બાહ્યાડંબર જગતમાં પૂજાય

0
535
બાહ્યાડંબર જગતમાં પૂજાય

સાદગી અને સરળતા મનુષ્યના જીવનનો શણગાર હોવા છતાં વ્યક્તિને તે રાખવો પોષાતો નથી. બાહ્ય આડંબર નુકસાન કારક હોવા છતાં વ્યક્તિ તેને પોતાના જીવનની સંગાથે આખરી શ્વાસ સુધી પોષે છે. સત્યથી અળગી રહેલી વાતોને સત્યનો બુરખો પહેરાવી સત્યાર્થમાં પ્રદર્શિત કરવું એ જાણે કેમ વ્યક્તિનો ધર્મ હોય તેમ રાત દિવસ પોતે પ્રયત્ન કરે છે.

જેમ સંતો ગાય છે કે ‘કથા કીર્તન કે’તા ફરે છે કર્મ તણી જેમ કહાણી રે, બસ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા વ્યક્તિ કથા કરે છે, કીર્તન કરે છે પણ એ માત્ર પોતાનું જેમ કોઈ કર્મ હોય કે જે કરવાથી શેઠ માસિક પગાર આપે, તેમ તે ઢોંગી કે બાહ્ય આડંબર કરનારા લોકો યત્ન કરે છે.

રાજનીતિમાં કે વ્યવહારમાં દરેક સ્થળે થોડો ઝાઝો બાહ્ય આડંબર રાખવો એ વ્યક્તિઓનો કેમ ધર્મ ન હોય, એમ પહેલેથી જ થતું આવ્યું છે અને એજ પ્રમાણે આજે ચાલે છે.

આ માર્ગથી મહાપુરુષો કાંઈક અળગા હોય છે. સદગુરુ પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીના શબ્દોમાં ભગવાન સ્વામિનારાયણનું જીવન કાંઈક ન્યારું છે. જેનામાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જાતનો આડંબર કદી કોઈને પણ દેખાયો નથી.

હવે દંભી કે બાહ્ય આડંબર રાખનારા જગતમાં પૂજાય છે તેમાં દંભીનો વાંક કે દોષ જોવા કરતા પોતાનો દોષ જોવો વધારે યોગ્ય કહેવાશે. દંભઓને તો મોજ કરવી છે એટલે તો એ દંભ કરવાના છે. એમને સત્તા જોઈએ તો તેને માટે એ લોકો ઢોંગ રચે.

થોડું વિચારશો તો જણાશે કે યોગ્યાયોગ્યનો ભેદ પાડ્યા વિના જેમ ઠીક લાગે તેમ વળગી પડીએ તો એ કોની ભૂલ કહેવાય? જ્યાં ઝાઝો સમાજ ઝૂકતો હોય તે સાચું કેવાય એમ પણ હોતું નથી. દૈત્યોની સંખ્યા તો આપ જાણો છો. બસ એ હેતુથી પોતાની પરખ શક્તિનો સદુપયોગ કરવો એ મહત્વનું છે.

જો સમાજ કે વ્યક્તિ યોગ્યતાની ઉપેક્ષા કરે તો જેમ તે નિંદનીય છે તેમ અયોગ્યને શરણે જઈ તેના પગ ચાટે એ પણ તેથી વધારે નિંદનીય છે. અમૃત જગતમાં સદાય મોજુદ રહ્યું છે અને ઝહર પણ જરા ઘટ્યું નથી પરંતુ એ દિન પ્રતિદિન વધતું જ રહ્યું છે.

ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે કે

   “ચોર પાપી વ્યસનીનાં સંગ: પાખંડીનાં તથા |

        કામિનિનાં ચ ન કર્તવ્યો જનવંચનકર્મણામ ||”

ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો અર્થાત્ લોકોને ગેરમાર્ગે દોરી પોતાનું પેટભરનારો, એ છ પ્રકારનાં જે મનુષ્ય તેમનો સંગ ન કરવો.

આ જગતમાં અંધશ્રદ્ધા, વહેમ અને ખોટી પ્રદર્શનવૃતિ કદી ઓછી થવાની નથી કારણ કે એ ઝેર છે એ કદી ઘટે નહી પરંતુ વ્યક્તિએ મંથન કરવું ઘટે કે મારે અમૃતનું વધારે કામ છે કે ઝેરનું.

જેમ પવિત્ર સંતો કદી પોતાનાં સેવકોને ઉલટે માર્ગે ભટકાવતા નથી. તેમ તે સંતો પોતાની સામર્થી પણ દેખાડતા નથી. એ તો સાક્ષાત કાયદાની માફક કે કર્તવ્યની માફક જીવનની સાર્થકતા શેમાં સમાયેલી છે અને પરોપકારનું કેટલું મહત્વ છે વળી સેવાને જીવનની સંગાથે વણી દેનારનું જીવન કેવું સદાય અભિવૃદ્ધિ પામતું રહે છે, આવું પોતાના ચારિત્ર્ય દ્વારા બતાવતા હોય છે.

તેમ અસંતો અને ઢોંગી કે બાહ્યાડંબરને પ્રધાનતા આપનારાઓ ખોટા પ્રલોભનો બતાવી, વધારે સારા દેખાડા કરી અને સાદગીના નકલી ઝામા પહેરી લોકોને ભરમાવે છે અને કદી કોઈએ નહી જોયેલી બાબતોને સદાય વાગોળી દુનિયાને પોતામાં આકર્ષે છે.

આ અંતર હોય છે સંતોમાં અને ભવાયાઓમાં.

મારે એ પણ અહી કહેવું જોઈ કે બાહ્યાચાર કરતાં સદાચાર વધારે મહત્વનો છે. કોનું ખાવું અને કોનું ન ખાવું એના કરતા કોને માટે શું કરવું અને કેમ કરવું એ વિચારી અન્યનું જીવન સુધારવું વધારે યોગ્ય છે. શરણે આવેલાને પોતાના ભોગે સુખી બનાવો એ વધારે મહત્વનું છે.

ટીલા કરવા કે અમુક જાતની જ માળા પહેરાવી એ અનિવાર્ય ગણવા કરતાં, જો મનની પવિત્રતાને, સદાચારને, પ્રમાણિકતાને, સેવા ભાવને અને નિ:સ્વાર્થ પ્રમાણિકતાને અનિવાર્ય ગણવામાં આવે તો એ અતિ મહત્વનું છે.

નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે,

    “માળા તિલક ધરે ફરે ફક્ત, નખ શિખા વધારી નિદાન |

કરે અટન રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન….

.ના’વે કોઈ   સ્નેહને રે સમાન ||”

જો ભગવાનને વિષે અતિ સ્નેહ હોય તો એજ મહત્વનું છે. બાકી એનો ઉપયોગ કેવલ દેખાડા કરી અને સાદગીના નકલી ઝામા પહેરી લોકોને ભરમાવા માટે થાય તો?

સંતોના જીવનમાં ડોકિયું કરશું તો એજ જોવા મળશે કે બહ્યાડંબરને પ્રધાનતા દેવા કરતા તેમણે સદાચારને, પ્રમાણિકતાને, સેવા ભાવને અને નિ:સ્વાર્થ પ્રમાણિકતાને જ મહત્વ આપ્યું છે.

આપણે પણ એવા સંતોના માર્ગમાં રહી ખોટા ઢોંગ કે આડંબર કરતા લોકોને બરાબરના ઓળખી સાદગી અને સરળતાના માર્ગમાં પોતાના અમુલ્ય જીવનને વ્યતીત કરવા યત્ન કરીએ.

એક ચીજ આપણને પોતાના મનમાં ગાંઠ બાંધીને રાખવી જોઈશેકે સદાચારનો, પ્રમાણિકતાનો, સેવા ભાવનો અને નિ:સ્વાર્થ પ્રમાણિકતાનો માર્ગ અપનાવશું તો પણ આપણી કોઈ જગતમાં પૂજા કરવાનું નથી પણ પાછળથી સૌ કોઈ ઘેલા થશે એ નિર્વિવાદ સત્ય છે.

દંભી, કપટી અને ખોટા ધતિંગ કરીને ભોળા લોકોને ભરમાવનારા અને માણસની નબળાઈનો લાભ લેનારાનું કોઈ પાછળ સારું કહેતું નથી એ પણ એટલું જ સત્ય છે.

જે માર્ગમાં આપણને જવું જોઈએ એ માર્ગ ભલે અત્યારે સારું ફળ ન આપે પણ શાશ્વતફળ અને આનંદપ્રદ ફળ તો એજ આપે છે એમાં કોઈ શંકા નથી.

કોઈ પણ મહાન વ્યક્તિને જોઈએ તો એ જોવા મળશે કે જયારે તે સ્વયં મોજુદ હોય ત્યારે તેને કોઈ ન મને માત્ર ગણતરીના જ લોકો મને અને જયારે એ વ્યક્તિનું મૃત્યુ થાય પછી? એ નરસિંહ મહેતા હોય કે મીરાંબાઈ હોય, એ લાડુબા હોય કે સંતોના પણ માતા સમ રામપરના ધનબાઈ ફઈ હોય, એ બ્રહ્માનંદ સ્વામી હોય કે મૂળ રામપરમાં પ્રગટ થનારા અક્ષરજીવનદાસ સ્વામી હોય. જયારે એ હતા ત્યારે જેને જેને ઓળખ્યા એ લોકો બહુ ભાગ્યવાળા. એ લોકોએ પોતાની પરખશક્તિનો સદુપયોગ કર્યો કહેવાય.

વાચકો! પરખ શક્તિનો સદુપયોગ કરી આપણે દંભી કે બાહ્યઆડંબર રાખનારાને ઓળખી જીવનને ધન્ય બનાવીએ.