મારો ધણી કોણ?

0
571
મારો ધણી કોણ?

જુના જમાનાની એક વાત છે. આ વાત થોડી રમુજી છે પરંતુ રમૂજમાં કાંઈક શિખામણ આપે એવી છે. એક ગામમાં એક મોટું કુટુંબ રહેતું હતું. ઘરમાં જે બાપા હતા એનું નામ હતું રાયચંદ અને માનું નામ હતું રતીબેન. રાયચંદ બાપાના પાંચ દીકરા હતા.

જૂનાં જમાનામાં માણસો લાજ બહુ મોટી કાઢતાં. ઘુમટો તો કદી છેટો થાય જ નહી. તેમાં પણ જો નવાં પુત્રવધુ ઘરમાં આવે તો તો તેને મોટો ઘુમટો કાઢવો જ પડે.

ઉમર થતાં મોટા દીકરાને રાયચંદ બાપાએ પરણાવવાનું નક્કી કર્યું. મોટા ભભકા સાથે પરણાવ્યો. ઘેર વહુરાણી આવ્યાં, ઘરમાં વહુરાણીથી ઘુમટો તો હટાવાય નહિ ને! એટલે વહુરાણીને ખબર જ નહી કે આ પાંચમાંથી કયો મારો પતિદેવ છે કારણ કે પાંચ દીકરાના જન્મમાં વધારે અંતર ન હતું. વળી શરીરે પણ સરખા ભરાવદાર હતા. વહુરાણીએ દશ બાર દિવસ તો એમ ને એમ કાઢ્યા, પછી એક દિવસ હિંમત એકઠી કરી અને સાસુને પૂછ્યું બા ! મને તો ખબર જ નથી પડતી કે મારા પતિદેવ કયા છે? હું બીજા દીકરાને ભુલમાં પતિ તો નથી માની લેતી ને? તો મારો પતિવ્રતાધર્મનો ભંગ થઈ જશે.

સાસુએ કહ્યું તું નવરી લાગે છે. તને તો હજુ પચીસ દિવસે નથી થયા, અને પતિને ઓળખવાની વાત કરે છે. તને ખબર છે? મને તો પચીસ વર્ષ થયા પછી ખબર પડી કે મારો ધણી કોણ છે. તું પચીસ દિવસ તો જવા દે. પછી તને ધીરે ધીરે ખબર પડશે.

ભક્ત જનો ! આવું તમો ન કરજો. આપણે શ્રીજી મહારાજના અર્થાત ભગવાન શ્રીસ્વામિનારાયણના આશ્રિત થયા છીએ. હવે આપણું જીવન રતીબાઈ જેવું જાય છે? કે કાંઈ ફેરફાર છે? રતીબાઈના જેવું જીવન વ્યતીત થતું હશે અને પોતાના ધણીની અને પોતાના ગુરુની પોતાને કાંઈ ખબર જ નહી પડતી હોય તો ક્યાં જઈને પડશું? એ થોડો વિચાર કરજો.

આપણા પોતાના કોણ પતી છે, આપણો કોણ ધણી છે? કોણ આપણો ગુરુ છે?કોણ આપણો ઉપાસ્ય દેવ છે? કયો આપણો મંત્ર છે? એ ખબર જ નહી હોય તો તો કોઈ ભયંકર સકંજામાં સપડાઈ જશું અને ત્યાં હલવાઈ જશું.

પોતાના ગુરુની, પોતાના ઇષ્ટદેવની જેને ખબર ન હોય તે વ્યક્તિ જ્યાં ત્યાં જઈ માથું ઝુકાવશે અને સાચા માર્ગ થકી ભ્રષ્ટ થઈ હરાયા ઢોર જેવા થઈ જ્યાં ત્યાં રઝડતા રહેશે.

દીકરાને મા બતાવે છે કે તારો બાપ કોણ છે. તેમ આપણને આપણા સંતો બતાવે છે કે આપણા ગુરુ અને આપણા પતિ (ઇષ્ટદેવ) કોણ છે. જે વ્યક્તિ જેને તેને પોતાનો ધણી માની અથવા તો ઓળખ્યા વિના જ્યાં ત્યાં જાશે તો પોતાના વર્તમાનથી ભ્રષ્ટ થશે અને કલ્યાણના માર્ગ થકી પણ પડી જશે.

સાચા સદગુરૂ સંતો હોય એ પોતાના મુખે તમને અને મને એમ કદી નહી કહે કે હું તારો ગુરુ છું. પણ બંધુઓ ! આપણે ચિહ્ન ઉપરથી સાચા ગુરુને ઓળખી અને ભગવાનને પોતાના સર્વસ્વ સમજી તેમનું સેવન કરવું જોઈએ. ભગવાન અને ગુરુને ઓળખવામાં તકલીફ થાય એવો તમને તો કોઈ ઘુમટો કાઢવાનું તો કહેતા નથી ને? જો ઘુમટો કાઢવાનું કહેતા હોય તો એનાથી વહેલી તકે ખસી જવું વધારે યોગ્ય ગણાશે.

રતીબાઈની જેમ ધણીને ઓળખ્યા વિના પચીસ પચીસ વર્ષ કાઢી નાખશો તો એ રતીબાઈ જેટલા ડાહ્યાં કહેવાય એટલા તમે અને હું ડાહ્યા કહેવાઈશું ! શ્રીજી મહારાજ આપણા ઇષ્ટદેવ છે, આપણા સાચા પતિ છે. અને એજ આપણા ઉપાસ્ય શ્રીકૃષ્ણ ભગવાન છે. વધારે તો તમે જ તમારો ઘુમટો હટાવી જોવા પ્રયત્ન કરજો અને દિવ્ય સુખ માંણવા માટે સદા સ્વાધ્યાય કરવાનું નક્કી કરજો.