238 મી સ્વામિનારાયણ જન્મ જયંતએ – પરમતત્વના અનુપમ ક્ષણ : ચૈત્ર સુદ – ૯”

0
559

સમગ્ર સૃષ્ટિના અદભૂત અને અનુપમ સૌદર્યનું તેમજ તેની નિયમિતતાનું શાંત ચિત્તે અવલોકન કરીએ ત્યારે મનમાં અનેક પ્રશ્નો પેદા થાય. આ બ્રહ્માંડની રચના કોણે કરી? આ બ્રહ્માંડ શા માટે સૃજ્યું છે? આ બ્રહ્માંડ કોણ ચલાવે છે?

આવા અનેક પ્રશ્નો આપણા માનસપટ પર છવાયેલા હોય છે.આ સંદર્ભમાં બુધ્ધિજીવીઓ પોતાની કલ્પનાઓ સમયે સમયે વ્યક્ત કરી છે. કોઈ એમ કહે છે કે એ તો સ્વયંસંચાલિત(ઓટોમેટિક) છે. તો કેટલાંક ખગોળવિદો-ભૂસ્તરશાસ્ત્રીઓ ગ્રહોના ઘર્ષણથી થયેલ ટુકડાનું ઉપરનું સ્તર ઠંડુ પડ્યું જેના પર આ જીવસૃષ્ટિ સંભવી એમ કહે છે.

આ પ્રશ્નો જયારે આઈનસ્ટાઇનને થયા ત્યારે તે એક ક્ષણે તો વિચારમાં ડૂબી ગયા. એમના મનમાં સહજ વિચાર સ્ફૂર્યો કે મશીન ઓટોમેટિક હોય તો પણ તેનો બનાવનાર અને ઓપરેટર તો હોય છે. તો પછી!! ઋતુ પ્રમાણે વરસાદ, ઠંડી કે ગરમી અનુભવાય છે, ઋતુ પ્રમાણે ધન-ધાન્ય, ફળ-ઔષધીઓ પાકે છે, સમય પ્રમાણે સૂર્ય અને ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે આવી અનેક વિવિધતા સભર સૃષ્ટિનો સંચાલક અને સર્જક કોઈક તો છે જ.

માનવબુદ્ધિથી અગમ્ય આવાં જે બ્રહ્માંડોની ઉત્પતિ, સ્થિતિ અને લય જેમના સંકલ્પમાત્રથી થાય છે તેને શાસ્ત્રકારો-આર્ષદષ્ટાઓ ભગવાન કહે છે. પરમાત્માની આ દેખાતી સૃષ્ટિરૂપ એક કૃતિને પણ આપને યથાર્થ જાણી કે માણી શક્યા નથી

માનવબુદ્ધિથી અગમ્ય આવાં જે બ્રહ્માંડોની ઉત્પતિ, સ્થિતિ અને લય જેમના સંકલ્પમાત્રથી થાય છે તેને શાસ્ત્રકારો-આર્ષદષ્ટાઓ ભગવાન કહે છે. પરમાત્માની આ દેખાતી સૃષ્ટિરૂપ એક કૃતિને પણ આપને યથાર્થ જાણી કે માણી શક્યા નથી તો પછી તેનાં સર્જક-પરમાત્માની તો વાત જ શી કરવી? કેનોપનિષદમાં શ્રુતિઓ પરમાત્માના સ્વરૂપની વિલક્ષણતા વ્યક્ત કરતા કહે છે, “ન તંત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ્ગચ્છતિ નો મનો ન વિદ્મો ન વિજાનિમો…..”(ખં.૧ મં.૩)-પરબ્રહ્મસ્વરૂપને ચક્ષુ ઇન્દ્રિયે કરીને, વાક(વાણી) ઇન્દ્રિયે કરીને, મન વડે કરીને કે બુધ્ધિ વડે કરીને પામી શકાતું નથી કહેતાં પરમાત્માનું સ્વરુપ અતીન્દ્રિય,અગોચર છે.પરમાત્મા સદાય સાકાર હોવા છતા જીવસૃષ્ટિ માટે સર્વદા અતીન્દ્રિય અને અગોચર છે પરંતુ કેવળ કરુણાએ કરી જીવોના આત્મ કલ્યાણાર્થે મનુષ્ય શરીરને ધારણ કરી જીવોને દૃષ્ટિગોચર થાય છે.આ ભગવાન મનુષ્યરૂપે રહ્યા હોય ત્યારે લોકો તેને માયિક આકાર અને માયિક ગુણોવાળા સમજવાની ભૂલ ન કરી બેસે એ કારણથી શાસ્ત્રોમાં તેને નિરાકાર,નિર્ગુણ વગેરે જેવા સંબોધનોથી સંબોધ્યા છે પણ ભગવાન તો દિવ્ય ગુણો અને દિવ્ય આકારે યુક્ત સદા સાકારમુર્તિ છે એજ વેદાદિક સત્શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય છે. આવા સામર્થ્ય સંપન્ન સદા સાકારમૂર્તિ પરમાત્માને પામવું આપણા માટે કઠીન છે પણ જ્યારે જીવ તેને શરણે જાય છે ત્યારે તે કૃપાએ કરીને તેને દૃષ્ટિગોચર થાય અને શાસ્વત આનંદનો ભોક્તા બનાવી દે છે.

માનવ કે અન્ય પ્રાણીનો જન્મ તેને અનુરૂપ યોનિ થકી જ જોવા મળે પરંતુ પરમાત્માના અવતરણ અંગે એવી કોઇ નિશ્ચિતતા નથી. જીવ માયાને આધીન થકો જન્મ લે છે જ્યારે પરમાત્માને તો એ માયા આધીન વર્તે છે. આમ પરમાત્મા નૃસિંહ, વામન, વરાહ, હયગ્રીવ, મત્સ્ય, કપિલ, દત્તાત્રેય, ઋષભદેવ, બુધ્ધ, રામ કે કૃષ્ણ આદિક અનંત રૂપે અવતર્યા છે. ભગવાન કેવી રીતે જન્મ ધારણ કરે એ અંગે નિશ્ચિતતા નથી પરંતુ ક્યારે અવતરે એ અંગે સ્પષ્ટતા આપતા વેદાદિક સત્શાસ્ત્રો કહે છે કે ભગવાન શરણાગત એવા જે પ્રેમી ભક્તોના રક્ષણાર્થે અને તેનાં પ્રેમાસ્પદ ભાવોને પૂર્ણ કરવા અવતાર ધરે છે. જ્યારે નઠારા લોકો(અધર્મ) પ્રભુના શરણાગતોને કષ્ટો આપે ત્યારે શરણાગત વત્સલ ૧૪ગવાન અવતાર લઇ અધર્મનું શમન કરે અર્થાત ધર્મનું સ્થાપન કરે છે,એવું પરમાત્માના અવતરણનું પ્રયોજન શાસ્ત્રોમાં ઠેકઠેકાણે જોવા મળે છે જેમ કે, “યદા યદા હિ ધર્મસ્ય…”તથા“ પરિત્રાણાય સાધુનાં….” (ગીતા ૪-૭,૮). ભાગવતમાં પણ સ્વયં ભગવાન પોતાના અવતારોના સંદર્ભમાં કહે છે, ક્વચિદ્‌ રજાંસિ વિમમે પાર્થિવાન્યુરુજન્મભિ: । ગુણકર્માભિધાનાનિ ન મે જન્માનિ કર્હિચિત્‌ ।।-કોઇ પુરુષ ઘણા જન્મોથી પૃથ્વીના રજકણને પણ ગણી શકે પરંતુ મારા ગુણ,કર્મ, નામ અને જન્મને કદી ગણી શકે નહી. (૧૦/૫૧/૩૮)

અનંત ઐશ્વર્યોના નીધિ એવા જે પરમાત્મા આ પૃથ્વી પર પધારે એ પવિત્ર ક્ષણ તો સમગ્ર જીવપ્રાણીના અનંતજન્મના સત્કૃત્યોના પરિપાકરૂપે પ્રાપ્ત થતી ક્ષણ હોય છે. ત્રેતાયુગમાં ચૈત્ર માસની સુદ પક્ષની નવમી તિથીએ મધ્યાહન સમયે પરમાત્મા અયોધ્યા નરેશ દશરથના રાજસદનમાં માતા કૌશલ્યાની કુખે શ્રીરામરૂપે અવતર્યા. આખાય અયોધ્યામાં રાજપુત્રોના જન્મથી આનંદ છવાઇ ગયો. અનંતકોટી બ્રહ્માંડોના આધારને જ્યારે દેવતાઓ,ગાન્ધર્વો, સિધ્ધો, ચારણો, મહર્ષિઓ વગેરે અંતરિક્ષમાં રહી પારણીયામાં જોયા ત્યારે હરખ ઘેલા થઇ પ્રભુને પુષ્પોથી વધાવ્યા અને પોતાના આનંદને નૃત્યો,વાજિંત્રોના સૂર અને પ્રશંસાના શબ્દરૂપી ગીતથી વ્યક્ત કર્યો. રામરૂપે રહેલા ભગવાને સમયાંતરે વિકૃત માનસ ધરાવતા તાટકાસુર,શુર્પણખા,ખર-દૂષણ, ત્રિશિરા, મારીચ, કુંભકર્ણ, ઇન્દ્રજીત અને રાવણ જેવા અનેકોનો નાશ કરી પૃથ્વી પર મુક્તિ અને શાંતિની લહેર પ્રસરાવી. અનંતકાળ સુધી આદર્શ રાજ્યવ્યવસ્થા તેમજ આદર્શ જીવનરીતિનો મહામૂલો સંદેશ ભગવાન રામે ભારતવર્ષને પોતાના જીવનથી આપ્યો.

જેમ ખુલ્લા આકાશ નીચે મુકેલી હરકોઇ વસ્તુ સમયાતંરે રજથી ઢંકાઇ-મેલી થાય તેમ રામે આપેલ સંદેશાઓ અધર્મના આવરણથી ઢંકાયા ત્યારે દ્વાપરયુગમાં પ્રભુ કૃષ્ણરૂપે અવતરી તેને પુનર્જીવિત કર્યા. અને ફરી કળિયુગમાં જ્યારે ધર્મસત્તા અધર્મનો ઓછાયો લીધો, રાજસત્તા પોષકત્વ અને સંરક્ષકત્વને બદલે શોષકત્વ અને ભક્ષકત્વનો રાહ અપનાવ્યો, ગભરુ પ્રજા વહેમ અને અંધશ્રધ્ધામાં અટવાવા લાગી તેમજ ચોરી, લુટ-ફાટ વગેરે જેવી અનેક વિકૃતિઓ વધી ત્યારે મુમુક્ષુજનોના આર્તનાદને સાંભળી પરમાત્મા ભારતવર્ષને બ્રહ્મભીનો કરવા તત્પર થયા.

અનંત જીવોના કલ્યાર્થે પરમાત્મા આજથી ૨૩૩ વર્ષ પૂર્વે સંવત-૧૮૩૭ના વર્ષમાં ચૈત્ર માસની સુદ પક્ષની નવમી તિથીએ રાત્રની દશ ઘડી પછી પિતા ધર્મદેવ અને માતા ભક્તિદેવીને નિમિત્ત બનાવી અયોધ્યા પાસેના છપૈયા ગામે અવતર્યા. દેવતાઓ, ગાન્ધર્વો, સિધ્ધો, ચારણો, મહર્ષિઓ વગેરે અંતરિક્ષમાં રહી રામજયંતિની સાથોસાથ સ્વામિનારાયણ જયંતિના બેવડા આનંદને માણ્યો. કળિયુગમાં તો અધિકાંશે વિકૃત માનસ ધરાવનાર લોકો હોવાથી તેનો નાશ કરવાને બદલે ભગવાન સ્વામિનારાયણે તેની વિકૃત-ખરાબ વૃતિઓનો નાશ કરી,અનેક જીવોને શિક્ષાપત્રી અને વચનામૃત રૂપે બ્રહ્મરસનું પાન કરાવી શાસ્વત શાંતિના અધીકારી બનાવ્યા. પોતાનું અવતાર કાર્ય પુરુ કરી અંતર્ધાન થાય તે પહેલા આ શાસ્વત શાંતિ અનંતકાળ સુધી માનવસમાજને મળતી રહે એ હેતુથી સ્વામિનારાયણ ભગવાને દેવમંદિર(અર્ચા સ્વરૂપ), શાસ્ત્ર,આચાર્ય શાસ્ત્ર,આચાર્ય,સંતો,ભક્તોની અનોખી પરંપરા સ્વયં પ્રવર્તાવી.

આથી રામનવમી-સ્વામિનારાયણ જયંતિને સમગ્ર ભક્ત સમુદાય ઉમળકાભેર ઉજવે છે.

પરમાત્મા આજેય પણ આપણી વચ્ચે અર્ચારૂપે અને તેમને આપેલ સંદેશ અને તેમના આચાર્ય-સંત-ભક્તરૂપે મૌજૂદ છે.તેમણે આપેલ સંદેશાઓનું યથાર્થ પાલન કરતા થકા તેનું નિરંતર સ્મરણ કરવામાં આવે તો તે આજેય પણ ભક્તને પ્રત્યક્ષ દર્શન આપે છે. સૌકોઇ ભક્તો આ પવિત્ર પર્વે વિશેષપણે ભગવાનનો અંતરમાં પ્રદુભાર્વ થાય એ હેતુથી વ્રત, જપ, તપ,પૂજન અને અનુષ્ઠાન કરે છે અને વૈષ્ણવ મદિરોમાં ઠેક-ઠેકાણે પરમાત્માના પ્રાકટ્યોત્સવ સમયની ઝાંખી કરવા ભક્તોની ભીડ જામે છે. વાસ્તવમાં પરમાત્માએ આપેલ સંદેશાઓના અનુસંધાન સહ તેમણે અવતાર દરમ્યાન કરેલ અનંત લીલા ચરિત્રોનું ગાન અને તેમનું નામ સ્મરણ કરવું એજ જન્મોત્સવની ખરી ઉજવણી છે.

 

લેખક શોનકમુનિ દાસજી