એક દિવસ શ્રીજી મહારાજ સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા હતા. સર્વે સંતો પોતાના કષ્ટના પાત્ર અને તુંબડી લઈને પંક્તિબદ્ધ બેઠા હતા અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા હતા. મહારાજ આવી સર્વે સંતોને બહુ પ્રકારનાં પકવાનો પીરસતા હતા. સર્વે સંતોને પીરસાઈ ગયા પછી નારાયણ ભગવાનની જય બોલાઈ અને સંતો બધાં અન્નને મેળવી, જળનું આચમન કરી, ભોજનમાં જળની અંજલિ આપી, ભગવાનને સંભારતા સંભારતા ભોજન જમવા લાગ્યા. સર્વે સંતોની એક પંક્તિ હતી.
આ સંતોનાં શરીર જુદાં જુદાં હતાં પણ મન બધાયનાં એક હતાં. સર્વે સંતો એક બીજાના સુખે સુખીયા, એવા પવિત્ર સ્વભાવના હતા. પરસ્પર એક બીજાનો મોટો મહિમા કે સ્ટેટશ જાણતા હતા. આવા પવિત્ર સંતોનું આવું વર્તન જોઈ સર્વે પવિત્ર ભક્તો તો સંતોને દેવોથી અધિક માને પણ અન્ય સામાન્ય લોકો પણ સંતોનું વર્તન જોઈ, સંતોને દેવ જેવાં માનતા હતા. કોઈના ભાલમાં દંડાકૃતિ તિલક શોભતું હતું તો કોઈ સંતના ભાલમાં પદાકૃતિ તિલક શોભતું હતું. ભગવાનના સ્મરણની સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી સર્વે સંતો સભામાં પધારતા હવા.
ઊંચા સિંહાસન પર બેઠેલા શ્રીજી મહારાજ સર્વે સંતો પર તેમજ હરિભક્તો તરફ અમીદ્રષ્ટિ કરી રહ્યા હતા.થોડી વાર અંતરદ્રષ્ટિ કરી પછી શ્રીજી મહારાજ અમૃતરૂપી વચનો સર્વે ભક્તોને કહેવા લાગ્યા કે હે ભક્તજનો! આ સર્વે સંતો છે તે કોઈ આ લોકના નથી. સર્વે મોટા મોટા મહર્ષિઓ છે. આ સર્વે સંતો તો વાલ્મિકી, વિભાંડક, ભરદ્વાજ, આરુણી, ઉપમન્યુ, નારદ,સનકાદિક વિગેરે છે. આ સર્વે ઋષિમુનીઓ અનેકજીવોના ઉદ્વાર માટે આ લોકમાં આવ્યા છે. આ સર્વે સંતો જેમ હું સ્વતંત્ર છું તેમ સ્વતંત્ર છે.
જયારે જયારે હું આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું છું ત્યારે ત્યારે આ સર્વે સંતો વિવિધ રૂપે મારી સેવા કરવા અવતાર ધારણ કરે છે. કૃષ્ણ અવતારે આ સર્વે સંતો ગોપીરૂપે અમારી પ્રેમભક્તિ કરવા આ પૃથ્વી ઉપર પધાર્યા હતા.જયારે અમો રામચંદ્રરૂપે આ પૃથ્વી ઉપર એકાંતિકધર્મની સ્થાપના કરવા અને અસુરોનો સંહાર કરવા પધાર્યા હતા ત્યારે આ સર્વે સંતોએ વિવિધ વાનરોનાં રૂપો ધારણ કર્યાં હતા. અત્યારે આ અવતારે અમો પધાર્યા છીએ ત્યારે આ સર્વે સંતો અખંડ મારી મૂર્તિને પોતાના અંતરમાં ધારી રહ્યા છે. મારી મૂર્તિ વિના બીજું એમને કાંઈ પણ પદાર્થ વ્હાલું નથી. જયારે જયારે અને જ્યાં જ્યાં આ સર્વે સંતો અમારી સાથે રહ્યા હતા ત્યાં ત્યાં અમારી મૂર્તિમાં મગ્ન થઈને જ રહેતા હતા. તે તે અવતારે આ સર્વે સંતો અમારી અંતરવૃતિ સમજીને અમારા કહ્યા પ્રમાણે રહેતા આવ્યા છે.
આ સંતોના મનમાં અમારી સેવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી.કોઈ સંત પુષ્પવાટિકા બનાવી અમને ત્યાં વિહાર કરાવવા લઇ જાય છે અને ત્યાં અમને આંબાની ડાળે હોંડોળો બાંધી તે હિંડોળામાં બેસાડી અમને પ્રેમમાં તલ્લીન કરાવી, મધુર આલાપે કિર્તનો ગાતા ગાતા અમને ઝુલાવે છે.
હે ભક્તજનો! આવા સંતો તમને કોઈ બ્રહ્માંડોમાં ગોત્યા મળશે નહીં કારણ કે આવા સંતો તો જ્યાં અમે રહીએ છીએં ત્યાં જ રહે છે.તેમને મારી સેવા સિવાય કાંઈ પદાર્થ વ્હાલું લાગતું નથી. અરે! આ સંતો પોતાના દેહાદિકના સુખદુઃખને પણ ગણતા નથી.
“જગતમાં આસક્ત થવાથી ભવાટવીમાં ભટકવું પડશે અને ભગવાનમાં આસક્તિ રાખવાથી ભવાટવી મૂળમાંથી ભૂંસાઈ જશે” આ પરમ વાક્યને સંતોએ જીવનમાં વણી સર્વે જીવોમાં કેમ વણાય એવો પ્રયાસ આદર્યો છે. આવા સંતોની જે અનુવૃત્તિ સાંચવશે તે સર્વેને, દેહને અંતે ભગવાનના પરમ ધામની પ્રાપ્તિ થશે. ભગવાન સ્વામિનારાયણે સભામાં સર્વે બેઠેલા સર્વે ભક્તજનોને આવી અમુલ્ય વાત કરી.