તનને આહાર બગાડે અને મનને..

0
707
તનને આહાર બગાડે
Food spoils body

       શરીરને જેવો આહાર મળે એવું શરીર થાય છે. જો શરીરને આહાર અશુધ્ધ મળે, ઉતરેલો મળે કે બગડેલો મળે તો શરીરને બગાડે અને તેવી જ રીતે મનને જો અશુધ્ધ આહાર મળે તો મનને બગાડી નાખે અને અંતરમાં ઝળહળતી આનંદની જ્યોતિને મૂરઝાવી છે.

      પ્રથમ ભોજનની વાત કરીએ. સામાન્ય રીતે સમજુ માણસ ઉતરેલો કે બગડેલો ખોરાક ખાય નહીં. ખોરાકમાં અનાજ હોય કે ફળ હોય, શાકભાજી હોય કે દહીં દૂધ હોય બગડી ગયેલાને કોઈ ગરીબ સિવાય ભોજનમાં વાપરે નહીં.

    માણસ જાણે છે કે બગડેલો ખોરાકથી જીવનમાં કેવું કેવું ભોગવવું પડે છે. ઘણી વખત એવું થાય છે કે બગડેલા કે ઉતરેલા ખોરાકને કારણે અનેક માણસોને એકી હારે હોસ્પિટલમાં ભરતી કરવા પડે છે. કઈકને જાન ગુમાવવી પડે છે તો કઈકને જીવનભર રોગના ભોગ બનવુ પડે છે તો કઈકને વર્ષો સુધી કરી કે બાધા રાખવી પડે છે.

      બગડેલો આહાર જો શરીરને ચૂંથી નાખે કે શરીરને ખરાબ કરી નાખે તો એક વાત પાકી થઈ કે તનને આહાર કદી અશુધ્ધ અપાય નહીં. ”શરીરને બગડેલો આહાર આપવો અને પછી હેરાન થવું એ કરતાં શરીરને એક કે બે ટક ભોજન ન આપવું એ વધારે સારું છે,” એમ સમજુ લોકો મનોમન નક્કી કરી લે છે.

       આહારના વિષયમાં સામાન્ય માણસો સામાન્ય માણસો પણ જેટલાં સાવધાન અને સજાગ છે એટલાં શરીરનું જેને કારણે મંડાણ થયું છે એના વિષે કોઈ સાવધ છે ખરા? ચાલો હવે એ જોઈએ.

      વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે શરીરનું નિર્માણ મનને કારણે જ થયું છે અને શરીરનું સંચાલન આજે પણ મન જ કરે છે. સદમાર્ગે ગમન કરાવામાં અને અસદમાર્ગે ગમન કરાવામાં વ્યક્તિને મન જ પ્રવર્તાવે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા કહે છે કે વ્યક્તિને બંધનમાં મન જ નાખે છે અને છુટકારો મન જ અપાવે છે.

        મિત્રો! મનને અશુધ્ધ આહાર કરાવાથી શરીરમાં કેટલી ખોડ-ખાંપણ ઊભી થાય છે અને કેટ કેટલા ભવ જ્યાં ત્યાં અને જેમ તેમ ભટકવું પડે છે, એ કદી અંતરમાં જોવા પ્રયત્ન કર્યો છે? આ તથ્ય સમજવા માટે ઘણા લોકો સખત પ્રયત્ન કરે છે અને ઘણા લોકો મહાપુરુષોના માર્ગે ચાલી થોડા પ્રયત્ને ઘણું મેળવે છે.

       આજે મનને રંજન કરનારી સીરીયલ, નૃત્ય કે પિકચર જોવા સૌ કોઈ માણસ આતુર થાય છે. “મનુષ્યની સહજ પ્રકૃતિ છે કે જેવું જુએ તેવું કરે.” જો વ્યક્તિ ભ્રષ્ટાચારની સીરીયલો વારંવાર જુએ તો તેનું વર્તન તેવું આપો આપ થવા લાગે છે. સેક્સથી ભરપુર સીરીયલો જોવામાં આવે તો વ્યક્તિનું તેવું વર્તન તેવું થાય છે. નારી ઉપર બળાત્કાર ગુજારવામાં આવતા હોય કે તેને હેરાન કરવામાં આવતી હોય, એવાં પિક્ચરો અને માનવ સમાજ ઉપર નારી હિંસા કે અત્યાચાર ગુજારવામાં આવતી હોય એવી કથાઓ કે ફિલ્મો જોવામાં આવે કે સાંભળવામાં આવે તો જોનારને કે વિચારનારને ધીરે ધીરે તેવી દુષ્પ્રવૃતિમાં  ડૂબવાની વૃત્તિ આપો આપ સતેજ થાય છે અને આખરે તે વ્યક્તિ પોતાના જીવનને નરકમાં ડુબાવે છે કે દુઃખના મહાસાગરમાં ડૂબાવે છે.

       મૃત્યુ પછી નરક આવે એ તો બહુ દુરના ભવિષ્યની વાતો છે પરંતુ મનને વિકૃત કરનારા વિષયો આપવાથી મન એટલી હદ સુધી રોગિષ્ટ અને ભ્રષ્ટ થઈ જાય છે કે એવા મનને સુધારવામાં સિધ્ધ સાધક પણ વામણો પડે છે.

     મનની વિકૃતિથી શરીરમાં કેટલી વિકૃતિ આવે છે એ લોકો કેટલા જાણે છે? એ આપણે વ્યક્તિગત રીતે જોવું પડે છે. જે લોકો અંતરને સમજવા પ્રયત્ન કરે છે અને મનોવિજ્ઞાનને બરાબર સમજતા હોય છે એ લોકો અવશ્ય જાણે છે. મનોચિકિત્સક કહે  છે કે શરીરને તંદુરસ્ત કરવું હોય તો મનને તંદુરસ્ત કરવું જોઈએ. મનની બીમારી હોય તો શરીરમાં બીમારી અવશ્ય થાય છે. મનની વિકૃતિથી શરીરની સ્થિતિમાં અનહદ વિકૃતિ આવે છે.

       મનોચિકિત્સક કહે છે કે શરીરમાં કે શરીરના કોઈ પણ અંગ કે ઉપાંગોમાં કોઈ પણ જાતની ઊણપ દેખાય છે તો તેનું ૭૦% વ્યક્તિનું પોતાનું મન છે. મનની વિકૃત્તિથી જ બુધ્ધિમાં, ચેતનામાં, મસ્તિષ્કમાં અને શરીરના સંપૂર્ણ અંગોમાં વિકૃતિ આવે છે.

      મનોનિગ્રહયુક્તિજ્ઞ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેવો ઇન્દ્રિયઓનો આહાર રાખશો તેવું તમારું મન થશે અને તેવી તમારી પ્રવૃતિ થશે. ઇન્દ્રિયોનો આહાર જો અશુધ્ધ હશે તો મનની વિકૃતિ કડવી વેલની માફક પાંગરી હશે. બુધ્ધિમાં, ચેતનામાં, મસ્તિષ્કમાં અને શરીરના સંપૂર્ણ અંગોમાં વિકૃતિ આવી હશે અને સુંદર શરીરને વ્યક્તિ પોતના હાથે વિકૃત કરી ભ્રષ્ટ કરી નાખશે.

      જન્માંતરની વાત રહેવા દઈએ તો પણ વ્યસની સંગાથે થોડી ઝાઝી નિસ્બત રાખનારો જેમ વ્યસની થા જાય છે તેમ કુસંસ્કારોમાં પોતાના મનને વિહાર કરાવનારો આદમી નીચ અને ખતરનાક થઇ જાય છે.

      સંતોની અને સાધકોની નિંદા કરનારો તાલેવર હોય કે ભિખારી હોય અને હોશિયાર હોય કે સમાજનો નેતા હોય, એવા લોકોની વાતોમાં વિશ્વાસ કરવાથી વિશુધ્ધ મન પણ અશુધ્ધ થઇ જાય છે. નિંદકો પોતે તો હેરાન થાય છે પણ બીજા સામાન્ય માનવીને પણ ખોટે રવાડે ચઢાવી તેમને હેરાન કરવામાં નકલી મસ્તી માણવા પાગલપન કરે છે.

      વિશુધ્ધ મનના સહારે યોગીઓ હજારો યોજનને અંતરે રહેલા પદાર્થને હસ્તકમલવત્ ભાળે છે અને અશુધ્ધ મનના માનવીઓ નજરે રહેલા કાળને જોઈ શકતા નથી તો સંતોને કે સાધકોને ક્યાં ભાળી શકે, સમજી શકે? ન સમજી શકે.

      મિત્રો! અશુધ્ધ મનને કારણે જ સર્વત્ર નિંદા, અપમાન અને તિરસ્કાર સહેવો પડે છે. જો વ્યક્તિનું મન શુધ્ધ હોય તો નિંદા,અપમાન  કે તિરસ્કાર કોઈ કરતું નથી. કોઈ અપમાન કે તિરસ્કાર કરે તો તેની તેવા સાધકને કોઈ અસર થતી નથી.

      મનને શુધ્ધ કરવાથી જ જીવનમાં પોતાને મહેક આવે છે અને અંતરમાં આનંદ રહે છે. અશુધ્ધ મનથી જીવનમાં સજા ભોગવવાની હોય છે અને અંતરમાં વેદના અને હતાશાઓમાં મુરઝાવાનું હોય છે.

       શુધ્ધ મનથી જીવન દર્પણ થાય છે અને અશુધ્ધ મનથી દર્પણ પણ ઊલટો થઈ જાય છે. શુધ્ધ મનના કારણે તો સંત જગતના માતા પિતા કહેવાયા છે અને અશુધ્ધ મનના કારણે અસુરો જગતાના કાળરૂપ કહેવાયા છે.

     શુધ્ધ ઇન્દ્રિઓના આહારથી રોગી નિરોગી થાય છે, મન વિશુધ્ધ થાય છે અને ભવાટવીનાં બંધન થકી એ જીવાત્મ છૂટી પરમાત્માના પરમ ધામમાં જાય છે.

     સાગરને કિનારે ઉભેલો જેમ સાગના હિલોળા જોઈ શકે છે તેમ મનને પવિત્ર કરનારો કે પવિત્ર આહાર કરાવનારો અંતરના અનેક પ્રકારના ઘાટ સંકલ્પના હિલોળા જોઈ શકે છે અને સમજી પણ શકે છે.

      હવે મનને શુધ્ધ કરવું કઈ રીતે? તો પ્રથમ મનને શુધ્ધ આહાર આપવો. શુધ્ધ આહાર આપવો કેમ, કેવી રીતે આપવો, કોની પાસેથી શુધ્ધ આહાર મળે? એ વાત બરાબર કે મનના શુધ્ધ આહારથી બુધ્ધિમાં, ચેતનામાં, મસ્તિષ્કમાં અને શરીરમાં ફાયદા થાય છે અને શરીરના દરેક અંગોમાં સ્ફુર્તી આવે છે અને જીવનમાં મહેક આવે છે.

     શુધ્ધ આહારના પ્રશ્નનો ઉત્તર છે કે પવિત્ર સંતનું સાનિધ્ય સેવી એમણે બતાવેલો ખોરાક મનને આપી મનને તંદુરસ્ત કરીએ, મનને પવિત્ર અને વિશુધ્ધ બનાવીએ. કદાચ એવો પ્રશ્ન થાય કે સંતને ઓળખવા કેમ? તો મિત્રો! સતત એવા સાધકોને કે સંતોને અને સાધ્વીઓને યાદ કરીએ. મીરાબાઈ, લાધીબાઈ, રસખાન, તુલસીદાસ, બ્રહ્માનંદ સ્વામી, એભલબાપુ , ધનબાઇ ફઇ તેમ જ એ જેવાં અનેક મહર્ષિઓના જીવન પ્રસંગ વિચારીએ અને તેમના જેવું જીવન કાંઈક અંશે વિતાવવા યત્ન કરીએ. વિશેષમાં તમને જન્મ આપનાર અને તમારામાં સંસ્કારોનું સિંચન કરનાર તમારા સાધકને જ પૂછજો, તમારી જનેતા ક્યાધુને જ પૂછજો. તમારા દાદા ભિષ્મને પૂછજો. તમારા અંતરનો જવાબ તમને સહેજે મળી જશે.

જીવનને ઝેરથી બચાવવું