તારા ઘરની મુઠ્ઠી ધુળ
કચ્છ જીલ્લાના ભુજ શહેરમાં સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણાથી રાજ મહેલને અડીને વિશાળ શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરનાર સંત શ્રી વૈષ્ણવાનંદ સ્વામી કેવા સમર્થ અને ઉદારચિત્ત સંત હતા એ સમજવા એમના જીવનનો એકાદ પ્રસંગ વાંચવો જાઈએ. એવું કહેવાય કે સંતોની સંગાથે પાંચ દશ દહાડા રહેવા મળે તો સામાન્ય જીવ પણ બળવાન અને સાહસી થઈ જાય છે. સંતના સહવાસથી જ સામાન્ય જીવને બળ અને સામાર્થ્ય મળતું હોય છે અને વ્યવહારમાં કે જીવનમાં ભાંગી પડેલ વ્યક્તિને નવી ચેતના મળતી હોય છે.
વૈષ્ણવાનંદ સ્વામી તો પોતાની પાસે આવનાર દરેક વ્યક્તિને વ્યવહારુ જીવનમાં ઉપયોગી થાય અને આંતર ચેતના જાગ્રત થાય, એવા હેતુએ નાનો મોટો એક પ્રેરક પ્રસંગ તો અવશ્ય કહેતા. અનેક એમની પ્રેરક વાતો આજે સંતોના જીવનમાં કોતરાયેલી છે. વાણીમાં મીઠાશ હોય, તો તેનું કેવું ઉત્તમ પરિણામ મળે છે, એની વાતો સ્વામી પોતાના જીવન પર ઘણી વખત કહેતા.
સ્વામીની સ્વભાવિક પ્રકૃતિ હતી કે પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલી વાત કહેવી. સ્વામી કહેતા કે ‘સંસારમાં ક્રોધ તો થોડો જાઈએ પણ ક્રોધ આવે ત્યારે વિવેક વહ્યો જાય તો માણસ હેરાન થઈ જાય અને અંતરમાં અને બહાર આકુળ વ્યાકુળ થઈ જાય છે. એટલે કોઈ આપણા પર ક્રોધ કરે તો આપણે તરત ક્રોધાયમાન થવું નહીં. વિચાર કરીને પછી ડગલું ભરવું. જા સામે સામે ક્રોધ થાય તો મોટો ભડકો થાય અને એનેથી મોટી આગ આપણા જીવનમાં લાગી શકે છે.
જગતમાં દેખાય છે કે હાલતે અને ચાલતે ક્રોધ કરનારો માણસ દયાને પાત્ર હોય છે કારણ કે તેને ગત જન્મે બહુ દંડ ભોવવવો પડ્યો છે, એને કારણે આજે તેને ક્રોધ હેરાન કરે છે. ક્રોધને કારણે વાણીમાં અતિશે કટુતા આવે છે અને એનેથી પરિવારમાં કે સમાજમાં અને સંઘમાં કે ગામમાં સવર્ત્ર અપમાન થાય છે, સ્વમાન હણાય છે. એટલે જે સમજુ માણસ પોતાની વાણીની કટુતા ઉપર કે ક્રોધ ઉપર વિવેકનું આયુધ રાખે છે. જે માણસ પોતાની વાણી પર વિવેક રાખે છે, તે સંસારી જેવો હોય તો પણ સર્વત્ર સંત જેવો થઈ સન્માન પામે છે.
સ્વામી એક વખત ગૃહસ્થને ઘેર ભીક્ષા માંગવા ગયા હતા. પરંપરા એમ કહે છે કે ભીક્ષામાં મળેલું જે કાંઈ અન્ન કે ભોજન કે સિધુ હોય તે સર્વથી પવિત્રતમ છે. સ્વામી પોતાના શિષ્ય સંગાથે ભુજ શહેરમાં ભીક્ષા માગવા એક ગૃહસ્થને ઘેર ડેલી પર ઊભા રહીને સાદ કર્યો કે ‘‘નારાયણ હરે, સચ્ચિનંદ પ્રભો’’ આ અવાજ સાંભળતાની સાથે જ ઘરમાંથી ભીમાભાઈ ઘુરક્યા! ઘરમાં અમને ખાવા નથી અને તમને મફતનું ખપે છે. હાલ્યા જાઓ! કાંઈ નહીં મળે.
સ્વામી કાંઈ કહે ત્યાં ઘરમાં ધર્મપત્ની કીધું કે મહારાજ આવ્યા છે અને એને જેમ તેમ ન કહેવાય. આ શબ્દો સ્વામીએ સાંભળ્યા અને સ્વામીનું અંતર ભીનું થઈ ગયું. સ્વામી કહે કે ભગત! આજે તારા ઘરે અમે આવ્યા છીએ તો અમને તારા ઘરની ધુળ પણ ચાલશે. અમને તારા ઘરની રાખ કામ લાગશે.
સ્વામી વિશેષમાં કહ્યું કે સંસારમાં ગૃહસ્થાશ્રમ નિભાવવો ઘણો કઠણ છે. તમે સંસારમાં રહીને રોજ બીજાને કેટલું આપો? એટલે આજે અમને માત્ર ધુળ કે રાખ આપશો તો પણ ભગવાન તમારા પર રાજી થશે. બીજું અમને કાંઈ વધારે નથી જાઈતું. તમારે આખો દહાડો કામ કરવાનું અને એમાં જે કાંઈ મુઠ્ઠીભર ભોજન મળે, એમાં અમે લેવા આવીએ. ભાઈ! આજે અમને તારા ઘરની મુઠ્ઠી ધુળ ઘણી થઈ રહેશે. તારા પરિવાર પર કોઈ મોટા પુરુષ પ્રસન્ન થશે તો તારા જીવનમાં રૂડા દિવસો જરૂર આવશે.
આ વાત સાંભળી રહેલી ગૃહીણી તરત બહાર આવીને મહારાજને તપેલું ભરીને બાજરોનો લોટ આપવા ભીમાભાઈને મનાવી દીધા. સંતના હેત ભર્યા શબ્દોથી ગૃહીણી ઘાયલ થઈ હતી. ભીમો પણ સ્વામીના શબ્દોથી ભીંજાઈ ગયો. સ્વામી લોટ લઈ અંતરના આશિર્વાદ આ પરિવારને પાઠવીને જેવા જાય છે ત્યાં સ્વામીને બોલાવીને કહે કે મહારાજ! ઘી ગોળ લેવાનો બાકી છે. થોડીક વાર ઊભા રહો. હમણા તમને આખુ સિધુ આપી દઉં.
સ્વામી કહે ભગત! આટલું બહુ છે. બીજું ફરી વખત આવીશું ત્યારે લઈશું. આજે તમે ઘેર મહારાજને ભોગ ધરીને જમો. વધારે નહીં જાઈએ. આજે આટલું દીધું ઈ ઘણું છે. અમને તો એક મુઠ્ઠીભર ખપતું હતું અને તમે તો તપેલું ભરીને આપી દીધું છે!
સ્વામીની વાણીની મીઠાસ કેવી હશે! એની કલ્પના આ પ્રસંગ ઉપરથી સહેજે થઈ શકે છે. ભીમો મનથી કંટાડેલો હતો અને ત્યાં સવારના પહેલા પહોરમાં બે સાધુ આવ્યા, પણ એ સંતો બે હેતના શબ્દો સાંભળ્યા તો અંતરનો ઉત્તાપ હટી ગયો અને અંતર પુલકિત થઈ ઉઠ્યું.
પછી તો સ્વામી પંદર દિવસ સુધી ફરી દેખાયા નહીં. ભીમાને વિચાર થયો કે મહારાજ તો હજુ આપણે ઘેર ફરી નથી આવ્યા. એમણે એમના પત્નીને વાત કરી કે આપણે સ્વામિનારાયણ મંદિરે જઈએ અને એ મહારાજનાં દર્શન કરીએ. કહેવાય છે કે પછી તો દર્શન કરવાનું સહેજે નિયમ થઈ ગયું. આ છે સંતની મીઠી વાણીનો પ્રતાપ.
એક વખતના સંતના મિલનથી જા સામાન્ય માણસના અંતરમાં બદલાવ આવી જાય તો એવા પવિત્ર સંતના સમાગમના કારણે અંતરમાં કેવી પ્રેમજ્યોતિ પ્રગટતી હશે, એ તો જેને અનુભવ થયો હોય એને જ ખબર હોય. જીવનમાં પરમ સાધકોનો સહવાસ અને એમની પ્રેરક વાતો ઘણી મહ¥વની છે. જે આપણા ભુંડા સ્વાભાવો કઠોર મહેનતે ન ટળે, એ કેવળ સંતના સહવાસથી ટળી જાય છે.
મનનો ઉત્તાપ હટાવી દે અને અંતરમાં શાંતિનો પ્રવાહ પ્રવાહિત કરી, એવા લોકોને જ લોકો પૂજતા હોય છે અને એવા મહાપુરુષો ભગવાનની આજ્ઞાથી ધાર્યાં કાર્યો કરી શકે છે. ધન્ય હો આવા મહાપુરુષને! આ વૈષ્ણવાનંદ સ્વામી ઉપર તો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનના ચાર હતા અને સ્વામિનારાયણ ભગવાને સ્વામીને કહ્યું કે તમે કચ્છ ભુજમાં મોટું ભવ્ય મંદિર નિર્માણ કરાવો.
।। અસ્તુ ।।