શુભ સંસ્કારોના સિંચનનું ફળ

0
598
શુભ સંસ્કારોના સિંચનનું ફળ

મેથાણમાં અનેક સત્સંગીઓ રહેતા હતા. ઘણાક ભક્તો સંતોને અનુકુળ રહી ભગવાનની ભક્તિ કરતા હતા. દેવબાઈ પણ મેથાણના મૂળ વતની હતા. દેવબાઈને સત્સંગ પરિવારથી મળ્યો હતો. દેવબાઈના ભાઈ અજાભાઇ હતા. તેઓ પણ સત્સંગમાં પાકા અને સંતનિષ્ઠ એકાંતિક પ્રભુભક્ત હતા.

સમય જતાં દેવબાઈના લગ્ન એક સુખી પરિવારમાં કરવામાં આવ્યા. કડુ ગામના સંઘા પટેલ સંગાથે દેવબાઈના ધામધુમથી લેવાયાં. દેવબાઈ સત્સંગમાં અતિ દ્રઢતાવાળા અને અતિબળિયા સત્સંગી હતા.

દેવબાઈના જ્યાં લગ્ન કરવામાં આવ્યા એ પરિવારમાં સત્સંગી કોઈ ન હતું. પ્રીવએમાં સમૃદ્ધિ પુષ્કળ હતી પરંતુ સત્સંગ શુન્ય હતો. દેવબાઈના પતી સંઘા પટેલ ન સત્સંગ કરે અને ન કરવા દીએ. દેવબાઈના પતિનો ત્રાસ હોવા છતાં સત્સંગ છોડ્યો નહી.

લોકો કહે છે કે સંઘા પટેલે દેવબાઈને ખુબ હેરાન કરેલા હતા, તેણે ભગવાનનું સ્મરણ અને મોટા સંતોનું સ્મરણ કદી ત્યાગ્યું નહી. તેની સત્સંગીય પ્રવૃતિ સંઘા પટેલને બિલકુલ ગમતી ન હતી.

સંઘા પટેલનો હઠીલો સ્વભાવ હતો. વાત વાતમાં ક્રોધે ભરાઈ જતા હતા. વેગમાં કોઈને માર પણ મારી દેતા. દેવબાઈને ઘણી વખત વિના કારણે માર ખાવો પડ્યો હતો. દેવબાઈએ પોતાની તકલીફો માવતરે કહી હતી પણ માવતરનું કાંઈ બહુ ચાલ્યું ન હતું.

દેવબાઈની સહન શક્તિ બહુ અજબની હતી. એમ કહેવાય છે કે દેવબાઈને જીવનભર પતિથી ત્રાસ વેઠવો પડ્યો હતો. ઘણી વખત બીજેથી ત્રાસી જતાં સંઘા પટેલ તે ત્રાસ પોતાની પત્ની ઉપર ગુજારતો, છતાં તેણે સત્સંગના શુભ સંસ્કારો જીવનમાં યથાવત રાખ્યા હતા.

આ સત્સંગના શુભ સંસ્કારો અને ભગવાનના ભજનથી અને સ્મરણથી જ દેવબાઈને પુણ્યના ફળ રૂપે ચાર પુત્રો મળ્યા. સત્સંગના શુભ સંસ્કારોનું સિંચન કરવામાં પતિના આટ આટલો ત્રાસ હોવા છતાં કશી ખામી બાકી રાખી ન હતી. સત્સંગના સંસ્કારોથી ચારે પુત્રો, સંતની સેવામાં અને પ્રભુના કાર્યમાં તત્પર રહેતા હતા. સત્સંગના કોઈ પણ કાર્યમાં સંઘા પટેલનો કદી સાથ કે સહકાર ન હોય. પોતાના સગા પુત્રોને, સત્સંગના કાર્યો કરે એટલે દંડરૂપે, માર ઝુડ કરવામાં કદી બાકી રાખતા નહી!

સત્સંગના શુભ સંસ્કારો પરિવારમાં હશે તો પરિવાર સુખી રહેશે અને પરલોક સુધરશે એવા આશયથી દેવબાઈ વારંવાર પોતાના પુત્રોને શુભ સંસ્કારો મળે એ હેતુથી વારંવાર મેથાણ જતા. મેથાણમાં અજાભાઈને ઘેર મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વિગેરે અનેક સંતો પધારે અને તેમનો શુભ સમાગમ થતો. શ્રીજી મહારાજનાં દર્શન પણ થતા.

સંતના સમાગમરૂપી અલભ્ય લાભથી દેવબાઈએ ચારે પુત્રોને સત્સંગ પરાયણ જીવન કરાવ્યું હતું. આ સત્સંગના શુભ સંસ્કારોથી દેવબાઈને છેલે ચારે પુત્રો તરફથી મહાસુખ મળ્યું હતું.

પોતાના પતિના ત્રાસથી કંટાળી કોઈ અયોગ્ય પગલું ભર્યું હોત તો જીવનમાં શું મળત? વધારે દુ:ખ, પીડા અને દંડ. તકલીફો વેઠીને સંતોને સાથે રાખ્યા અને ભગવાનનું સ્મરણ સતત રાખ્યું તો ભવ સુધારે એવા પુણ્યના ઢગલા રૂપ ચાર ચાર પુત્રો ભગવાને આપ્યા. પતિનો ત્રાસ હોવા છતાં પુત્રોને સત્સંગની વાતો કહેવી, સંતોના પ્રસંગો કહેવા અને ભલામણ કરવી વિગેરેમાં કાંઈ ઉણપ આવવા દીધી નહી.

વાચકો! સત્સંગના શુભ સંસ્કારોનું સિંચન પરિવારમાં કરે તો પરિવાર સ્વર્ગસુખ આપનાર થાય અને દેહાંતે સહેજે સહેજે ભગવતધામ અપાવે છે. દેવબાઈ જેવી અચલ નિષ્ઠા જીવનમાં રાખી હોય અને તેની જેમ સત્સંગના શુભ સંસ્કારોનું સિંચન પરિવારમાં અને અન્યત્ર કરવાનું ચાલુ રાખ્યું હોય, તો નીચ અને કુપાત્ર પતિ હોય તો પણ ભગવાન અને સંત આપણી ઉપર પ્રસન્ન થઈ આપણું બધું સારું કરી દે છે અને એને માટે આ પ્રમાણ છે.