ભારતીય સનાતન પરંપરામાં થયેલા ભગવદ્ અવતારોનાં પ્રામાણિક અનુસરણથી મનમાં શ્રદ્દા અને કર્તવ્યમાં સમર્પિતતાનો ભાવ પ્રગટ થાય છે. નિત્યકર્મમાં આધ્યાત્મિકતા અને પરંપરાગત કુલાચારોના પાલન દ્વારા આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાથે સામાજિક શાંતિનો આવિર્ભાવ થાય છે. આવા સામાન્વયિક ભક્તિ માર્ગ થકી ઈશ્વરીય અંશ તરફ સહજ ભાવે પ્રયાણ આદરી શકાય છે અને આવા સ્વાભાવિક કુલાચારોનો ત્યાગ કરવાથી બહુ મોટું સંકટ ખડું થઈ શકે, એ સંભવિત છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહે છે કે –
યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ 3-23
ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યા કર્મ ચેદહમ્,
સંકરસ્ય ચ કર્તા સ્યામુપહ્યામિમાઃ પ્રજાઃ 3-24
અર્થાત – હે પાર્થ, જો હું કોઈવાર સાવધાન થઈને કર્તવ્ય કર્મ નહીં કરું, તો ભારે હાનિ થઈ જાય, કારણ કે મનુષ્યો બધી રીતે મારા માર્ગનું અનુસરણ કરે છે. જો હું કર્મ નહીં કરું તો આ બધા મનુષ્યો નષ્ટપ્રાય થઈ જશે અને હું સમાજમાં વર્ણસંકરતા કરનારો કહેવાઈશ અને સમસ્ત પ્રજાને નષ્ટ કરનારો કહેવાઇશ.
ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા તો ત્રિલોકમાં આદર્શ પુરુષ છે અને સઘળા પ્રાણીઓ તેમના જ માર્ગનું અનુસરણ કરે છે. એટલા માટે જ જો ભગવાન મનુષ્ય રૂપ ધરીને મનુષ્ય મર્યાદાનું અને કર્તવ્યનું પાલન ન કરે તો ત્રિલોકમાં પણ કોઈ પોતાનાં કર્તવ્યનું પાલન કરે નહીં. પોતાના કર્તવ્યનું પાલન ન કરવાથી પોતાનું અને પોતાના પરિવારનું આપ મેળે જ પતન થઈ જાય છે.
સમાજમાં શ્રેષ્ઠી છે કે શ્રેષ્ઠત્વની સાધના કરે છે તેઓને તથા વર્તમાન સમયમાં પરિવારના વડીલોએ કે મોભીઓએ સાવધાન રહીને પોતાના નિયત કર્મનું આચરણ કરવું જ રહ્યું.
નિત્યકર્મોના તમામ વિધિવિધાનો માત્ર સાંસારિક મનુષ્યો માટે હોવા છતાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા સ્વઆચરણશ્રેષ્ઠતા સિદ્ધ કરવા તમામ નિર્દિષ્ટ નિયમોનું પાલન કર્યું છે. શ્રીમદ્ ભાગવત અને મહાભારતમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા દ્વારા ગૃહસ્થોચિત તમામ આચરણ કર્યાનું વિશદ વર્ણન છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં સ્નાન, સંધ્યા, ગાયત્રીજપ, સ્વાધ્યાય આદિક સર્વે શાસ્ત્રીય વિધિવિધાનને અનુસરતા હતા, તે વાતની ભગવાન શ્રી વ્યાસજી સાક્ષી પૂરે છે. આ કર્મો દ્વારા તેઓ શિખવે છે કે જેઓ સમાજમાં શ્રેષ્ઠી છે કે શ્રેષ્ઠત્વની સાધના કરે છે તેઓને તથા વર્તમાન સમયમાં પરિવારના વડીલોએ કે મોભીઓએ સાવધાન રહીને પોતાના નિયત કર્મનું આચરણ કરવું જ રહ્યું.
સમાજને દિશા આપનાર જો ગાફેલ રહે અને નિંદ્ય કર્મ કરે અથવા અધર્મ આચરણ કરે તો સામાન્ય લોકો પણ એ અયોગ્ય કર્મને અનુકરણીય જણાવી, એ કર્મોમાં લિપ્ત થઈ જાય છે, ચોટી જાય છે, માટે પરિવારના મોભીએ કે સમાજના વડીલોએ અને વ્યવસાયના વડાઓએ કે પ્રજાના નેતાઓએ પણ હંમેશા આળસ અને પ્રમાદનો ત્યાગ કરી ધર્માચરણમાં અને દેશના બંધારણ આચરણાં પ્રવૃત્ત રહેવું જોઈએ. ઘણી વાર તેમની નિષ્ક્રિયતા અને આળસુપણું તેમના સંતાનો અને પરિવારને વિખેરી નાખતું હોય છે. એક હકીકત છે કે ઘરના વડિલ ધર્માચરણમાં જેટલી મનમુખી છૂટછાટ લેશે તેના કરતાં વિશેષ છૂટછાટ તેને અનુસરનાર ભોગવશે એ નક્કી જ છે.
સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે અન્ય સિદ્ધ સંપ્રદાય હોય, જ્યાં સત્શાસ્ત્ર સિદ્ધ સત્સંગ છે ત્યાં સત્સંગથી રંગાયેલા પરિવારમાં ઘરના મોભી કે વડીલો હંમેશા સાવધાન થઈને વર્તતા હોય છે. શાસ્ત્રમાં વર્ણિત ધર્મસંબંધી કે વ્યવહારસંબંધી કાર્યો તેઓ પોતે કરે છે અને અન્યોને પણ તેના માટે પ્રેરણા આપે છે. શાસ્ત્રમાં વર્ણિત સદાચાર, કુલાચાર, સ્નાન, સંધ્યા, જપ, સ્તોત્ર પઠન, કથાશ્રવણ, નામ-કિર્તન વગેરેને જાગ્રત રહીને કરે છે. તદુપરાંત વ્યવહાર સંબંધી ગુણો જેમકે, અતિથિસત્કાર, વાણીમાં મીઠાશ, નાણાકિય વ્યવહારમાં પ્રામાણિકતા, અપ્રમાદ, ગુણગ્રાહિતા જેવા અનેક સદ્ગુણોને પોતાના પરિવારના સભ્યો કેમ અનુસરે તેના માટે સતત પ્રયત્નશીલ હોય છે. હવે જો માતાપિતા જ સંતાનના દેખતા અયોગ્ય આચરણ કે અધર્માચરણ કરે તો તેના સંતાનો પણ આ માર્ગે જ પ્રવૃત થશે અને સમયાંતરે પોતાનો વિનાશ નોતરશે.
પરિવારમાં નાના બાળકોનું વર્તન તો સંપૂર્ણપણે માતા-પિતાની રોજિંદી ક્રિયાઓનું જ પ્રતિબિંબ હોય છે. હાલના મોબાઈલ યુગમાં જે ઘરમાં વડીલો કે માતા-પિતા કે પછી સન્યાસ આશ્રમમાં સંતો કે સદગુરુઓ મોબાઈલના ઉપયોગનો અતિરેક કરશે અથવા તો સંતાનો કે શિષ્યો કે ભકતગણની સામે કલાકો સુધી મોબાઈલમાં જ ઓનલાઈન રચ્યા પચ્યા રહેશે તો તેઓ અપ્રત્યક્ષ રીતે પોતાના સંતાનોને અને સેવકગણને પણ તેમ કરવા પ્રેરણા અવશ્ય મળશે જ.
આજના આધુનીક સમયના વિશ્વપ્રસિદ્ધ કંપનીના માલિક કુમારમંગલમનું જીવન જોવા જેવું છે. શ્રી કુમારમંગલમ બિરલાના, ભારતના જાણિતા ઉદ્યોગપતિ છે આમ છતાં સાંજે ઘરે પહોંચ્યા બાદ ઈમરજન્સી સિવાય કદી મોબાઈલ હાથમાં લેતા નથી અને પરિવાર સાથે ભોજન અને ભગવદ ગીતાના નિત્ય સત્સંગને પ્રાધાન્ય આપે છે.
જો આ હકીતને સમજવામાં નહીં આવે તો સમય જતાં તેના સંતાનો કે આશ્રિતો મોબાઈલના સ્ક્રીનની બહાર પરમાત્માએ રચેલા સુંદર વિશ્વની મોજ માણવાથી વંચિત રહી જશે. આજના આધુનીક સમયના વિશ્વપ્રસિદ્ધ કંપનીના માલિક કુમારમંગલમનું જીવન જોવા જેવું છે. શ્રી કુમારમંગલમ બિરલાના, ભારતના જાણિતા ઉદ્યોગપતિ છે આમ છતાં સાંજે ઘરે પહોંચ્યા બાદ ઈમરજન્સી સિવાય કદી મોબાઈલ હાથમાં લેતા નથી અને પરિવાર સાથે ભોજન અને ભગવદ ગીતાના નિત્ય સત્સંગને પ્રાધાન્ય આપે છે. આવા શ્રેષ્ઠીઓ જ સમાજમાં શ્રેષ્ઠ આદર્શ સ્થાપિત કરી શકે છે.
જો માતાપિતા પોતાના સંતાનોને સમય નહીં આપે તો સંતાનો પણ તેમને સમય નહીં આપે અને મોબાઈલમાં મસ્ત રહશે તે નિર્વિવાદ સત્ય છે. પરિવારમાં મોબાઈલના આકર્ષણને કારણે ભારતીય પરિવારોમાં સત્શાસ્ત્રોના વાંચન-શ્રવણ તરફ દુર્લક્ષ સેવાય છે એ હવે સામાન્ય વાત છે.
ભારતના મહાન મનિષિઓ-ઋષિમુનિઓના આધ્યાત્મિક વારસા સમાન રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, સત્સંગીજીવન, ભક્તિચિંતામણી આદિક ગ્રંથોનું સહપરિવાર વાંચન હવે જાણે કે ધીમે ધીમે નામશેષ થઈ રહ્યું છે. આવા કપરા કાળમાં પણ જે માતા-પિતા જાગૃત રહી શકે છે એ આવા વિષયી અને પરિવારને વિખેરનાર ઝંઝાવાતોથી પોતાના પરિવારનું સુપેરે રક્ષણ કરી શકે છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે શાસ્ત્રઆદર્શને સ્થાપિત કરવા પોતાના જીવનકાળમાં એક ક્ષણ વિશ્રામ કર્યા વિના સતત પોતાના આશ્રિતોના જીવન ઉર્ધ્વગામી કેમ બને તેની જ ખેવના રાખી અને સતત અન્યો માટે અનુકરણીય બને તેવું વર્તન પોતાના જીવની દ્વારા પ્રસ્થાપિત કરતા રહ્યા.
સંપ્રદાયનો ઇતિહાસ છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે નિલકંઠવર્ણી સ્વરૂપે હતા ત્યારે તેમણે ૧૨૦૦૦ કિલોમીટર
કરતાં વધારે મંજલ કાપીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને પછી તો શ્રીજી મહારાજે ગુજરાતના ગામડે ગામડે અનેક વાર જઈને ત્યાં વસતા નાનામાં નાના આશ્રિતને જીવનઉત્કર્ષ માટે સતત કર્મશીલ રહ્યા. પોતે જ્યારે સદેહે આ પૃથ્વી પર દિશાનિર્દેશ માટે હાજર ન હોય ત્યારે ગ્રંથો દ્વારા સત્સંગીઓને બળ અને શક્તિ પુરી પાડે, એ હકીકત છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને આધ્યાત્મિક પ્રકાશ મળતો રહે એ હેતુથી શિક્ષાપત્રી જેવા અનેક શ્રેષ્ઠ આચારગ્રંથનું સર્જન કર્યું. આજે પણ સમગ્ર વિશ્વમાં વસતા સત્સંગીઓ શિક્ષાપત્રી જવાં શાસ્ત્રોને અનુસરીને જળકમળવત રહી અન્યોને આશ્ચર્ય ઉપજાવે તેવા સદાચાર પાળે છે અને સુખી રહે છે.
પ્રત્યેક સત્સંગીના ધર્મસંબંધી કાર્ય, વ્યવહાર સંબંધી કાર્ય કે પરિવાર-સમાજસંબંધી કાર્યમાં શ્રીહરિએ રચેલી શિક્ષાપત્રીનો સીધો દોરીસંચાર હોય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમ્યાન લાખો અનુયાયીવર્ગનો એક પરિવાર બનાવ્યો. સંપ્રદાયનો ઇતિહાસ છે કે તેમને અનુસરતા ગૃહસ્થ ભાઈ બહેનો, ત્યાગી સંતો કે સાંખ્યયોગી માતાઓ શ્રીજી મહારાજના એક વ્હેણ ઉપર સર્વસ્વ ન્યોછાવર કરી દેતા હતા. આજે પણ એવા નિષ્ઠાવાન સત્સંગીઓ પોતે મોટા અબજપતિ શેઠિયાઓ હોય તો પણ સમૈયાઓના પ્રસાદવિતરણમાં લોકોની એંઠી થાળી ઉપાડતાં સહેજ પણ સંકોચ રાખતા નથી. અને જાતે આ સેવા કરે છે. કાર્ય કરવામાં એક બીજાને નાના મોટા જોયા વિના કામ કરતા જોવા મળે છે.એટલે જ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સત્સંગમાં મોટેરા હોય, તેને સાવધાન રહીને શાસ્ત્રોએ કહેલાં નિયમોનું પાલન કરીને પ્રવૃત્તિ માર્ગમાં આંતર-બાહ્ય રીતે જાગૃત રહીને સતત જોડાયેલા રહેવું પણ આળસુ થઈને બેસી રહેવું નહીં.
ચેતન પ્રાણલાલ ગોર ભુજ – કચ્છ