Satsang Apps

ધનતેરસ – કાળી ચૌદશ – દીપાવલી ઉજવણી

ધનતેરસ

ધનતેરસ એ સૌભાગ્યવંતો અને પવિત્ર સંપત્તિ આપનારો દિવસ છે. આજે ધનતેરસના ધનવંતરી ભગવાનની પૂજા કરાય છે, મા લક્ષ્મીજીની પૂજા કરાય છે અને કુબેર ભંડારીની પૂજા કરાય છે. આપણા સંપ્રદાયમાં લક્ષ્મીજીનાં 108 નામ બોલીને અને સ્વામિનારાયણ ભગવાનનાં 108 નામ બોલીને સ્વામિનારાયણ ભગવાનની ઉપસ્થિતિમાં મા લક્ષ્મીજીનું, કુબેર ભંડારીનું અને પરમાત્માના સર્વે ઉત્તમ સંતો અને પાર્ષદોનું પૂજન કરવામાં આવે છે. પૂજન કરીને પછી આજે ધનવંતરી ભગવાનના દિને ગાયોને મીઠાઈ આપીને તેનું પૂજન કરાય છે, તેની સેવા કરાય છે અને વર્ષ દરમ્યાન ગાયની શક્તિ પ્રમાણે સેવા કરવાનો અને સંભાળ રાખવાનો સંકલ્પ કરાય છે. આ વખતે ધનવંતરી ભગવાનનું પૂજન પ્રાઃતકાળે કરવાનું છે

કાળી ચૌદશ

કાળી ચૌદશને નરકચતુર્દશી પણ કહેવાય છે. આ દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરાય છે. કોઈ લોકો શક્તિની કે મા પાર્વતી ખાસ પૂજા કરે છે અને એવું કહેવાય છે કે આજે પોતાના ગુરુઓ પાસે લીધેલ મંત્રનો સિદ્ધ કરાતો હોય છે. આજે આવા ઉત્તમ દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવામાં બહુ મોટો લાભ છે. આજે દાદાની પૂજા કરવાથી ઘરમાં નરક જેવું વાતાવરણ વર્ષ દરમ્યાન થતું જ નથી.

આજે આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન,મા લક્ષ્મીજી અને આપણા કુળદેવ હનુમાનજી મહારાજનું એક સાથે પૂજન પણ થાય છે. હનુમાનજી મહારાજનાં 108 નામ આપણને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ આપ્યાં છે અને સ્વામિનારાયણ ભગવાનનાં 108 નામ સદ્ગુરુ શતાનંદ સ્વામીએ આપ્યાં છે. આ બન્ને નામ અને મા લક્ષ્મીજીનાં 108 નામ સર્વે સિદ્ધ મંત્રો કહેવાય છે અને જો પ્રભુની પ્રસન્નતા સાથે પૂજન કરવામાં આવે તો પરિવારમાં શાંતિ અને વ્યવહારમાં સુખ મળે છે.

આ વખતે હનુમાનજી મહારાજનું પૂજન ધનતેરશના દિવસે સાંજે કરવાનું છે.

દીપાવલી

દીપાવલીના દિવસે મા લક્ષ્મીજીનું વિશેષ પૂજન કરવાનું હોય છે અને જેમાં નોંધ રાખતા હોઈએ, તે ચોપડાનું પૂજન કરાય છે. ગણપતિના સ્મરણ સાથે અને સિદ્ધ સંતો અને સદ્ગુરુઓના સ્મરણ સાથે વિધિ પૂર્વક મા લક્ષ્મીજીનું પંચામૃત અભિષેક કરીને ઉત્તમ પુષ્પોથી પૂજન કરાય છે અને પછી 108 નામ બોલીને પુષ્પો મા લક્ષ્મીજીને અર્પણ કરાય છે. ભગવાન સ્વામિનારાયણના 108 નામથી મા લક્ષ્મીજીનું પૂજન કરાય તો પણ તે યોગ્ય છે. પછી ઉત્તમ નૈવેદ્ય ધરાય છે અને પ્રારથ્ના કરાય છે અને આર્તી કરાય છે. આપણા સંપ્રદાયમાં વિદ્વાન સાધકો બન્ને નામોથી મા લક્ષ્મીજીનું અને ભગવાન સ્વામિનારાયણનું વિધિ પૂર્વક પૂજન કરે છે. આપણે પણ એવું કરીએ તો પણ મા લક્ષ્મીજી આપણા ઉપર અવશ્ય પ્રસન્ન થાય.

આ વખતે દિપાવલી ચૌદશના દિવસે કરવાની છે

।। અસ્તુ ।।

લેખક: શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી ભુજ-કચ્છ