એક દિવસ યોગીરાટ ગોપાળાનંદ સ્વામીએ પોતાની સન્મુખ બેઠેલા હરિભક્તોને અને પોતાની સમીપમાં બેઠેલા સંતોને વાત કરી જે ‘આ સંસારમાં કેટલાક બધ્ધ આત્માઓ છે તેને ભગવાન સિવાયની વાતોમાં તાન રહે છે. ભગવાનની વાતોમાં તેનું મન લાગતું નથી.તેને રાત દિવસ સંસારના સુખ ભોગવવામાં જ એક તાન હોય છે.
એમાં કેટલાક બધ્ધ આત્માઓ ભોગ ભોગવવા સાધુના વેશ પણ ગ્રહણ કરે છે અને ભોળા લોકોને ભરમાવી પોતે ભોગમાં ઘેલા રહે છે. કેટલાક ગૃહસ્થાશ્રમમાં જ રહી ભોગ ભોગવવા નાના પ્રકારનાં નાટક કરે છે. એવા બધ્ધ આત્માઓના સંસર્ગથી સર્વે ભક્તજનોએ સાવધાન રહેવું જોઈએં.
ભક્તો! તમો પણ બધા વિશેષ સાવધાન રહેજો. એમાં માયાના જાળામાં વિંટાયેલા આત્માથી જો સાવધાન નહીં રહો તો તમને પણ પંચવિષયી માયામાં સપડાવી દેશે અને દિવ્યાનંદથી વિખુટા પાડી દેશે.’