
લિયો ટોલ્સટોયે ભગવાન વિષે જે કહેલું એ મને સતત યાદ રહેતું આવ્યું છે. હું ભગવાન વિષે ઘણું કહી શકું અને સાંભળી શકું પરંતુ મને જયારે પારકા લોકો ભગવાન વિષે કહે ત્યારે મને વધારે આનંદ થાય છે.
સામાન્ય રીતે આપણે જે સિધ્ધાન્ત જીવનમાં અપનાવ્યો હોય કે જે પરમાત્માના સ્વરૂપની પૂજા કે આરાધના કરતા હોઈએ એ પદ્ધતિને કોઈ પારકા વિદ્વાન વ્યક્તિઓ પ્રસંશા કરે તો આપણે અંતરમાં ખુબ આનંદ અનુભવીએ છીએ.
આજે મારે મંદિર વિષેની વાત કરવી છે. ઘણા લોકોને મંદિર વિષે અતિ શ્રધ્ધા હોય છે, જયારે કેટલાક લોકોને મંદિર વિષે કોઈ જાતની જાણકારી નથી હોતી. કોઈ લોકો તો એમ બોલતા હોય છે કે સમાજમાં મંદિરની કોઈ જરૂર નથી. આપણે બધા ભગવાનના જ રૂપ છીએ. માનવ માત્રને ભગવાનનું રૂપ માની તેની સેવા કરો એજ ખરી ભગવાનની સેવા છે પરંતુ મોટા અને ખોટા ખર્ચા કરી વિશાળ મંદિરો બાંધો એનો અર્થ નથી.કેટલાક લોકોને એક એવી તમન્ના હોય છે કે મંદિરની કોઈ જરૂર નથી. જો દવાખાના બંધાય કે નાની મોટી હોસ્પિટલો ગામો ગામ અને જગ્યા જગ્યાએ બંધાય, ઠેક ઠેકાણે શાળાઓ કે મહા વિદ્યાલયોનું નિર્માણ થાય તો એ સૌથી મોટી ઈશ્વરસેવા છે અને એજ સૌથી મોટી ઈશ્વરની બંદગી છે અને એજ ખરેખરા અર્થમાં મંદિર છે.
હવે મંદિર વિષે જોઈએ. પરમાત્મા મંદિરમાં અખંડ બિરાજમાન રહે છે અને આવતા દર્શનાર્થીનીઓ અનેકવિધ કામનાઓ પરિપૂર્ણ કરે છે. આવા પરમાત્માના ઘરને કે મંદિરના અસ્તિત્વને જો ઓછું કરવામાં આવે કે તેને પ્રયોજન વિનાનું સિધ્ધ કરવામાં આવે તો દરેકને અનેક સંકટોનો સામનો કરવાનો સમય આવશે. આ વાત સત્ય છે. આ હકીકતને સિધ્ધ કવા માટે આજે અનેક પ્રમાણો મોજુદ છે.
એક ઉદાહરણ જોઈએ. જો સર્વત્ર કેવળ કીડની માટે હોસ્પિટલો બાંધવામાં આવે અને બીજા કોઈ રોગ કે બીમારીનો સામનો કરવા કોઈ પ્રકારની હોસ્પિટલો બંધાય નહીં તો એ કેટલું મુર્ખામી ભર્યું પગલું કહેવાશે?નાના ઉત્તરમાં બસ, એવી સ્થિતિ મંદિરની છે.
ઔષધિ એ જેમ કેવળ માનવ માટે જ નહીં પણ ચેતન અને અચેતન બન્ને વર્ગ માટે અવિભાજ્ય અંગ છે તેમ મંદિર પણ માનવ સમાજના વિકાસ માટે એક અવિભાજ્ય અંગ છે. જેમ ઔષધિ અનેક પ્રકારના ભૌતિક રોગ મિટાવે છે તેમ મંદિરમાં રહેલા પરમાત્મા અનેક પ્રકારના રાજરોગોને મિટાવે છે. નાની મોટી વ્યક્તિને જીવનમાં અખૂટ અને અતુટ બળ જોઈતું હોય તો એ મંદિરરૂપી એક મહાન હોસ્પિટલ થકી મળે છે.
આંતરિક જીવનમાં આવશ્યક બળથી પ્રાપ્તિ ઔષધાલયોમાં કે હોસ્પિટલોમાં મળશે નહીં. એને માટે એક મંદિર એ એક વિશાળ ચિકિત્સાલય છે. જાત જાતના અને ભાત ભાતના રોગીઓ આ ચિકિત્સલ્યમાં આવી પોતાના ભયંકર રાજ રોગોને મૂળમાંથી મિટાવી નિરોગી જીવન જીવે છે.
નાનુ સંતાન પોતાના માતપિતાથી વિખૂટું પડી જાય તો હેરાન હેરાન થઇ જાય. છતાં એ સમયે તૈયાર થઇ જીવન જીવી શકે. પરંતુ જો એ વ્યક્તિ પરમાત્માથી વિખુટી પડી જાય તો તે જીવન કદાપી ન જીવી શકે. ઈશ્વરમાં જે શ્રધ્ધા છે એજ જીવન જીવવાની એક જડીબુટી છે.
ચાર્લ્સ કિંગ્સલે અને જેમ્સ ક્લાર્ક જેવી મહાન હસ્તીઓએ એમ કહ્યું કે ઈશ્વરમાં જો અતુટ શ્રધ્ધા હોય તો કોઈ કાર્ય બાકી રહેતું નથી કારણકે ઈશ્વરમાં શ્રધ્ધા સ્થિર થવાથી એક અનોખી પ્રચંડ તાકાત આપણી ચેતનામાં આવે છે.
મનોચિકિત્સાના પિતામહ કાર્લયંગે કહેલું કે ઈશ્વરમાં શ્રધ્ધા એજ સૌથી મોટી તાકાત છે. મિત્રો! ઔષધિ જે રોગ ન મિટાવી શકે અને અનેક પ્રકારની કસરતો જે રોગ ન મિટાવી શકે, એવા ભયંકર રોગ મંદિરમાં બેઠેલા પરમાત્માની આરાધના કરવામાં આવે તો એ પરમાત્મા મિટાવી શકે છે.
શાંતિપ્રદ કોઈ મોટો સમ્રાટ હોય કે રોગપ્રતિકાર મહા શક્તિ ધરાવતો કોઈ ડોકટરસમ્રાટ હોય તો એ છે એક કેવળ ઈશ્વર. એ ઈશ્વરમાં જો તમને અને મને દ્રઢ શ્રધ્ધા સમજાણી તો શરીરના રોગનો સામનો કરવાની સામાન્ય ઔષધિ પણ સહેજે સમજાણી.
જે લોકો કેવળ ઔષધિની વાત કરે છે એણે ખબર નથી કે રોગો કેવળ ઔષધિના સેવન કરવાથી મટતા નથી. એ ઔષધિમાં પૂર્ણ શ્રધ્ધા રાખવી પડે છે. પૂર્ણ શ્રધ્ધા રાખવા છતાં ક્યારેક અનંત સમય લાગે છે. ઘણી વખત શ્રધ્ધાથી ઔષધિનું સેવન કરવામાં આવે તો લંબે કાળે દુર થનારો રોગ ટૂંક સમયમાં દુર થાય છે.
હવે એક પ્રશ્ન જોઈએ. જે રોગ જિંદગી ઝુંટવી લે એવો ભયંકર હોય અને રોગ દરમ્યાન દર્દનાક અને ભયંકર પીડાપ્રદ હોય તો એ વખતે ભગવાનની શ્રધ્ધામાં જોડાવું સારું કહેવાશે કે પેઈનકીલર રસાયણિક ગોળીઓ ખાવી એ સારું કહેવાશે? તો જવાબમાં મારે એટલું જ કહેવું છે કે પેઈનકીલર રસાયણિક ગોળીઓ ખાવાથી કેટલું નુકસાન થાય છે એ આપણાથી હવે અજાણ્યું નથી.
આંતરડાંના કેન્સરમાં રિબાતા અને દર્દભરી બુમો કરતા એક દર્દીને દિકરાએ ઘણા દિવસો સુધી પેઈનકીલર રસાયણિક ગોળીઓ ખવડાવી, શરીર વધારે પરાધીન થયું પણ દર્દમાં કોઈ ઊણપ આવી નહીં. પેઈનકીલર તો વધતી ગઈ અને કંપનીઓ બદલતી ગઈ.છેલ્લે ભારે દવાઓ આપવા છતાં ગોળીની મારક અસર ઘટતી ગઈ!
સેવકો જયારે રાસાયણિક ઔષધિથી નિરાશ થયા ત્યારે પરમાત્માના સ્વરૂપમાં પિતાને પરોવવા પ્રયત્ન કરવા લાગ્યા! પરિણામ સારું આવ્યું. જો વહેલા આ માર્ગે પોતાના પિતાને સેવકોએ જોડ્યા હોત તો કેટલું સારું કહેવાત.
પરમાત્માનાં પાંચ સ્વરૂપો છે. આ પાંચ સ્વરૂપોની યોગ્યતા પ્રમાણે આરાધના કરવાથી જે ભયંકર રોગમાં ચેતના મળે છે એ કાંઈક અનેરી હોય છે. પર સ્વરૂપ, વ્યૂહ સ્વરૂપ,વિભવ સ્વરૂપ, અર્ચા સ્વરૂપ અને અંતર્જામી સ્વરૂપ આ પાંચ સ્વરૂપમાં જે અર્ચા સ્વરૂપ છે તેની સ્મૂતિ અને તેનું ચિંતવન કાંઈક અનોખી ઔષધિ આપે છે.
આંતરડાના કેન્સરમાં રિબાતા એ રોગીની પાસે એક સાધક પહોંચ્યો. તેણે તેની સ્થિતિ જોઈ ધીરે ધીરે ભગવાનના પ્રસંગો અને સંતોના પ્રસંગો સંભળાવવાનું શરૂ કર્યું. જ્યાં ઔષધિ ઓછી પડી હતી ત્યાં શ્રધ્ધાનું જોર વધતાં અને તેની શક્તિની અનુભૂતિ થતાં આવી ભયંકર પીડામાં શાંતિ મળવા લાગી. એટલું જ નહીં, રાત્રે નિદ્રા પણ આરામથી આવવા લાગી. સમય જતાં પેઈનકીલર બંધ કરાઈ અને ભગવાનના પ્રસંગો અને સંતોના પ્રસંગો સંભળાવવા શરૂ થઇ ગયા એટલે હવે એવું થવા લાગ્યું કે એ પવિત્ર પ્રસંગો વિના પીડા થવા લાગી!
એક દિવસ એવો હતો કે તે સંતો પાસે બેસતો ન હતો અને હવે તેજ કહેતો થયો કે મારી પાસે કોઈ સંત આવશે?
આમંત્રણ આપવાથી સંતો તેમની પાસે ગયા. તેને કંઠમાં ભગવાનની કંઠી ધારણ કરાવી અને વધારે ભગવાનની યાદ આવે એવો પ્રયત્ન કરજો એવી ભલામણ કરી. ભગવાનના પ્રસંગો અને સંતોના પ્રસંગો સાંભળતા હોઈએ ત્યારે અંતરમાં મંદિરમાં આજ ભગવાન બિરાજમાન છે અને એજ ભગવાન મારા અંતરમાં બેઠા છે એવી મનમાં ધારણા કરવી. આટલું કહી સંતો વિદાય થયા.
જોયું હોય એ બનેલી ઘટનાને કેમ નકારી શકે. જે પુત્ર મંદિરમાં જવા સમય ન હોતો કાઢી શકતો એ આપો આપ મંદીરમાં આવતો થયો. હવે અનુભવમાં આવેલી વ્યક્તિઓને પૂછીએ કે જીવનમાં મંદિરની જરૂરીયાત ખરી કે નહીં? તો ત્યાં જનારી અને અનુભવ કરનારી વ્યક્તિ કહેશે કે મંદિરમાં રહેલી પરમાત્માની મૂર્તિ એ કોઈ અજબ છે.
જે ભૂમિ ઉપર ભગવાનને અનેક પ્રકારની સાધના કરીને પ્રતિષ્ઠિત કરાયા હોય અને અનેક પ્રકારના પ્રયોગો કરી આરાધનાને અને સાધનાને સફળ કરાઈ હોય એ દેવસ્થાનમાં બિરાજમાન કે એ મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ કે ભગવાનના કોઈ પણ સ્વરૂપો અનેક પ્રકારની ઔષધિ પૂરી પાડે છે.
આજે જયારે શરીરના રોગો લોકોને એટલા પરેશાન નથી કરતા જેટલા માનસિક રોગો લોકોને પરેશાન કરે છે. માનસિક નબળાઈથી માનસિક રોગોથી પીડાતા લોકોને માટે મહાકાય હોસ્પિટલ હોય અને મોટા કોઈ રાજવૈદ્ય હોય તો એ છે એક વાસ્તુશાસ્ત્રની વિધિ મુજબ બનાવાયેલું ભવ્ય મંદિર અને ત્યાં વિધિ પ્રમાણે પૂજા આરાધના કરતા સાધકો અને સંતો.
મનના રોગોથી શરીરના રોગ વધારે વધે છે. જો મન સ્વસ્થ હોય અને નિરોગી હોય તો શરીર ઘાયલ હોવા છતાં જીવનમાં સુખ શાંતિ મળે છે.
શરીરના ઉપચારો કરવા સારા છે પણ એ કરતાં મનના ઉપચાર કરવા વધારે સારા છે અને એ ઉપચારો માટેનું કોઈ મોટું દવાખાનું કે મોટી હોસ્પિટલ હોય તો એ છે ભગવાનનું દિવ્ય મંદિર.
આવું દવાખાનું કે હોસ્પિટલ કેવળ માનવ ઉધ્ધાર માટે જ છે એટલું નહીં પરંતુ આ હોસ્પિટલમાં દરેક પ્રકારના ચેતન પ્રાણીઓ માટેની જગ્યા છે. એમને માટે કેવી હોસ્પિટલ હોય તો સારું કહેવાય અને એમને માટે શું શું કરવું જોઈએ. એ બધું શ્રધ્ધાની મહાન હોસ્પિટલ મંદિરમાંથી મળશે.
મિત્રો! ચાલો, આપણે લઘુતાગ્રંથિમાંથી કે મહતગ્રંથિમાંથી બહાર આવી હકીકત સમજી સમાજને કાંઇક ઉપયોગી ચીજ આપીએ.