લોકમાં કહેવત છે કે “જેવો સંગ તેવો રંગ” એટલે જીવનમાં અને પરિવારમાં સુખી થવા માટે હંમેશા સારી વ્યક્તિનો સંગ કરવો જોઈએ. સમાજમાં દરેક પ્રકારનાં માણસો હોય છે. કેટલાક ધુતારા અને ઢોંગી લોકો હોય અને તેમનો બાહ્ય વ્યવહાર કે પહેરવેશ જોઇને આપણે તેમને ઓળખી શકીએ નહીં. તેમનો વ્યવહાર અને પહેરવેશ તો સજ્જન જેવો હોય છે પરંતુ તે ઘણ હોશીયાર હોય છે, જેને કારણે તેની ધુર્તતા ઓળખાતી નથી. શકુનિના કપટના કારણે પાંડવોને પારાવાર દુઃખ સહન કરવું પડ્યું હતું. એવું કહેવાય કે પાષંડી અને કપટી લોકો પોતાના સ્વાર્થ માટે સંબંધને કે વ્યક્તિને મહત્ત્વ ન આપતાં પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે બધી જ હદને પાર કરતા હોય છે. તેવી વ્યક્તિઓ તો કેવળ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં આતુર હોય છે. સમય આવે તો પોતાના સગા સબંધી જનોને પણ દગો આપી શકે છે. કપટી અને પાષંડી સમયે આવે, ગમે તેને છેતરે છે. આપણી ચોમેર ફેલાયેલ કપટી, પાષંડી, દુરાચારી જેવા લોકોને ઓળખી રાખવા જરૂરી હોય છે અને તેની સોબતથી પોતાના કલ્યાણ માટે બચવું જરૂરી હોય છે. કર્ણની મહાનતા અનહદ હતી. તેના ગુણો કહીએ તો પાર આવે નહીં પરંતુ સમયે તેને રાજનીતિનો બેતાજ બાદશાહ દુર્યોધને સાથ આપ્યો અને કર્ણને અંગદેશનો રાજ આપીને રાજપદ આપ્યું તેથી કર્ણ દુર્યોધનનો સદાય ઋણી રહ્યો અને આખરે મહાયુદ્ધમાં દુર્યોધનના પક્ષમાં રહ્યો અને તેથી ભગવાન જેના સારથી રહ્યા, એવા અર્જુનના હાથે તેનું મૃત્યુ થયું. જો કર્ણ સમયે મહાપુરુષથી આદર પામી શક્યો હોત તો તેનો અંત કાંઈક અનોખો જ હોત. કર્ણની કદાચ મજબુરી હતી કે તેને તે સમયે દુર્યોધન વિના બીજા કોઈએ સાથ ન આપ્યો તેથી કર્ણને કેવળ પોતાના સ્વમાન અને વિદ્યાદિક ગુણોને કારણે દુર્યોધનના સદાય ઋણમાં રહેવું પડ્યુ પણ આપણને જેને એક ટકાભારની મદદ ન કરી હોય, જીવનમાં કાંઈ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સહાયતા ન કરી હોય, તેવા કોઈ કપટી અને અધર્મીના સકંજામાં આવી જઈએ, તો તો બહુ જ ખોટું કહેવાય.
આપણને જેને એક ટકાભારની મદદ ન કરી હોય, જીવનમાં કાંઈ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સહાયતા ન કરી હોય, તેવા કોઈ કપટી અને અધર્મીના સકંજામાં આવી જઈએ
સંસારમાં મિત્રતા કરતાં પહેલાં વ્યક્તિને ઓળખવા ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે મિત્રતા જેવી ભગવાન કૃષ્ણ અને સુદામાની રહી, એવી હોય તો આખરે સર્વે રીતે પોતાનું કલ્યાણ થાય પરંતુ ભગવાન જેવા મિત્ર મળવા અશક્ય છે. તેને માટે તો અનંત પુણ્ય જોઈએ. સજ્જન લોકોને ઓળખવા મુશ્કેલ અને તેને મિત્ર બનાવવા અધરા કહેવાય છે. કપટી અને પાષંડી તો ટકાના તેર મળી જાય. સજ્જન અને સાધુપુરુષને શોધવામાં વર્ષો વહ્યાં જાય છે. આમ છતાં સાવધાની પોતાને બહુ કામ લાગે છે અને સાવધાન વ્યક્તિ પોતાનું કલ્યાણ કરી શકે છે. પરમાત્મા પોતાના મિત્ર થાય અને પરમાત્મા પોતાના શિષ્ય થાય, એ વાત બહુ મોટી કહેવાય. પરમ પુરુષ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામીના શિષ્ય થયા અને પૂર્વે એજ ભગવાન સુદામાના મિત્ર થયા અને ગુરુ પાસે રહીને વિદ્યાભ્યાસ કર્યો. આવું આપણા જીવનમાં થાય, એવી આશા રાખવી, એ પણ આભને બાથ ભરવા જેવું કહેવાય પરંતુ ભગવાનના ભક્ત અને ભગવાનના પરમ સાધકને ઓળખીને તેની સંગાથે આત્મીયતા થાય તો જીવન પણ ધન્ય થઈ જાય છે. ભગવાનના ભક્તની સંગાથે આત્મીયતા થયા પછી જીવનમાં ઘણું પરિવર્તન આવી જાય છે અને જગતના વિષયી જીવોની ઓળખ થવા લાગી જાય છે કારણ કે ભક્તની સોબતમાં રહેવાથી ભગવદીય ગ્રંથોનું વાંચન અને ચિંતવન થવા લાગે છે અને ભગવાને કે સંતોએ જે કહ્યું હોય તે જોવાની દૃષ્ટી આવે છે. સ્વામિનારાયણ ભગવાન જે કહ્યું હોય તે અચાનક યાદ આવી જાય છે. મહારાજે જેમ કહ્યું છે કે “પાંખડી લોકો કે ચોરી કરનારા લોકો કે દુરાચાર આચરનારા લોકો, સજ્જન જેવો દેખાવ કે વ્યવહાર રાખીને ભોળા લોકોને છેતરે છે.” માટે વ્યક્તિને ઓળખી રાખવી ખૂબ જરૂરી છે. નહીતર પાખંડી કે ધુર્ત લોકો સારા બનીને આપણને પણ છેતરી જાય અને ભોળા લોકોને પણ છેતરી જાય. આપણે જાણીએ છીએ કે જુગારી મોટા બંગલા બાંધી શકે નહીં અને વ્યસની તંદુરસ્તી ભરી લાંબી જીંદગી જીવી શકે નહીં. દુરાચારી કે જુગારી સુખી જીંદગી જીવી શકે નહીં. અપવાદની વાત નોખી છે. એ લોકો તો પોતાનું તો પતન જરૂર કરે છે પણ સાથે સાથે પોતાના પરિવારનું પતન કરે છે. વ્યસનના અને દુરાચારને કારણે આર્થિક રીતે અને બધી રીતે માણસ તેના પરિવારને ભાંગી નાખે છે અને સમાજમાં અપયશ અપાવે છે. વ્યસન અને દુરાચાર સંયુક્ત પરિવારને વિખેરી નાખે છે. કપટ અને વ્યસનથી, દુરાચારને કારણે સંયુક્ત પરિવાર કાંકરો કાંકરો થઈ જાય છે. સંયુક્ત પરિવારમાં સર્વ રીતે સુખ હોય રહે જો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનું પાલન થાય અને મહારાજે કહ્યું છે, તે પ્રમાણે સાવધાની જીવનમાં રખાય. સત્શાસ્ત્રો કહે છે કે દુરાચાર અને વ્યસન કરનાર વ્યક્તિ, સાન ભાન ગુમાવી દે છે. ઘરમાં અને પરિવારમાં ઝગડા કે મારા મારી કરે છે, તેથી તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જુગાર, તમાકુ, મદ્ય જેવા વ્યસનમાં લપાયેલ વ્યક્તિની સોબત કરવી નહીં. તેને યોગે તો પોતાનું અને પરિવારનું પતન થઈ જશે. વ્યસનમાં અને જુગારમાં ડુબેલા વ્યક્તિની સોબત કરવી નહીં, નહીંતર પોતામાં કાંઈ વ્યસન ન હોવાં છતાં પણ વ્યક્તિ સોબતના કારણે વ્યસની થઇ જવાશે. માણસ જયારે મુશ્કેલીમાં હોય તે પછી શારીરિક કઠણાઈ હોય, આર્થિક તકલીફ હોય કે પારિવારિક ઝગડા હોય, ત્યારે મનુષ્ય કંટાળી જાય છે અને પોતાના દુઃખનો અંત આણવા માટે તે બધી જગ્યાએ આમ – તેમ ભટકે છે. જયારે શારીરિક તકલીફ ડોક્ટરની દવાથી દૂર થતી નથી ત્યારે લોકો ગમે તે પાસે કાળા –ધોળા દોરા કે તાવીજ બંધાવે છે. હકીકતને જાણ્યા વિના માણસ તેના પર વિશ્વાસ મૂકી દે છે. પરંતુ જો સાચા સંત સાથે હેત હશે, તેના પર વિશ્વાસ હશે તો આવા ઢોંગી કે પાષંડીથી બચી જવાશે. કઠણાઈમાં જેટલું ભગવાનનું બળ અને ભગવાનના પવિત્ર સંતનું બળ એટલું પોતાને રક્ષણ વધારે થાય છે. ભગવાનના અને સદ્ ગુરુના બળથી કઠણાઈમાં ભગવાનની અને સદ્ ગુરુની કૃપાથી દરેક તકલીફ દૂર થઇ જતી હોય છે. મારે કહેવું જોઈએ કે કામલંપટ વ્યક્તિથી સાવધાન દરેકને રહેવું જરૂરી છે. કામી વ્યક્તિ પોતાનું સુખ જોઈને બીજાનો સર્વનાશ નોતરે છે. કામાશક્ત વ્યક્તિ આસપાસની દુનિયા, નાના-મોટાનો આદર જોયા વિના અશિષ્ટ વર્તન કરતો થઈ જાય છે. કામલંપટ વ્યક્તિ, માતા પિતાથી સબંધ વિખેરી નખાવે છે, માતા પિતાની આબરુ ધૂળમાં મિલાવી દે છે. ન કરવાનાં કામ કરવામાં કામી વ્યક્તિ ખચકાતી નથી. વળી જે દેશમાં રહેતા હોઈએ, એ દેશવિરોધી પ્રવૃત્તિ કરનાર કો દુર્જન માણસ હોય કે ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનારા હોય, તે પણ ધુતારા કહેવાય અને એવા લોકોથી પણ સાવધાન રહેવું જરૂરી છે. દેશ વિરુધ પ્રવૃત્તિ કરનારા અને ધર્મવિરુધ કામ કરનારા દુરાચારી અને પાષંડી જ કહેવાય અને એવા લોકો દેશને અને ધર્મને લાંછીત કરે છે. વળી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર આતંકવાદી જેવાને જેને સાથ આપ્યો, તેને પણ સમયે મહાદંડ મળ્યો છે. એવા લોકો ભલે મોટા હોય કે પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય તે સમયે દંડમાં બાકાત રહ્યા નથી. એ આપણે સમાચારના માધ્યમથી જાણીએ છીએ. આ શુભ હેતુએ ઠગપ્રવૃત્તિ કરનાર, ચોરી કરનાર કે છેતરપીંડી કરનાર વ્યક્તિનો ક્યારે સંગ કરવો નહીં. ધર્મને નામે કે રાજધર્મને નામે પણ છેતરપીંડી કરનારનો સંગ કરવો નહીં. મહાભારતમાં શકુનિએ પોતાની કપટીવૃત્તિથી પાંડવોને ચોપાટમાં હરાવીને, તેમનું રાજ્ય, સ્ત્રી, સંપત્તિ બધું પડાવી લીધું, તેનો સાથ આપનાર દુર્યોધન અને કૌરવો પણ આખરે અપમૃત્યુએ મૃત્યુને પામ્યા. તેથી અધર્મી અને કપટી વ્યક્તિનો સંગ કરવો જ નહીં. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાનના ચોટદાર શબ્દો છે કે, “ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાને કરીને જનનો ઢગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમની સંગ કયારેય ન કરવો.” આ પ્રકારના છ મનુષ્યો હોય તેમની મિત્રતા કરવી નહીં. તેમની સાથે ઊઠવું, બેસવું નહીં. કારણ કે એવા પુરુષો સાથે બેસવાથી તેમની અસર જરૂર આપણને લાગે છે. હવે જો દરેક વ્યક્તિને સત્શાસ્ત્રોનું સેવન હોય તો તેમની બુદ્ધિ પણ તેવા જ પ્રકારની થાય, માટે સત્શાસ્ત્રોનું વાંચન અને સદ્ગુરુના શબ્દોનું ચિંતવન, જીવનની દિશા બદલી નાખે છે અને વ્યક્તિની ઓળખ પણ કરાવે છે, માટે સત્શાસ્ત્રોનું વાંચન અને ચિંતવન દરેક વ્યક્તિએ અવશ્ય કરવું જોઈએ.