વ્યવહાર દર્શન

યજ્ઞથી જ સર્વેને સુખ મળે

By અક્ષય મહેશ ભાઈ ગોર – કચ્છ ભુજ. શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રસિદ્ધ ગોર

December 08, 2020

      જીવનમાં યજ્ઞ વિના કદી કોઈનું કલ્યાણ થતું નથી. એજ હેતુએ સંસારમાં દરેક વ્યક્તિ જાણે અજાણે યજ્ઞ કરે છે પરંતુ જો જાણપણાથી યજ્ઞ કરવામાં આવે તો તેનું ફળ કાંઈક વિશેષ હોય છે. દરેક સંપ્રદાયોમાં કે કુળ પરંપરામાં વિવધ પ્રકારના યજ્ઞોનું નિરુપણ હોય છે પરંતુ યજ્ઞ વિષયમાં સુજ્ઞ વ્યક્તિ જાણતી હોય છે. હવે આપણે વિવિધ પ્રકારના યજ્ઞ વિષે થોડી વિગતવાર વાત જાણીએ.

જાપ યજ્ઞ       સત્શાસ્ત્રોમાં જય યજ્ઞનો ખૂબ મોટો મહિમા રહેલો છે તેમાં દેવતાઓને કે સાક્ષાત પરમાત્માને પ્રસન્ન કરવા જાપ કરવામાં આવે છે તે જાપ લોકો પોતે અથવા પવિત્ર ભુદેવો દ્વારા કરાવતા હોય છે. કળિયુગમાં જપ યજ્ઞનો ખૂબ મહિમા રહેલો છે. તે જપ યજ્ઞ કરવાથી સારા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સંસારી લોકો માટે સમયનો અભાવ હોય તો ઘણા લોકો ભુદેવો દ્વારા કરવતા હોય છે. આ જપ યજ્ઞ સાધુ સંતો કરે છે અને તેમને પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ તકલીફ પડતી નથી. આ જપ યજ્ઞ બહુ જ ઉત્તમ ફળ આપનારું છે. જેમાં સ્વામિનારાયણ ભગવાનના ૧૦૮ નામ છે, એવું જનમંગલ સ્તોત્ર કે નામાવલી અને જેમાં ૧૦૦૦ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનના નામ છે, એવું સર્વમંગલ સ્તોત્ર કે નામાવલીનો જાપ કરવાથી સર્વોત્તમ ફળ દેહ છતાં મળે છે અને અંતે મોક્ષપદ મળે છે.

દાન યજ્ઞ       ગૌદાન, ભૂખ્યાને ભોજનદાન, દર્દીઓ માટો ઔષધાલય નિર્માણદાન અને આંતર કે બાહ્ય બળ આપનાર દેવ મંદિર નિર્માણ દાન, જેવાં દાન કરવાં, એ પણ યજ્ઞના ફળની પ્રાપ્તિ કરાવે છે. જે શ્રીમંત યજમાન હોય તેને મંદિરો બંધાતા હોય કે ક્યાંક પવિત્ર ભૂદેવોના બાળકોને ભણવાતા હોય કે સર્વે કોઈને ભણાવાતા હોય તેવાં ગુરુકુળોમાં કે વિદ્યાલયોમાં સેવા કરવી, એ યજ્ઞ છે. ગાયોની સેવા કરવી, એ પણ એક પવિત્ર યજ્ઞ છે. ગાયની સેવા કરનારને સર્વે દેવો ઇચ્છિત ફળ આપે છે. એવું કહેવાય કે ગાયની ભાવથી સેવા કરો અને ધાર્યું લક્ષ્ય હાંસલ કરો. યજ્ઞ કરવાથી કે સેવા યજ્ઞ કરવાથી જ સર્વેને સુખ મળે છે. જે યજ્ઞ કરે નહીં, તેને કદી સુખ મળે નહીં. વળી સાધુ સંતોને અને બ્રાહ્મણોને સારા પવિત્ર દિવસે વસ્ત્ર ભોજન અને દક્ષિણા આપવાથી યજ્ઞ ફળની પ્રાપ્તિ થાય છે.

હોમ હવન યજ્ઞ.       દેવતાઓને પ્રસન્ન કરવા અને સર્વે ગ્રહોને સંતૃપ્ત કરવા એ પણ જીવનમાં અતિ મહત્વનું છે. જે ગૃહસ્થ પવિત્ર અને સિદ્ધ કરેલ અગ્નિ અને શ્રોતિય બ્રહ્મનિષ્ઠ ભૂદેવ દ્વારા આહૂતિ આપે છે, તેના અનેક મનોરથ પૂર્ણ થાય છે. કળિયુગમાં દેવતાને રાજી કરવા હવનમાં ઘી, જવ, તલની આહુતી દેવાથી દેવતાઓનું પોષણ  થાય છે અને તેથી યજમાનને સારા ફળની પ્રાપ્તિ થાય છે.

      એવુ કહેવાય છે કે સતયુગમાં દેવતા પ્રત્યક્ષ આહુતી સ્વીકારતા અને હવે અગ્નિ દ્વારા તેઓ આહુતી સ્વીકારે છે અને સંતૃપ્ત થયેલા દેવો આપણું પોષણ કરે છે. સંસારી મનુષ્યો માટે હોમ હવન કરવો અને કરાવવો, તે ઉત્તમ ફળ આપનારું છે. કાંઈ પણ ગ્રહદોષ હોય, બાધા હોય તો પોતાને ઘેર કે આપણા સ્વામિનારાયણ મંદિરમાં કે અન્ય કોઈ પણ દેવસ્થાને ગણપતિ, નવગ્રહ વિગેરેને આહુતી આપવાથી તે સર્વ બાધાઓ અને દોષો દૂર થાય છે. સર્વે દેવોને અને ગ્રહોને સાત્વિક આહુતી દેવી, એ સર્વોત્તમ કહેવાય છે અને આપણા સંપ્રદાયમાં તો કદીયે અસાત્વીક આહૂતી અપાતી નથી.

      ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર હતા ત્યારે અનેક વિધ વિષ્ણુયાગ કરીને અને કરાવીને, સર્વે દેવોને સંતૃપ્ત કર્યા છે અને દાન દક્ષિણા આપીને સર્વે બ્રાહ્મણોને પરિતૃપ્ત કર્યા છે.

      સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ સર્વે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે વૈદિક યજ્ઞયાગ મંદિરના ગોર દ્વારા અને પવિત્ર બ્રાહ્મણ દ્વારા કરાવે છે. યજ્ઞને અંતે બ્રાહ્મણ ભોજન કરાવે છે અને સંતોને ભોજન કરાવે છે અને ગાયોને ઘાસ ચારો આપે છે. શ્રીમત્ સંતસંગી જીવન, ધર્મશાસ્ત્રનાં ત્રીજા પ્રકરણમાં હોમ હવનનો અને યજ્ઞયાગનો ખૂબ મહિમા કહેવાયો છે.

સેવા યજ્ઞ       આપણા શાસ્ત્રોમાં જ્યાં વિષ્ણુયાગ થતાં હોય કે બ્રહ્મકુમારો વિદ્યાભ્યાસ કરતા હોય, ત્યાં જઈ શારિરીક સેવા કરવી, એ પણ યજ્ઞાંગ કહેવાયું છે. વિષ્ણુ યાગ ચાલતા હોય ત્યાં જઈને ભુદેવોની સેવા કરવી, યજ્ઞમાં બેઠેલા યજમાનને સાધન સામગ્રી પુરી પાડવી, કે નવા મંદિરો બંધાતા હોય ત્યાં જઈ દેહથી સેવા કરવી અને ભગવાનના મંદિરોમાં ઉત્સવ થતાં હોય ત્યાં સેવા કરવી, એ પણ એક પ્રકારનો યજ્ઞ છે.

      પોતાના ઈષ્ટદેવ અને પોતાના પવિત્ર સદ્ગુરુની પ્રસન્નતામાં શક્તિ પ્રમાણે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરતાં કે પોતાના ઈષ્ટદેવના મંત્રનો જાપ કરતાં જે કાંઈ સેવા કરાય છે, તે સર્વ યજ્ઞ કહેવાય છે. આવા દેહ યજ્ઞ યાગથી પણ પ્રમાત્મા અને દેવો પ્રસન્ન થાય છે.

યજ્ઞોનું ફળ       આમ આપણા શાસ્ત્રમાં તો અસંખ્ય પ્રકારનાં યજ્ઞો બતાવ્યા છે અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે નિષ્કામભાવથી કર્મ કરવું એ પણ મોટામાં મોટો યજ્ઞ છે, તેનાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જપયજ્ઞને સર્વથી શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે. આ યજ્ઞ તો સર્વ કોઈ સહેજે કરી શકે છે. જીવનમાં પોતાના કુટુંબનું ભરણપોષણ કરવું , એ આપણો ધર્મ છે પરંતુ સાથે ભક્તિ કરવી અને શક્તિ પ્રમાણે યજ્ઞ કરવા એ પણ અતિ આવશ્યક છે. તો જ જીવનમાં  ભગવાનનો અને ગુરુદેવનો રાજીપો મળે છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે.

લેખક: અક્ષય મહેશભાઈ ગોર – કચ્છ ભુજ. શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રસિદ્ધ ગોર

।। અસ્તુ ।।