।। બિલીપત્ર અને તેની ઉપયોગીતા ।।

0
1094
Aegle Marmelos
Aegle Marmelos

             બિલીપત્રનું વૃક્ષ એ પવિત્ર અને દેવવૃક્ષ કહેવાય છે. આ વૃક્ષ સર્વે સાધકોને માટે પૂજામાં ઉપયોગી છે અને સંસારી જીવોને દેહ માટે બહુ ઉપયોગી છે. ભગવાન સદાશિવને અતિ પ્રિય એવું છે. બીલીનું વૃક્ષ હવામાનને શુદ્ધ કરે છે અને તેની સુગંધ ચોમેર વાતાવરણ મહેકાવે છે.

              બિલીવૃક્ષને થતાં ફળ અનેક રોગોમાં અને દેહની પુષ્ટી કરવામાં પરમ ઉપયોગી છે. ભગવાન સદાશિવને બિલીના પત્ર અર્પણ કરવામાં આવે તો ભગવાન ઇચ્છીત ફળ આપે છે. સદાશિવની ત્રણ પાન યુક્ત બિલીપત્રથી પૂજા કરવામાં આવે તો એવી કોઈ સફળતા નથી કે જે ભગવાન પ્રસન્ન થઈને પોતાના સેવકને ન આપે. બિલીપત્રની પૂજાથી તો મહાદેવ બહુ જ પ્રસન્ન થાય છે, સેવકે કરેલી બધી જ ધારણા પૂર્ણ કરે છે.

             કથા એમ છે કે આ બિલીવૃક્ષ મા પાર્વતીના ભાલના પ્રસ્વેદના બિંદુથી પ્રગટ થયું છે. આ હેતુએ ભગવાન સદાશિવે પોતાની પૂજામાં પ્રથમ સ્થાન આપ્યું છે. જે સાધક બિલીવૃક્ષને ઉગાડે છે, તેનું પોષણ કરે છે અને તેના પત્રોથી ભગવાન સદાશિવની પૂજા કરે છે, તેના ઉપર મા પાર્વતી તો પ્રસન્ન થાય, ભગવાન સદાશિવ પ્રસન્ન થાય અને સ્વામિનારાયણ ભગવાન પણ પ્રસન્ન થાય છે કારણ કે સ્વામિનારાયણ ભગવાને પોતાના દરેક ભક્તોને અને માનવ માત્રને શ્રાવણ મહિનામાં ભગવાન સદાશિવની બિલીપત્રથી પૂજા કરવી વિશેષ આજ્ઞા આપી છે. ભગવાન શંકર તો સર્વેને સુખ આપનારા કહેવાય છે પરંતુ તેની પૂજા બિલીપત્રથી દરેકે કરવી જોઈએ.

             ભગવાન સદાશિવને ભલે ધતુરાના ફુલો આપીએ, રુદ્રાક્ષની માળાઓ પહેરાવીએ પરંતુ જ્યાં સુધી તેનો જળથી કે દુધથી અભિષેક કરીને બિલીપત્ર ન આપીએ, ત્યાં સુધા પૂજા અપૂર્ણ કહેવાય. બિલીપત્ર તો સર્વે સાધનમાં પૂર્ણ સાધન છે

             પાકેલા બિલીફળનો માવો લઈને તેમાં જરૂરી પાણી અને ખાંડ નાખીને જો સરબત બનાવાય તો ઉનાડામાં પેટમાં અતિશે શીતળતા અનુભવાય છે. મન પણ શીતળ અને શાંત થઈ જાય છે. આ સરબતનો સૌ કોઈ લાભ લઈ શકે છે.

             બિલીપત્રના વૃક્ષોમાં કેટલાક પ્રકારો હોય છે. કોઈક બિલીવૃક્ષને બહુ મોટાં ફળ થાય છે અને કેટલાંક વૃક્ષને નાનાં નાનાં અસંખ્ય ફળો થાય છે. આ ફળનો ઉપયોગ સરબત બનાવામાં થાય છે અને તેનો સરબત બહુ જ સ્વાદિષ્ટ અને પોષક છે. બિલીવૃક્ષના મૂળ અને પાન પણ કેટલાક રોગોના નિવારણમાં બહુ ઉપયોગી છે.

             પેઢામાંથી લોહી નીકળતુ હોય, ડાયેરિયાની તકલીફ હોય, અસ્થમાથી થાકેલા હોઈએ, કમળો કે  લોહીની ઉણપ જેવા રોગોમાં હોઈએ તો આ બિલીફળનો ઉપયોગ બહુ જ અસરકારક છે. પાઈલ્સ થયા હોય કે કોઢની સમસ્યામાં હોય તો તેમાં અને આંખ અને કાનના રોગોમાં પણ બિલિફળનો અલગ અલગ રીતે ઉપયોગ કરાય છે. તેનું પરિણામ અસરકારક જોવા મળે છે. કબજિયાતની સમસ્યા હોય તો તેમાં બિલીફળનો માવો કાઢીને તેમાં કાળા મરી અને માપ પ્રમાણે નમખ નાખીને સરબત બનાવાય છે. આ બધું  વૈદ્યની સલાહ મૂજબ નિયમિત કરવામાં આવે તો બહુ લાભ થાય છે. આંતરડામાં મળ ચોટી ગયો હોય, તે સર્વે નિર્મૂળ બિલીફલના ઉપયોગથી કરાય છે.

            બિલીફળના માવા સાથે શુદ્ધ ગાયનું ઘી ભેળવીને લેવામાં આવે તો એવું કહેવાય છે કે કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ થાય છે અને હૃદયની ધમનીઓ શુદ્ધ થાય છે. આ રીતે દેહમાં અને શરીરની સ્વસ્થામાં બિલીફળ, તેનાં મૂળ અને પાન બહુ ઉપયોગી છે અને ભગવાનના સાધકો માટે બિલીપત્ર સાક્ષાત સદાશિવના સાન્નિધ્યમાં પહોંચાડી દે અને અખંડ જગત જનની મા પાર્વતીના કૃપાપાત્ર બનાવે, એવું આ દિવ્ય વૃક્ષ છે.

।। અસ્તુ ।।

Save