નિર્દોષ આસ્થાનું ફળ

0
362
નિર્દોષ આસ્થાનું ફળ

સાધકોને કેટલીક વખત શ્રધ્ધામાં ડગમગાટ થઈ જાય છે. ભક્તોના અંતરમાં પણ વિશ્વાસની દ્રઢતા હચમચી જાય છે છતાં કોઈ સાધક કે ભક્ત સંતના વિશ્વાસે રહે તો તેનું કાર્ય સહેજેથી પાર પડી જાય છે. આ વાત કે વિગત સ્વીકારવામાં ભલે સંકોચ થતો હોય પણ હકીકતને નકારી શકાશે નહી.

દેવ ક્ષુદ્ર હોવા છતાં દર્શનાર્થીની કામના પૂર્ણ કરે છે. દેવ સ્વયં અપૂજ હોવા છતાં ભાવથી પૂજા પ્રારંભ કરનાર સેવકને ટૂંક સમયમાં ફળ આપે છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના શિષ્ય સમુદાયને અને સર્વે માનવ સમુદાયને સંબોધન કરતા આખે છે કે ‘ક્ષુદ્ર દેવ હોય તેમની ઉપાસના કરવી નહી’ પરંતુ ભગવાન એમ નથી કહેતા કે ક્ષુદ્ર દેવ કદી કોઈની મનોકામના પરિપૂર્ણ કરતા નથી કે તે કોઈને કાંઈ આપી પણ શકતા નથી.

સંત અને સતી વર્ણથી કે જાતિથી ક્ષુદ્ર હોય કે અશુદ્ધ હોય, સિદ્ધ હોય કે સામાન્ય હોય, શરણાર્થીની અનેક ધારણાઓ અને કામનાઓ પરિપૂર્ણ કરે છે.

સામાન્ય સ્થાને રહેલા સંત કે ઋષિ સામાન્ય ફળ આપે અને એ પણ મર્યાદિત સમય માટે આપે. જયારે પવિત્ર સત્સંપ્રદાય સિદ્ધ સંત અને સત્સંપ્રદાયની રીત મુજબ અર્થાત ચાર વેદ અને ષટ શાસ્ત્રના રહસ્યને પરંપરાથી પ્રાપ્ત કરનાર સંત અને બ્રાહ્મણ અમર્યાદિત ફળ અને કલ્પાતીત ફળ આપે.

વિધિ પૂર્વક પ્રસ્થાપિત થયેલા શ્રી ભગવાન કે શ્રીદેવ, શ્રીદેવી, નિર્દોષ ભાવથી સેવનારને અચૂક ફળ આપે છે. નિર્દોષ આસ્થા જ સંત અને પરમાત્માને નિર્દોષ ભક્તની મનોકામના પરિપૂર્ણ કરવા મજબુર કરે છે.પરંતુ જો પવિત્ર અને સાત્વિક દેવની ઉપાસના નિર્દોષ આસ્થાથી કરવામાં આવે તો ઉપાસકને અણધારી મદદ મળે છે. કરેલ કોઈ પણ કાર્ય ફળ તો આપે જ છે છતાં સંત કે પરમ સાંખ્યયોગીના માર્ગદર્શન હેઠળ કરેલ ઉપાસના અનંતફળને આપે છે.

દેશનો કોઈ નાના પ્રદેશનો તલાટી હોય તેનું સ્થાન વિશ્વની દ્રષ્ટીએ ઘણું સામાન્ય કહેવાય છતાં તે પોતાની શક્તિ પ્રમાણે ગામમાં રહેનાર સામાન્ય વ્યક્તિને ફળ આપી શકે છે.

એક વખત સંતે એક ભરવાડને ત્યાં પધરામણા કર્યા. ભરવાડને સંત ઉપર અતિ ભાવ. કોઈ પણ સંત આવે તો તેને જે કાંઈ પોતાના ઘરમાં હોય તેને જમવા આપે. ભરવાડની નિર્દોષતા જોઈ, આ પવિત્ર સંતને થોડો ઉપદેશ આપવાની ઈચ્છા થઈ. સંત મહાત્માએ કહ્યું કે, ‘તમે ઘેર આવતા કોઈ પણ સંતને ભોજન આપવાનું ભુલ્તાહીં અને કોઈ અતિથી આવે તો તેને પણ ભોજન આપવાનું ચુકજો નહી. તમો આવું નિયમ રાખશો તો એક દિવસ ભગવાન ભૂલા પડી તમારે ઘેર આવી તમારા ઘરનું ભોજન જમશે. તમારા અંતરના કોડ પણ પૂર્ણ કરશે.’

સંતના વચનમાં દ્રઢ આસ્થા રાખી અને એ પ્રમાણે કરતો રહ્યો. ઘરના માણસોને તેણે કહેલું કે કોઈ મહાત્મા આપણા ઘેર આવે તો તેને જે કાંઈ ઘરમાં હોય તે જમવા દેવું. આપણા હાથનું જમે તો તારે તૈયાર કરી દેવું અને જો તે સ્વયંપાકી હોય તો તેને કાચું સીધુ આપવું.

વર્ષોના વર્ષો વીતી ગયા. કેટલાય સંતો અને બાવાઓ જમી ગયા. કોઈ સારા સંતો જમ્યા તો કોઈ ઢોંગી બાવા પણ નિર્દોષ ભરવાડનો લાભ લીધો. ભગવાન અને પવિત્ર સંતો સાધકનું કે ભક્તનું વર્તન બરાબર જુવે છે.

એક વખત પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને બાવા થવાનું મન થયું. પ્રભુએ વિચાર્યું કે બાવા થઈ જવું ક્યાં? કોઈ જમવા આપશે કે નહી? બાવા થયા અને કોઈ ગામમાં ગયા અને ત્યાં કોઈ પ્રવેશ કરવા નહી દે તો? જે થાય તે થવા દો.

પ્રભુ બાવા બની એક ભરવાડને ઘેર પહોચ્યા કે જે ભરવાડને સંતે કહ્યું હતું કે તારે ઘેર ભગવાન બાવા બનીને આવશે. ભરવાડને બિચારાને ક્યાં ખબર કર કોણ ભગવાન ને કોણ ધુતારો. એ તો સંતના વચને જે આવે તેને પ્રેમથી ભોજન આપે.

ભગવાને થોડી પરીક્ષા લીધી. હું તારા ઘરે જમવા આવ્યો છું પણ મને દૂધપાક અને માલપુવા જમાડે તો જમું. મહારાજ! દૂધ તો જેટલું જોઈએ એટલું પણ માલપુવા હું સમજુ. મને એ બનાવતા ન આવડે. કોઈને બોલાવી એની પાસે બનાવ પણ મને જે જોઈએ એ જોઈએ.

ભરવાડ બિચારો ગામમાં કોઈ બ્રાહ્મણને ત્યાં જઈ તેમની આજીજી કરી મનગમતી ભેટ આપી માલપુવા લાવ્યા. મનમાં થયું કે આ બાવો શોકીન લાગે છે. આટલો શોક છે તો પણ બાવો થયો હશે. જે હોય તે મને સંતે કહ્યું છે એટલે જે આવે એને જમવા દેવું.

ભગવાન પ્રેમથી આરોગ્યા. ભરવાડની પત્નીએ આ બાવાને જોયો. મનમાં થયું કે આ બાવો આટલો રૂપાળો છે તો પણ કેમ બાવો થયો હશે? હશે કોઈ મોટા સંતે એને સાધનાના માર્ગે લીધો હશે.

બાવાજી કહે કે ‘તમે મને મનગમતી રસોઈ ખવડાવી. તમારું વર્તન જોઈ મને અહી રોકાવાનું મન થાય છે પણ બીજી વખત રોકાઇશ પરંતુ આજે તમારે જે કાંઈ જોઈએ તે માંગી લ્યો.’ ભરવાડ અને તેમની પત્ની કહે કે ‘તમો રાજી થાઓ અને અમારો પરિવાર સંસ્કારી થાય દરેક મહાત્માને ભોજન આપે એ અમને આપો.’

બાવાજી કહે કે તારા પરિવારને ભગવાન પોતાનું ધામ આપશે. વધારામાં થોડા દિવસ પછી તમને તમારો રાજા બોલાવશે અને તમારી પાસે ગાયની માંગણી કરશે. જે ગાયની માંગણી કરે તે આપી દેજો.

બાવાજી ચાલ્યા ગયા. બાવાજીની વાત પ્રમાણે થયું. ભરવાડને થયું કે એ બાવો ઓલ્યા સંત તો નહી હોય નર, કે જેણે આપણે કોઈ પણ સંતને ભોજન દેવાનું કહ્યું હતું?

મિત્રો! ભરવાડને ખબર ન રહી કે ભગવાન બાવા બન્યા. ઘેર આવ્યા અને ભોજન કર્યું. સુખી કર્યા. સમૃદ્ધિ આપી. પરિવારમાં સંસ્કાર આપ્યા.

આટ આટલું બન્યું તેનું કોઈ કારણ હોય તો એક સંતનો પ્રતાપ અને બીજું નિર્દોષ આસ્થા. વાચકો! આપણે એવો પ્રયત્ન કરીએ કે પવિત્ર સંત કે પવિત્ર દેવીની અનુવૃતિમાં રહી આપણી આસ્થાને દ્રઢ કરીએ.