અંજાર શહેરના સવાસેર નાકા પાસે  શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. મંદિરની બાજુંમાં તળાવ છે અને એમ કહેવાય છે કે એ તળાવ પ્રસાદીનું છે.  સ્વામિનારાયણ મંદિરમાં આરસપાણના સુંદર રૂપાડા ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. આ મંદિરની જગ્યામાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન અનંત વાર પધરામણા કરીને સંતો સંગાથે રાત્રી નિવાસ કર્યો છે. આત્માજ્ઞાનની અને પરમાત્મા તત્વની વાતો કહી અને જીવનને સાર્થક બનાવનારી દિવ્ય જ્ઞાનોપદેશની વાતો કરી, અનેક ભાવિક ભક્તોના હૈયામાં આત્મીય ચેતના જગાવી છે.

અંજાર શહેરમાં ભગવાન સ્વામિનારાયણ પહેલીવાર સંવત ૧૮૬૩માં પધાર્યા એમ કહેવાય છે. તસમયે પરમ સાધ્વી ચાગબાઈ એક સન્નારી પોતાના નાનાઘરમાં રહેતાં હતાં. સ્વામિનારાયણ ભગવાને ત્યાં અનંતવાર તેમના હાથનું ભોજન ગ્રહણ કરીને, એમને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું.  ભગવાનની પરમકૃપાથી તેમને સિદ્ધદશા પ્રાપ્ત થઈ હતી. પરમાત્માની પૂર્ણ કૃપાથી ચાગબાઈ અખંડ બ્રહ્મસ્થિતમાં રહેતાં હતાં. એમની વાણીમાં એવું તો દૈવત હતું કે જે વાત કરે તે સાંભળનારાના હૈયાં સોંસરી ઉતરી જાય.

મહારાજની આજ્ઞાથી અંજારમાં ચાગબાઈએ સત્સંગની જ્યોત અખંડ જલતી રાખી હતી. અહીં ભજન ભÂક્ત કરવા માટે બહુ સાનુકુળ વ્યવસ્થા તેમણે પોતે કરાવી હતી. કોઈ ભૂખ્યા દુઃખ્યા આવે તો તેને ચાગબાઈ ભોજન પાણી આપતાં અને ભજન કરાવતાં.

આ પવિત્ર જગ્યાએ મોટા હરિમંદિરની પ્રથમ નીંવ ૧૯૫૯માં વસંત પંચમીના શુભ દિવસે મુકવામાં આવી હતી. ભુજ મંદિરના મહંત સ્વામી અક્ષરજીવનદાસજી, સ્વામી કૃષ્ણચરણદાસજી અન્ય અનેક વડીલ સંતો ઉપસ્થિત હતા. અંજાર શહેરના ઉપાધ્યાય અડવેશ્વર ચતુર્ભુજ, ઉપાધ્યાય પ્રભાશંકર અને કુંભારીયાના ગુર્જર ક્ષત્રીય કુંવરજીભાઈ,  ભીમજીભાઈ ઠક્કર કેટલાક ભક્તો ઉપસ્થિત હતા.

સત્સંગનો દીપ વધારે પ્રજવલિત થતાં સંવત ૨૦૧૯ના ચૈત્રશુદ પાંચમના પવિત્ર દિવસે મૂળ સ્વામિનારાયણ  સંપ્રદાયના આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રપ્રસાદજીના વરદ હસ્તે તથા મહંત શાસ્ત્રી સ્વામી ધર્મજીવન દાસજી, સ્વામી મોરલીમનોહર દાસજી, સ્વામી ધર્મકિશોરદાસજી, સ્વામી નંદકિશોરદાસજી વિગેરે સંતોના વરદ હસ્તે શ્રીઘનશ્યામ મહરાજની રત્નજડીત સિંહાસનમાં શ્રીપ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પછી તો ઘણા સુધારો વધારા થતા રહ્યા છે. હવે તો બહુ ભવ્ય અને અજાયબી સમું મંદિર બનવા જઈ રહ્યું છે.

આ અંજારમાં અજેપાળની જગ્યા બહુ પ્રસિદ્ધ છે અને જેસલ તોરલની સમાધી ગુજરાતનું એક પ્રસિદ્ધતમ સ્થાન છે. આ અજેપાળની જગ્યાએ દર રવિવારે તીર્થયાત્રીઓને મફત ભોજનની વ્યવસ્થા ચાલે છે. પરમાત્માની કૃપાથી અમને વિચાર આવ્યો અને અંજારના ધર્મપ્રેમી અને શ્રેષ્ઠીઓએ વધાવી લીધો. ૨૦૧૪ના ૨૬મી જાન્યુઆરીથી આ ભોજન આપવાનું ચાલું કર્યું અને આજ દિવસ સુધી આ ભોજનલય ચાલે છે. એમનો વધારે વિકાશ થાય એજ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.

Save

1 COMMENT

  1. સત્સંગ app પર લેખ ખૂબજ સરસ અને જાણવા લાયક હોય છે. લેખક ને ખૂબ ખૂબ અભિનંદન

Comments are closed.