના મનોરથ પૂર્ણ કરતા રહે છે એ અર્ચા સ્વરુપ પણ પૂર્ણ છે.

ઇશ્વરના પર,અન્તર્યામી અને વ્યુહ આ ત્રણ સ્વરુપોનું દર્શન માનવચક્ષુ વડે થઇ શકતું નથી અને ભક્તિથી નીતરતા હૈયા વાળા મહાપુરુષોની અનુભવી આંખ જ પારખી શકે એવું પરમાત્માના અવતારરૂપ વિભવ સ્વરૂપ અત્યારે પૃથ્વી પર દૃષ્ટિગોચર નથી. જ્યારે ભગવાનનું અર્ચા સ્વરુપ તો માનવમાત્ર માટે સદાકાળ દૃષ્ટિગોચર રહે છે. ચર્મચક્ષુથી પણ દર્શન થઇ શકે એવા ભગવાનના મૂર્તિ સ્વરુપમાં પ્રત્યક્ષપણાનો ભાવ આવે તો  જ પૂજન, અર્ચન, મંત્રજાપ કે વ્રતઅનુષ્ઠાનની સર્વાંશે સિધ્ધિ થાય છે. અર્ચા સ્વરુપની ઉપાસના એ અધ્યાત્મ માર્ગનું પ્રથમ પાદ છે. આમ વ્યક્તિને આત્મ ઉત્કર્ષ સાધવા પરમાત્માના અર્ચા સ્વરુપનું સેવન અનિવાર્ય છે.

શાસ્ત્રોમાં પાષાણ,કાષ્ઠ,ધાતુ,છાપ,ચિત્રામણ,રેતી,મનોમય અને મણિમય એમ આઠ પ્રકારની મૂર્તિને માન્ય ગણી છે. મૂર્તિ ભલેને ધાતુ કે પાષાણ કે ચિત્રામણની હોય પણ જ્યારે શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક મંત્રોચ્ચારથી ભગવાનનું આહ્વાન કરવામાં આવે ત્યારે તે ધાતુ કે પાષાણાદિક મટી ભગવાનનું પ્રત્યક્ષ સ્વરુપ બની જાય છે. જેમ કે કોઇ પણ સો-પાચસો કે હજાર રૂપિયાની નોટ હોય તે મૂળભૂત તો એક કાગળ છે પણ જ્યારે તેમાં સરકાર માન્ય નિશ્ચિત છાપ કે ચિત્રાકૃતિ કે ગવર્નરની સહિ જેવા અન્ય વિશિષ્ટ લાક્ષણિકતાઓનો ઉમેરો કરવામાં આવે ત્યારે તેનું મૂલ્ય કાગળનું મટી હજાર રૂપિયામાં થાય છે. એજ રીતે મૂર્તિ પણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વકના વૈદિક મંત્રોચ્ચાર બાદ ધાતુ કે પાષાણ કે ચિત્રામણ ન રહેતા સાક્ષાત ભગવાનનું પ્રત્યક્ષ સ્વરુપ બને છે.

અર્ચારુપે રહેલા ભગવાનને જોતાં ક્યારેક મન અનેક તર્ક-કુતર્ક કરી સાધનાના માર્ગ થકી વિચલિત કરી દે. ભગવાનના અર્ચા વિગ્રહનું મૌન, તેમની સ્થિરતા, તેમના શૃંગાર કે તેમના પર બેઠેલ જીવ-જંતુને જોઇ ઘડીક તો વ્યક્તિ વિચારમાં પડી જાય. બીજી તરફ અનંત લોકોએ પરમાત્માની પ્રત્યક્ષ સન્નિધિના અનુભવેલ પ્રસંગો પણ સત્ય છે. નિષ્પક્ષભાવથી જોઇએ તો ખ્યાલ આવે કે જ્યારે ભગવાન અર્ચારુપે વિરાજમાન થાય છે ત્યારે તે ભક્તોને પોતામાં રહેલા અનંત ગુણો પૈકી ધૈર્ય, સ્થિરતા, મૌન વગેરે જેવા ગુણોનું દર્શન કરાવે છે, જે માનવીને સુખાકારી માટે જીવનમાં કેળવવાના મહત્વના ગુણોને આચરણથી બોધ આપે છે.

વાસ્તવિકતા તરફ દૃષ્ટિ કરીએ તો મૂર્તિની પ્રતિષ્ઠા કરનારનો ભાવ અને આંતરિક દિવ્ય ગુણોરૂપી શક્તિને અનુરૂપ પરમાત્મા એ મૂર્તિમાં રહ્યા થકા ઐશ્વર્ય અને સામર્થ્યનો અનુભવ અન્ય દર્શનાર્થી ભક્તોને કરાવે છે. બીજી તરફ દરેક સાધકનો ભાવ પણ પરમાત્માના અર્ચાવિગ્રહ થકી પ્રાપ્ય આનંદમાં જોવા મળતી ભિન્નતાનું કારણ છે.પરમાત્માને વિશે શ્રધ્ધા અને દૃઢ વિશ્વાસના અભાવમાં દર્શકને કેવળ નિરાશા જ મળે છે. આથી તો કહેવાયું છે કે,

“ભાવેષુ વિદ્યતે દેવસ્તસ્માદ્‌ ભાવો હિ કારણમ્‌ ।।”

સાધકને અધ્યાત્મ માર્ગમાં પ્રથમ અર્ચા વિગ્રહના સેવનથી તે સ્વરુપમાં જ્યારે મનની વૃતિઓ સ્થિર થાય ત્યારે સમયાંતરે અર્ચારૂપે સેવન કરાયેલ અવતારનો તેને સાક્ષાત્કાર થાય છે. એમ ક્રમશઃ વ્યૂહ,અંતર્યામી અને પર સ્વરુપનો સાક્ષાત્કાર થાય છે. જે મીરાબાઇ કે નરસિંહ મહેતા જેવા ભક્તોના જીવન પર દૃષ્ટિ કરીએ ત્યારે સ્પષ્ટ જોવા મળે છે. મીરા કે નરસિંહ કે અન્ય ભક્તોને પ્રથમ મૂર્તિ અને પછી તે અવતાર સ્વરુપનો સાક્ષાત્કાર થયેલો જોવા મળે છે.

જે અર્ચા સ્વરુપની પ્રતિષ્ઠા સ્વયં ભગવાને કરી છે, એ નરનારાયણ ભગવાનનું સેવન નિર્મળ ભાવથી કરવાથી સહજતામાં પરમાનંદની અનુભૂતિ થઇ હોય એવાં ભુજનાં સાંખ્યયોગી સુરજબા અને અક્ષરજીવનદાસ સ્વામી જેવા અનેક સંતો-ભક્તોના પ્રસંગોથી આપણે કદાચ વાકેફ હોઇશું. તત્કાળ સર્વે મનોરથ પૂર્ણ કરનાર અને સહજમાં શાંતિ આપનાર નરનારાયણ ભગવાન અને રાધાકૃષ્ણ ભગવાન અને ઘનશ્યામ મહારાજ અને સહજાનંદ સ્વામીના દર્શન માત્રથી માનવી પરમધામને પામે છે.