બૂરી સોબત કાદવમાં ભેળવે

0
677
Buri Sobat
Buri Sobat

        દાનેશ્વરી કર્ણનું જીવન એક પક્ષે સર્વેને માટે અનુકરણીય છે. તેમના જીવનમાં તેમણે જે જે સહન કર્યું છે તેની ચરમ સીમા છે. લક્ષ્ય હાંસલ કરવા તેણે જે કુરબાની આપી છે તે અતિ પ્રસંનીય છે.

        વિદ્યા સંપાદન કરવા માટે તેણે નાટક કરવામાં કાંઈ ખામી રાખી નહીં. પરશુરામ પાસે જવું અને બ્રાહ્મણ થઇ વિદ્યા સંપાદન કરવી, એ કાંઈ નાની સૂની વાત ન કહેવાય. કેવો અદભુત રોલ અદા કર્યો હશે કે સ્વયં ભગવાન પરશુરામને પણ ખબર ન પડી કે આ વિદ્યાર્થી કોણ છે? ભગવાનને ખબર ન પડી કે આ વિદ્યાર્થી કઈ જ્ઞાતિનો છે અને કયા વર્ણનો છે?

        જો ભમરાએ કર્ણને સાથળમાં દંશ ન માર્યો હોત તો કદાચ ગુરુદેવને જાણ ન થઇ હોત કે, “મારી પાસે વિદ્યા સંપાદન કરનારો બ્રામણ નહીં પણ કોઈ ક્ષત્રિય છે.” કર્ણના જીવનમાં પડકાર રૂપે કોઈ દેવ ભમરો બનીને કર્ણને તેના માર્ગથી વિચલિત કરવા માટે આવ્યો હતો. ખરેખર એ ભમરો પોતાના કાર્યમાં સફળ થયો ગણાય.

         તે ભમરાને કર્ણ સાથે ક્યા ભવનું વેર હશે એ તો કર્મફલપ્રદાતા જ જાણે પરંતુ એક વાતનો સ્વીકાર કરવો પડે કે તે ભમરાએ કર્ણને સફળતામાં એક ભયંકર આડ ખીલી ઊભી કરી. તે ભમરાને મન ચાહી સફળતા તો ન મળી પણ તે કર્ણને જીવનભર ઘાયલ અવશ્ય કરી શક્યો. ગુરુદેવની જે કૃપાદ્રષ્ટિ કર્ણને મળવાની હતી કે જેથી વિશ્વને માટે તે કર્ણ એક મહાવિભૂતિ બનીને ઝળહળ્યો હોત એમાં ભમરાએ ભયંકર વિપ્લવ સર્જયો.

        જેને જનેતાની ગોદનું સુખ ન મળ્યું હોય, જેને જનેતાના સંસ્કારો ન મળ્યા હોય અને જેને પરિવારનો અતૂટ વરસો ન મળ્યો હોય એ દેહધારી પોતાના જીવનમાં કાઈ પણ ન કરી શકે. એમ આપણે આજ દિવસ સુધી માનતા આવ્યા છીએ, પરંતુ જો કર્ણના જીવનમાં દ્દષ્ટિપાત કરીએ તો આત્મવિશ્વાસ પૂર્વક કહી શકીએ કે ભલે ત્રણ ત્રણ અમૂલ્ય ખજાનાથી વ્યક્તિ વંચિત રહી હોય તો પણ જીવનમાં ભગવાને આપેલા અણમોલ ખજાનામાંથી વ્યક્તિ જો દ્રઢતા પૂર્વક ધારે તો ધાર્યું લક્ષ્ય હાંસલ કરે છે.

        કર્ણ પોતાના જીવનમાં મહા મહેનતે કલ્પનાતીત સિદ્ધિ હાંસલ કરી શક્યો અને જગતને બતાવી શક્યો કે જેને ત્રણ ત્રણ અમૂલ્ય ખજાનામાંથી વંચિત રહેવું પડ્યું હોય એવી વ્યક્તિના જીવનમાં જો નિશ્ચયમાં પરિપક્વતા હોય તો જીવનમાં અણમોલ સિદ્ધિ હાંસલ થઇ શકે છે.

       આજે સિદ્ધિના સમુદ્રમાં ઝંપલાવવા આપણે કિનારે ઊભી ડોકા તાણતા હોઈએ છીએ. કર્ણનું જીવન અને તેની સાધના જોઈએ તો સાગરે કૂદવામાં કોઈને કાંઈ શંકા ન થાય.કર્ણના પાત્રમાં એક પાસું અતિ નબળું આવ્યું. એમાં પોતાની થોડી માનસિક નબળાઈ તો અવશ્ય ગણવી જોઈએ. એને વિફળતાનો મનમાં દંશ બેસી ગયો. જીવનમાં વિફળતા દરેક સાધકોને મળે છે અને સફળતા પણ દરેકને મળે છે. વિફળતા અને સફળતાનો ઉપયોગ કેવો અને કેમ કરવો જોઈએ એ વધારે મહત્વનું છે.

        વિફળતાના દંશને કારણે જે તેને સંગત મળી એ સારી ન મળી. સંગતને કારણે એનું જીવન બરબાદ થઇ ગયું. બૂરી સંગતે કર્ણને ધોઈ નાખ્યો. બૂરી સોબતે કર્ણ જેવા અવતારી પુરુષને કાદવમાં ભેળવી દીધો. શિયાળની સોબતે ચડેલો ઊંટ જેમ કમોતે મરાયો એમ સિંહ જેવો સિંહ શિયાળની સોબતે જતાં લુચ્ચા અને કપટી શિયાળ માટે સિંહ પોતાના જીવનનું બલિદાન આપ્યું.

        કપટ અને દગાબાજી કરનારો દુર્યોધન મિત્ર બનવા કર્ણ પાસે સામેથી આવ્યો હતો.દુર્યોધન કપટ નીતિમાં ઘણો પારંગત હતો પરંતુ આ રહસ્યને કર્ણ સમજી શક્યો નહીં કારણ કે તેને વિફળતાનો દંશ પહેલેથી જ લાગી ગયો હતો.

       કર્ણને જીવનમાં જે ભમરાએ આવી એક વધારે નિષ્ફળતા અપાવી અને ત્યારે પછી, એક પછી એક નિષ્ફળતા મળતી રહી અને તેનો લાભ દુર્યોધનને મળતો રહ્યો. આ નિષ્ફળતાનો ઉપયોગ દુર્યોધને કર્ણને વિરોધમાં મજબૂત સ્તંભ તરીકે સ્થાપિત કર્યો.

       કર્ણ ચતુર દુર્યોધનના રહસ્યને સમજી શક્યો નહીં. મનુષ્યને જીવનમાં નિષ્ફળતા મળે છે તે સમયે તેને કહેવાતા મિત્રો ગેર માર્ગે દોરવા અને તેની શક્તિનો સ્વાર્થમાં ઉપયોગ કરવા સખત મહેનત કરે છે. માણસને કોઈ વખત વધારે નિષ્ફળતા મળે છે તો કોઈ વખત વધારે સફળતા મળે છે. વ્યક્તિ જો પોતાના માર્ગ ઉપરથી વિચલિત ન થાય અને વૈરવૃત્તિ ન રાખે તો તેનું જીવન માનવ માટે પથપ્રદર્શક બની જાય છે. કર્ણ આ તત્વને આત્મસાત ન કરી શક્યો અને વૈરવૃત્તિથી પોષાયો અને દુર્યોધનનો મજબૂત સ્તંભ થયો.

       જો કર્ણ પોતાની શક્તિનો ઉપયોગ ખોટે રસ્તે કરવા ન ઉશ્કેરાયો હોત તો દુર્યોધન તેનો ગેરલાભ ઊઠાવી ન શક્યો હોત. અવિવેકી અને ચાલબાજ માણસો શક્તિશાળી વ્યક્તિનો ઉપયોગ અવશ્ય સ્વાર્થમાં જ કરે છે. જયારે તેજસ્વી વ્યક્તિ વિફળતાના ઝપાટામાં આવે છે ત્યારે તે વેળા, શિયાળ જેવા લોકો તેને નિશ્ચિત ઝડપી લે છે.

      અવિવેકી મિત્ર દુર્યોધન કર્ણને એવા જ સમયમાં મળ્યો અને સૂર્યપુત્રને ઉશ્કેરી અન્યાય સામે ઝઝૂમવા ન્યાયનો બુરખો પહેરાવી કર્ણને જોમ પૂરું પાડ્યું. એ જાણતો હતો કે સૂર્યપુત્રની સામે કોઈ ટકી ન શકે. જો એનો મને સાથ મળશે તો મારો જય જયકાર થઇ જાય.

      કર્ણનું જીવન જોઈ આપણું અંતર કરુણાથી ભરાઈ જાય છે પરંતુ જે કાંઈ થયું એમાં કર્ણની વધારે ભૂલ દેખાય છે. કર્ણ જો બૂરી સોબતે ન ચડ્યો હોત અને દુર્યોધનને તેમજ તેના સાગરીતોને બુદ્ધિપૂર્વક જોવા પ્રયત્ન કર્યો હોત તો તેનું મન તેમાં ફસાયું ન હોત અને તેનું નામ કંઈક અલગ રીતે રોશન થયું હોત અને તેની મહેનત સમાજે નવાજી હોત.

     આપણા જીવનમાં નિષ્ફળતા આવે છે. કોઈ સ્થળેથી ધક્કાઓ લાગે છે. જોવાનું એ છે કે દુર્યોધન જેવા નીચ મિત્રોની સોબેતે ન ચઢી જવાય અને તેને સહકારે પોતાના જ પરિવારના સભ્યો સામે લડવા ન મંડી જવાય. જીવનને જેમ સર્વવિધ સામર્થી સંપન્ન કર્ણે કર્યું એમ કાંઈક વ્યર્થતામાં ન ગુમાવી દઈએ એવું કાંઈક કરીએ.