સ્વામિનારાયણ ભગવાન સ્વમુખે કહે છે કે ‘સત્સંગમાં અને સ્થિતિમાં ગમે તેવા મોટા હોય તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા ને સોનામહોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય તો, તે પરમ ત્યાગી હોય તેમનું પણ પોતાના ધર્મનું ઠેકાણું રહે નહીં.’
જીવનમાં ભગવાન સુધી પહોંચવામાં રસ્તામાં આવતી અડચણો અનેક હોય છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જે જે ઉત્તમ અને દિલમાં રાખવા જેવી અનેક વાતો કહી છે. એમની ઓળખ સામાન્ય બુદ્ધિએ થતી નથી. વળી મહારાજના એક એક શબ્દો કેટલા મહત્વના છે, એની જાણ તો સમય ઉપર થાય છે, સહેજે એમની ઓળખ થતી નથી.
આ લોકમાં સુખીયા રહી શકાય અને સહેજે પોતાને પરમધામ સુધી લઈ જઈ શકાય, એવી અનેક ઉપદેશની વાતો મહારાજે સ્વમુખે વચનામૃતમાં કહી છે. મહારાજના એક એક શબ્દ સૂત્ર જેવા છે. એટલે અમે મહારાજના અમૃત વચનોને વચનામૃત સૂત્રો કહીને અનેક સૂત્રો તૈયાર કર્યાં છે. આ વચનામૃત સૂત્રો ભગવાનના બુદ્ધિમાન ભક્તો હોય અને સામાન્ય ભક્તો હોય, એ સર્વે બહુ જ ઉપયોગી પુરવાર થનારાં છે.
વિશ્વના પ્રસિદ્ધ લેખકો હોય કે ચિંતકો હોય એમણે જો વર્ષો પછીના ચિંતવને જે કાંઈ કીધું હોય, એ સ્વામિનારાયણ ભગવાને આપણને સહજમાં સમજાઈ જાય એવું સરળ કીધું છે. માર્ક ટ્વીનનું એક વાક્ય મને યાદ આવે છે કે તેણે કીધેલું કે જીવનમાં સફળ થવા માટે જીવનમાં અજ્ઞાન જાઈએ અને આત્મવિશ્વાસ જાઈએ.
સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જેને શાસ્ત્રનાં વચનમાં વિશ્વાસ છે અને અમારા વચનમાં વિશ્વાસ છે, તેને
પોતાના દરેક કાર્યમાં સફળતા મળે છે. ભગવાનના વચનમાં વિશ્વાસ રાખનારો પરમાત્મા સુધી પહોંચી શકે છે જ્યારે અજ્ઞાનમાં રહેલો હોય કે પોતામાં વિશ્વાસ રાખનારો હોય તેને પરમધામ સુધી પહોંચવું તો ઘણું કઠણ હોય છે અર્થાત્ અસંભવ હોય છે.
સ્વામિનારાયણ ભગવાનનાં વચનો સામાન્ય વ્યક્તિને વિશ્વાસ આપે અને અર્જુન જેવા પ્રકાંડ રાજનેતાને વિશ્વાસ આપે.
વચનામૃત ગ્રંથ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી જેવા સંતોએ આપણને આપ્યો છે. બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોએ આ વચનામૃતના વચનોને પોતાના કાવ્યમાં ગાવવાનું પણ ચુક્યા નથી. આવા વચનામૃત શાસ્ત્રનાં અમો અમારી બુદ્ધિ પ્રમાણે સંતોના આશિર્વાદથી પાંચસો જેટલાં સૂત્રો તૈયાર કર્યાં છે. અહીં તો કેવળ બત્રીસ જેટલાં વચનામૃત સૂત્રોની ઈમેજ બનાવીને તૈયાર કરી છે.
સ્વામિનારાયણ ભગવાનનાં વચનામૃત સૂત્રો સંપ્રદાયમાં રહેતા સત્સંગીઓ માટે તો ઉપયોગી છે સાથે સાથે દરેક પ્રકારના મનુષ્ય વર્ગને ઉપયોગી થાય એવાં ઉત્તમ વાક્યો છે. તમે પણ બુદ્ધિથી વાંચશો ત્યારે ખ્યાલ આવશે કે ભગવાને કહેવાં વાક્યો કેવાં માર્મિક અને જીવન ઉપયોગી છે.