“કર્મ તો કામધેનુ છે. એને દોહતા આવડે તો આનંદરૂપી દૂધ મળે.” શ્રી વલ્લભાચાર્યના(Vallabhacharya) આ શબ્દો નો ભાવ છે કે વ્યક્તિને કર્મ – કાર્ય કરવું જ પડે છે. પણ એવા કાર્ય-કર્મ કરવાં જેનું પરિણામ આનંદરૂપ અને આ લોકમાં અને પરલોકમાં સુખરૂપ હોય.
કોઈ પણ વ્યવહાર સંબંધી કાર્ય હોય તેને પોતાની બુદ્ધિથી સારી રીતે વિચાર કરીને અથવા સત્પુરુષોને પૂછીને કરવું પણ વગર વિચારે કરવું નહીં. વિચાર્યા વિના કાર્ય કરનારને મહાન દુઃખની પ્રાપ્તિ થાય છે.
સંસ્કૃત સાહિત્યના મુર્ધન્ય કવિ સમ્રાટ ભારવિએ કહેલું છે કે –
“વિચાર્યા વિના તત્કાળ કોઈ પણ કાર્ય કરવું નહીં. અને વિચાર્યા વિના તત્કાળ કાર્ય કરવું, એજ મોટો અવિવેક છે અને તે પરમ આપત્તિનું સ્થાન છે.
જેમ તરતાં આવડતું ન હોય અને કિનારે બેસીને રોજ કુતરા, બિલાડા, ગાય અને ભેંસ તેમને તરતાં જોઈને લાંબા સમયથી વિચારે તો પણ પાણીમાં પડે તો તે માણસ બુડવાનો છે. ગાયને પાણી માં તરતી જોઈ વિચારીને પણ પડાય નહીં. પાણીમાં પડે તો બુડે. સત્સંગ અને સમજણથી જીવનમાં સાચો ખોટો ખ્યાલ આવે છે.
કેવળ વિચારે કે ગાય ભેંસ અને કુતરાં જેવાં પામી પડે અને એ બધા તરી શકે તો હું પણ તરી શકું. એમ માનીને પડે તો વિચારીને પડ્યા પછી પણ તે ડૂબી જાય અને અકાળે મૃત્યુ પામે. એટલે કેવળ વિચારીને કાર્ય કરવાં પહેલાં બુદ્ધિમાન અને જાણકાર લોકોની સલાહ લઇને પછી કાર્યનું પરિણામ વિચારીને કર્મ કરે તો તે માણસ સફળતા પ્રાપ્ત કરે છે અને દુઃખી થતો નથી.
કાર્યની સફળતા અને નિષ્ફળતા હાથ લીધેલા કાર્ય પર કરેલ, વિચાર અને વિમર્શ પર આધાર રાખે છે
કાર્યની સફળતા અને નિષ્ફળતા હાથ લીધેલા કાર્ય પર કરેલ, વિચાર અને વિમર્શ પર આધાર રાખે છે. જો વિચાર અને વિમર્શ કર્યા પછી કાર્ય કરવામાં આવે તો તે કાર્યમાં સફળતા મળે છે અને સર્વત્ર યશ મળે છે પરંતુ તે જ વ્યવહાર સબંધી કાર્ય સમજુ અને જાગ્રત વ્યક્તિની સલાહ સુચન લીધા વિના કર્યામાં આવે, તો તે કાર્યમાં અવશ્ય નિષ્ફળતા મળે છે અને પરિણામે અપયશ મળે છે.
ફ્રેંકલિન કહે છે કે – “જેઓ ધૈયશીલ છે. તેઓ પોતાના ધારેલાં કાર્યો કરી શકે છે. આપણા ઈષ્ટદેવ અને પરમ પુરુષ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, મનુષ્ય માત્રને કહે છે કે વ્યવહારમાં દરેક કાર્યો વિચારીને, ચાર સમજુ વ્યક્તિ સંગાથે વિમર્શ કરીને જ, પછી કાર્ય કરવું અને કાર્યનો પ્રારંભ કરવો પણ ઉતાવડે અને વગર વિચારે વ્યવહાર સંબંધી કાર્ય કયારેય કરવું નહીં. ગુરુ તો વારંવાર કહેતા હોય છે કે વિચાર્યા વિના કાર્ય થાય તો નિષ્ફળતા મળે, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું કથન કયારે વિપરિત થાય નહીં.
જે વ્યક્તિ વિચાર્યા વિના અને અતિ વેગથી કાર્યનો પ્રારંભ કરી દે છે. તે વ્યક્તિના મનમાં સતત ચિંતા રહે છે કે , “કાર્યનો પ્રારંભ તો થઇ ચૂક્યો છે, પણ એનું પરિણામ શું આવશે? કાર્ય પુરુ નહીં થાય તો, લોકો મારો વિરોધ કરશે તો, અને વચ્ચે અધુરુ રહી જશે તો? આ રીતે જ્યાં સુધી એ કાર્યની સિદ્ધિ ન થાય, ત્યાં સુધી એ કાર્ય કરનારના હૃદયમાં સંતાપ અને ઉત્તાપ રહ્યા કરે છે અને અશાંતિમાં કે ઉચ્ચાટમાં આકુળતા વધતી રહે છે પરંતુ ચાર સમજુ લોકોને પુછીને કાર્ય કર્યું હોય તો તેનો ઉચ્ચાટ કે ઉત્તાપ હૈયે રહેતો નથી.
પૂ. પા. સંતશ્રી ડોંગરેજી મહારાજશ્રીએ બહુ કહ્યું છે કે – “પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો.” પ્રભુને સાથે રાખી તથા સદ્ગુરુ, વડીલો અને મિત્રો સાથે વિચાર વિમર્શ કરી કાર્યની શરૂઆત કરવાથી સદાય શાંતિ મળે છે તથા કાર્ય પૂર્ણ થયા બાદ અનુરૂપ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
પૂ. પા. સંતશ્રી ડોંગરેજી મહારાજશ્રીએ (Dongre Maharaj) બહુ કહ્યું છે કે – “પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો.” પ્રભુને સાથે રાખી તથા સદ્ગુરુ, વડીલો અને મિત્રો સાથે વિચાર વિમર્શ કરી કાર્યની શરૂઆત કરવાથી સદાય શાંતિ મળે છે તથા કાર્ય પૂર્ણ થયા બાદ અનુરૂપ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
માટે જ કહેવાયું છે કે – “માણસ માત્રએ વિચારીને કાર્ય કરે તો સારું પરિણામ આવી મળે.” જેમ કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી સારું પરિણામ મળે છે, અને અંતરમાં શાંતિ થાય છે. જીવનમાં ધર્મ સબંધી કાર્ય કરવાથી આલોકમાં નિર્ભયતા આવે છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે – “ધર્મ જ મનુષ્યનો એક એવો બધું છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યોની સાથે રહે છે. સ્ત્રી, પિતા, પુત્રાદિ કોઈ સાથે રહેતું નથી. સગા સબંધી તો બધા દેહની સાથે રહે છે. દેહ છુટે કોઈ સાથે રહેતું નથી. આ વાક્ય પરથી સ્પષ્ટ સમજાય છે કે ધર્મનિષ્ઠ રહેવું જોઈએ તથા ધાર્મિક કાર્યો કરવા તત્પર થવું જોઈએ તો મૃત્યુ પછી ધર્મ આપણને સાથ અને સહકાર આપશે. ધર્મ આપણી પિતા તરીકે, ભાઈ તરીકે અને માતા તરીકે રક્ષા કરશે અને સંભાળ રાખશે.
જીવનમાં ધર્મ સંબંધી કાર્ય કરવાનો સંકલ્પ થાય તો તે કાર્ય તત્કાળ કરવું. એમાં કોઈની રાહ જોવી નહીં, અને લાંબો વિચાર પણ કરવો નહીં. જ્યારે ધર્મ સંબંધી કાર્ય કરવાનો મનમાં વિચાર ઉત્પન્ન થાય ત્યારે જ કરી દેવામાં એ લાભ છે કે ફરી પોતાનું મન બદલાય નહીં. સત્કર્મ કરવામાં આવે તો તેનેથી કોઈ હાનિ થતી નથી અને કોઈ હાની કરતુ નથી. વળી, ધર્મ સંબંધી કાર્ય જ આપણને પરલોકમાં સહાય કરનારું છે.
મહાભારતમાં એક કથા છે કે યુધિષ્ઠિર રાજા કાર્યમાં વ્યસ્ત હતાં ત્યારે ભિક્ષુક બ્રાહ્મણએ દક્ષિણાની યાચના કરી, રાજાએ કહ્યું આવતીકાલે મળજો. તમારી ઈચ્છા પૂર્ણ કરીશ, તે સમયે ભિક્ષુક બ્રાહ્મણ બોલ્યા કે હે રાજન! કાલનો શો ભરોસો ? પૈસો ચંચળ છે લક્ષ્મી અતિ ચંચળ છે માટે પૈસો હાથમાં હોય ત્યારે જ ધર્મ કાર્ય કરી લેવું. મનુષ્યનું મન તો અતિ ચંચળ છે માટે મનમાં ધર્મનો વિચાર આવે તો તે કાર્ય શીઘ્ર કે અતિ શીઘ્ર કરી લેવું. આપણા બંનેના જીવન ચંચળ છે. આવતીકાલ સુધીમાં આપણા બંનેમાંથી એકનું મૃત્યુ ન થઇ જાય તેની શું ખાત્રી? માટે તક મળે એટલે બીજા બધાં કાર્યો મુકીને પણ ધર્મકાર્ય કરી લેવું. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે પરનું હિત થાય, એવું જીવપ્રાણી માત્રનું હિતકરનાર ધર્મકાર્ય કરવામાં કદી વિલંબ કરવો નહીં.
દેશહિતનું કાર્ય હોય, સમાજહિતનું કાર્ય હોય, મનુષ્યહિતનું કાર્ય હોય અને પોતાના જીવનું પરમ કલ્યાણ કરનારું કાર્ય હોય તે કાર્ય કરવામાં કદી વિલંબ કરવો નહીં અને તેમાં જગતના લોકોની કે કુસંગી લોકોની વાત સાંભળીને ધર્મકાર્ય કરવાથી કદી અટકવું નહીં. જગતના વિષયી લોકો પોતે એવાં ધર્મકાર્યો કરતા નથી અને બીજાને કરવા દેતા હોતા નથી.
શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીમાં (Shikshapatri) ૩૬માં શ્લોકમાં લખ્યું છે કે “વિચાર્યા વિના તત્કાળ કાઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું.”
લેખક :- શિવાની રમેશચંદ્ર ગોર- કચ્છ ભુજ
।। અસ્તુ ।।