વેદમાં જન્મદિનની પ્રાર્થના

0
691

સુખરૂપ કે દુઃખરૂપ સંસારમાં દરેક વ્યક્તિ દેહની અને મનની તંદુરસ્તી ઈચ્છે છે. જીવન વ્યવહારમાં દરેક ઋતુ આપણને ઉપયોગી રહે, આપણો પરિવાર મદદરૂપ રહે અને આપણાં અંગો અને ઉપાંગો સદાય સ્વસ્થ રહે તો જીવન જીવવાની ખુશી અનેરી હોય છે.

આપણે સત્સંગમાં અને વૈદિક પરંપરામાં મહાપુરુષોના જન્મદિન ધામધુમથી ઉજવતા હોઈએ છીએ અને આ પૃથ્વી પર સ્વયં પરમાત્મા સાક્ષાત્‌ પોતે પધાર્યા છે, તે તે તીથિઓ પણ અતિ ઉમંગ અને ઉત્સાહથી ઉજવીએ છીએ. મહાપુરુષોના જન્મદિનની ઉજવણી અને સાક્ષાત્‌ પરમાત્માના જન્મદિનની ઉજવણી સાધકને આલોકનું અને પરલોકનું ઘણું બધું આપે છે.
પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની અને આપણા ઈષ્ટદેવની કૃપાથી આપણને માનવ શરીર મળ્યું હોય છે અને જે દિવસે આ પૃથ્વી પર આપણું અવતરણ થયું હોય, તે દિવસ આપણા માટે બહુ જ મહત્વનો હોય છે. પુરાણોમાં એવું કહેવાયેલ છે કે જે દિને પોતાને મોટો લાભ થાય, જે દિને પોતાને મોટી સફળતા મળે અને જે દિવસે પોતાના ઉમંગથી લગ્ન થયાં હોય તે દિવસો બહુ મહત્વના હોય છે પરંતુ આ બધેથી ઉત્તમ એ દિવસ છે કે જે દિવસે આપણને આ પૃથ્વી પર અવતરણ કરવાનો દિન મળ્યો છે.
જે યુવાન કે યુવતિ પોતાના જન્મદિને, પોતાના માતા પિતા અને સગા સબંધી કે સંતો ભક્તોની સાથે પોતાની સિદ્ધ પરંપરા અને વૈદિક પરંપરા મૂજબ જન્મતિથિના દિને, પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની પૂજા અને પોતાના કુળદેવતાની ધુપ,દીપ, નૈવેદ્ય, પ્રાર્થના સહિત પૂજા અને આરતી કરીને ઉજવે છે, તે બહુ જ મોટો ભાગ્યશાળી બને છે.

જન્મદિને ભગવદ્‌ પ્રાર્થના, સદ્‌ગુરુ પ્રાર્થના અને વડીલોના આશિર્વાદ મળે, એવું કરવાથી બહુ મોટો લાભ થાય છે. પ્રાર્થનામાં વૈદિકમંત્રોનું ઉચ્છારણ કે દેવભાષાના મંત્રોનું ઉચ્છારણ સર્વોત્તમ છે અને પોતાની માતૃભાષામાં કરાયેલ પ્રાર્થના પણ શ્રેષ્ટ કહેલી છે.

પોતાના જન્મદિને ઈષ્ટદેવના મહામંત્રની પાંચ માળા અવશ્ય કરવી જાઈએ અથવા સિદ્ધ સ્તોત્રનો પાઠ કરવો જાઈએ. જન્મદિને ગણપતિ દાદાનું પૂજન થાય, હનુમાનદાદા સહિત આઠ ચિરંજીવીઓ પૂજન થાય, વડીલોનું, માતા પિતાનું પૂજન કરીને સ્વાદિષ્ટ પ્રસાદનું સર્વેમાં વિતરણ થાય તો સર્વેના સર્વોત્તમ આશિર્વાદ મળે છે.

વેંગીપૂર્ણ કુલભૂષણ સ્વામી તો કહેતા કે જન્મદિને પવિત્ર નિમ્ન લિખિત વેદમંત્રોની પ્રાર્થના સાથે ભગવાનને અને જેનો જન્મદિન છે, તેને પુષ્પોથી વધાવીને ભૂદેવો દ્વારા, સંતો ભક્તો દ્વારા, માતા પિતા દ્વારા અને પોતાના મિત્રો સબંધિઓ દ્વારા આશિર્વાદ આપવામાં આવે તો હકીકતમાં આવરદામાં વધારો થાય છે અને દેહની, મનની, આત્માની તેમજ સર્વે અંગો ઉપાંગોની તંદુરસ્તી આવે છે.

હવે જે મંત્રો કહેલા છે, તે મંત્રો જાઈએ. . . .
।। પશ્યેમ શરદઃ શતમ્‌ ।। જીવેમ શરદઃ શતમ્‌ ।। બુધ્યેમ શરદઃ શતમ્‌ ।। રોહેમ શરદઃ શતમ્‌ ।। પૂષેમ શરદઃ શતમ્‌ ।। ભવેમ શરદઃ શતમ્‌ ।। ભૂયેમ શરદઃ શતમ્‌ ।। ભૂયસીઃશરદઃ શતમ્‌ ।।

હે પરમાત્મા! અમારા પર એવી કૃપા કરો કે અમો સો શરદ ઋતુ જાવા સમર્થ થઈએ, સો શરદ સુધી સુખી જીવન જીવી શકીએ, સો શરદ સુધી અમે બુદ્ધિમાં સક્ષમ હોઈએ અને જ્ઞાનવાન હોઈએ છેલ્લે એમ કહેવાયું છે કે સો વર્ષ પછી પણ અમારી યશકીર્તિ જીવંત રહે, કલ્યાણકારી રહે, આવા અદ્‌ભુત અર્થ આ પ્રાર્થમાં સમાવિષ્ટ છે.

મિત્રો! આપણે પ્રયત્ન કરીએ કે પોતાના જન્મ દિને શુદ્ધ પરંપરાની પવિત્ર રીતને અપનાવી જીવન સફળ કરીએ પરંતુ અંધ રીવાજને અનુસરીને પોતાને અજ્ઞાની કે અબુજ સાબિત કરવા દીપ બુઝાવાના કે મીણબતીને ફુંક દેવાના રીવાજને કે કેક કાપવાની પ્રથાને પોતાનો માની તેમાં ન પડી જઈએ. જે લોકો એને માનતા હોય તો તે તેને ભલે આદરથી માને, એમાં આપણે કાંઈ તકલીફ નથી પરંતુ જેનેથી અનંત લાભ થાય છે, અંતરમાં પ્રકાશ થાય છે અને સાક્ષાત્‌ પરમાત્મા, સંતો, વડીલોના આશિર્વાદ મળે છે, એ પરંપરા બહુ જ ઉત્તમ કહેવાયેલ છે.

એક મહાન ચિંતકે પોતાના શબ્દો કહેલ ઉત્તમ સૂક્તિ જેવા અંગ્રેજીમાં શબ્દો જાઈએ કે . . .
All that was old should not be rejected and all that was new should not be accepted blindly. Only that which proved good, whether old or new should be adopted.
।। અસ્તુ ।।