આનંદની સુવાસ

0
67
આનંદની સુવાસ

વ્યક્તિ જો પોતાના જીવનની મહત્વની કમાણી ગાય, ગરીબ, પવિત્ર સંત કે સાધક માટે, આરાધનાસ્થાન કે મંદિર દેવાલયના નિર્માણમાં ખર્ચે છે, તો એમાં ખર્ચાયેલી પોતાની મહત્વની કમાણી જીવનમાં અણમોલ આનંદપ્રદ મહેક વહેવડાવી દે છે. જો કોઈ પોતાના જીવનનો સમય સંત સાધકને સહવાસમાં વ્યતીત કરે છે તો તે વ્યક્તિને જીવનમાં અચૂક અમૃતની પ્રાપ્તિ થાય.

બાગ બગીચામાં ફરવાથી અખંડ આનંદ મળતો હોય તો વૃદ્ધ માતા પિતાને કોઈ પોતાના ઘરમાં રાખે નહી. કેવલ પોતાના પરિવાર માટે મહેનતની કમાણી વાપરવામાં આવે અને તેથી જીવનમાં જો મહેક મળતી હોય તો કોઈ સંત અને સાધક માટે પોતાની કમાણી વાપરવા લલચાય નહી.

એક વખત ગામમાં આવેલા સંતોને, એક બહેને ભાવથી ભોજન કરાવ્યું.વ્યવહારે પ્રીતિ બહેન બહુ જ ગરીબ હતા. ઘરમાં પોતાના સંતાનોને ભરપેટ રોજ પુરતું ભોજન મળતું ન હતું. જયારે સંતો પોતાને ઘેર આવ્યા ત્યારે તે પ્રીતિ બહેને મનોમન નક્કી કર્યું કે હું ભૂખે રહીશ, મારા દીકરા અને દીકરી ભૂખ્યા રહેશે પરંતુ આવેલા સંતને અવશ્ય ભોજન કરાવીશ.

સંતોને ક્યાં ખબર હતી કે આ બહેન પોતાનો વ્યવહાર કેમ ચલાવે છે. સંતોએ ભાવથી ભોજન બનાવ્યું. ભગવાનને ભોગ ધરી પોતે જમ્યા. પ્રસાદી તે બહેનને અપાવી.

પ્રીતિ બહેને પરિવારને સંતની પ્રસાદીનું મહાત્મ્ય બતાવી દરેકને પ્રસાદી આપી અને પછી પોતે પણ ગ્રહણ કરી.

દસેક વર્ષનો સમય ગાળો વહી ગયો હશે. કયા સંતને પ્રીતિ બહેને ભોજન આપ્યું હતું એ પણ ભુલાઈ ગયું હતું. સંતોને ભોજન કરાવ્યાનું ફળ ભગવાન શ્રીરંગે હવે આપ્યું.

પ્રીતિ બહેનના ગરીબ પુત્ર રવિને એક દિવસ શેઠે સામેથી બોલાવીને પોતાની એક પેઢીમાં નિયુક્ત કર્યો. કેવળ એક જ વર્ષમાં રવિને શેઠે પેઢીનો ઘણો મહત્વનો ભાર સોંપી દીધો.

માતા પ્રીતિએ ભૂખ્યા સંતાનોને સંસ્કારનું સિંચન કર્યું હતું તો આજે જે પેઢીમાં કામ કરે છે તે પેઢીના માલિકે કહ્યું કે ‘તારો પરિવાર ભલે આપણા બંગલામાં રહે. આ બંગલો હું તને આપું છું.’ રવીએ પોતાની માતાને બંગલામાં રાખ્યા અને કહ્યું કે માં ! આ બંગલો હવે શેઠે આપણને રહેવા આપ્યો છે. અહી રહી તને જે સંતોની સેવા કરવી હોય તે તું કરજે અને જેટલી દાન-દક્ષિણા જોઈએ તેટલી આપજે, આપણી પાસે હવે ઘણું છે અને આપણા શેઠ સારા કાર્યમાં વાપરવા સામેથી મને કહેતા હોય છે.

માતાને મનમાં થયું કે ભગવાને આજે મને કેટલું બધું આપી દીધું. મેં સંતની અને કોઈ સાધકની અજાણમાં સેવા કરી હશે એનું જ આ ફળ હશે. સારા કર્મનું સારું હોય છે અને નબળા કર્મનું ફળ કડી સારું હોતું નથી. છેતરીને કે કપટ કરી મેળવેલા હરામના ફળો કદી કોઈને હદતા નથી.

મિત્રો ! સંતની સેવાથી ક્યારે અને કેવું ફળ મળે છે એની કોઈને કદી જાણ થતી નથી પરંતુ ફળ અચૂક મળે છે, એમાં સંશય નથી. જીવનમાં સંત સેવાથી અને પવિત્ર આત્માઓની સેવા કરવાથી જે આનંદપ્રદ સુવાસ મળે છે એ કાંઈક અનેરી જ હોય છે.

મુક્તાનંદ સ્વામી ગાય છે કે આ વિષયમાં તો જેને વીતી હોય એ જ જાણે, અણસમજ્યા મન ઈર્ષ્યા આણે. જે વાતને આપણે પ્રેક્ટીકલ ન કરી તે વાતનું આપણે પુરતું મહત્વ હોતું નથી.

સંતની સેવામાં કે સંતની અનુવૃત્તિમાં આરાધનાસ્થાનમાં કે મંદિર દેવાલયના નિર્માણમાં ખર્ચાયેલી પોતાની મહત્વની કમાણી જીવનમાં અણમોલ સુવાસ આપે છે અને સંસારિક જીવનમાં અક્ષરધામની અનુભુતી થાય છે. આ જ ખરી જીવનની સાત્વિકતા છે. જો પોતાનું જીવન સંત સાધકના સહવાસમાં અને ગરીબ કે રાષ્ટ્રની સેવામાં વ્યતીત થાય તો જીવનમાં અચૂક અમૃતની પ્રાપ્તિ છે અને દેહાંતે ભગવદસન્નિધિ મળે છે.

LEAVE A REPLY