laxmiji

કૃપા પ્રસાદ દર્શન

લક્ષ્મીજી સદા તમારી સેવામાં

By Shastri Surya Prakash Dashji

November 22, 2016

ચાર વેદ તમારાં ગુણગાન સદાય કરે છે છતાં તમારા ગુણોનો એક અંશ ગાવામાં શક્તિમાન નથી. તમારી કૃપા જેના ઉપર વર્ષે તે કદાચ જડમતિવાળો હોય તો પણ તે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ બૃહસ્પતિની તુલના પ્રાપ્ત કરે છે. જેનો કિરીટ તુલસીથી સુશોભિત છે એવા હે નાથ! તમારી સેવામાં સરસ્વતી અને લક્ષ્મીજી સદા સાવધ થઈને રહે છે.તમને રાજી કરવા લક્ષ્મીજી તમારી ઈચ્છા પ્રમાણે વૃક્ષસ્થળમાં નિવાસ કરીને રહે છે.

મા સરસ્વતી જેના ગુણગાન કરવામાં વામણાં પડતાં હોય તો આ અલ્પ બુદ્ધિનો અને અતિ તુચ્છ તમારો દાસ તમારા મહાન વૈભવની વિશેષતા નિરૂપણ કરવા પ્રયત્ન કરે તો એ તમારી અવશ્ય અવહેલના કરી ગણાશે. અજ્ઞાની નાના બાળકની ઉદ્વતાઈને માતા જેમ ગણતી નથી તેમ હે રાધાપતિ! તમારા વૈભવનું વર્ણન કરવા ઉધ્ધત થયેલો એક અલ્પ બુદ્ધિનો આ દાસ પોતાની કાલી ઘેલી ભાષાથી કેવું વર્ણન કરશે? જેવું થાય તેવું તમારો દાસ કરશે. નાથ! દાસને પોતનો માની દાસની ઉદ્વતાઈને તમે ગણશો નહીં.

તમારી મહાનતાને બતાવવા કોઈ બ્રહ્માંડમાં કોઈ પણ સમર્થ નથી. હે નારાયણ!સૃષ્ટિની સંરચના માટે તમે ચાર મુખા બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. એ બ્રહ્માજી દ્વારા અગીયાર રુદ્ર, બાર આદિત્ય, આઠ વસુ અને પ્રજાપતિ પણ ઉત્પન્ન કર્યા. મહારાજ! આશ્ચર્ય તો એ થાય છે કે એ સર્વે મળી તમારા ગુણોનું ગાયન કરે છે. તમારા સદગુણોની નિત્ય સ્તુતિ કરે છે છતાં યથાર્થ સ્તુતિ કરવામાં આજ પર્યંત સમર્થ થયા નથી.

મહાન ઈશ્વરો જો તમારા સદગુણ યથાર્થ કહી ન શકે તો બીજો કોણ એવો શક્તિમાન હશે કે તમારા ગુણો યથાર્થ ગાઈ શકે? હે નાથ! તમારા મંગલકારી ગુણોનું યથાર્થ વર્ણન કરવા કોઈ સમર્થ નથી.