અપમાન, માનભંગ કે ઈન્સલ્ટ જેવા શબ્દો માણસોને સાંભળવા પણ ગમતા નથી તો અપમાન થાય તે તો ન જ ગમે ને ભાઈ ! આની બીજી બાજુ માન, આદર સત્કાર, સન્માન વગેરે એવા શબ્દો છે કે જે દરેક વ્યક્તિને ગમે છે. સૌ કોઈને તેની યોગ્યાનુરૂપ આદર સત્કાર કરવો એ જ આપણી સંસ્કૃતિની ધરોહર છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં આગતુંક મહેમાનોને આદર સત્કાર આપવામાં આવે છે. આપણ માટે તો ‘અતિથિ દેવો ભવ’ની સમજણ છે. એટલે અપમાન કદી કયારેય કોઈનું કરવું નહીં, એ જ આપણી સંસ્કૃતિ છે.
સ્કંદ પુરાણમાં કહ્યું છે કે, “ સત્પુરુષોનો અપરાધ કરવાથી મોટાં પુણ્ય કર્મ કર્યા હોય તે બધાનો તત્કાળ નાશ થઇ જાય છે” સદગુણ સંપન્ન વ્યક્તિ, મોટા પુરુષો કે જે પ્રખ્યાત કે ગુણીયલ વ્યક્તિ હોય કે અતિશય શ્રેષ્ઠ મનુષ્યનું હોય તેનું અપમાન ન કરવું. તેઓનું માન જાળવવું જોઈએ. આ વાતના મૂળમાં એક મહત્વનું પરિબળ સંસ્કાર અને વિવેક છે.
આજે આવા પરિવારથી સજમણ સંપાદન કરનાર બાળકની વાત કરવી છે કે જેને વિવેક અને સંસ્કાર પરિવારમાંથી મળ્યા છે. એક ખેતરમાં, ધોમધખતા તાપમાં, નિર્દોષ બાળક કામ કરતો હોય જેને પોતાનું શરીર પણ શહેરી બાળક જેમ શણગારેલું ન હોય તેવા બાળક આગળ એક મંત્રી જેવો પ્રતિષ્ઠિત સમર્થ વ્યક્તિ આવીને પૂછે અને વિનંતી કરે કે, “બેટા, અહીં પાણી મળશે, મને બહુ જ પાણીની તરસ લાગી છે.” આ બાળકનો જવાબ અતિવિવેકપૂર્ણ અને સંસ્કારે સહિતનો હોય અને કહે કે “હા, સાહેબ, મારા પાસે થોડું પાણી છે. કહો તો લઇ આવું.
ઉજ્જળ વનવગડામાં થોડું પણ પાણી મળવું કઠણ હોય છે, અતિ દુર્લભ હોય છે અને તે પણ માટલાનું. બાળકે બચેલું થોડું પાણી માટીના વાટકામાં સાહેબને આપ્યું. સાહેબ! આ લ્યો પાણી પીવો! આપ કહી પાણી આપે છે અને સાહેબની આંતેડી ઠરે છે. આ શેઠ છે કે શાહુકાર, આ મંત્રી છે કે સન્ત્રી છે, એ આ બાળક નથી જાણતો, જાણે છે તો બસ સંસ્કાર વિવેકપૂર્ણ વાતો, કે જે એમને માતા પિતા અને પરિવારથી અને સત્સંગથી મળ્યા છે. આવા સંસ્કારો જ જણાવે કે બાળકનાં માતા પિતા કેવાં શુદ્ધ પરંપરાના છે.
સંસ્કાર વિવેકપૂર્ણ વાતો, કે જે એમને માતા પિતા અને પરિવારથી અને સત્સંગથી મળ્યા છે. આવા સંસ્કારો જ જણાવે કે બાળકનાં માતા પિતા કેવાં શુદ્ધ પરંપરાના છે.
આ વ્યક્તિ બાળકને પૂછે કે બધું પાણી મને આપી દઈશ તો તારા પરિવાર અને માટે તારા માતાપિતા માટે શું બચશે. તેને તું શું કહીશ. આવી કાળઝાળ ગરમીમાં પાણી જ માત્ર એક સહારો છે પાણી નહિ હોય તો તારા માતાપિતા તને વઢશે તો ? “ના સાહેબ, સાંજ સુધી અમે પાણી ન પીએ તો અમને ફાવી જાય, આવો જવાબ સાંભળી આ વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ ગયો. તેણે મનોમન કાંઈક કરવાનું નક્કી કર્યું.
આ નગર શેઠે તેના – બાળકનાં માતાપિતાની પરવાનગી લઇ બાળકને ભણવ્યો-ગણવ્યો અને ખૂબ જ આગળ વધાર્યો અને પોતાના પગભર ઊભો કર્યો. બાળકનો સમગ્ર પરિવાર તો સમૃદ્ધિ સંપન્ન થયો પણ સંસ્કારની પરંપરા એજ જાળવી રાખી, એ વાત બહુ મોટી છે.
એટલે જ તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે વિદ્વાન કે બુદ્ધિમાન વ્યક્તિનું ક્યારેય અપમાન ન કરવું, તેઓનું સન્માન કરવું જોઈએ. આ સુત્રને સાર્થક આ ગામડાનો અબુદ્ધ બાળક જાણે કરતો હોય તેવું લાગે છે. લોકો બાળકને ભલે અલ્પજ્ઞ જાણતા હોય છે પરંતુ વખત આવે ત્યારે ખબર પડે છે કે બાળકના સંસ્કાર કેટલા મહાન છે.
મોટા રાજા, મંત્રી કે પ્રધાન જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાજમાં આદર સત્કાર કરવો તેમાં મોટો લાભ છે અને ફાયદો છે તેઓનો અનાદર કે અપમાન કરી કોઈ કાંઈ મેળવી શકતો નથી. અપમાન કરનારો પોતાનું જ નુકશાન કરે છે.
સંતનું કે સજ્જનનું અને નેતાનું કે બૌદ્ધિક વ્યક્તિનું અપમાન કરીને આપણે મોટા ફાયદાથી વંચિત રહી જાઈએ છીએ અને એનું દુષ્ટ પરિણામ આપણે, આપણા ઘર તથા આપણા સમાજને ભોગવાવીએ છીએ.
મહાભારતમાં જયારે દુર્યોધન, ભગવાન શ્રીકૃષ્ણે આપેલ, શાંતિપ્રસ્તાવ માન્યો નહિ અને એમ કહ્યું કે સોઈની અણી જેટલી જમીન પણ એ પાંડવોને આપીશ નહિ, તો આનું પરિણામ આપણે બધાં જાણીએ છીએ. મહાભારત થયું, મહાયુદ્ધ થયું, અને દુર્યોધનનું સર્વસ્વ હણાઈ ગયું. તેવી જ રીતે મગધના ધનાનંદે પણ જયારે અકારણ અને પોતાની સત્તાની અહંકારી વૃત્તિથી ચાણક્યનું અપમાન કર્યું તો આ અપમાનનો બદલો ચાણક્યએ ચંદ્રગુપ્ત સાથે મળીને લીધો અને ધનાનંદને ધૂળ ચાટવી પડી.
એજ હેતપુએ રાજા, મંત્રી, અધિકારી કે મહાપુરુષ સહિત કોઈનું અપમાન કરવું નહીં. માર્ગમાં ચાલતાં મોટા પુરુષો કે સજ્જનો સામા મળે તો તેને રસ્તો આપવો જોઈએ તે અંગે કહ્યું છે કે, “બ્રાહ્મણ, ગાયો, રાજા, વૃદ્ધ, ભાર ઉપાડીને થાકેલો મનુષ્ય, સ્ત્રીઓ અને દુર્બળ વ્યક્તિ આટલામાંથી કોઈ રસ્તામાં મળે તો તેને રસ્તો કરી આપવો.” અહિંયા વૃદ્ધ એટલે વિદ્યાદિ ગુણવૃદ્ધ અને ધનવૃદ્ધ અને દેહે વૃદ્ધ સમજવા. અહીં જો રસ્તો આપવાની વાત થતી હોય તો અપમાન કરવાની વાત તો ઘણી દૂર રહી જાય છે.
લોકનું હિતકર પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તેનું અપમાન ન કરવું અને અધિકારી, મંત્રી, જે કોઈ હોય તેની જાત કે પાત જોયા વિના તેની સત્તાને અનુરૂપ તેનો આદર કરવો. વ્યક્તિ ગુણોથી અને સ્થાનથી અને ધનથી અને સત્કાર્યથી પણ મહાન અને શ્રેષ્ઠ કહેવાય જ છે. એટલે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તેની કદી અવજ્ઞા કરવી નહીં.
વ્યક્તિ ગુણોથી અને સ્થાનથી અને ધનથી અને સત્કાર્યથી પણ મહાન અને શ્રેષ્ઠ કહેવાય જ છે. એટલે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તેની કદી અવજ્ઞા કરવી નહીં.
વિદ્વાન વ્યક્તિ હોય કે શસ્ત્રધારી મનુષ્યનું હોય તેનું અપમાન કે માનભંગ કરવું નહીં. તોછડાઇથી નાના માણસને બોલાવાય નહીં તો સજ્જન વ્યક્તિને તો કોઈ રીતે બોલાવાય જ નહીં. વર્તમાનમાં જેવું કાર્ય કરીએ છીએ, એવું ભવન નિર્માણ થાય છે. વર્તનને આધારે કરેલું કાર્ય ભવિષ્યમાં ચોક્કસ સુખદાયી કે દુઃખદાયી નીવડે છે. એટલે જ વર્તમાનમાં કરેલ કાર્ય ભવિષ્યમાં આપણે ભારી ન પાળે, કષ્ટદાયી ન તેવા જ કરવાં જોઈએ.
આપણે વર્તમાનમાં જો કોઈનું અપમાન કે માનભંગ કરેલ હોય તો તે ચોક્કસ ભવિષ્યમાં નડે જ છે, દુઃખદાયી નીવડે છે. મહાભારતમાં આપણે જોઈએ છીએ કે દુર્યોધને દ્રૌપદીનું અપમાન કર્યું કરાવ્યું તો અનેક કષ્ટો પરિવાર સહિત પ્રજાને ભોગવવાં પડ્યાં. એટલે સત્ય બોલવું પ્રિય બોલવું પરંતુ અપ્રિય તો સત્ય હોય તો પણ વિચાર કરીને જ બોલવું.
મોટા પુરુષોની સલાહ પ્રમાણે રહેવાથી, તેઓની સાથે મન મેળ રાખવાથી વિવેકપૂર્ણ વાત કરવાથી બધા જ પ્રશ્નોનો નિરાકરણ આવી શકે છે અને અનેક પ્રશ્નોનું નિરાકરણ સહેજે થઈ શકે છે.
આજે સંકલ્પ કરીએ કે સ્વામિનારાયણ ભગવાન જેમ શિક્ષાપત્રીમાં ૩૫માં શ્લોકમાં કહ્યું છે તેમ ગુરુનું અપમાન ન કરવું, અતિશય શ્રેષ્ઠ મનુષ્યનું તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્યનું અપમાન ન કરવું. વિદ્વાન મનુષ્ય હોય, શાસ્ત્રધારી મનુષ્ય હોય, તેમજ સર્વે કોઈ મનુષ્યનું કદી અપમાન નહીં કરીએ.
લેખક: ઝાલા ગીરીશ જી. -એમ.એ.વીથ બીએડ. કચ્છ ભુજ