મહાપુરુષો જે માર્ગે જાય છે, લોકો તેનું જ અનુસરણ કરે છે. સમાજ જેને સજ્જન માનીને તેની વાતો સાંભળે છે તેના વર્તન પ્રમાણે જ લોકો વર્તન કરે છે. સમાજમાં આદર્શ વ્યક્તિ કહેવાતા હોય અને તે લાંચ લેતા દેખાય, એટલે બીજા લોકો પણ લાંચ લેતા સહેજે થઈ જાય છે.
સત્શાસ્ત્રમાં નિરુપણ કરાયેલ લક્ષણ યુક્ત મહાપુરુષો હકીકતમાં પોતે દુઃખ વેઠીને સમાજને એક ઉત્તમ માર્ગ બતાવે છે. કેટલાક મહાપુરુષો સંસારનો ત્યાગ કરીને જંગલ, નદી કિનારા પર અથવા પહાડો પર અથવા દેવસ્થાનમાં રહીને અઘોર સાધના પોતા માટે અને સમાજ માટે અને રાષ્ટ્ર માટે કરે છે.
જે પથ પર મહાપુરુષો ચાલ્યા છે, ત્યાં જંગલ હોય કે નાની કેડી હોય, કાંટા હોય કે કાંકરા હોય, તે માર્ગ પર જવાથી માણસ સહેજે પોતાના લક્ષ્યને પામી શકે છે. જે માર્ગ પર કોઈ ગયું નથી અથવા જે માર્ગ વિશે કાંઈ માહિતિ નથી, તે માર્ગ પર જવાથી સહેજે માણસ ભટકી જાય છે અને આખરે મૃત્યું પામે છે. એટલે જ કહેવાયું છે કે સાધુપુરુષોને માર્ગે ચાલનારો માણ ક્યારેય ભટકતો નથી.
સાધુપુરુષોને માર્ગે ચાલનારો માણ ક્યારેય ભટકતો નથી.
સમાજ જેને સજ્જન માનીને તેની વાતો સાંભળે છે તેના વર્તન પ્રમાણે જ ધીરે ધીરે પોતે વર્તન કરે છે કેમ કે સંત હોય કે પછી સજ્જન ગૃહસ્થ હોય, રાજ નેતા હોય કે ધર્મ નેતા હોય, સમાજમાં રહેતા દરેક લોકોને માટે તે આદર્શ હોય છે એટલે તેમનું વર્તન તેમનાં આવી જ જાય છે.
ધર્મના કે રાજના નેતાથી સમાજનું વર્તન વ્યવહાર અને પ્રવૃત્તિ પવિત્રતા ભર્યા બને છે. સમાજમાં સાધકો અને રાષ્ટ્રને સમર્પિત નેતાઓ જ સમાજને સારા માર્ગ પર ચલાવી શકે છે અને નિયમનમાં રાખી શકે છે
એક દુર્જન વ્યક્તિની સાથે સંકળાવાથી આપણામાં દુર્જનતા જ આવે છે જેમ એક ફળમાં દાગો પડે કે તેની સાથે રહેલાં બીજા ફળો તત્કાળ બગળવા લાગે છે. પછી તો જોત જોતામાં બધાં ફળો બગડી જાય છે. માણસનું પણ એ પ્રમાણે જ છે.
સમાજમાં કે પરિવારમાં જે વ્યક્તિનો વ્યવહાર અને આચાર યોગ્ય હોતો નથી, તો તેને શિષ્ટ સમાજ કે શિષ્ટ પરિવાર દિલથી ત્યાગી દે છે અને ધીરે ધીરે બહારથી પણ ત્યાગી દેતો હોય છે.
જેને સમાજ કે પરિવારમાંથી ફેંકાવું ન હોય, સુખેતી સંયુક્ત પરિવારમાં કે સમાજમાં રહેવું હોય, તેને તો હંમેશા સદગુરુના ચરણમાં રહીને અને આદર્શ વ્યક્તિઓનાં સહવાસમાં રહીને પોતાનું જીવન સાર્થક બનાવવું જોઈએ નહિંતર બગડેલા ફળની જેમ ફેંકાઈ જઈએ છીએ.
અમારા દાદા ગુરુએ કહેલું કે આપણે આળસુ થઈ ગયા અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કે તેની ભક્તિ કરવામાં કે સ્વામિનારાયણ ભગવાનનાં ચરિત્રો વાંચવામાં કે તે તેનું ચિંતવન કરવામાં રહી ગયા તો પછી આપણી પાસે આવનારને આપણે કદી પુરુષાર્થી કે સાધક બનાવી શકવાના નથી કેમ કે આ સૃષ્ટિ પર સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર વિના ઘોર અંધારું છે.
એવું કહેવાય કે પહેલા ગુરુ આપણા માતા પિતા છે કે જેમના થકી આપણને શરીર મળ્યું છે અને ઘણું બધું તેમણે આપણા માટે જ સહન કર્યું હોય છે. વળી હાલતાં ચાલતાં, બોલતાં અને ખાતા પીતા માબાપ જ શીખવે છે. હેત ભરીને સારા સંસ્કાર એમણે જ આપ્યા છે. કેટલુક વ્યવહાર સબંધી જ્ઞાન પણ તેમણે જ આપ્યું છે. વળી દેશને ઉપયોગી અને સમાજને ઉપયોગી જેમ માતા પિતા જ્ઞાન આપે છે તેમ વિદ્યાલયમાં શિક્ષક આપણને દરેક પ્રકારનું જ્ઞાન આપે છે. એટલે એ પણ આપણા ગુરુ સમાન છે. સમાજના આદર્શપાત્ર છે.
જે વ્યક્તિ આપણને હેત આપીને અને સમયે કઠોર થઈને પોતાના આત્માની ઓળખ કરાવે અને પરમાત્માના સ્વરૂપની ઓળખ કરાવે અને સત્શાસ્ત્રે બતાવેલ સિદ્ધ માર્ગ દ્વારા, છેક સ્વામિનારાયણ ભગવાનના ચરણાર્વિંદ સુધી લઈ જાય, તે ગુરુ તો સાક્ષાત પરમાત્મા જેવા કહેલા છે.
જે વ્યક્તિ આપણને હેત આપીને અને સમયે કઠોર થઈને પોતાના આત્માની ઓળખ કરાવે અને પરમાત્માના સ્વરૂપની ઓળખ કરાવે અને સત્શાસ્ત્રે બતાવેલ સિદ્ધ માર્ગ દ્વારા, છેક સ્વામિનારાયણ ભગવાનના ચરણાર્વિંદ સુધી લઈ જાય, તે ગુરુ તો સાક્ષાત પરમાત્મા જેવા કહેલા છે. તેમની પૂજા એ સાક્ષાત પરમાત્માની પૂજા કહેલી છે. આવા ગુરુ તો જીવન મરણનાં ફેરામાંથી મુક્ત કરીને અખંડ પરમાત્માની સેવામાં રાખી દે છે.
સમાજમાં અને પરિવારમાં કે વિદ્યાલયમાં અને સંઘમાં, વ્યક્તિ ભલે બુદ્ધિમાન હોય તો પણ પોતાનાથી આગળ રહેલાનું આંધળું અનુકરણ કરે છે. કારણ કે, તેને વિશ્વાસ છે કે મારાથી આગળ એજ મારા આદર્શ છે અને એમનું વર્તન અને વ્યવહાર યોગ્ય જ છે. એટલે સંયુક્ત પરિવારના વડીલો પર કે સમાજના વડીલો પર, સમાજની અને નેતાઓ પર સમાજની બહુ જ મોટી જવાબદારી હોય છે.
વિદ્યાલયમાં શિક્ષક જેમ પોતાના વિદ્યાર્થીઓને શીખવશે તે જ તે પોતાના જીવનમાં ઉતારશે. જો શિક્ષકના આચરણમાં ખામી હશે, તો વિદ્યાર્થી પણ તેનું આંધળું અનુકરણ જરૂર કરશે. એવું કહેવાય છે કે વિદ્યાર્થી તો શિક્ષકની સારી અને નરસી બંને બાબતો જાણે અજાણે ધ્યાનમાં લેતા જ હોય છે.
શિક્ષકને કે વડીલોને અને સાધુ પુરુષોને કે આદર્શ લોકોને સારી ઉક્તિઓ, માનવાચક શબ્દો, વિદ્યાર્થીઓને કે પોતાના અનુગામીઓને વર્તનથી શીખવવા પડે છે.
શિષ્ય તો સદ્ગુરુ કેવું કરે છે અને મારા શિક્ષક શું બોલે છે? શું પહેરે છે ? કેવી રીતે ચાલે છે? તે આ બધી બાબતો સરળતાથી ગ્રહણ કરી લે છે. તેના વિષે કહેવું પડતું નથી. શિષ્ય કે વિદ્યાર્થી પોતાના શિક્ષકનું અનુકરણ કરવામાં તો બુદ્ધિનો ઉપયોગ જ નથી કરતો.
એટલે તો એમ કહેવાય કે શાળામાં શિક્ષકને દરેક વસ્તુ યોગ્ય સ્થાને મૂકવાની યોગ્ય વસ્તુનો ઉપયોગ કરવાની ટેવ હોય તો વિદ્યાર્થી પણ તેમ કરે છે. જો શિક્ષક સ્વચ્છતાનો આગ્રહી હશે તો વિદ્યાર્થી પણ શાળા, વર્ગખંડને સ્વચ્છ રાખતો થઇ જશે પરંતુ જો શિક્ષકમાં કોઈ કુટેવ હશે તો વિદ્યાર્થી પણ તેમ કરવા પ્રેરાય જશે.
આપણા અનુગામીમાં કુટેવ પડે, ત્યારે વડિલો, મિત્રો અને કુટુંબના સભ્યોનું યોગ્ય માર્ગદર્શન ખૂબ જ જરૂરી બની જાય છે. સમાજમાં શ્રેષ્ટ વિચારથી અને શ્રેષ્ટ સમજથી જ પરિવારમાં સંયુક્તભાવ નિર્માણ થાય છે. શ્રેષ્ઠ સમાજ પણ સદ્વિચારોથી જ સંયુક્ત રહી શકે છે.
આ રીત સમાજના દરેક ક્ષેત્રમાં કહેવાતા ગુરુઓની કે સદ્ગુરુઓની કે આદર્શ વ્યક્તિઓની કે રાજનેતાઓની તેના અનુગામી જુવે છે. જેમ શિક્ષક વિદ્યાર્થીઓનો ગુરુ છે તેમ મા-બાપ પોતાના સંતાનના ગુરુ છે. તેમની એક એક વાત અને એક એક ક્રિયા જોઈને વિદ્યાર્થી અને બાળક શીખે છે. ધર્મગુરુ કે રાજા અને નેતા કે મંત્રી, વેપારી કે ખેડૂત, મા-બાપ કે વડીલ, છાના રહીને અયોગ્ય આહાર કરે કે વિહાર કરે, તે પણ સમાજની કોઈ વ્યક્તિથી કે બાળકથી છાનું રહેતું નથી. એટલે જ આપણે કહેતા હોઈએ છીએ કે સંસ્કાર આપણામાંથી આગળ વધે છે.
લેખક: ગિરીશભાઈ રમણીકલાલ જોશી- નિવાસ સ્થાન અંજાર કચ્છ.