આમળાનો ઉપયોગ અને તેનાથી થતાં લાભાલાભ

ayurveda-amla - Kutch - home remedicine

      આપણા દરેક પ્રાચીન અને અર્વાચીન ધર્મશાસ્ત્રોમાં મનુષ્ય જન્મનું ખૂબ મહત્વ બતાવેલું છે. ઉપનિષદમાં કહેવાયું છે કે शरीरमाद्यं खलु धर्मसाधनम् અર્થાત મનુષ્ય શરીર દ્વારા સર્વ વિધ ધર્મકાર્ય કરવામાં પરમ ઉપાય છે અને સર્વોત્તમ સાધન છે.

      ભગવાન શ્રી સ્વામિનારાયણએ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સત્સંગી માત્રએ કોઈ દિવસ આત્મઘાત ન કરવો.(શ્લોક ૧૪)અને પોતાના તથા બીજાના અંગનું છેદન ન કરવું (શ્લોક ૧૬). વળી ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં સાક્ષાત પરમેશ્વર હોવા છતાં મનુષ્યને બોધ આપવા માટે અને શરીરથી સર્વ સાધ્ય છે, એવું બતાવવા માટે મનુષ્યની માફક, હિમાલયમાં એક સિદ્ધ ગોપાળયોગી પાસે અષ્ટાંગયોગ સિદ્ધ કર્યો અને અનેક સંતોને સમયે કરાવ્યો.

      શરીરને સ્વસ્થ રાખવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું મહત્વ કોરોના(COVID-19) કાળમાં આપણા બધાને સારી રીતે સમજાઈ ગયું છે. રોગપ્રતિકારકશક્તિ (immunity) વધારવા વિટામીન સીનું મહત્વ આધુનિક સંશોધનો દ્વારા સિદ્ધ થયેલું છે ત્યારે વિટામીન સી ના સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્ત્રોત એવા આમળા” (Amala) ને કેમ ભૂલી શકાય ! આયુર્વેદમાં બતાવેલું છે કે आमलम्  वयस्थापनानां श्रेष्ठम | અર્થાત યુવાની ટકાવી રાખવા માટે આમળાનું સેવન સર્વશ્રેષ્ઠ છે તો આવા શ્રેષ્ઠ ફળ આમળાના ઉપયોગ અને તેનાથી થતાં લાભાલાભ વિશે આપણે જરૂર જાણવું જોઈએ.

      આ વર્ષે સારા ચોમાસાની વિદાય બાદ હવે શિયાળાનો સમય આવી ગયો છે. શિયાળો સ્વાસ્થ્ય અને આરોગ્યની દ્રષ્ટિએ સર્વોત્તમ ઋતુ છે. શિયાળુ ફળો સમગ્ર વર્ષ માટેની ચેતના અને શક્તિ પૂરી પાડે છે. ત્યારે આવા જ એક ફળ આમળા વિશે જાણીએ.

      Indian  Gooseberry તરીકે ઓળખાતા આમળાનો એક સંસ્કૃત પર્યાય છે. અમૃતા, અર્થાત જે ફળના સેવનથી કોઈ અકાળ મૃત્યુ નથી પામતું. આમળા સામાન્ય રીતે નાના-મોટા વૃક્ષના સ્વરૂપમાં ઉતર ભારતમાં, મધ્ય ભારત અને ગુજરાતમાં જોવા મળે છે. નવેમ્બર – ડીસેમ્બર માસમાં ફળો પ્રાપ્ત થાય છે.

આમળાના નિયમિત સેવનથી અકાળે વૃદ્ધત્વ આવતું નથી તથા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ચ્યવનપ્રાશનામની આયુર્વેદિક ઔષધમાં પ્રચુર માત્રામાં આમળાનો ઉપયોગ થાય છે.

 

     સામાન્ય રીતે વિટામીન સી ગરમીમાં નાશ પામે છે. પરંતુ આમળામાં એવું થતું નથી. સુકવીને તૈયાર કરેલાં આમળાના ચૂર્ણમાં પ્રચુર માત્રામાં હોય છે. ૧૦૦ ગ્રામ આમળામાં ૬૦૦ થી ૯૨૩ મીલીગ્રામ ના પ્રમાણમાં વિટામીન સી રહેલું હોય છે.

  • આમળાના નિયમિત સેવનથી અકાળે વૃદ્ધત્વ આવતું નથી તથા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ચ્યવનપ્રાશનામની આયુર્વેદિક ઔષધમાં પ્રચુર માત્રામાં આમળાનો ઉપયોગ થાય છે.
  • હરસ મસામાં વધારે લોહી પડતું હોય ત્યારે આમળાના રસ અને દહીંની ઉપરની મલાઈનો પ્રયોગ કરવામાં આવે છે. આંખોનાં વિવિધ રોગોમાં વૈદ્યકીય સલાહ અનુસાર આમળાનો પ્રયોગ કરવાથી ઉત્તમ ફાયદો થાય છે
  • ડાયાબીટીશમાં આમળાનો હળદરના ચૂર્ણ સાથે પ્રયોગ કરવાથી બહુ મોટો લાભ થાય છે.
  • નસકોરી ફૂટી હોય ત્યારે આમળાના ચૂર્ણને ઘીમાં સેકી છાશમાં પીસીને માથા પર લગવાથી નાકમાંથી આવતું લોહી બંધ થઇ જાય છે.
  • વાળના જુદા જુદા રોગોમાં આમળાનો બાહ્ય- આભ્યંતર પ્રયોગ ઘણો લાભપ્રદ પુરવાર થયો છે.
  •  સ્ત્રીઓને થતી માસિક સંબંધી તકલીફો તથા શ્વેતપ્રદમાં આમળા ખૂબ ફાયદાકારક રહે છે.
  • આધુનિક સંશોધનો દ્વારા પુરવાર થયું છે કે ક્ષય (ટીબી) ના દર્દીને કૃત્રિમ (સિન્થેટીક) વિટામીન સી આપવાને બદલે જો પ્રાકૃતિક (નેચરલ) વિટામીન સી સ્ત્રોત એવા આમળા આપવામાં આવે તો વધુ લાભપ્રદ રહે છે.
  • આમળાના ચૂર્ણનો પ્રયોગ એસીડીટીમાં અને ચામડીના વિવિધ રોગોમાં કરી શકાય છે.

amla-india-kutch

સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જોવાં મળતા આમળા એ એક નિર્દોષ અને ખૂબ લાભકારી ઔષધ છે. મનુષ્ય માટે તો આ આમળા અમૃતનું કામ કરે છે. તેને માત્ર ઋતુગત ફળ તરીકે ન લેતાં બધી ઋતુમાં સેવન કરવું જોઈએ.

શાસ્ત્રો પ્રમાણે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો નિવાસ કરે છે અને એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આમલકી એકાદશી જેવા વ્રતનું અનેરું સ્થાન છે. આમળાનું સેવન કરીએ – સ્વસ્થ રહીએ અને જીવનના લક્ષ્યને સિદ્ધ કરીએ.

     શરીર સ્વસ્થ હશે તો પોતાનું વ્યવહારીક અને આધ્યાત્મિક કાર્ય થશે, પરિવારનું કાર્ય સારી રીતે થઈ શકશે અને જીવનને ધન્ય કરનાર અને પરમપદ સુધી પહોંચાળનાર એવી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરી શકાશે. પવિત્ર સંતો ભક્તોની સેવા પણ શરીર સારું હશે તો થઈ શકશે.

     શરીરને સ્વસ્થ રાખવા માટે આમળાનો ઉપયોગ જરૂર કરીએ અને વિશેષમાં જાણકાર વ્યક્તિના સલાહથી આમળાનો ઉપયોગ કરીને વિશેષ તંદુરસ્ત રહીએ.

લેખક: ડૉ. પાવન દિનેશચંદ્ર ગોર,એમ.ડી.(આયુર્વેદ) ભુજ-કચ્છ

Previous articleઅપમાનો ન કર્તવ્યો…
Next articleઆવકારો મીઠો આપજે..
ડૉ. પાવન દિનેશચંદ્ર ગોર એમ.ડી.(આયુર્વેદ).
ડૉ. પાવન દિનેશચંદ્ર ગોર,એમ.ડી.(આયુર્વેદ). કચ્છ ભુજમાં આવેલ સરકારી આયુર્વેદ હોસ્પિટાલમાં મેડીકલ ઓફિસર કલાસ ટુ માં સેવા બજાવે છે. કેટલાંક વર્ષો સુધી, જામનગર, પછી અમદાવાદ રહીને ૧૨ વર્ષ પછી પોતાનું વતન ભુજ આવવાનો યોગ થતાં પ્રથમ પ્રધાનતા આપી છે. વર્ષથી અહીં સેવા બજાવે છે. આયુર્વેદમાં અનેક સિદ્ધ ગ્રંથો છે પરંતુ મહર્ષિ ચરક રચીત ચરક સંહિતા અમારો પ્રધાન ગ્રંથ રહ્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સિદ્ધ ગ્રંથ કહેવાતો વચનામૃત એ અમારો આત્મગ્રંથ રહ્યો છે. અમને શાસ્ત્રીય સંગીત સાંભળવું અને સમય મળે પ્રકૃતિની ગોદમાં વિહાર કરવું બહુ ગમે છે. પ્રકૃતિની ગોદમાં ધ્યાન કરવા મળે તો અમને પરમાનંદ મળે છે.