ધ્યેયની પ્રાપ્તિ

0
671
ધ્યેયની પ્રાપ્તિ

 ‘‘દેહં પાતયામિ ચ અર્થં સાધયામિ’’  

મારા દેહનું પતન ભલે થાય પણ હું મારા ધ્યેયથી કદી પણ વિચલિત થઈશ નહીં. ‘‘દેહં પાતયામિ ચ અર્થં સાધયામિ’’ ‘જ્યાં સુધી મારો અર્થ હસ્તામલ નહિ થાય અને જ્યાં સુધી પ્રારંભ કરેલું મારું કામ પરિપૂર્ણ નહિ થાય, ત્યાં સુધી હું કદી પણ જંપીશ નહિ. મારો દેહ પડી જાય તો ભલે પડી જાય પણ મારા માર્ગ થકી કે મેં હાથમાં લીધેલા લક્ષ્ય થકી રતિભાર પણ ચલાયમાન થઈશ નહિ. મારે કદાચ હિમાલય પાર કરવો પડે તો હું એ કરીશ પણ મારા ધ્યેયથી એક ડગલું ડગીશ નહિ’ આવા નિશ્ચયવાળા જે સાધક હોય તે પોતાનું કાર્ય નિર્ભિકપણે પરિપૂર્ણ કરે છે.

ભગવાન સહજાનંદ વચનામૃતમાં કહે છે કે ‘‘જેમ બે સેના હોય, તે પરસ્પર લડવા તૈયાર થઈ હોય ત્યારે બન્નેનાં નિશાન સામ સામાં રોપ્યાં હોય પછી બન્ને સેના મનમાં એમ નિશ્ચય કરે છે કે ‘આપણે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ અને એનું નિશાન લઈ લઈએ.’ એ સેનાનીઓને મનમાં આમ નિશ્ચય છે પણ એમને એમ  વિચાર નથી આવતો  કે‘એના નિશાન લગી જઈશું, તેમાં કેટલાનાં માથાં વઢાશે? કેવડી લોહીની નદી ચાલશે?

એ સાચા અને ખંતિલા સૈનિકોને માથાંની  ચિંતા નથી પણ એક ધ્યેયની ચિંતા છે. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગમે તેટલાં માથાં જાય એની કોઈ ચિંતા નથી પણ ધ્યેય પ્રાપ્ત થવું જ જોઈએ કારણ કે ધ્યેય વિનાનું જીવન સ્મશાનમાં ઊગેલા સુંદર ફૂલ જેવું ઉપયોગી છે! તે ફૂલ નથી ભગવાનને કામમાં આવતું કે નથી કોઈ પવિત્ર સાધકને કામમાં આવતું!’’

ધ્યેય પ્રાપ્ત કરવાનો વિચાર સત્યનિષ્ઠ અને શૂરવીરના મનમાં જ સ્ફુરે છે. પણ ભાગ્ય હોય તો આપણું કામ પાર પડે એવું જેના મનમાં  ભૂસું ભરેલું હોય તેનાથી કદી ધ્યેય સુધી પહોંચી શકાતું નથી. સત્યનિષ્ઠ અને શૂરવીરને તો ભાગ્યનો વિચાર જ ન આવે કારણ કે તેમના મનમાં મરવાની બીક સમૂળ નીકળી ગઈ છે. એમના અંતરમાં તો અખંડ ધ્યેય પ્રાપ્ત કરવાનો જ મનસુબો ઘડાય છે.

કાયરના મનમાં અનેક વિચારો આવે છે. અનેક સ્થાનોને પ્રાપ્ત કરવાના કોડ થાય છે, પણ એ પોતાના મનનો એકેય કોડ પૂર્ણ કરી શકતો નથી કારણ કે તેનામાં નથી દૃઢ મનોબળ કે નથી આત્મવિશ્વાસ અને નથી કાંઈ કરવાની ખરી ખેવના. તેને તો મફતનું અને સહજમાં મળે તે લેવું છે.

 ‘‘કેસરી સિંહને રે, જેમ  શંકા મિલે નહીં મનમાં,

 એકા એકી રે નિર્ભય થઈ વિચરે વનમાં ।।

પંડે છોટો રે મોટા મેંગળને મારે,

 હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે ।।’’

બ્રહ્માનંદજી મહારાજ એમ ગાય છે કે હાથી વિશાળકાય  પ્રાણી હોવા છતાં શૂરવીરતા વિના અને નિર્ભયતા વિના, નાના સિંહથી મરાઈ જાય છે.

જેમનામાં સિંહ જેવી હિંમત હોય અને મૃગ જેવી ચંચળતા હોય  તેને પોતાના ધ્યેય પ્રાપ્ત કરવામાં કોઈ અડચણ આવતી નથી અર્થાત્  કદાચ આવે છે તો પણ તે અડચણ હિંમતવાળાને કાંઈ કરી શકતી નથી.

જેમનું મનોબળ દૃઢ હોય, જેને અંતરમાં દૃઢ આત્મા વિશ્વાસ હોય તેને  સરળતાથી પોતાનું ધ્યેય સિદ્ધ થાય છે એવી કૃતનિશ્ચયી વ્યક્તિ જ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે.