ધાર્મિક પ્રસંગોમાં હાજરી

0
410
ધાર્મિક પ્રસંગોમાં હાજરી

જમાનો દિન પ્રતિદિન સુધરતો જાય છે. લોકો સમય પ્રમાણે પોતાને યોગ્ય અને સુશિક્ષિત ગણતા જાય છે. લોકો કહેવા લાગે છે કે હવે અમને કોઈ ધર્મના નામે છેતરી શકશે નહી.

મને સમજાતું નથી કે એ લોકોનું ગણિત સાચું છે કે સરાસર જુઠું છે. લોકો કહે છે કે ધાર્મિકતાના નામે લોકોને જેમ પહેલા સમજાવવામાં આવતા, એ રીતે હવે સમજાવી શકશો નહી.

લોકો પોતાની જાતને ધાર્મિક કહેવડાવવામાં સંકોચ અનુભવે છે. જયારે પોતાને માયિક અને નાશવંત પંચવિષયપ્રેમી બતાવવામાં કહેવાતા એજ્યુકેટેડ લોકો ગૌરવ અનુભવે છે.

હમણાં એક મોટો ધાર્મિક મહોત્સવ ઉજવાઈ ગયો. ઠેર ઠેર એ મહોત્સવની જાણકારી આપવામાં આવી હતી. લોકોને ભાર પૂર્વક તે મહોત્સવમાં આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે આ ઉત્સવમાં ત્રણે પ્રકારનો લાભ છે. દૈહિક, માનસિક અને આત્મિક આ ત્રણે લાભ એક જ મહોત્સવમાં સાંપડી શકશે એવું વ્યવસ્થિત રીતે બતાવાયું હતું.

સવારના આઠ વાગે ભગવાનની વિશેષ મહાપૂજા રાખેલી હતી. આ મહાપૂજાનો સમય બેથી અઢી કલાકનો હતો. હવે આ મહોત્સવમાં લોકોની હાજરી આંગળીના વેઢે ગણી શકાય એટલી બધી હતી !

બપોરના બારથી બે વાગ્યા સુધી જમણવાર હતો. આ ભોજન સમારંભમાં લોકોને પીરસીને જમાડીને રસોઈયા થાકી ગયા. જ્યાં આશરે પાંચસો લોકો આવશે એવી ધારણા હતી ત્યાં પાંચ હજાર લોકો ઉમટી પડ્યા !

કહો, લોકોને આધ્યાત્મિકતાની જરૂર છે કે ભૌતિક પંચવિષયની?

જો કેવલ શરીરને એક જ પ્રકારનું અનાજ કે ભોજન આપવામાં આવે તો તે શરીર ચૂંથાઈ જાય.

જો કેવલ મનનું જ ભોજન આપવામાં આવે તો આત્મા પાંગળા જેવો થઈ જાય અને દેહમાં પણ કઈ વિશેષતા જોવા મળે નહી.

જો કેવલ દેહને જ મોજ આપવામાં આવે તો ઓને પાસે જઈ પૂછવું જોઈએ કે એ વ્યક્તિમાં કેટલી ક્ષમતા અને પ્રૌઢતા હશે?

સાયંકાળે મનોરંજન કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં હાસ્ય કલાકારોને બોલાવ્યા હતા. સંગીત કલાકારોને બોલાવ્યા હતા. લોક દાયરા આપનારા કેટલાક ચારણ ભાટને બોલાવ્યા હતા.

આ કાર્યક્રમમાં તો પાંચ રૂા. ટીકીટ રાખી હતી છતાં કેટલું ગજબ કહેવાય કે લોકો ઉભા ન સમાઈ શકે અને મોટું સમીયાણું નાનો ટેન્ટ લાગે એટલા કીડીની માફક લોકોના ટોળે ટોળા ચારે બાજું ઉભરાયા હતા. આ મનોરંજનના કાર્યક્રમમાં જબરજસ્ત હોલ નાની કોટડી બની ગયો.

પોતાની જાતને બૌદ્ધિક માનતા લોકો કે જેમાં મારો ને તમારો સમાવેશ થાય છે, એ આપણે એટલું માનવા તૈયાર નથી કે શરીરની શક્તિ વધારે હિતકર અને મજબુત છે કે બૌદ્ધિક અને આત્મિક મનોબળ વધારે શક્તિશાળી અને તાકાતવર છે?

ગાંધીજીનું શારીરિક બળ કેટલું હતું એનાથી સૌ કોઈ પરિચિત હશો. તેનું માનસિક બળ અને આધ્યાત્મિક બળ કેટલું હતું એનાથી વિશ્વની કોઈ પ્રજા અજ્ઞાત નથી.

આપણે એ ગાંધીજીને એક રાજનેતા તરીકે નહી પરંતુ જો એક માનવ તરીકે જોવા પ્રયત્ન કરીએ તો એ વાતનો જરૂર અહેસાસ થશે કે એમની પાસે સંપૂર્ણ રાષ્ટ્રની લગામ કેમ હોઈ શકે?

જે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રના અનેક રાજાઓને હંફાવી શકે અનેકને જવાબ આપી શકે એ સરદાર વલ્લભભાઈ ગાંધીજી આગળ સદાય નત મસ્તક હોય!

આમ કેમ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના દેવાદાર હતા? મહત્મા ગાંધીજી એમની પાસેથી કાંઈ કોઈ ભવનું માંગતા હતા? કોઈ વાંકમાં સરદાર વલ્લભભાઈ પટેલ સપડાઈ ગયા હતા કે જેથી ગાંધીજીની સામે સદાય નત મસ્તકે રહેવું પડતું?

ના.ના.ના. મહત્મા ગાંધીજી પાસે જે અનેક અંતરની આત્મિક શક્તિ જગાડવા માટે જે ઉપાયો શાસ્ત્રોમાં બતાવાયા છે. તે તેણે પોતાના જીવનમાં આત્મસાત કર્યા હતા. જે મહાપૂજા કે મહાઆરાધના કર્યા કરાવ્યા પછી કાંઈક અનોખી શક્તિ કે તાકાત કે પર્સનાલિટી પ્રાપ્ત થાય છે એ હતી અને તેમને માટે તેમનો પ્રયત્ન જીવનની છેલ્લી ઘડી સુધી ચાલુ હતો.