એક સારા માણસની વાત સાંભળીએ. આ સંસારમાં ઘણા પ્રકારના માણસ હોય છે. કોઈ ડાહ્યા હોય છે કોઈ વધારે ડાહ્યા હોય છે. કોઈ દોઢ ડાહ્યા હોય છે તો કોઈ ડબલ.
હવે વાત ઉપર આવીએ. એક વખત ધોમ તાપમાં બળતો અને અંતરમાં ધગધગતો કુતરો ઘાસની ગંજીમાં જઈ ને મુખ પહોળું કરી સુઈ ગયો. જીભ બહુ લાંબી હતી એટલે ઊંઘ આવતા બહાર લબડતી હતી અને પોતાને આરામમાં કોઈ કાંઈ ખબર ન હતી.
ભગવાનને કરવું એક ગરીબ માણસ બકરી માટે નકામું પડેલું ઘાસ લેવા આવ્યો. એ ગરીબ માણસને એમ કે આ વધારાનું ઘાસ મારી બકરીને બે ચાર દિવસ ચાલશે. જેવો ઘાસ લેવા વાંકો વળ્યો ત્યાં તો સૂતેલો કુતરો જ ઘૂરક્યો. ચોરી કરે છે? શરમ નથી આવતી? તને તારા વર્તન બદલ અદાલતમાં ઉભો રાખીશ.
ભાઈ! ગરીબ છું. આ પડખે પડેલા વધારાના ઘાસને લેવા દે. કુતરા જેવો માણસ ઘૂરક્યો. અડતો નહી. જો થોડું પણ ઘાસ લીધું તો તને છોડીશ નહી. આ ઘાસની ગંજીનો માલિક હું છું.
સાહેબ! તમારે તો આ ઘાસ કોઈ કામનું નથી. તો હું પડખે પડેલા વધારાના ઘાસને લઉં તો તમને તેમાં શો વાંધો? સાહેબ નહી, પણ કુતરો ઘૂરક્યો. હું ખાઉં કે ન ખાઉં એ પ્રશ્ન નથી. હું ભલે ન ખાઉં પણ આ ઘાસનો માલિક હું છું. હવે ભાગે છે કે નથી ભાગતો નહી તો હમણાં તારો ટાંટિયો ભાંગી નાખીશ.
ગરીબ બકરી જેવો માણસ શું કરે? એતો બિચારો પડખે ઉભો થઈ રહ્યો. ત્યાં એક મોટા શીંગડા વારો માણસ આવ્યો. જોતા એમ લાગે કે આતો કોઈ મોટી વગ વારો હશે. આવતાંની સાથે ઘાસનો ભરો બાંધવા મંડી ગયો. ન કોઈ વાત કે ન કોઈ પુછપાછ ત્યાં ઓલ્યો જમીનનો માલિક બનેલો જોર જોરથી ભસવા લાગ્યો. ઓ સાહેબ! આ મારી માલિકીની છે. આપ આમ મને ગરીબ કે નમાલો જુઓ છો? હું તમને….એન ભસ ભસ કરતો જેવો નજદીક પહોચ્યો ત્યાં જરા શીંગડા ઊંચા કર્યા કે જીવન બચાવા એવો ભાગ્યો કે હમણાં આપણો છૂંદો થઈ જશે.
આજે જુઓ તો ખરા કેવો કલિયુગ આવી ગયો છે! આપણે કોઈને કદી ક્યાંય મના કરતા નથી પરંતુ આવા માથા ભારે લોકો આપણને રંજાડે છે. મને જરા વિનંતી કરી હોત તો હું કાંઈ ના પાડું એવો નથી. બસ, જરાક નબળાઈ દેખે એટલે તરત શિગડા ઉલાળે.
“ન ખાધું ન ખાવા દીધું.” કેટલાક એવા રાજકુતરા હોય. એ ન ખાય અને ન ખાવા દે. એવા કૂતરાની પાસે કોઈ બકરી જેવા નમાલા માનવી જાય તો તેને ધબેડી નાખે.
ગરીબને એમ થયું કે હવે હું ત્યાં જાઉં. મોટા શીંગડા વાળા ભારો બાંધે છે તો મને મળી રહેશે. મને તો જોઇશે કેટલું? મારો તો પરિવાર નાનો.
જેવો ગરીબ ત્યાં પહોચ્યો એટલે તરત ઓલ્યો કુતરો ભસવા મંડ્યો. મોટા શીંગડા વાળો તો ભલે ભારો બાંધે પણ આ બકરી જેવો કેમ આના ભેગો ભળે?
એમની બેની જરૂર સાઠ સાઠ ગાંઠ હશે. નહી તો પોતે ભલે ભારો બાંધે પણ બકરીને શું કામ બાજુમાં આવવા દે?
પારકી ઢગલીએ બેઠેલા રાજકુતરા જો થોડી પણ નબળાઈ જુએ તો સામાન્ય માનવીને જીવન જીવવા દેશે નહી.
સંતો અને શાસ્ત્રો કહે છે કે જેને ભગવાનનું અને પોતાના ગુરુનું અંતરમાં બળ છે તે કદી કોઈથી ડરતો નથી. એ મોટા શીંગડા વારી ગાય થાય છે. અરે! મોતની સામે લડવા તૈયાર થઈ જાય છે અને તેનામાં શક્તિ ભગવાન ભોલેનાથના વાહન જેવી સદા રહેતી હોય છે. અંતરમાં જેને ભગવાન સ્વામિનારાયણ સદા સાંભળતા હોય અને સંતોનો સમાગમ સમયે સમયે થતો હોય એમનામાં ભગવાન શંકરના પોઠિયા જેવી તાકાત કેમ ન હોય? તેમનામાં તાકાત વધારે હોય છે કારણ કે ભગવાનનો સાથ છે. પરંતુ જેને ભગવાન સ્વામિનારાયણનો અને સંતનો આશ્રય નથી તેમને જીવન બકરાં જેવું ગાળવું પડશે.