એક વખત સ્વામીજી પોતાના કેટલાક શિષ્યોને સાથે લઈ એક ગામમાં પહોચ્યાં અને એક સદગૃહસ્થને ત્યાં ઉતારો કર્યો. જેને ત્યાં ઉતારો કર્યો તે પરિવાર સંસ્કારી અને ભણેલો હતો. સાવધાન અને સમય પ્રમાણે વર્તન કરવામાં માનનારો હતો. સંતો અને સાધુઓ ઉપર ભાવના રાખનારો હતો. ગરીબ અને તિરસ્કૃત વ્યક્તિઓ માટે એક આશ્રયરૂપ હતો.
જે સદગૃહસ્થ સ્વામીજી માટે શાક લાવ્યા હતા એ જોઇને સારું જ લાવ્યા હતા. શાક રસોઈઘરમાં આવતા જ ગુરુની આજ્ઞાથી સેવકો શાક સમારતા હતા. દુધી અંદરથી કેવી નીકળશે એતો કોઈનેય ખબર ન પડેને! શાક સમારતા સેવકો દુધી સમારે ને જરાક જેટલો દાગ દેખાય એટલે તરત તેને ફેંકી દે. લગભગ બધી દુધી ફેંકી દીધી, ગુરુના સંસ્કારી સેવકો હોત તો આવું કરત નહી, પણ કોણ જાણે એને કોની અસર થઈ હશે, જરાક કાંઇક દાગો દેખાય એટલે તરત ફેંકી દે.
પછી દાળ ચડાવી તેને વઘારી અને બીજું રોટલી કે ભાત જે કાંઈ બનાવવું હતું તે બનાવ્યું. બપોરના ભગવાનને ભોગ ધર્યા ત્યારે ભગવાનને માટે શાક ન હતું. ગુરુએ વિચાર્યું કે ભક્તને શાક નહી મળ્યું હોય. કાંઈ હરકત નહી, ભગવાનની ઈચ્છાએ જે મળ્યું તે મહા પ્રસાદ,એમ સમજી સર્વેને જમી લેવું જોઈએ. એમ ગુરુએ પોતાના મનમાં માન્યું.
સાંજે કચરા પેટીમાં સારી સારી પડેલી દુધી યથાવત જોઈ સદગૃહસ્થ અવાક્ થઈ ગયા! આટલા મોંઘા ભાવે લાવેલો દુધી, તેને આ લોકો આમ ફેંકી દે! હશે, જે થયું તે સારું. આવતી કાલે થોડું જોઈશું.
રાત્રીએ ઘરમાં સભા થઈ. સભામાં ગુરુજીએ વાત કરી કે કેવલ ‘મને ક્ષમા આપો’ એમ કહેવાનું સૌ કોઈને આવડે છે પણ તેને ચારિત્ર્યમાં મુકતાં તો કોઈક ને જ આવડે છે. ચારિત્ર્યમાં લીધા વિનાની માગેલી ક્ષમા ઠગારી છે અને એવી ક્ષમા કોઈને કદી આપવી નહી. કેવલ કોઈ એમ કહ્યા કરે કે હવે હું બીજી વાર નહી કરું અને તેમ કરવાનું જો ચાલુ રાખે અને હવે હું નહી કરું એમ કહેવાનું પણ ચાલુ રાખે તો તેને બરાબર પાઠ ભણાવવો જોઈએ. જો એમને પાઠ ભણાવવામાં નહી આવે તો કેટલાયનો બગાડ કરશે અને પોતાના પરિવારનો પણ બગાડ કરશે. ‘હવે નહી કરું.’ એવી ક્ષમા માગનારને ક્ષમા જરૂર આપવી જોઈએ પણ કેટલી વાર? વધારેમાં વધારે ત્રણ વાર હોય પણ એથી તો વધારે કદી યોગ્ય નથી.
જેના ઘેર સ્વામીજી સંબોધન સદગૃહસ્થના મનમાં તો પેલી દુધીનો જ વિચાર રમ્યા કરે છે. તે ભાઈ મનોમન વિચારે છે કે ‘આ સંત બોલે છે કાંઇક અને તેના સેવકો કરે છે કાંઇક. આટલું શાક જો અહી બગાડે છે તી બીજું શું નહી બગડતા હોય? આ સંતને મારે વાત તો કરવી જોઈએ.
સભાની સમાપ્તિ થયા બાદ તેણે એ મોટા સંતને તેના વિષે વાત કરી. સંત તો ચોંકી ગયા. તેણે તે સદગૃહસ્થને કહ્યું કે જો કાલે ફરી તેમ થાય તોતે મારા સેવકોને તમે જાતે ટકોર કરજો અને કાલે થોડું જરા બગડેલું હોય એવું જ શાક લાવજો. રાત્રીએ તે સંતે પોતાના સેવકને તે વાતથી જરા પણ માહિતગાર કર્યા વિના ભગવાનનું અને પવિત્ર સંતો સાધવીઓનું સ્મરણ કરી યોગ નિદ્રા ગ્રહણ કરી.
બીજે દિવસે છત ઉપર ચણ ચણતા પક્ષીઓને કકરા મારતા એ સંતના સેવકોને સદગૃહસ્થે જોયા. પક્ષીને કાકરો લાગે એટલે ખુશ થાય અને કાકરો મારવા ઉતાવળા થાય. આવું વર્તન એ સેવકોનું જોઈ તે સદગૃહસ્થ હેબતાઈ ગયો. આ સેવકો છે કે કોઈ આસુરી ઓલાદ છે? પણ સંતની સંગાથે હોય તેને સીધે સીધુ કહેતા દરેકને સંકોચ થાય, છતાં તેણે તે સહન કર્યું, મનમાં અતિશે ઉચાટ થયો પણ કોઈને કાંઈ કહ્યું નહી.
બીજે દિવસે બજારમાંથી જયારે શાક લાવ્યા અને તે શાક રસોઈઘરમાં રાખતા રસોઈ કરવાનો સમય થયો ત્યારે ગઈ કાલની માફક એ સેવકોએ શાકને કચરાપેટીમાં ફેંકી દીધું. આ જોઈ સદગૃહસ્થે તે સેવકોને ટકોર કરી તો સેવકોએ તરત જ તે સદગૃહસ્થની પાસે પોતાથી થયેલી ભૂલની માફી માગી. ફરી ત્રીજે દિવસે છત ઉપર ચણ ચણતા કબૂતરોને કાંકરા મારતા જોયા. હવે સંતને વાત કરવા જેવી હતી નહી, કારણ કે સંતને તો એના વિષે પુછાઈ ગયું હતું અને પોતે પણ થોડી વાત કરેલી હતી. તે સદગૃહસ્થે ધીરજ રાખી ત્રીજે દિવસે તેવું ને તેવું ઇરાદાપૂર્વક શાક લાવ્યા કારણ કે તે સેવકોનો મનોભાવ બરાબર જોવો હતો. શાક આવ્યું. સેવકોએ તેમ જ કર્યું. શાક કચરાપેટીમાં નાખી દીધું. એટલે તે સદગૃહસ્થે તે સેવકોને ધમકી આપી અને રાતો રાત કાઢી મુકીશ આવી ચેતવણી આપી અને કહ્યું કે અહી કાંઈ મફત નથી મળતું. બે પૈસા મહામહેનતે થાય છે. તમને ખબર છે? હજુ તો છત ઉપર ચણ ચણતા પક્ષીઓને રોજ કાંકરા મરાય છે તેનો પાઠ બાકી છે. નિર્દોષ પક્ષીઓને કાંકરા મારી મજા કેમ મણાય છે એનો પાઠ જરૂર લેવો પડશે.
તે સદગૃહસ્થે ચણતા પક્ષીઓને કાંકરા મારતા સેવકોની વાત ગુરુને કરી. ગુરુ તો ચોંકી ગયા! તેણે કહ્યું કે જાઓ અત્યારે જ તમને ઠીક લાગે તેવો મેથી પાક તેઓને આપો. એ સજ્જન તરત તે સેવકો પાસે જઈ દરેકને એક એક તમાચો લગાવી પચાસ પચાસ દંડવત કરાવ્યાં.
આ પ્રસંગથી ગુરુજી પ્રસન્ન થયા અને તે સદગૃહસ્થની પ્રસંશા કરી. મિત્રો! તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે એ સંતના વેશમાં હોય કે રાજનેતાના વેશમાં હોય જો એ ને એ વારમવાર ભૂલ કરે તો તેને કદી ક્ષમા દાન અપાય નહી. એમને જ્યાં સુધી યોગ્ય પાઠ મળશે નહી ત્યાં સુધી તે કદી સુધરશે નહી.
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જો જીવાત્મા પોતાની ઇન્દ્રિઓનો ગુલામ થઈ જશે તો પ્રજા સાંઢ થઈ જશે અને કોઈ રાજાનું માનશે નહી, ઇન્દ્રિઓરૂપ સેવકોને જે પંપાળીને રાખશે તેને તે કોઈ દિવસ સુખેથી બેસવા દેશે નહી. તો કેવલ હવે નહી કરું એટલેથી કાંઈ પણ થાય નહી.