ભીતરનો ખજાનો

4
767
ભીતરનો ખજાનો
ઘણા દિવસો પહેલાં એક લોક વાયકા મેં સાંભળી છે. એ લોક વાયકા આજે મને બરાબર યાદ છે. લોકવાયકા સાચી હોય એવું નક્કી ન કહી શકાય પરંતુ ધરમૂળ ખોટી જ હોય એમ દાવા પૂર્વક પણ ન કહી શકાય.

ઘણા દિવસો પહેલાં એક લોક વાયકા મેં સાંભળી છે. એ લોક વાયકા આજે મને બરાબર યાદ છે. લોકવાયકા સાચી હોય એવું નક્કી ન કહી શકાય પરંતુ ધરમૂળ ખોટી જ હોય એમ દાવા પૂર્વક પણ ન કહી શકાય. આ લોકવાયકા મને સાંભળવા મળી ત્યારે મને એમ થયું કે પરદેશમાં પણ લોકવાયકા આપણી માફક જ લોકોમાં ધરબાયેલી છે. લોકવાયકામાં લોકોને વિશ્વાસ પણ બરાબરનો છે. કોઈ કોઈ જગ્યાએ તો વાયકામાં લોકોનો અતિવિશ્વાસ જોવા મળે છે.

કોઈ કોઈ તો બીજાને અંધવિશ્વાસથી હટાવાના અને નવી ચેતના આપવાના આંદોલનો કરે છે અને સ્વયં વધારે ને વધારે અંધવિશ્વાસમાં જકડાઈ જાય છે એ જોઈ શકતા નથી. કહેવાતા એજ્યુકેટેડ લોકો પણ આ માર્ગથી બાકાત રહેતા નથી.

આશરે ચારસો વર્ષ પૂર્વે સ્પેનના દરિયાકિનારે એક વહાણ ડૂબી ગયું. વહાણમાં કરોડોની સમૃદ્ધિ ભરેલી હતી. ભગવાને કોણ જાણે કેમ કર્યું, તે કોઈની કલ્પનામાં નથી આવતું. એ વહાણ મોટા મહાસાગરમાં નહીં અને દેશના કિનારે આવતાં ડૂબી ગયું.

લોકો આજ દિવસ સુધી કહેતા રહ્યા છે કે એ વહાણમાં અઢળક સમૃદ્ધિ ભરેલી હતી. ચારસોથી પાંચસો કરોડથી સુવર્ણ મુદ્રાઓ એ વહાણમાં ભરેલી હતી. આ લોકવાયકા જો સાચી હોય તો આજે સ્પેન પાસે કેટલી સમૃદ્ધિ થાય? આ કેવળ લોકવાયકા કે હકીકત એના વિશે કોઈ જાહેરમાં “ અરે આતો કેવળ વાયકા છે. એતો ખોટી ભ્રમણા છે” એમ કહેવાની કોઈની હિંમત ચાલતી નથી અને કોઈ હિંમત કરતો નથી.

મફતનો માલ લેવા કંગાળ પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે પરંતુ ગંજાવર માલમિલકત ધરાવતા અબજો પતિ પણ મફતનો માલ લેવા ખચકાતા નથી. સમાજને જીવતદાન આપનારા અને મહામાનવીનું બિરુદ લગાવી ફરતા દાદા કે દાદી અને દીદી કે દીદા મફતની સંપત્તિ હડપવામાં કોઈ જાતનો સંકોચ અનુભવતા નથી. સમાજના ગુરુ, સંતો કે શિક્ષકો, જો સમાચાર સાંભળે કે અહીં તહીં મફતનું મળે છે તો તે ઉપાડવા કે કબ્જે કરવા તરત ત્યાં પહોંચે છે.દેહના કે આત્માના દર્દીને નવું ચેતન અને જીવન આપનાર સર્જનો મફતનો માલ લેવા વિના આમંત્રણે પહોંચી જાય છે.

આ ડૂબેલા વહાણની લોકવાયકા વાંચવા જેવી છે અને ખરેખર બહુ રસિક છે. સાગરને કિનારે કે સાગરમાં દટાયેલા અણમોલ ખજાનાને ખોળી કાઢવા જે પ્રયત્નો કરાયા એ કહાણી વાંચવામાં ખરેખર મોજ આવે એમ છે. આ પારકા અને દટાયેલા અણમોલ ખજાનાને જપ્ત કરવા સાહસવીરોએ કસબમાં કે મહેનતમાં કોઈ જાતની ઊણપ રહેવા દીધી નથી. અનેક મફતિયાઓએ અનેક ટેકનિકો અજમાવી. અનેક બૌદ્ધિક વિદેશીઓને માનભેર બોલાવી પ્રયત્નો કરાયા.

આજે એમ કહેવાય છે કે હજુ સાહસવીરોને અને મફતિયાઓને સંતોષ થયો નથી.’આ લોકવાયકા ખોટી હોઈ શકે નહીં કારણકે આપણા દેશના વહાણવટીયાઓએ વિદેશોમાંથી અઢળક માલમિલકત ઉઠાવી આપણા દેશમાં ઠાલવી છે અને આમાં છેલ્લે કાંઇક સાગરે છેડતી કરી અને બધું સાગરમાં ગાયબ થયું,પણ છે, અને એ વાત હકીકત છે.

મફતનું લેવા બધા બધું કરી શકે છે. આ લોકો હવે તો આકાશ અને પાતાળ ભેગું કરવામાં અને એક કરવામાં પાછળ રહ્યા છે, છતાં હજુ સંતોષ નથી.

એ સ્પેનના લોકોને કાંઈ મળે ન મળે એ પ્રકૃતિ જાણે પણ આત્માની ભોમકામાં રહેલો મહાસાગર સમૃદ્ધિથી ખીચોખીચ ભરેલો છે. સુવર્ણની મુદ્રાઓથી ઊભરાય છે. અણમોલ અનેક ખજાનાઓ મૂર્તિમંત આ સાગરે પોતાના પેટમાં ધરબી રાખ્યા છે. જે કોઈ મેળવવા ઈચ્છતો હોય એને સહેજમાં આપી દે છે. એ સાગર કોઈ મરજીવાને શોધે છે. જો કોઈ મરજીવો મળે તો પોતાના પેટાળમાં સંગ્રહ કરેલી સમૃદ્ધિ તાત્કાલિક આપી દે છે.

ખેદની વાત છે કે સાચી દિશામાં પ્રગતી કરનારા સાહસવીરો ઓછા છે અને મફતિયા તો ક્યાંય નજરે ચઢતાય નથી. એજ સમજાતું નથી કે આ દિશામાં લોકોનું ધ્યાન કેમ જતું નહીં હોય?

સાગરને કિનારે તો ઘણા ઊભા છે પરંતુ કોઈ આત્માની લોકવાયકાને સાંભળતું નથી. સાચા પુરુષાર્થી આ દિશામાં થોડો પણ પ્રયત્ન કરે છે તો તે ઘણું સંપાદન કરે છે. આપણે સાગરને કિનારે ઊભી આ બધું નજરે નિહાળીએ છીએ તો પણ આપણું મન આવી અંતરની સનાતન અને અણમોલ સમૃદ્ધિ ઝડપવા લલચાતું નથી. આ વાત પાછળ કાંઇક હસ્ય હોવું જોઈએ.

ભીતરનો ખજાનો ગજબનો છે. એની કોઈ સીમા નથી. એનો કોઈ માપ નથી. એની કોઈ ગણતરી નથી.

એને પામવા કરાયેલો પરિશ્રમ પણ અનન્ત ફળ આપે છે. કરાયેલા પરિશ્રમની એક એક પળ પણ અણધાર્યા ફળ આપે છે છતાં એ તરફ ગમન કરાતું નથી.

આશા રાખીએ કે કોઈક કરશે અને સમૃદ્ધિનો લાભ બીજાને આપશે.

4 COMMENTS

Comments are closed.