ઈશ્વરની ઈચ્છા બલવાન

0
493
ઈશ્વરની ઈચ્છા બલવાન!

     ‘‘જબ મનુજ જોર લગાતા હૈ, પથ્થર પાની બન જોતા હૈ.’’ 

 કોઈ એવું કાર્ય નથી કે માણસ ધારે અને એ કાર્ય માણસથી ન થઈ શકે કારણ કે હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ કવિ દિનકરજી એમ કહે છે કે ‘‘જબ મનુજ જોર લગાતા હૈ, પથ્થર પાની બન જોતા હૈ.’’ અને ફરી થોડે આગળ એમ કહ્યું કે વસુધાકા નેતા કૌન હુઆ?, ભુખંડ વિજેતા કૌન હુઆ?, નવ ધર્મ પ્રણેતા કૌન હુઆ?, જીસને કભી ન આરામ કીયા.

ત્યારે વ્યક્તિ પોતાના આત્મબળ ઉપર વિશ્વાસ રાખી અને જયારે કામ હાથમાં લે છે ત્યારે એવું કોઈ કામ અઘરું નથી હોતું કે પોતાથી પુરું ન થઈ શકે;  હા, એક વાત જરૂર છે  જો વ્યક્તિ પોતાના મનમાં એમ માની બેસે કે ભગવાનની ઈચ્છા એજ આપણું પ્રારબ્ધ! ‘‘ભગવાનની ઈચ્છા હશે તો જ કામ થશે અને એમની ઈચ્છા નહીં હોય તો પ્રયત્ન કર્યા પછી પણ કાર્યમાં સફળતા નહીં મળે.’’

‘‘ભગવાનની ઈચ્છા હશે તો જ કામ થશે અને એમની ઈચ્છા નહીં હોય તો પ્રયત્ન કર્યા પછી પણ કાર્યમાં સફળતા નહીં મળે.’’

આવી રીતે જે કાયર અને નામર્દ થઈ જતો હશે એ દરેક ક્ષેત્રમાં એમ જ કહેશે કે ઈશ્વરની ઈચ્છા બલવાન. પણ જે ધૈર્યશાલી અને ખંતીલી, શૂરવીર અને આત્મવિશ્વાસી વ્યક્તિ હશે તે એમ કદી નહીં કહે કે ઈશ્વરની ઈચ્છા બલવાન છે. ભગવાનની ઈચ્છા પ્રથમ છે પરંતુ વ્યક્તિનું મહત્વ ઓછું નથી. જો વ્યક્તિ આરામથી પથારીએ પડેલી હોય તો કોઈ મુખમાં કોડીયો મુકવા આવતો નથી.

સંતો અને વડીલો કહે છે  કે ભાગ્યને વારંવાર કોસતી અને નિરાશામાં ફસાયેલી અને એથી જ એક જગ્યાએ બેઠેલી  અને ઈશ્વરની ઈચ્છા બલવાન છે એવું સૂત્ર બોલ્યા કરતી  વ્યક્તિ, ભગવાને આપેલ આ મનુષ્ય શરીરને રતિભાર પણ લાયક નથી કારણ કે એ વ્યક્તિને પોતાના હાથે કાંઈ પણ કરવું નથી અને મફતનું ઈશ્વરના નામે પચાવવું છે.

ભગવાને અર્જુનને ‘‘ઈશ્વરની ઈચ્છા બલવાન છે’’ એમાં સપડાતાં એમ જ કહ્યું કે ‘‘તું તારું કામ કરતો જા, તારે ફળ મળે કે ન મળે, એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારો ધર્મ છે કે નમાલા થયા વિના અને કોઈ પણ ક્ષેત્રમાં પાછું ડગલું માંડ્યા વિના, ફળની આકાંક્ષા રાખ્યા વિના આગળ ને આગળ, કૂચ કરતો જા.’’

જનરલ ડાયરે જલિયાંવાલા બાગમાં ખુલ્લેઆમ ગોળીબાર કરી અસંખ્ય દેશપ્રેમી વીરોને વીંધી નાખ્યા હતા. એજ રીત તે વખતે ગોળીબારથી ભયભીત થયેલા બીજા અનેક નિર્દોષો કૂવામાં પડી જવાથી કાળની જવાળામાં હોમાઈ ગયા હતા, છતાં પણ દેશની મુક્તિ માટેનું ચાલેલું આંદોલન જરા પણ મંદ પડ્યું ન હતું. અને જુઓ, તેનું ફળ કેવું અદ્‌ભુત મળ્યું!

મહાભારતના મહા અભિનાયક પવનપુત્ર ભીમ, દ્રૌપદીનું જયારે ભરસભામાં વસ્ત્રહરણ કરી લાજ લૂંટવાનું દુર્યોધને મન કર્યું ત્યારે તે ક્રૂર અને નીચ કર્મને જોઈ મનોમન મહાસંકલ્પ કરે છે કે ‘હું ખરો શૂરવીર તો ત્યારે જ કહેવાઉં કે જયારે  એજ દુર્યોધનની જાંઘ તોડી મારી દ્રૌપદીને પ્રસન્ન કરું’ મિત્રો! આવી કઠોર પ્રતિજ્ઞા કરનારા જ ભગવાનને વ્હાલા થઈ શકે છે! અરે! ત્યારે ભગવાન તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ભગવાન તે સાધકને પૂરતું બળ પણ આપે છે.

જે કેવળ ઈશ્વરની ઈચ્છા બલવાન છે આવું પોકળ સૂત્ર બોલે છે  અને  જે થાય છે તે થવા દો. બધું ભગવાન કરે છે. ન્યુક્લીયર બોમ્બ પણ એજ બનાવે છે અને બધાને ભૂખે પણ એજ મારે છે. આવું નમાલું બોલનારા, કરનારા અને માનનારા, ડો.ચંદ્રકાન્તના કહેવા મૂજબ આ ભૂમિને ક્યારેય હરિયાળી બનાવી શકવાના નથી.

રાષ્ટ્રીય શાયર શ્રી મૈથિલીશરણ એમ કહે છે કે ‘‘રાંદી હુઈ હૈ સબ હમારી ભૂમિ ઈસ સંસારકી, ફૈલા દીયા વ્યાપાર કર દી ધૂમ ધર્મ પ્રચારકી ।’’ ઈશ્વરેચ્છા બલીયસીનું તાત્પર્ય, જો આળસમાં લીધું હોત તો આ દુનિયામાં કોઈને કયારેય સફળતા મળી શકી ન હોત. માટે ઈશ્વરની ઈચ્છા બલવાન છે એનું તાત્પર્ય છે કે પ્રયત્નો કર્યા પછી પણ કાંઈ ન મળે ત્યારે એમ માનવું કે ભગવાનની  ઈચ્છા હતી મારાં  ધૈર્ય અને હિમત જોવાની,  પણ વિના પ્રયત્ને તો ઈશ્વરેચ્છા એજ બલવાન છે એવું કદી ન માનવું,  ન સાંભળવું અને ન બોલવું. એમાં પોતાના ઈષ્ટદેવની પોતાના ગુરુની મોટી પ્રસન્નતા છે.

‘‘રાંદી હુઈ હૈ સબ હમારી ભૂમિ ઈસ સંસારકી,

ફૈલા દીયા વ્યાપાર કર દી ધૂમ ધર્મ પ્રચારકી ।’’