Kite-Festival

ઉત્સવ દર્શન

આનંદ અને પતંગનો તહેવાર ઉત્તરાયણ

By Satsang Apps

October 13, 2016

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમા ઉત્તરાયણ એ તમામ લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે. મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાતિ કહે છે. પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. કારણકે આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુ પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

આ દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!”, “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. અને આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પંતગો વડે છવાઈ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકડી અને ‘ચિકી’ ખુબ ખાય અને ખવડાવે છે.

Save