શિક્ષક પાસે એક વિદ્યાર્થી

0
1006
શિક્ષક પાસે એક વિદ્યાર્થી
સાધુનાં કપડાં પહેરવાં સરલ છે પરંતુ સાધુતા આવવી ઘણી કઠણ છે.

સાધુનાં કપડાં પહેરવાં સરલ છે પરંતુ સાધુતા આવવી ઘણી કઠણ છે. ભણવું પડે એટલે સાધુ પાસે ચાલ્યા જવું કે કામ કરવું પડે એટલે સાધુ પાસે ચાલ્યા જવું કે જમવાનું સારું સારું મળે એટલે સાધુ પાસે ચાલ્યા જવું અથવા ઘણા સ્થાનોની મુલાકાત લઇ શકાય એટલે સાધુ પાસે ચાલ્યા જવું કે આવા કોઈ હેતુથી સાધુ થઇ જવું એ અતિ નિંદનીય કાર્ય છે. ઉપરના કોઈ એક હેતુથી કોઈ વ્યક્તિ સાધુ થશે તો તે થયેલા સાધુ, જો તે એજ સમજણમાં રહેશે તો તે સમાજને કે પ્રજાને ખોટી રાહે દોરશે. વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ આવા ક્ષુલ્કહેતુલક્ષી બનેલા સાધુઓને નિષ્કુળાનંદકાવ્યમાં વચનવિધિ ગ્રંથમાં બરાબર ખખડાવ્યા છે.

ભગવાન સ્વામિનારાયણ રાજગાદી પર બિરાજમાન થયા ત્યારબાદ લોક હિતાર્થે પ્રભુએ કચ્છમાં પધરામણા કરવાનું નક્કી કર્યું. એ સમયનો આપણે પ્રસંગ જોઈએ.

નિષ્કુળાનંદ સ્વામી મોટી સુથારની કોડ ચલાવતા હતા. ગામમાં સ્વામીનો પ્રભાવ અને પ્રતિષ્ઠા હતી. સ્વામી સર્વદા સાનુકુળ રહેનારી અપ્સરા જેવી પત્ની પરણ્યા હતા.સદા મુસ્કાન આપતી પ્રેયસીએ સિંહ જેવાં બે બે સપૂતો આપ્યા હતા.

આવા પ્રતિષ્ઠિત ગુર્જર સુથાર લાલજીભાઈએ કેવલ સ્વામી સમજાનંદના એક નાના સૂચનથી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી, સહજાનંદને માર્ગે મહાપ્રયાણ કર્યું હતુ. પરિવારમાં પ્રતિષ્ઠા અને ગામના શેઠ, કલામાં પારંગત અને પરિશ્રમમાં સદા તરવરતા, આવા લાલજીભાઈએ સહજાનંદના એક જ વચને ઘરનો ત્યાગ કર્યો!એ ત્યાગ કેવો અદભુત હશે?

એક વ્યક્તિ કામચોર હોવાથી કે આળશુ હોવાથી ઘર છોડે છે અને બીજો સદા પરિશ્રમી અને કોઈ પણ કાર્યમાં વણથંભે આગળ ને આગળ ધપ્યો જાય એવો મહા ભાગ્યશાળી હોય અને એ ઘરનો ત્યાગ કરે છે.

એક મનમાં મફતના ભોગ ભોગવવાની વાસના છે. અને બીજાના મનમાં માલિકને રાજી કરવાની એક દ્રઢતા છે. એકને કોઈ પણ જાતનાં કામ કરવા નથી. કેવળ ભોગ ભોગવવા છે અને બીજાને દરેક કામમાં પારંગત થવું જ જોઈએ, આવા કોડ છે. આવા બન્ને પ્રકારના સાધુઓમાં કેટલું અંતર હોય છે એ સાધકોએ જોવાનું હોય છે.

દેશના નેતા બનવા સૌ કોઈ તૈયાર થાય છે કારણ કે નેતા બનવાથી જ મોટી રકમ કે જમીન જાયદાદ હાથ લાગે છે. નેતા થવાથી જ આબરૂ અને પ્રતિષ્ઠા વધે છે. મોટી પ્રતિષ્ઠિત સંસ્થા હોય તો તેના સંચાલક થવા સૌ કોઈ તૈયાર થાય છે કારણકે તેથી લાભ, માન અને પ્રતિષ્ઠા મળે છે. નેતા બનવાથી સ્થાન,સત્તા અને સંપત્તિ મળે છે.

પ્રજાના હિત માટે કે સંસ્થાના હિત માટે જીવનનું સમર્પણ કરનારા નેતાઓ કેટલા અને એવા સંચાલકો કેટલા? પોતાની ગાંઠનું ખર્ચ કરનારા નેતા અને સંચાલકો કેટલા? પારકે ઘોડે બેસી ઉપદેશ આપનારા સર્વત્ર હોય છે પરંતુ પોતાને ભોગે બીજાનું કામ કરનારા હોય તે નેતા છે, તે સંચાલક છે અને તેવા કોઈ ત્યાગી હોય તો તે સંત છે પરંતુ આવા ગોતવા પડે છે.

એક યુવક સંત મહાત્મા પાસે પહોંચ્યો. ગુરુદેવ મને તમારી સેવામાં રાખો. હું તમારો શિષ્ય થઈને રહીશ. તમારા કહેવા પ્રમાણે ભજન ભક્તિ કરીશ. જ્યા જવાનું થશે ત્યાં તમારી સાથે ચાલીશ.

સંત કહ્યું કે મારે સેવકની જરૂર તો છે પણ તારી જરૂર નથી. કેમ સ્વામી? મારી જરૂર નથી. સંત કહે છે કે તું તારું ભણવાનું મૂકી કેમ અહીં આવ્યો છે? તને કોઈ વડીલોએ સંતની સેવા કરવા મોકલ્યો છે? તને તારી માતાએ કે દાદીમાએ મારી પાસે આવવાનું કહ્યું છે? તને અંતરમાં ઘણા દિવસથી સંત પાસે જઈ કાંઈ પામવાની ઝંખના હતી? સંત મહાત્મા પાસે જઈ કાંઈ સિધ્ધ કરવાનું તારા મનમાં તેં નક્કી કર્યું છે?

જવાબ આપવામાં નિષ્ફળ જનાર સેવકે કહ્યું કે  મને મારા મનમાં આવે એમ કરવા જોઈએ. મને જે વખતે જે ઠીક લાગે તે વખતે તે પ્રમાણે જ હું કરું છું. મને એમ થયું કે સંત પાસે જઈ, એમનાં ભેગા રહેશું અને સ્થાને સ્થાને ફરશું, ભગવાનનાં દર્શન કરશું. એટલે હું અહીં આવ્યો છું. સંતની સમીપે રહેવાથી કે સંતની સેવા કરવાથી સંત ભગવાનનાં દર્શન કરાવે છે અને એ મને નાનપણામાંથી સાંભળવા મળ્યું છે.

સંતે કહ્યું કે હું ભગવાનના દર્શન કરાવતો નથી અને હું કરાવી શકીશ નહીં કારણ કે મને દર્શન કરવાની ઉત્કંઠા નથી અને મારામાં દર્શન કરવાની લાલસા કે તમન્ના નથી. મને ગુરુદેવે ભગવાનનાં કામ કરવાની આજ્ઞા આપી છે. મને મારા ગુરુદેવે કહેલું કે તું મોટા શેઠનો નોકર છે, તારે શેઠ મળે કે ન મળે પરંતુ તેને સોંપેલું કામ અધૂરું ન રહે તે ધ્યાન રાખજે.

યુવકે કહ્યું કે મને ભગવાનનાં દર્શન કરવો. હું દર્શન કરીને પછી તમો જેમ કહેશો તેમ કરીશ અને તમો કહેશો તો ચાલ્યો જઈશ. મને કામ કરવામાં રુચિ નથી. જીવનભર હેરાન થાવું પડે અને પુરુ ન પડે. એટલે મને એમ કે સાધુ થઇ જાઉ.

દર્શનના મોહમાં એ યુવક ત્યાં રહ્યો. ઘણા દિવસ થયા. કામ કાજ કરવું પડે. કોઈ કોઈ વાર ધોમ તાપમાં તપવું પડે. કોઈ વાર તિરસ્કારનો સામનો કરવો પડે. કોઈ વખત અપમાન થાય. સાધુ થવાની જે ઝંખના હતી તે ઈચ્છાનો અંત આવવા માંડ્યો. બીજી બાજુ સંતને વિચાર આવ્યો કે આ યુવકને તેની ઈચ્છાનું ખરું રૂપ બતાવી દઉં.

એક વાર કોઈ સરોવરમાં સ્નાન કરવા ગયા. ઘણી વાર સ્નાન કર્યું. સરોવરમાં સ્નાન કરવાથી થાક લાગ્યો અને ભૂખ ખુબ લાગી. સાંજે જમવાનું કઈ ન મળ્યું. બીજે દિવસે સવારે નાસ્તામાં કઈ ન મળ્યું. ભોગ ભોગવવાના મોહમાં આવેલો યુવક કેટલું સહન કરે? તેણે ગુરુદેવના બધાં પોટલાં ફેંદી નાખ્યાં. ભૂખ બુઝાય એવું કાંઈ મળ્યું નહીં. જેમ તેમ બપોર થયા. ગુરુદેવ ટેવાયેલા હોવાથી ભૂખ તેમને તેટલી તકલીફ ન આપી શકી જેટલી એ યુવકને આપી શકી.

યુવકે કહ્યું કે ગુરુજી આજે મને કાંઈ ખાવા નથી મળ્યું? ગુરુજી કહે કે એક  દિવસ થવા દે. એક દિવસ કાંઈ જમવા નહીં મળે તેથી કાંઈ શરીર પડી નહીં જાય. યુવકે કહ્યું કે ગુરુજી! મારાથી ભૂખ સહેવાતી નથી. સંતે કહ્યું કે તારાથી કેવળ એક દિવસ ભૂખ્યા રહેવાતું નથી અને ભગવાનનાં દર્શન કરવાં છે, એ કેમ થશે? યુવક કહેવા લાગ્યો કે ગુરુજી!મને ભગવાનનાં દર્શન નથી કરવાં, મને કાંઇક ખાવા આપો.

ગુરુજી કહે કે હું તને કહેતો હતો કે ભગવાનનાં દર્શન થશે નહીં. તને તેનું કારણ સમજાયું?જેટલી તને ભૂખ માટે તારી ઇન્દ્રિયો પરેશાન કરે છે એટલી પ્રભુ દર્શન માટે તારી ઇન્દ્રિયોમાં તરવરાટ થાય તો પ્રભુ દર્શન મને કરાવવાં ન પડે. પ્રભુ સ્વયં આવી દર્શન આપે.

યુવકની આંખ ખુલી ગાઈ. સંતે ભોજન આપ્યું અને કહ્યું કે જા અત્યારે તું તારા પરિવારનો થઈને રહે અને તે પ્રમાણે કાર્યભાર સંભાળ. મને જયારે એમ થશે કે હવે મારું કામ આગળ ધપાવવું છે ત્યારે તને બોલાવી, સંતનો પંથ બતાવી, ભગવાને ગુરુના માધ્યમે મને સોંપેલું કામ પ્રગતિને પંથે વધારવા તને તે કાર્યમાં નિયુક્ત કરીશ.

મિત્રો! આવા સંત જેવાં જે લોકો કે યુવકો હોય તે કદાચ કોઈ પણ આશ્રમમાં હોય કે કોઈ પણ વર્ણમાં હોય તે નેતાના પદે, સંચાલકના પદે કે સાધકના પદે હોય તો તે દરેક ભૂમિકા માટે યોગ્ય છે.

આપણે એવા નેતા કે સંચાલક થવા પ્રયત્ન કરીએ. બાકી બીજાને સુધારવા કરતાં પોતે પોતાના જીવનમાં સુધારો કરીએ કે જેથી લોકો આપણું જોઈ અનુકરણ કરે. બીજાને સુધારવા જનારા પોતાનું દીવાળું ફૂંકે છે. એટલે મને એ સારું છે કે જે સહેજે પોતામાં સુધારો થાય અને સુધારો જોઈ અન્ય એ પ્રમાણે કરે એ સારું. જેમ ઓલ્યા યુવકે સંતને જોઇને કર્યું. સંતે ન તેને ધમકી આપી કે ન તેને ધગધગતો ઉપદેશ આપ્યો પણ વર્તનથી જીવનનો રાહ બતાવવા પ્રયાસ કર્યો.

સંતે કે શિક્ષકે એ જોવું જોઈએ કે મારી શું ફરજ છે અને મારી પાસે આવનાર વિદ્યાર્થી કયા હેતુથી આવે છે અને કેવો છે. એમની કેવી સ્થિતિ છે, કેવી તમન્ના છે અને કેવો એમનામાં તરવરાટ છે? જો શિક્ષક કે સંત અને નેતા કે ગુરુ સુધારાવાદી થવા જતાં જો પોતાનામાં સરમુખત્યારશાહી આવી જાય એમની અગમચેતી ન રાખે તો સુધારા કરતાં બગાડા વધી જાય.