Aavran

પરિવાર દર્શન

બંને વચ્ચેનું આવરણ

By Shastri Surya Prakash Dashji

October 24, 2016

       રાજકુમાર ઉદયનનું નામ ગાનવિદ્યામાં અને સંગીત જગતમાં સૂર્યની માફક જાજવલ્યમાન થઈ રહ્યું હતું. સંગીત પ્રેમી રાજાઓ, નગરજનો એની ગાનવિદ્યાથી સાનંદાશ્ચર્યમાં ડૂબ્યા હતાં. એકવાર રાજકુમાર ઉદયનના સંગીતનાં સમારંભમાં કોઈ પણ સંગીતપ્રેમીએ હાજરી આપી હોય, તો પછીના એકપણ સંમેલનમાં ગેરહાજર રહી શકે નહી.આટલું આકર્ષણ હતું રાજકુમાર ઉદયનની ગાનવિદ્યામાં!

        ઉદયનની, સંગીત જગતમાં ઝળહળતી યશગાથાને સાંભળીને એક રાજાને મનમાં વિચાર આવ્યો કે “હું મારી રાજકુમારીને સંગીતજગતમાં અમર બનાવું, ગાનવિદ્યામાં એક સંગીત સમ્રાજ્ઞી બનાવું” આવી તમન્ના જાગી એ રાજકુંવરીના પિતાને. અને એ રાજકુમારીને તો રાજકુમાર ઉદયનના સંગીત પ્રત્યે આકર્ષણ પહેલેથી તો હતું જ. રાજકુમારીનું મન એક મહાન કલાકાર, સંગીતવિશારદ સમ્રાટ રાજકુમારમાં, તેના ગુણો જોઈ,પહેલેથી તેને વરી ચુક્યું હતું. પણ એક વાતની એ કુમારીને ખોટ હતી કે તેણે રાજકુમારને નજરોનજર ભાળ્યો નો’તો. બીજી બાજુ રાજાએ મનોમન નક્કી કર્યું હતું કે કોઈ પણ ઉપાયે રાજકુમાર ઉદયનને મારા રાજમાં લાવવો અને મારી એકની એક રાજકુમારીને ગાનવિદ્યામાં પારંગત કરવી.

         રાજકુમારીને ગાનવિદ્યામાં પારંગત કરવામાં રાજાને એક ભય હતો અને એ ભયે રાજાને એક અનોખા જ કામમાં પ્રેર્યો. એ અનોખું કામ એ હતું કે રાજકુમારી અને રાજકુમાર, એક બીજાને સાક્ષાત મળી શકે નહીં. એવો એક નુસખો રાજાએ અજમાવ્યો. રાજકુમારી અને રાજકુમાર વચ્ચે સાક્ષાત સંપર્ક ન થાય એને માટે રાજાએ યવનિકાનો(આવરણનો) પ્રયોગ કર્યો, માયાના રૂપમાં એ આવરણ રખાયું.

        ગુરુ અને શિષ્યના ગાઢ સંબંધમાં માયા પડદારૂપે આવી બન્નેને સદાયને માટે દુર રાખે છે કારણે ગુરુશિષ્યનું સાક્ષાત મિલન એક આંતરિક દિવ્ય જ્યોત પ્રગટ કરી શકે છે. જો ગુરુ શિષ્યનું સાક્ષાત મિલન થાય તો ભવોભાવનાં આવરણો હટી જાય છે અને શિષ્યને અમર પદ પ્રાપ્ત થઇ જાય છે.

       માયા નો પડદો હટી જાય અને શિષ્ય અભયપદને પ્રાપ્ત કરે એ માયા કદી ચલાવી લે નહીં. શિષ્ય નિર્ભયપદને પામે એ માયાને માટે એક મોટી થપાટ છે. એક ગુરુના સમાગમે શિષ્યનો ઉદ્ધાર થાય એ માયાને મોટો તમાચો મળે એટલું મોટું અપમાન માયાને લાગે છે.

       જડમાયા ચેતન વ્યક્તિને ચેતના આપી પોતાનું કાર્ય સરળતાથી સાધતી હોય છે.

          માયાએ રાજકુમાર અને રાજકુમારી વચ્ચે એક ચેતન રાજાને નિમિત્ત બનાવ્યો કે જેથી રાજકુમારીને સાક્ષાત્ ગુરુનું મિલન થાય નહીં. રાજકુમારીને કહેવામાં આવ્યું કે ગાનવિદ્યામાં અને સંગીત જગતમાં વિશારદ રાજકુમાર ઉદયન, “કે જેને તું તારા ગુરુપદે સ્વીકાર કરવા ઈચ્છે છે તે રાજકુમાર ભલે આટલી પ્રસિદ્ધિને પામ્યો હોય પણ તે કોઢથી ખરડાયેલો છે, એને આખાય અંગમાં કોઢ છે, એ યાદ રાખજે. એનાં આંગળાંઓમાં કાંઈ તકલીફ નથી અને જીહ્વા કોયલના જેવી નરવી છે.”

         જયારે રાજકુમાર ઉદયનને એક આત્મીય શિષ્યા વિષે એમ ભરમાવવામાં આવ્યું કે તમારી પાસે આવનાર રાજકુમારી પૂર્વના પાપથી અંધ છે. એટલે તમારી સન્મુખ બેસતા એ રાજકુમારીને સંકોચ થાય છે, છતાં સંગીતમાં અતિ પ્રેમ છે. તેને ગાયનવિદ્યામાં ડૂબકી લગાવ્યા સિવાય કાંઈ સૂઝતું નથી. પણ કર્મના વિપાકે તેને અંધાપો છે તેથી રાજકુમારી પડદાની અંદર બેસીને ગાયનવિદ્યા શીખવા માગે છે. શીખવામાં ગજબની તકલીફ છે પરંતુ તમારા જેવા માટે કોઈ અશક્ય ન કહેવાય.

         રાજકુમારીને કહેવામાં આવ્યું કે કોઢને કારણે તે રાજકુમાર તારી સન્મુખ બેસતાં સંકોચાય છે કારણ કે તું રાજકુમારી છે. એટલા માટે એ પડદાની બહાર બેસી તે ગાનવિદ્યાની શિક્ષા આપશે.

        ગીત શિક્ષાનો ક્રમ ચાલુ થયો. કેટલાય દિવસો સુધી એ અભ્યાસ ચાલુ રહ્યો. એક દિવસ એવું બન્યું કે રાજકુમાર રાજકુમારીને ગીત શિક્ષા આપી રહ્યો છે ત્યારે રાજકુમારીનું ધ્યાન રાજકુમારને જોવામાં પરોવાયું. જે ધ્યાન વિષયમાં કેન્દ્રિત કરવાનું છે તેને બદલે વ્યક્તિમાં કેન્દ્રિત થયું. વારંવાર ટકોર કરવા છતાં રાજકુમારીનું મન વિષયમાં કેન્દ્રિત થયું નહીં. એનું મન સ્ખલિત થયા કરતું હતું. અહીં તહીંના વિકલ્પોમાં અટવાઈ ગયું હતું.

         ટકોર કર્યા પછી પણ રાજકુમારી પોતાનું મન કેન્દ્રિત કરી શકી નહીં એટલે ઉદયનને થોડો ક્રોધ આવ્યો અને આવેશમાં આવી રાજકુમારીને કહ્યું “કે જરા ધ્યાન તો રાખ, કેટલી વાર તને ટકોર કરવામાં આવે છે. છતાંય તારું ધ્યાન રહેતું નથી. તું આંખે તો આંધળી છે. શું આમાય અંધ થવા માંડી છો?

          રાજકુમારીને જોરદાર ચોટ લાગી. અંતરની રગેરગમાં ઝાટકો લાગયો. “અરે!શું હું છતી આંખે આંધળી? ગાયનવિદ્યામાં આંધળી થવા માંડી છે? મને આવું કઠોર મેણું ગુરુજી કેમ મારતા હશે?

        એ બિચારી રાજકુમારીને ક્યાં ખબર કે પિતાને માધ્યમ બનાવી માયાએ શું ખેલ ખેલ્યો છે? એની જાહેરાત આંધળી તરીકે કરવામાં આવી છે, એવું તો એ રાજકુમારી સ્વપ્ને પણ કેમ વિચારી શકે? કદી પણ ન વિચારી શકે. એટલે તેને અંતરમાં ક્રોધ આવ્યો. ક્રોધ વિચાર શક્તિને અને મૌલિક બુદ્ધિને ગુમાવી દે છે. રાજકુમારીને ક્રોધ આવ્યો અને તેણે ગુરુ ઉદયનને વિચાર્યા વગર કહી દીધું ! અરે ! ગુરુજી! જરાક ધ્યાન રાખીને તો બોલો. એમ તો મને તમારી એ વાતની ખબર છે કે કેવા કોઢથી તમે ખરડાયેલા છો? મને આંધળી બનાવો છો પણ તમે કેવા છો એ મારાથી અજાણ નથી.

      રાજકુમારીને એટલો વિચાર ન આવ્યો કે તે કોની સામે તે બોલે છે?એણે એટલું ધ્યાન ન રહ્યું કે તે ગુરુને કેવા શબ્દો થી સંબોધન કરી હળાહળ અપમાનિત કરે છે.

      સાગરના કિનારે ઊભા રહેવાથી કાંઈ ઝાઝી જાણ થતી નથી. વ્યક્તિને ઓળખવા સમુદ્રમાં ઝંપલાવવું પડે છે. સાવધાન દ્રષ્ટિએ જોઇને તો કિનારેથી કાંઈક જાણ થાય પરંતુ ઝંપલાવ્યા જેવી તો નહીં જ.

      ભગવાન સ્વામિનારાયણના એક પરમ સિદ્ધ સંત અને મહામેધાવી મુકતાનંદ સ્વામી એક ‘ફટાણા’ ગીતમાં ગાય છે કે’ અવિદ્યા એક નાક કાપેલી નાર છે અને તે નાર જ (અવિદ્યા) દરેકને ભગવાનથી ઉલટે માર્ગે ગમન કરાવે છે. જે જે એનું કથન માને છે તે તે માણસ અધોગતિને પામે છે. તેને યમસદનનું તેડું વગર નોતરે મળી જાય છે, અર્થાત તેને વિના કારણે અનેક કષ્ટો ભોગવવાં પડે છે. વેદનાઓના મહાસાગરમાં વિના કોઈ સિદ્ધિએ ઝંપલાવવું પડે છે. જો વ્યક્તિ અવિદ્યા માયાનું કહ્યું ન માને તો તેને જીવનમાં આવતા અનેક કષ્ટો સહેજે સહેજે ખસી જાય છે અણધારી પ્રાપ્તિ થાય છે. વાચકો! અવિદ્યાને પારખવી એજ એક અતિ અઘરું કામ છે.

      એક શિષ્યાને આટલા આટલા દિવસથી અતિ હેતથી પાઠ આપ્યા પછી, એક ગુરુનું આમ થોડી જ વાતમાં અપમાન! રાજકુમાર ઉદયનને તો રાજકુમારીની વાણીથી અંતરમાં એક જબરો પ્રહાર થયો. પોટે વિચારોમાં ડૂબી ગયો. થોડીવાર કાંઈપણ બોલ્યો નહીં. પછી ઊંડે ઊંડે અંતરમાં ઝણઝણ્યો કે મને તો મારા શરીરમાં જરાય કોઢ નથી છતાં રાજકુમારીએ મને કેમ કોઢી ઠરાવ્યો હશે! એતો સ્વયં આંધળી છે મને કેમ કોઢી કહી શકે?

       બીજી બાજુ રાજકુમારી વિચારે છે કે એક જગપ્રસિદ્ધ ગાયક કલાકારે મને આંધળી કેમ કહી હશે? મારે તો બરાબર બે સુંદર નેત્રો છે.

       બન્નેના મનમાં એ રહસ્ય જાણવાની તાલાવેલી જાગી. કોઈ પૂર્વના પુણ્યથી બંન્નેને પોતાની વચ્ચે માયાના પડદાને હટાવવાનો વિચાર આવ્યો, અને પછી બન્નેએ એકીસાથે એ પડદો ખેંચી કાઢ્યો, અને જયારે જોયું તો કોઈ અંધ નથી કોઈ કોઢી પણ નથી!

      સજ્જનો ! આપણા વચ્ચે આવતું આ માયાનું આવરણ ઊભું રહે છે! જેને જેને માયાનું આવરણ આવ્યું તેને ભગવદ્ બળથી અને સાધકના બળથી આવરણ હટાવવું પડ્યું છે.

      ગુરુસેવિકા આ બન્ને વચ્ચે જે ગેરસમજનું મોટું અંધારું ખડકાયેલું હતું અને એ ભ્રમણામાં, એ અંધારામાં એક બાજુ અંધાપો હતો અને બીજી બાજુ કોઢ, તે પડદો હતી જતાં અંધાપો હટી ગયો અને કોઢ પણ દુર થઈ ગયો.

       વ્હાલા ભક્તો ! તમારા વચ્ચે, તમારા ગૃહસ્થાશ્રમમાં,તમારા પરિવારમાં, તમારા મંડળમાં કે તમારા આધ્યાત્મિક પંથમાં કોઈ ચેતન આત્માનો સહારો લો નહિંતર માયા પડદારૂપે આવી તમને અને તમારાને વિખૂટા પાડી દેશે.

      તમે હોશિયાર હશો તો તમારા વચ્ચે તમો પડદો રહેવા નહીં દો પણ યાદ રાખજો કે”ભગવાન સ્વામિનારાયણ પાસે સંતોએ માગેલા ફગવા” ‘મહા બળવંત માયા તમારી, જેણે આવરીયાં નરનારી |’ એ માયા આવી તમને ક્યાંક કેમ ઝપટમાં લઇ લેશે એ ધ્યાન નહીં રહે. સાવધાન રહેવા પ્રયત્ન કરજો. જીવનમાં સાવધાની રાખવામાં જ તમારું અને તમારાનું શ્રેય છે. તમારા આધ્યાત્મિક પંથમાં માયાનો પડદો પડી ગયો હશે તો તેને હટાવવો અતિ દુષ્કર થઇ પડશે. સાધકો પાસે જજો અને પડદાને સમજજો.

        માણસનો પ્રયત્ન સદા એ રહે કે પોતે જ્યાં હોય ત્યાંથી એકબીજાને સન્મુખ જોઈ શકે અને વચમાં કોઈને વચેટિયાને – આવરણને કે બુદ્ધિરૂપી પડદાને આવવા ન દે.

      રાજકુમારી અને રાજકુમારને જેમ ખોટી ભ્રમણામાં ભરમાવવામાં આવ્યા હતાં એવી રીતે તમને અને તમારાને ભરમાવા, એજ માયાનું કાર્ય છે. સંત અને સેવક, ભગવાન અને ભાગવત, ગુરુ અને શિષ્ય, પતિ અને પત્ની, પુત્ર અને માબાપ, દેશ અને પ્રદેશ વચમાં ગાઢ પડદો નાખવો અને એ બન્ને યુગલોને પોતાના સકંજામાં સપડાવવા,એજ માયાનું ખરું નાટક.

       ભક્તો! પોતાના આત્મીયજનોથી વિરુદ્ધગમન ન કરીએ, અને મહા પ્રયાસે સિદ્ધ થતા ચરમ પુરુષાર્થને યોગ્ય સાધનાના સહારે સંપાદન કરવા કટિબદ્ધ થઇએં

Save