લબ લબ કરવાથી જ્ઞાન ન થાય

0
593
જ્ઞાન
knowledge

     માણસ જો પોતાનો વિકાસ અટકાવી દે ત્યારે સમજવું કે હવે તે વૃદ્ધ થઇ ગયો છે અર્થાત હવે તેનો કોઈ કામમાં ઉપયોગ લઇ શકાશે નહિ કેવળ પૂજા કરવામાં તેનો ઉપયોગ કરી શકાશે. જે અવસ્થાએ ભલે વૃદ્ધ થઇ ગયો હોય પણ નવા નવા વિચારોને પોતના વર્તનમાં લાવતો હોય એ ખરેખર યુવાન છે. આવા યુવાન પાસેથી માનવીને ઘણુ બધુ શીખવા મળે છે. મારી દ્રષ્ટિએ જે સદા નવુ ને નવુ વિચારતો રહે અને આચરતો રહે એજ સંસાર માટે મહાપુરુષ હોઈ શકે પણ જે કેવળ આશીર્વાદ દેવા માટે ઉપયોગમાં આવતા હોય તે મહાપુરુષ કહેવા માટે યોગ્ય ગણાવા જોઈએ કે નહિ એ નક્કી કેમ કરવું એ તમારા ઉપર છોડું છું.

      વ્યર્થ વાદ વિવાદ કરવામાં જે માણસ થાકે નહિ કે ખોટી દલીલો કરવામાં જેને પ્રમાદ હોય નહિ અને એમ કહે કે દલીલોથી વધારે જાણવા મળે છે. એ માણસમાં અને જ્યાં ત્યાં શેરીમાં કે બજારમા બેઠેલા જેને તેને ભસતા માણસોમાં અને ભસતા કૂતરામાં બહુ ઝાઝો ફેર રહેતો નથી.

      માલિકી કુતરો જ્યાં ત્યાં જતો નથી અને જેને તેને ભસતો નથી. માલિકના કહેવા પ્રમાણે તે  પોતાની ફરજ અદા કરે છે ત્યારે તે કુતરો હોવા છતાં માણસથી વધારે ડાહ્યો ને હોશિયાર કહેવાય છે. એ બિચારો ઓછું ભસે છે, ઓછું ભટકે છે અને એમને માટે ઓછું કામ છે છતાં તે સર્વે માટે પ્રશંસનીય ગણાય છે. વધારે ભસવાથી કે વધારે ભટકવાથી કદી કોઈ ડાહ્યો કે ચતુર ગણાતો નથી અને ભસવાથી કે ભટકવાથી ચતુરાઈ કે ચાલાકી આવતી નથી.

     મોટા માણસોનો સાથ આપણને કામ લાગશે એવું માનનારા ઘણી વખત હેરાન થયા છે અને પોતાના પગે ઊભા રહેનારા ભલે પડ્યા અને આથડ્યા છે તો પણ તે હેરાન થયા નથી.મોટા માણસો હજારોની જીંદગી બરબાદ કરીને પ્રથમ પોતાનું કામ સાધે છે.જેને પ્રથમ પોતાનું જ કામ દેખાય છે એવા જ મોટા દરેકને લલચાવા પ્રયત્ન કરે છે.એ મોટા કરતાં નાના માણસો ઘણાં સારાં કારણ કે તે હજારોની જિંદગી બરબાદ કરશે નહિ.

     એક પ્રસિધ્ધ ચિંતકે કહ્યું કે નાનો બાળક કેવળ આપણી ઊંઘ બગાડે છે પણ મોટા માણસો આપણી જિંદગી બગાડે છે. તો મિત્રો! મોટાની લાલચમાં નહિ પડી હકીકત સમજવા પ્રયત્ન કરજો.

    પુસ્તક વિનાની જિંદગી કેવી નિરાશાભરી અને કષ્ટપ્રદ હોય છે એ પુસ્તક વાચનારને ખબર પડે છે. પત્નિ વિનાની જિંદગી કેવી ભેંકાર હોય છે એની ખબર સંતોને પડે નહીં પણ જેણે ગૃહસ્થમાં પગ માંડ્યો હોય એવા એક પુરુષને હોય છે. જેમ એક નાનકડો બાળક નાઈટલેમ્પના પ્રકાશમાં સુતો હોય ત્યારે એને જગતની કે સંસારની મજાની કે પછી સંસારના આનંદની કાંઈ ખબર હોતી નથી.

     પુસ્તક નહી વાંચનારની જિંદગી સુતેલા બાળક જેવી છે. પુસ્તક ન વાંચતી પ્રજા સદા ઘેનમાં કે અજ્ઞાન અવસ્થામાં વિચરે છે. એણે કાંઈ ખબર હોતી નથી કે બહાર શું ચાલી રહ્યું છે.અરે!પોતાના અંતરમાં શું ચાલે છે? એ પણ સમજી શકતા નથી. જે કાંઈ બહાર કે અંદર ચાલી રહ્યું હોય છે એમનાં વિશે એમને કાંઈ ગતાગમ હોતી નથી. કોમાના રોગમાં સપડાયેલી વ્યક્તિ જેમ કોઈ પણ જાતનું સુખ કે દુઃખ, આનંદ કે વ્યથા સમજી શકતી નથી તદ્વત્ પુસ્તક ન વાંચનારની સ્થિતિ છે.

     કેટલાક વિવેચકો પોતાની મહતા વધારવા કે કાંઈ ક્ષુલ્ક પદાર્થના લોભમાં મોટાની પાછળ ભટકે છે. એમનું બરાબર વાંચન ન કહેવાય. જે કુતરો દરેકની પાછળ પોતાની પૂંછડી પટપટાવે તેવા કુતરાને કોઈ સજ્જન પુરુષ સંઘરે નહિ. બધાની પ્રશંસા કરતો હોય તેવા વક્તાને કે તેવા વિવેચકને કોઈ સારો માણસ રાખતો નથી. ક્યાં અને કેવા પુસ્તકો વાંચવા? એ જોવું અગત્યનું છે.

     જે બટકું રોટલો ખાવા આપે તેની પાછળ પાછળ જઈને પોતાની પૂંછડી પટ પટાવવી એવા કૂતરાની કિંમત કોઈને હોય નહિ. ભલે બાઈડીંગ સારું ન હોય પણ ખજાનો હોય તો તેનું સેવન કરીએ. થાઈએ તો એવા કુતરા થાઈએ કે જેના ઘેર બંધાયા તે માલિક સિવાય કોઈની પાછળ પોતાની પૂંછડી પટપટાવીએ નહિ. તો કદાચ તકલીફ હશે કે પડખે, ભૂખ પણ વેઠવાની રહેશે પણ પછી સમય એવો આવશે કે આપણી પાછળ આપણું વિવેચન કરવા તે વિવેચકો ભટકશે.

    મિત્રો બનાવતાં કેટલોય સમય વ્યતિત કરવો પડે છે અને કેટલાયને ચકાસવા પડે છે. ત્યાર પછી જ કોઈ સારો મિત્ર મળે છે. સારો મિત્ર મળે ત્યારે તેમની સંગાથે પોતાનુ અંતર ખુલ્લું કરાય છે. આટ-આટલી મહેનત કરવા પછી પણ તેમાં કેટલીય વખત તો સન્માનને બદલે અપમાન મળે છે. વર્ષો ગાળ્યા પછી મિત્રની ઓળખ થાય છે અને તેને પોતાનો માની શકાય છે છતાં તે મિત્રને જો ગુમાવવો હોય તો એક કલાક પણ લાગતી નથી. એટલે પોતાના અંતરને પવિત્ર કરવામાં કે પોતાના આંતરસુખ માટે એક આધ્યાત્મિક હવેલી બનાવવામાં વર્ષો ના વર્ષો ગાળવાં પડે છે ત્યારે માંડ માંડ તૈયાર થાય છે છતાં તેને જો પાડવી હોય તો એક કલાક ઘણી થઇ પડે છે.

     મિત્રો! મિત્રરૂપી હવેલી કે આધ્યાત્મિક હવેલી બનાવ્યા પછી તેની માવજત રાખવા સદા ચોકી પહેરો રાખજો. નહિ તો બીજો કોઈ આવી તેને ધ્વસ્ત કરી જશે. જ્યાં ત્યાં જઈ જ્ઞાનના મોહમાં લબ લબ કે ભસ ભસ કરીએ કે જે તે વાંચીએ, તે કરતાં યોગ્ય હવેલીને સંભાળીએ અને તેની સજાવટ કરીએ.

બૂરી સોબત કાદવમાં ભેળવે