સૌ સંપત્તિથી પૂજાય

0
289
સૌ સંપત્તિથી પૂજાય

જેની પાસે ધન નથી તે કુલવાન હોવા છતાં અકુલીન સાબિત થાય છે. જેની પાસે મિલકત નથી તે વિદ્વાન હોય તો પણ મૂર્ખ અથવા અવિવેકી પુરવાર થાય છે. જેણે ધનનો ખજાનો સંઘર્યો હોય તેના જ સર્વે શત્રુઓ મિત્ર થાય છે, તેના જ સર્વે પાડોશી થાય છે  અને તેના જ સગા દિને ચાર તો રાતે આઠ વધે છે.

સંસ્કૃત સાહિત્યમાં અનેક સુભાષિતો ધનના વિષયમાં જોવા મળે છે કે સર્વે ગુણા કાંચનમાશ્રયન્તે અને  ધનૈર્નિષ્કુલીનાઃ કુલીનાઃ ભવન્તિ વિગેરે વિગેરે.

‘‘ પૈસા વિના પૃથ્વી ઉપર પ્રલય બધે દેખાય છે ।

હોય પૈસો ગાંઠમાં તો કદર સાચી થાય છે ।।

પૈસા વિનાના પંડિતો પણ ભીખ માગી ખાય છે ।

સંપત્તિથી માનવી પૃથ્વી ઉપર પંકાય છે ।।’’

‘જ્યારે કોઈને પોતાનો દીકરો પરણાવવો હોય કે દીકરી પરણાવવી હોય તો અરસ પરસ દરેકે સાત વાતનું ધ્યાન રાખવું’ એમ અનેક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.

પ્રથમ કુળ જોવું જોઈએ પછી અનુક્રમે વ્યક્તિનું અને પરિવારનુ શીલ, વ્યક્તિમાં સામાન્ય બુદ્ધિ કે વિદ્યા, પરિવારમાં રહેલી સમૃદ્ધિ, પરિવારના સભ્યોની અવસ્થા અને મુખ્ય પાત્રની પણ,  પાત્રનું રૂપ અને વ્યક્તિની સનાથતા, આટલી વાતોને ધ્યાનમાં રાખી મંગલફેરા ફરવા એમ શાસ્ત્રોની આજ્ઞા છે પણ પૈસા વિના બીજું  ભાગ્યે જ જોવામાં આવે છે. આટલું ધનનું માન છે!

આજે તો  પૈસા વિનાની પંડિતાઈ ઠેકડી કરાવે છે. એટલે ભણેલી વ્યક્તિને ગમે તેમ કરી પૈસો સંપાદન કરવો જોઈએ, જો પોતાને પૂજાવું હોય અને લોકમાં પ્રતિષ્ઠિત થવું હોય તો.

ભેખ લીધા પછી પૈસાનું મહત્વ ન હોય પણ જે ભેખ સારા વાહનમાં બેસીને કોઈને ત્યાં ન જાય અને જે મળે તેમાં બેસી જાય તો તેની આબરું અધોઅધ ઘટતી જાય.

જો ભેખ પાસે કે માણસ પાસે બે ચાર સારાં વાહન કે દેખાતી સંપત્તિ ન હોય તો તે ભેખ કે માણસ સારો હોય તો પણ મૂર્ખ ગણાય છે. જે માણસ પાસે સંપત્તિ નથી તે બહુશ્રુત હોય વેદાદિ શાસ્ત્રોમાં પારંગત હોય તો પણ તે અલ્પજ્ઞ અને અવિવેકી ગણાય છે. ધન કુરૂપ અને કુચાલવાળા માણસનું પણ સન્માન કરાવે છે. જ્યારે ગરીબને રૂપ અને પવિત્રતા અપમાન અને માર દેવડાવે છે.

સત્તાથી અને સંપત્તિથી કરેલા અનેક અપરાધો ભૂસાઈ જાય છે. કરેલી ધર્મમર્યાદાભંગ પણ દેખાતી નથી. કરેલો દુરાચાર પણ ઢંકાઈ જાય છે.

એટલે સંપત્તિનો બહુ મોટો પ્રતાપ છે! કોઈ ધનવાનને ડાકટર પાસે જવું હોય તો પ્રથમ પ્રવેશ મળી જાય અને કોઈ જ્યોતિષીને મળવું હોય તો તેમને પહેલી તક હોય છે.કેટલાંક અથવા લગભગ દરેક દેવસ્થાનમાં ધનવાનને પ્રવેશપાસ લીધા વિના અંદર જવા મળી જાય છે.

આવો સંપત્તિનો મહિમા હોય તો વાચકો! તમે જ કહો કે કોને ધન ભેગું કરવાનું મન ન થાય? કોઈ અભાગી જીવ હોય કે ભગવાનના અનંતપદમાં પહોંચનારો જીવ હોય તો એને મન ન થાય, બાકી તો બધેને થાય. જો બધાને ધન ભેગું કરવાનું મન થાય તો પછી ભટકતા ભેખ કેમ ધન ભેગું ન કરે? તેને તો કરવું જ જોઈએ ને? પણ સાચા સંત હોય તે સંપતિથી દૂર રહે.

વાહ ભગવાન! વાહ! કેવી તારી અચરજ માયા છે કે એ ધનને મેળવવા માણસ પોતાના બાપને કેદમાં પુરાવે છે! પત્ની પતિને કૂવે ધક્કો મારે છે! એ ધનને કાજે બહેન સગા ભાઈનું ખૂન કરે છે અને ભાઈ પોતાની સગી બહેન બનેવીનું માથું વાઢે છે!

ભગવાન! કાંઈક અમીદ્રષ્ટિ કરજે, કાં તો તું તારા પરમ સંતને કહેજે, કાં તું તારી મહામાયા લક્ષ્મીને કહેજે કે જેથી તારા બનાવેલા આ માણસોને થોડોક વિવેક આવે અને કાંઈક જીવનમાં ફેરફાર થાય.