Satsang Apps

।। સત્સંગથી જીવનમાં સુવાસ ।।

Satsang app by Jivan Suvas By Chetan Gor

             સુખની શોધમાં સદાય અગ્રેસર રહેલા માનવીમાં અસલી સુખનો માપદંડ શોધવાની જીજીવિષા હંમેશાથી રહી છે. સુખનો માપદંડ શોધી ચૂક્યાનો દાવો કરતાં કેટલાક સમૃદ્ધ રાષ્ટ્રોમાં એ માપદંડ સિવાયનું હજુ પણ કંઈક ખૂટે છે એવું લોકોને લાગી રહ્યું છે. જેમ કે એક આતરરાષ્ટ્રીય સર્વે મુજબ યુરોપમાં આવેલ ફિનલેન્ડ નામના ટચૂકડા દેશમાં સૌથી વધુ સુખી લોકો રહે છે. સામી બાજુએ છેલ્લા અમૂક વર્ષોમાં ફિનલેન્ડમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વૈશ્વિક સ્તરે સૌથી વધારે રહ્યું છે. મતલબ કે બાહ્ય રીતે સુખી હોવા છતાં પણ હજુ કંઈક ખૂટે છે ખરું. અને એ ખૂટે છે સુખરૂપી દિવાને વિવેકરૂપી કવચ દ્વારા રક્ષતું સત્સંગ તત્વ. જ્યાં સુધી સત્સંગ સેવાયો નથી ત્યાં લગી સુખની મોજ નહીં આવે. કારણે જ્યારે સત્સંગ માણસના હૃદયમાં સમાય છે ત્યારે જ તેને વિવેકરૂપી આંખ પ્રગટે છે. તુલસીદાસજીએ સાચું જ કહ્યું છે – બિનું સત્સંગ વિવેક ન હોઈ…. સત્સંગ વિના વિવેક પ્રગટતો નથી. સત્સંગથી વ્યક્તિ પોતે જ સુખી થાય છે એટલું નહીં પરંતુ સમગ્ર પરિવાર, સમગ્ર સમાજ, સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વને પણ સ્વક્ષમતા મુજબ સુખી કરી શકે છે.

             બીજી વાત, વ્યક્તિ સુખી હશે પણ જો આત્મતૃપ્ત .અથવા સંતોષી નહીં હોય તો તે અન્યના દુઃખ પ્રત્યે અસંવેદનશીલ કે બેફિકર બની જવાની પુરેપરી સંભાવના રહે છે. અને આવો વ્યક્તિ અન્યના દુઃખે સુખી થવાની એક તક પણ જતી નહીં કરે. પોતાની બુદ્ધિનો ઉપયોગ સમાજના વિનાશ માટે કરતાં પણ અચકાશે નહીં.

             ભારતીય શાસ્ત્રોમાં રહેલા તમામ અસુરો કે હાલની દુનિયાને ત્રસ્ત કરી રહેલા તમામ આતંકવાદીઓ બુદ્ધિમાં કોઈથી ઉતરતા નથી, શિક્ષણમાં પણ કોઈથી ઉતરતા નથી. મહાબુદ્ધિમાનની કક્ષામાં આવી શકે એવી કક્ષા અને શિક્ષા હોવા છતાં પોતાની બુદ્ધિનો ઉપયોગ માનવસમાજના પતન માટે જ કરે છે. ઓસામા બિન લાદેન કે એના જેવા અન્ય ત્રાસવાદી વ્યકિતત્વો  કંઈ ઓછો ભણેલો નથી. પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ અન્યોને દુઃખી કરવા અને સમાજને વિનાશની ગર્તામાં ધકેલવા તરફ જ કરે છે.

             માત્ર સંત્સંગ અને એ સત્સંગને ધારી રહેલા સત્પુરુષોના સેવનથી જ સમાજને અને સ્વને સુખી કરતાં તમામ આંતરિક ગુણોનો વિકાસ શક્ય બને છે. સત્સંગનું સેવન એ વૃક્ષના મૂળમાં પાણી સિંચવારૂપ કાર્ય છે. મૂળમાં પાણી આપવાથી જેમ શાખા-પ્રશાખાઓ આપોઆપ નવપલ્લવિત થાય છે અને મીઠાં મધુરાં ફળોનો સ્વાદ પણ મળે છે. તેવી જ રીતે સત્સંગરૂપી વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી વિવેક, માનવતા, પ્રેમ, કરૂણા, સદાચાર, સહાનુભૂતિ, સાહસ, ઉદારતા, ધીરજ જેવા અગણિત ગુણો સહેજે ખીલી ઉઠે છે અને તેનું સેવન કરનારના જીવનને નવપલ્લવિત કરે છે. એટલું જ નહીં પણ તેના સંપર્કમાં આવનાર અન્યને પણ તેનો છાંયડો આપે છે.

             માટે જેમણે અધ્યાત્મ માર્ગમાં આગળ વધવું છે એમને જ નહીં પરંતુ વ્યવહારમાં પ્રગતિ કરવી છે કે અમુક નિશ્ચિત ક્ષેત્રમાં પ્રગતિ કરવી છે તેણે પણ પોતાનું લક્ષ્ય સામે રાખી સાથે સાથે સત્સંગનું સેવન કરવું પણ અનિવાર્ય છે. સત્સંગ વિના દુન્યવી દ્રષ્ટિએ સફળ થનારા માણસોના અંતરંગ જીવનને જોઈએ તો કદાચ ખ્યાલ આવે કે તેઓ સફળ હતા પરંતુ માંહ્યલી કોરથી અજંપો જ હતો, તેઓ પણ અંદરથી સતત શાંતિને ઝંખતા હતા. જ્યારે હાડોહાડ સત્સંગથી રંગાયેલ વ્યક્તિ ઝુંપડામાં વસતો હશે, અભાવમાં જીવતો હશે, છતાં પણ પોતે પરમ શાંતિનો અનુભવ કરતો હશે અને એના સંપર્કમાં આવનાર માલેતુજાર વ્યકિતઓને પણ અચંબામાં મૂકતો હશે. સત્સંગ અને શ્રી હરિની ભક્તિથી હૃદયમાં ઋજુતા આવે છે. હૃદયમાં ખેડાણ થાય છે. જ્યાં ખેડાણ થાય એ માટી જ ભીની હોય, અને એવી ખેડ કરેલી ભીની માટીમાં જ બીજ અંકુરિત થાય છે.

बिनु सतसंग न हरि कथा तेहि बिनु मोह न भाग।
मोह गएँ बिनु राम पद होइ न दृढ़ अनुराग

             સત્સંગ, સત્શાસ્ત્રના વાંચન અને સાધુચરિત પુરુષોના સમાગમથી તમામ વિદ્યાદિક ગુણોના ધામ એવા ભગવાન શ્રીહરિના ચરણમાં દ્રઢ અનુરાગ થાય છે.

ભગવાન સ્વામિનારાયણે પણ સ્વલિખિત શિક્ષાપત્રીમાં ભાર દઈને જણાવ્યું છે કે –વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમ ફળ જાણવું કર્યું તો  ભગવાનને વિષે ભકિત હોવી અ જીવનમાં સત્સંગ હોવો. જેનામાં ભલે વિદ્વતતા હોય, અનેક પ્રકારની કળા હોય પણ સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. (૧૧૪)

આપણા પૌરાણિક શાસ્ત્રોમાં પણ અનેક ઉદાહરણો છે જેમાં અલૌકિક સામર્થી, શક્તિ, બુદ્ધિચાતુર્ય ધરાવનાર ગુણવાન મહાપુરુષોનું સત્સંગ વિના કેવી રીતે પતન થયું છે. માટે બુદ્ધિમાન પુરુષોએ હંમેશા સત્સંગના આશ્રયમાં જ રહેવું જોઈએ.

લેખક: ચેતન પી. ગોર